સ્વાધ્યાયલોક—૪/તરુ દત્તની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તરુ દત્તની કવિતા

બંગાળની આ બાળકીનું આયુષ્યનું માત્ર એકવીસ જ વર્ષનું. એનું જીવન જેટલું તરુણ એટલું જ કરુણ. તોરુ દત્તને નામે આપણને પરિચિત એવી આ તરુ દત્તનો જન્મ સો વર્ષ પર ૧૮૫૬ના માર્ચની ૪થીએ કલકત્તામાં. પિતાનું નામ ગોવિંદચંદ્ર દત્ત. ૧૮૬૨માં દત્તકુટુંબે ખ્રિસ્તીધર્મ અંગીકાર કર્યો અને ૧૮૬૮માં પરદેશમાં પ્રયાણ કર્યું. ફ્રાન્સમાં નિસની નિશાળમાં તરુએ ફ્રેન્ચ ભાષાનું અસાધારણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૮૬૯માં દત્તકુટુંબે લંડનમાં વસવાટ કર્યો ત્યાં તરુએ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૧૮૭૧માં કૅમ્બ્રિજના વ્યાખ્યાનોમાં હાજર રહી અધ્યયન કર્યું. ૧૮૭૩માં ચાર વર્ષના પરદેશવાસ પછી દત્તકુટુંબ દેશમાં કલકત્તા પાછું ફર્યું. જો કે કલકત્તામાં પગ મૂકતાં જ તરુએ યુરોપ પાછા ફરવાની ઝંખના છેક મૃત્યુ લગી સતત સેવી. ૧૮૭૪માં ફ્રેન્ચ કવિ લકોંત દ લીલ પરનો એનો પ્રથમ નિબંધ પ્રગટ થયો. ૧૮૭૫માં વિક્ટર હ્યુગોનાં ત્રીસ અને અન્ય સિત્તેરથી એંશી કવિઓનાં કાવ્યોનો ‘એ શીફ ગ્લીન્ડ ઇન ફ્રેન્ચ ફીલ્ડ્ઝ’ નામનો અંગ્રેજી પદ્યાનુવાદ પ્રગટ થયો. ‘લ ઝુર્નાલ દ માદમ્વાઝેલ દારવેર’ નામની નવલકથા ફ્રેન્ચમાં રચી. ‘બીઆન્કા’ નામની અપૂર્ણ રોમેન્ટિક નવલકથા અંગ્રેજીમાં રચી. પછી સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચવા માટે સંસ્કૃતનો ઉગ્ર અભ્યાસ આરંભ્યો. ૧૮૭૪થી લાંબી માંદગી સામે એણે વીરતાથી સતત ઠંડું યુદ્ધ ખેલ્યું અને અંતે ૧૮૭૭ના ઑગસ્ટની ૩૦મીએ જન્મસ્થાનમાં જ એનું અવસાન થયું. આ છે એક અત્યંત આશાસ્પદ જીવનનો અલ્પ પરિચય. તરુ દત્ત જો વધુ લાંબું જીવી હોત તો એણે કેવી કવિતા કરી હોત એ વિશે કલ્પનાઓ કરવી મિથ્યા છે. એણે કેવી કવિતા કરી છે એ વિશે વાત કરવી એ જ મહત્ત્વનું છે. ૧૮૮૨માં તરુ દત્તના ‘એન્શીઅન્ટ બેલડ્ઝ ઍન્ડ લેજન્ડ્ઝ ઑફ હિન્દુસ્તાન’ અંગ્રેજી કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થયું. આ સોળ કાવ્યોના સંગ્રહમાં અધઝઝેરાં એટલે કે નવ કાવ્યો તો પાછળથી રવીન્દ્રનાથ બંગાળીમાં જે પ્રકારનાં કથાકાવ્યો રચવાના હતા તે પ્રકારનાં કેવળ કથાકાવ્યો જ છે. એટલે આયુષ્યની પહેલી વીશીમાં જ્યારે જગતના સોમાંથી નવ્વાણું કવિઓ આત્મલક્ષી કવિતા કરવામાં રચ્યાપચ્યા હોય છે ત્યારે તરુ દત્ત સોમા કવિના એક અપવાદની જેમ મુખ્યત્વે પરલક્ષી કવિતા કરે છે. જો કે માતૃભાષા બંગાળીમાં એણે એક પણ રચના ન કરી, ફ્રેન્ચ અને અંગ્રેજીમાં જ સાહિત્યકૃતિઓ રચી અને જ્યારે ભારતીય ભાષામાં સાહિત્યસર્જનની અભિલાષા જન્મી ત્યારે અંતિમ વર્ષોમાં કલાકોના કલાકો સંસ્કૃત ભાષા ભણવાનો એણે પુરુષાર્થ કર્યો. પણ જે નવ કથાકાવ્યો અંગ્રેજીમાં રચ્યાં એનું વસ્તુ તો મહાભારત, રામાયણ, પુરાણો વગેરે સંસ્કૃત મહાગ્રંથોમાંથી જ મેળવ્યું. આ કાવ્યોની ભાષા ભલે અંગ્રેજી હોય, એનું વસ્તુ ભલે પ્રાચીન હોય, પણ એનો આત્મા, એનું જીવનદર્શન તો ભારતીય જ છે. એમાં જે સૂઝ છે, જે સમજ છે તે સ્ત્રીસહજ છે. વળી એમાં જે સંવેદન છે, જે સભાનતા છે તે આધુનિક છે. ‘ઉમા’ કાવ્યને અંતે કવિ કહે છે ઃ ‘છો આ કથા જે કહું હોય વ્યર્થ, 
ને આ જમાના સહ ન્હોય સંગત! પણ આ કાવ્યોની કથા વ્યર્થ નથી અને સમકાલીન જમાના સાથે સુસંગત પણ છે. જ્યારે ‘પ્રહ્લાદ’ કાવ્યમાં પિતા હિરણ્યકશિપુ ઈશ્વર વિશે શંકા પ્રગટ કરે છે ઃ ‘કહીં વસે ઈશ્વર, જે મહાન?’ ત્યારે શ્રદ્ધાહીન આધુનિક યુગનું માનસ પહેલેથી કલ્પીને જ જાણે તરુએ શ્રદ્ધાપૂર્વક ઈશ્વરના અસ્તિત્વનો એકરાર કર્યો છે ઃ ‘આકાર એને? અથવા હશે ના? 
જાણું નહિ ને પરવા ન જાણવા! 
પ્રકાશ વચ્ચે વસતો, છ સૂર્ય 
એની જ છાયા; નીરખે બધુંયે 
સ્વયં, છતાંયે નહિ ક્યાંય દૃશ્ય!’ વળી ‘સાવિત્રી’ કાવ્યમાં ભારતવર્ષની સ્ત્રીના વ્યક્તિત્વ અને વિકાસની આડે જે એક મહાન બાધા હતી ઓઝલપડદાની, એ વિશે સભાનતા પ્રગટ થાય છે. સાવિત્રી એના યૌવનમાં મુક્તવિહાર કરી શકતી એની પડછે, એની સરખામણીમાં એ સમકાલીન ભારતવર્ષની સ્ત્રીની દુર્દશાનું દુઃખ ગાય છે ઃ ‘પુરાણ એ દૂર સુદૂર કાળે 
આ દેશની દીકરીઓ પુરાતી 
ન્હોતી ઝનાને — ’ તો વળી નારદ જ્યારે લગ્નના એક વર્ષ પછી સત્યવાનના મૃત્યુની આગાહી કરે છે અને પછી સાવિત્રીના પિતા સાવિત્રીના વૈધવ્યની દશાનું ચિત્ર આપે છે, એમાં કવિએ સમકાલીન ભારતવર્ષની અસંખ્ય વિધવાઓની વેદના ગાઈ છે ઃ ‘વૈધવ્યનો શાપ જરી વિચાર તો! 
ના અન્ન, નિદ્રા; દિનરાત કેવાં 
પ્રાયશ્ચિત્તો, જીવન હોય ક્યાંયે 
આથી વધારે વસમું સદૈવ? વળી પોતાના પગ પર ઊભા રહેવામાં, આપકર્મી થવામાં જ સ્વમાન છે એમ પૌરુષનો મહિમા, વ્યક્તિત્વના વિકાસના અને વ્યક્તિવાદના આ યુગનો વિચાર એણે ‘ધ્રુવ’ અને ‘બુટ્ટુ’ કાવ્યોમાં પ્રગટ કર્યો છે ઃ ‘પરાયાની ભેટો થકી નહિ જ સમૃદ્ધ બનવું, 
સ્વકર્મે ઝૂઝીને જગત મહીં છે નામ રળવું.’ અને ‘વિમાન ને માન બધુંય પોતા 
મહીં સમાયું — નહિ બ્હાર કૈંયે!’ ‘ધ રૉયલ એસેટિક’ કાવ્યમાં પ્રેમનો અને કર્મનો મહિમા ગાયો છે ઃ ‘શું પ્રેમ એ પાપ હશે? વળી આ 
દયા, હશે એ પણ પાપ?’ અને ‘એકાંતમાં ના, નહિ દૂર ક્યાંયે 
કે શાંત કોઈ સ્થળમાંય તે ના, 
કિન્તુ અહીં આ જગની જ વચ્ચે 
આ દુઃખ ને દર્દ, વ્યથા વળી, આ 
સૌ પાપ વચ્ચે કરવું જ કર્મ 
પ્રેમે, જવું હો યદિ સ્વર્ગદ્વારે!’ આ નવે કથાકાવ્યોમાં સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને લાંબામાં લાંબું કાવ્ય છે ‘સાવિત્રી’. વર્ષો પછી જે વિષય પર અરવિંદ ઘોષ પરિપક્વ પ્રજ્ઞાથી પોતાનું સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી કાવ્ય અંગ્રેજીમાં રચવાના હતા તે જ વિષય પર તરુ દત્તે સાવ કાચી ઉંમરે કાવ્ય રચ્યું છે. એ ભલે મહાકાવ્ય ન હોય, એ લઘુ કથાકાવ્ય જ છે; પણ એનું વસ્તુ તો મહાકાવ્યનું જ છે. જગતનાં સર્વ મહાકાવ્યોની જેમ આ કથાકાવ્યના કેન્દ્રમાં નિયતિ અને વ્યક્તિ વચ્ચેનો સંઘર્ષ છે. પહેલાં ખંડને અંતે સાવિત્રી કહે છે ઃ ‘મનુષ્ય પલટી શકે નિયતિને? શું તોડી શકે 
કદીય નિજ ભાગ્યની, સજડ લોહની શૃંખલા?’ પછી બીજા ખંડમાં કહે છે ઃ ‘આજે જ, હા, આજ હવે જણાશે 
કે મૃત્યુ કે પ્રેમ જીતે છે કોણ?’ મૃત્યુ નિશ્ચિત છે, અનિવાર્ય છે; કારણ કે એવો નિયતિનો અફર નિર્ણય છે. પણ જોઈએ કોણ જીતે છે, મૃત્યુ કે પ્રેમ? ત્રીજા ખંડમાં યમ સ્વયં સત્યવાનના આત્માને લેવા આવે છે ત્યારે કહે છે કે પોતે તો નિયતિના આદેશને આધીન છે ઃ ‘કર્તવ્ય મારું વિધિસિદ્ધ આ તો!’ ચોથા ખંડમાં કબૂલ પણ કરે છે પોતે સાવિત્રીના પ્રેમથી પ્રભાવિત થયા છે અને એના પ્રત્યે અનુકંપા અનુભવે છે ઃ ‘તારો અહો ભવ્ય જ પ્રેમ કેવો 
જીતી ગયો જે સમભાવ ઊંડો!’ સાવિત્રી પોતે પોતાના પ્રેમમાં, પોતાના હૃદયધર્મમાં નિષ્ઠ-સંનિષ્ઠ છે. એ નિયતિનો નમ્રપણે સ્વીકાર કરે છે, મૃત્યુના માંગલ્યનો પણ સ્વીકાર કરે છે. અહીં, આ સ્વીકારમાં તરુ દત્તનો આત્મા, એની કવિતાનો આત્મા ભારતીય છે; એની દૃષ્ટિ, એનું જીવનદર્શન ભારતીય છે એમ અચૂક પુરવાર થાય છે. કારણ કે આ કાવ્યમાં યમ કે નિયતિ કોઈ ખલનાયક નથી. આગળ પણ સાવિત્રીએ કહ્યું હતું ઃ 
‘મોડું વ્હેલું સર્વનું છે જ મૃત્યુ, 
ને શાંતિ તો ચંચલ અગ્નિ જેવી!’ અહીં પણ કહે છે ઃ ‘જાણું છું કે ચંચલ સૃષ્ટિમાં બધે 
આભાસ છે માત્ર, કશું ન સત્ય; 
માયા બધી ઝાકળની બિછાત, 
આંજી રહે જે ક્ષણ ત્યાં અલોપ!’ પછી કહે છે ઃ ‘આવા જગે, એ પણ જાણું છું કે 
કો’નીય તે ના ફળતી જ આશા!’ ને પછી કહે છે ઃ ‘જે આટલુંયે નવ જાણતો તે સાચું નથી જ્ઞાન કદીય પામ્યો!’ સ્વયં યમ પાસે જ એ પ્રેમના કર્તવ્યપાલનની શક્તિ માટે પ્રાર્થના કરે છે ઃ ‘કર્તવ્યના પાલન કાજ શક્તિ 
સ્વયં તમે હે યમદેવ, આપો!’ અંતે સાવિત્રીની આ પ્રેમનિષ્ઠાથી, આ ધર્મનિષ્ઠાથી નિયતિને નીચું નમવું પડે છે. પ્રેમ દ્વારા, હૃદયધર્મના પાલન દ્વારા વ્યક્તિ ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરી શકે છે અને એ અનુગ્રહ દ્વારા નિયતિને, ભાગ્યને પલટી શકે છે એવી તરુ દત્તની પ્રતીતિ, એવી શ્રદ્ધા આ કાવ્યમાં પ્રગટ થાય છે ઃ ‘વાણી થકી પ્રાપ્ત મને અનુગ્રહ 
જો હો તમારો, સુણજો, કહું છું ઃ 
આપો નવું જીવન સત્યવાનને! 
આપો વળી સંતતિનું ય તે સુખ!’ અંતે સત્યવાન સજીવન થાય છે અને બંનેને સંતતિસુખ પણ પ્રાપ્ત થાય છે. બંગાળ એ વ્યક્તિ તરુ દત્તની જન્મભૂમિ, પણ કવિ તરુ દત્તની જન્મભૂમિ તો ફ્રાંસ. કવિની આ જન્મભૂમિને ‘નીઅર હેસ્ટીંગ્સ,’ ‘ફ્રાન્સ’ અને ‘ઓન ધ ફલાય લીફ’ એ ત્રણ કાવ્યોમાં અંત:કરણની અંજલિ અર્પી છે. એની પ્રત્યે અપાર ભક્તિ પ્રગટ કરી છે. ‘નીઅર હેસ્ટીંગ્સ’માં કવિને રાતાં ગુલાબ આપનાર અજ્ઞાત સ્ત્રી એ ફ્રાંસનું પ્રતીક છે. એને વિશે કવિ કહે છે ઃ ‘હજુય મારા ઉરમાં પ્રફુલ્લ 
ગુલાબ એનાં, કદિ ના વિલાશે.’ ‘ફ્રાન્સ’ કાવ્યમાં કવિ આરંભે કહે છે ઃ ‘આ મૃત્યુ? ના, ન્હોય, ન મર્ત્ય ફ્રાંસ, 
આ માત્ર મૂર્છા — ’ અને અંતે કહે છે ઃ ‘એને નમો રાષ્ટ્ર બધાંય, કૂચમાં 
નેતૃત્વ એને કર સર્વ સોંપો!’ ‘ઓન ધ ફલાય લીફ’માં અંતે કહે છે ઃ ‘ચોમેર ગાજ્યું તવ રાષ્ટ્રગીત 
ત્યાં સૌ પ્રજાએ નિજ હક્ક જાણ્યા 
ને જાલિમો સૌ ધ્રૂજવા જ લાગ્યા!’ આજના ફ્રાંસ વિશે સંસારના સર્વ સંસ્કારપ્રેમીઓનું સંવેદન આથી જરાય જુદું નહિ હોય. પ્રકૃતિના પ્રેમમાં, એનાં વર્ણનોમાં રાચનારી આ કવિના ‘બોગમારી’ અને ‘ધ લોટસ’ બન્ને સૉનેટોમાં વિષય પુષ્પો છે અને એમાં પુષ્પોના રંગોની રેલમછેલ રેલાવી છે ઃ ‘અહીં વિવિધ રંગનો રસિક મેળ જોવા મળે.’ વળી — ‘અને ફલોરાએ ત્યાં કમળ દીધ રાતા ગુલ સમું, 
રૂડું સૌ ફૂલોમાં, ધવલવરણા કુંદ સરખું.’ સંગ્રહનું પ્રથમ કાવ્ય ‘સાવિત્રી’ જેમ પરલક્ષી કાવ્યોમાં સૌથી શ્રેષ્ઠ છે. તેમ સંગ્રહનું અંતિમ કાવ્ય — ‘અવર કેસુઆરીના ટ્રી’ આત્મલક્ષી કાવ્યોમાં સૌથી શ્રેષ્ઠ છે. બંનેમાં અંતે મૃત્યુ પર પ્રેમના વિજયમાં શ્રદ્ધા છે. તરુ દત્તનું આ સંપૂર્ણ સફળ કાવ્ય છે. કાવ્યનું વસ્તુ કવિના ઘર પાસેના બાગનું એક વૃક્ષ છે, એટલે કે એક તરુ છે. કવિનું નામ પણ તરુ છે. કવિ અને કાવ્યવસ્તુ વચ્ચે માત્ર નામનું જ નહિ, પણ સંપૂર્ણ રીતનું સામ્ય છે. કવિ અને કાવ્યવસ્તુ એકરૂપ છે, એકરસ છે, ઓતપ્રોત અને એકાકાર છે. એમાં અગિયાર પંક્તિનો એક, એવા પાંચ શ્લોકો છે. પહેલા અને બીજા શ્લોકમાં તરુનું વિગતપૂર્ણ વર્ણન છે. વૃક્ષ વિશેની ઝીણી ઝીણી વિવિધ વિગતોને વીણીવીણીને એમાં વણી છે. એથી જ કવિનો તરુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે. કવિની કલમ પીંછીમાં પલટાઈ ગઈ છે. તરુનું આબેહૂબ ચિત્ર આપણા ચક્ષુ સમક્ષ સર્જાય છે, એટલા પ્રેમથી અને એટલા રસથી કવિએ એનું વર્ણન કર્યું છે. ત્રીજા શ્લોકમાં એ તરુની છાયામાં જેની સાથે કવિએ શૈશવમાં ક્રીડા કરી હતી તે સાથીઓનું મધુર સ્મરણ થાય છે. અહીં પ્રકૃતિપ્રેમમાં માનવરસ ભળે છે. ચોથા શ્લોકમાં પરદેશમાં પણ આ તરુનાં રુદનસ્વરો અને સ્મરણો કવિને સતાવી રહ્યાં હતાં એનો ઉલ્લેખ છે, અને પાંચમા, અંતિમ શ્લોકમાં, એ સાથીઓ — જેમાં કવિની બહેન અરુ પણ હશે તે — ના મૃત્યુના સ્મરણની સાથે સાથે જ અતિ નિકટના ભવિષ્યમાં પોતાના મૃત્યુનો આગોતરો અણસારો આવી જાય છે અને તરત જ હૃદયમાંથી અન્ય તરુ માટે આશા પ્રગટ થાય છે કે પોતે તરુ મૃત્યુ પામે, પણ અન્ય તરુ તો અમર્ત્ય જ રહો! આમ, અંતિમ શ્લોક એ અમર્ત્ય તરુને મર્ત્ય તરુની અંજલિ છે, વંદના છે. આથી આ કાવ્ય બલવન્તરાય ઠાકોરના ‘વડલાને છેલ્લી સલામ’ કાવ્યનું સત્વર સ્મરણ કરાવે છે. કાવ્યવસ્તુ તરુ વિશે કવિ તરુની એ અભિલાષા છે ઃ ‘વિસ્મૃતિશાપથી તારી રક્ષા પ્રેમ કરો સદા!’ કવિ તરુ વિશે પણ આપણી એ જ અભિલાષા હો ઃ ‘વિસ્મૃતિશાપથી તારી રક્ષા પ્રેમ કરો સદા!’

૧૯૫૭


*