સ્વાધ્યાયલોક—૪/હ્યુમન કૉમેડી
૧૯૪૬-૧૯૪૮માં બે વરસ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી. એ.નો અભ્યાસ કર્યો ત્યારે ગીરગામમાં ચીરાબજારમાં ડૉ. વ્હિગાસ સ્ટ્રીટમાં રહેતો હતો. રોજ ચીરાબજારથી ટ્રામમાં કૉલેજ જતો. મોટા ભાગે ફલોરા ફાઉન્ટન પર ઊતરી જતો. ત્યાંથી ચાલીને એલ્ફિન્સ્ટન કૉલેજ જતો. ત્યારે ફાઉન્ટનથી કાલા ઘોડાના મોટા રસ્તાની ડાબી બાજુ મેડોઝ સ્ટ્રીટમાં જવાની નાની ગલી છે ત્યાં ઇરાની રેસ્ટોરાં પાસે એક નાનકડી ચોપડીઓની દુકાન હતી. દુકાન તો શેની? લોખંડ-લાકડાનું ચોરસ ખોખું કહો ને! દિવસે એને આડું પાડો એટલે દુકાન અને રાતે એને ઊભું કરો એટલે દીવાલ બની જાય. પૅરિસમાં સેન નદીનાં બંને તટ પર બૂકીનિસ્તનું લોખંડનું લીલું ખોખું હોય છે એની દૂબળી-પાતળી આવૃત્તિ જેવું આ ખોખું — બલકે દુકાન! એનો માલિક મુસ્લિમ. અહમદ એનું નામ. જૂની ચોપડીઓ વેચે. ક્યારેક ક્યારે કૉલેજ જતાં આ દુકાન પર રોકાતો અને ચોપડીઓ જોતો. એમાં એક વાર વિલિયમ સારોયાનની ‘હ્યુમન કૉમેડી’ નવલકથાની જૂની પેપરબૅક નકલ જોઈ. ત્યારે યુદ્ધોત્તર સમયમાં સારોયાન બહુ જ લોકપ્રિય લેખક અને એમનાં લખાણોમાં ‘હ્યુમન કૉમેડી’ સૌથી વધુ લોકપ્રિય. જૂની નકલ ખરીદવા જેટલી મને આર્થિક સગવડ ન હતી. એટલે એ નકલ લઈને ઊભાંઊભાં જ પાંચ-દસ મિનિટમાં બે-ચાર પાનાં વાંચી લીધાં અને જ્યાંથી લીધી હતી ત્યાં નકલ પાછી મૂકી દીધી. પછી બીજે દિવસે એ જ સમયે એ જ રીતે વધુ બેચાર પાનાં આગળ વાંચીને નકલ પાછી મૂકી દીધી. ત્રીજે દિવસે પણ એમ જ કર્યું. ચોથે દિવસે… જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ ઓચિંતો જ રચાઈ ગયો. નકલ પાછી મૂકવા જાઉં છું ત્યાં જ અહમદભાઈએ કહ્યું, ‘છોકરા! ચોપડી પાછી ન મૂકતો! બાકીનાં પાનાં ઘરે જઈને વાંચજે! આ ચોપડી તને ભેટ!’ જીવનની આ એક મહામૂલી ભેટ હતી અને જીવનની આ એક મહામૂલી ક્ષણ હતી. આજે પણ કૃતજ્ઞતાપૂર્વક એનું ગદ્ગદ સ્મરણ કરું છું અને અહમદભાઈને હૃદયથી પ્રણામ કરું છું.
૧૯૮૯