સ્વાધ્યાયલોક—૫/દયારામ અને અનુકાલીન રાધાકૃષ્ણકવિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દયારામ અને અનુકાલીન રાધાકૃષ્ણકવિતા

પ્રિયકાન્ત મણિયારનું એક કાવ્ય છે. એમાં કૃષ્ણે ગૂર્જર ગીતકારોને એટલે કે ગુજરાતીમાં આધુનિક રાધાકૃષ્ણગીત રચનાર કવિઓને એક પરિપત્ર પાઠવ્યો છે : કવિઓને પરિપત્ર 
(પ્હેલો રવાના પ્રિયકાન્તને કર્યો) ગોપી કને દાણ હવે લઉં ના, 
ખાલી પડી ગોરસની મટૂકી, 
વર્ષો થયાં ગોકુલથી ગયાને, 
સ્થંભી ગઈ ક્યારની રાસલીલા : 
ના એની એ તો યમુના વહે છે, 
કદમ્બના વૃક્ષ સમું વિલાયું 
વ્હાલું હતું જે વ્રજ લીલું લીલું; 
મીરાં, દયારામ અનેક તે પછી 
ભજી ગયાં ભાવ પ્રચૂર્ણ, કિન્તુ 
વિચિત્ર છે સામ્પ્રત ચિત્ર કૈંક. 
મારી પ્રીતે ગીત તમે કર્યા કરો, 
પ્રીતે તમારી કશુંયે કરો નહીં : 
પ્રતારણા — પ્રીત — પ્રયોજના છતી 
મારા થકી કાળ વિશેષ ગાળો 
દીઠી નહિ તે સહ રાધિકાની. 
વર્ષો થયાં શબ્દ ન એક બોલ્યો, 
હવે પછી ગુર્જર ગીતકારો! 
ક્યાંયે કર્યું કાવ્ય કશુંય કૃષ્ણનું — 
એક્કેક આનો કૃતિ દીઠ લૈશ હું 
(ખિસ્સે તમારે યદિ લભ્ય હોય તો!). 
ગોપી કને દાણ હવે લઉં ના… આ કૃષ્ણનો કવિઓને પરિપત્ર છે. પ્રિયકાન્તે એ પ્રસિદ્ધ કર્યો છે. એનો અર્થ એ કે પ્રિયકાન્તને આ પરિપત્ર પહોંચ્યો છે. પણ અન્ય કવિઓને, ઉમાશંકરને કે મને કે અન્ય કોઈ કવિને પહોંચ્યો નથી. શક્ય છે કે કૃષ્ણે સૌ કવિઓને રવાના ન પણ કર્યો હોય, અને કર્યો હોય તો પ્રિયકાન્ત સિવાય અન્ય કોઈ કવિને ન પહોંચ્યો હોય. કૃષ્ણભૂમિનું ટપાલખાતું કાર્યક્ષમ નહિ હોય! આ પરિપત્ર એમને પહોંચ્યો છે કે નહિ એ વિશે અન્ય કવિઓને પ્રિયકાન્તે પૂછ્યું હશે અને પહોંચ્યો નથી એમ જાણ્યું હશે એથી એમણે અહીં કૌંસમાં એટલે કે અન્ય કવિઓના કાનમાં કહ્યું હશે, ‘પ્હેલો રવાના પ્રિયકાન્તને કર્યો’ અથવા તો પોતે જેમાં રાધાકૃષ્ણનાં પ્રતીક હોય એવાં દસ દસ કાવ્યોના બે ગુચ્છમાં કુલ વીસ કાવ્યો રચ્યાં છે. અન્ય કોઈ પણ સમકાલીન કવિએ નથી રચ્યાં એટલી સંખ્યામાં રચ્યાં છે એનાથી પ્રિયકાન્ત સભાન હશે. એથી એમણે અહીં પોતાના જ કાનમાં એટલે કે કૌંસમાં કહ્યું હશે, ‘પ્હેલો રવાના પ્રિયકાન્તને કર્યો.’ પ્રિયકાન્તને કૃષ્ણનો આ પરિપત્ર પહોંચ્યો છે. પણ પછી પ્રિયકાન્તે આ પરિપત્રનો પ્રત્યુત્તર કૃષ્ણને પાઠવ્યો લાગતો નથી. પાઠવ્યો હોત તો આ પરિપત્રની જેમ સાથે સાથે એ પ્રત્યુત્તર પણ પ્રિયકાન્તે પ્રસિદ્ધ કર્યો હોત. શક્ય છે કે પ્રિયકાન્તે એ પ્રત્યુત્તર પ્રસિદ્ધ ન કર્યો હોય પણ કૃષ્ણને પાઠવ્યો હોય. એ તો એક પ્રિયકાન્ત જાણે અને એક કૃષ્ણ જાણે. અને હવે તો આપણે જાણવું હોય તો પણ શક્ય નથી. હવે પ્રિયકાન્ત નથી. તો હું અહીં આ ક્ષણે પ્રિયકાન્ત વતી અને સૌ કવિઓ વતી આ પરિપત્રનો પ્રત્યુત્તર કૃષ્ણને પાઠવીશ. હે કૃષ્ણ, પેલો પરિપત્ર, જે તમે 
પ્હેલો રવાના પ્રિયકાન્તને કર્યો, 
વાંચ્યો, અને સૌ કવિઓ વતી અહીં 
એનો હું પ્રત્યુત્તર પાઠવું કે તમારા પરિપત્રના પૂર્વાર્ધમાં ઇતિહાસ અને ભૂગોળનું સત્ય છે. સાચે જ આજે એ ગોપસંસ્કૃતિ અને એ પ્રકૃતિ નથી. આજે ગોરસની મટુકી ખાલી છે, તમે વર્ષો થયાં ગોકુલથી વિદાય થયા છો. આજે રાસલીલા થંભી ગઈ છે. આજે એની એ યમુના વહેતી નથી. લીલું લીલું અને વ્હાલું હતું તે વ્રજ અને વ્રજમાં કદમ્બવૃક્ષો વિલાયાં છે. નરસિંહ, મીરાં, દયારામ અનેક એમનો ગોપીભાવ ભજી ગયાં છે. પણ સામ્પ્રતનું ચિત્ર સાચે જ કંઈક વિચિત્ર છે. પણ હે કૃષ્ણ! તમારા પરિપત્રના ઉત્તરાર્ધમાં કાવ્ય અને કલ્પનાનું અતિસત્ય નથી. સામ્પ્રતના કવિઓ તમારા પ્રેમનું નહિ, પોતાના પ્રેમનું જ કાવ્ય રચે છે. શું કવિઓના પ્રેમમાં કે શું કવિઓના કાવ્યમાં કોઈ પ્રતારણા કે પ્રયોજના નથી. એમાં છે માત્ર પ્રતીક. એક તો તમારું કોઈ અધિકૃત જીવનચરિત્ર જ નથી. વળી કવિઓના કાવ્યમાં કૃષ્ણ નામનું જે પાત્ર જે પ્રસંગો અને પરિસ્થિતિઓમાં પ્રગટ થાય છે તે તમારા કોઈ જીવનચરિત્ર કે ઇતિહાસમાંથી કવિઓને પ્રાપ્ત નથી. એમના કાવ્યમાં જે કૃષ્ણ છે તે તમે નહિ, તે ઇતિહાસના કે પુરાણના, મહાભારતના કે ભાગવતના કૃષ્ણ નહિ, એ તો રાધાના કૃષ્ણ છે. અને રાધા નથી ઇતિહાસમાં કે નથી પુરાણમાં, નથી મહાભારતમાં કે નથી ભાગવતમાં. એનો જન્મ થયો છે ભક્ત, આસક્ત કે અનુરક્ત એવા કોઈ વિરહવ્યાકુલ અને પ્રેમ-આકુલ કવિના હૃદયમાં અને એનો નિત્યનો નિવાસ થયો છે કવિઓનાં કાવ્યમાં. રાધાની વ્યુત્પત્તિ છે રાધ્ ધાતુમાં. રાધ્ એટલે પ્રસન્ન થવું, સફળ થવું. એની નિરુક્તિ છે ધારા શબ્દમાં. ધારા એટલે પતન, અવનતિ, પરમેશ્વર પ્રત્યે વિમુખતા. ધારા શબ્દને ઉલટાવવા-પલટાવવાથી શબ્દ થાય રાધા. રાધા એટલે અભ્યુદય, ઉન્નતિ, પરમેશ્વર પ્રત્યે અભિમુખતા. આત્મા વૈ રાધિકા પ્રોક્તા — આત્મા એ તો રાધારૂપ છે. રાધા એ આત્માની અભીપ્સાનું પ્રતીક છે. કવિઓના કાવ્યમાં આ રાધાની જે આરાધના છે, આ રાધાનું જે પરમ અને ચરમ ઇષ્ટ સાધ્ય છે તે કૃષ્ણ. આમ, કવિઓનાં કાવ્યમાં રાધા અને કૃષ્ણ પ્રતીકો છે. કૃષ્ણ! તમે પૂર્વજીવનમાં પ્રેમી હશો, તમે ઉત્તરજીવનમાં યોગી હશો પણ તમે ક્યારેય કવિ તો નથી જ. એથી કવિઓનાં કાવ્યમાં જે રાધા અને કૃષ્ણ છે એની તમને ગમ ન હોય. એ રાધા અને કૃષ્ણ તો પ્રતીકો છે એની પણ તમને ગમ ન હોય. આ રાધાની સાથે કવિઓ તમારાથી વિશેષ સમય માટે વસે છે એથી તમને જે આશ્ચર્ય છે, બલકે અસૂયા છે એનું જ મને તો આશ્ચર્ય છે. આ રાધાને કવિઓએ દીઠી નથી એમ તમે માનો છો પણ આ રાધા તો કવિઓના હૃદયમાં છે એથી એક માત્ર તમે જ દીઠી નથી. આ રાધાનું તો તમે દર્શન જ કર્યું નથી. અને કર્યું હોય તોપણ તમે તો આ રાધાનો ત્યાગ કર્યો હતો અને મથુરામાં કંસ અને કુબ્જાની વચ્ચે, ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવોની વચ્ચે અને અંતે દ્વારિકામાં યાદવોની વચ્ચે વસ્યા હતા. પછી આ રાધાની સાથે કવિઓ તમારાથી વિશેષ સમય માટે વસે તો એથી તમને કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ, કોઈ અસૂયા ન થવી જોઈએ. કવિઓ તો આ રાધાની સાથે સતત ક્ષણે ક્ષણે વસે છે — બલકે આ રાધા તો સદાય કવિઓના હૃદયમાં વસે છે. કવિઓ સદાય આ રાધામય, રાધારૂપ હોય છે, સ્વયં રાધા હોય છે. હવે કોઈ પણ કવિ ક્યાંય ક્યારેય કૃષ્ણનું કશુંય કાવ્ય રચે અને તમે કાવ્યદીઠ અક્કેક આનો દાણમાં લેવા માગશો તો મળશે એમ તમે માનો છો? કવિના ખિસ્સામાં યદિ લભ્ય હશેને તોપણ તમને દાણમાં એક આનો તો શું એક નવો પૈસો પણ મળશે નહિ. કવિઓ આવો ગેરકાનૂની કર ભરે કે કૉપીરાઈટના કાયદાનો અભ્યાસ ન કરે એટલા ભોળા કે ભોટ નથી. વળી હવે ભારતભૂમિમાં એક આનો ચલણમાં નથી એની પણ સાથે સાથે નોંધ લેશો. અંતમાં એટલું જ કહેવાનું કે વર્ષો થયાં એક શબ્દ બોલ્યા ન હતા અને બોલ્યા ત્યારે આ શું બોલ્યા? આજે તો બોલ્યા તે બોલ્યા, હવે કદી આવું બોલશો નહિ, એક પણ શબ્દ બોલશો નહિ, હંમેશનું મૌન ધારણ કરજો. નહિ તો કાં મૂર્ખ લાગશો, કાં ધૂર્ત લાગશો. અને હવે પછી કદી આવો બીજો પરિપત્ર પાઠવશો નહિ. લિખિતંગ નિરંજન ભગતના જયશ્રી કૃષ્ણ. આજના મારા વ્યાખ્યાનના વિષયની, સવિશેષ તો એના ઉત્તરાર્ધની, પૂર્વભૂમિકા રૂપે આટલું બસ છે. વ્યાખ્યાનનો વિષય છે : ‘દયારામ અને અનુકાલીન રાધાકૃષ્ણકવિતા.’ એથી વ્યાખ્યાનના પૂર્વાધમાં મારે દયારામ વિશે એટલે કે દયારામની રાધાકૃષ્ણકવિતા વિશે વિચાર કરવાનો છે. અને વ્યાખ્યાનના ઉત્તરાર્ધમાં અનુકાલીન રાધાકૃષ્ણકવિતા વિશે એટલે કે દયારામ પછીની અર્વાચીન રાધાકૃષ્ણકવિતા વિશે વિચાર કરવાનો છે. પણ તે સમગ્ર પ્રાચીન રાધાકૃષ્ણકવિતાના સંદર્ભમાં નહિ પણ દયારામની રાધાકૃષ્ણકવિતાના સંદર્ભમાં. એથી વ્યાખ્યાનના પૂર્વાર્ધમાં મારે દયારામનો વિશેષ શો છે, દયારામની રાધાકૃષ્ણકવિતાની પરંપરા શી છે એ વિશે વિચાર કરવો જોઈએ. જેથી વ્યાખ્યાનના ઉત્તરાર્ધમાં એ વિશેષ સાથે અને એ પરંપરામાં જે અનુકાલીન રાધાકૃષ્ણકવિતા હોય એ અને એટલી જ કવિતા વિશે વિચાર કરી શકાય. દયારામની સમગ્ર કવિતામાંથી મારી સમક્ષ દયારામની જે મૂર્તિ પ્રગટ થાય છે તે એક તપસ્વીની મૂર્તિ છે, એક રસિક સંન્યાસીની મૂર્તિ છે. સૉક્રેટિસે amorous ascetic  —  રસિક સંન્યાસી તરીકે એમનો આત્મપરિચય આપ્યો હતો. વિચિત્ર લાગશે પણ કેટલીક દૃષ્ટિએ દયારામનું સૉક્રેટિસ સાથે સામ્ય છે! દયારામનો જન્મ વૈષ્ણવ તીર્થસ્થાન ચાણોદમાં. દયારામ કર્મે, અને કવિકર્મે પણ, વૈષ્ણવ. પણ એ સતત સ્મરણમાં રહેવું જોઈએ કે જન્મે, જન્મજાત સંસ્કારે એ શૈવ હતા. એ બાલવયમાં અકિંચન અનાથ, મધ્યવયમાં અક્લાન્ત તીર્થયાત્રી અને સર્વ વયમાં — ઉત્તરવયમાં પણ સર્વ અર્થમાં અપરિણીત હતા. સરવાળે એ આયુષ્યભર એકલવાયા જીવ હતા. ઉત્તરવયમાં રતન દુન્યવી નહિ પણ ‘દૈવી જીવ’ હતી એથી જ માત્ર એમના ઘરમાં વસી હતી. એમના હૃદયમાં તો નહિ જ. હૃદયમાં તો એક માત્ર કૃષ્ણનો જ નિત્યનિવાસ હતો. પૂર્વવયમાં એ માની-સ્વમાની અને કંઈક અશાંત હશે, પણ ઉત્તરવયમાં એ દીન-નમ્ર અને શાંત હતા. સદાય એ જેટલા કઠોર હતા એટલા જ કોમળ હતા. ઉત્તરવયમાં એમને વિશાળ મિત્રમંડળ અને શિષ્યવૃન્દ હતું. એટલા એ મિત્રપ્રિય અને શિષ્યવત્સલ હતા. પૂર્વવયમાં જ એમણે પ્રસિદ્ધ વિદ્વાન ગુરુ ઇચ્છારામ ભટ્ટ પાસેથી અષ્ટાક્ષર મંત્ર અને તીર્થયાત્રાઓનો ઉપક્રમ પ્રાપ્ત કર્યો હતો અને એમની પ્રેરણાથી પછી બ્રહ્મસંબંધ, મર્યાદા, સ્વયંપાક આદિ દ્વારા વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગના શુદ્ધાદ્વૈત મતના વૈષ્ણવધર્મનો સ્વીકાર કર્યો હતો. સૌ પ્રાચીન કવિઓમાં દયારામ સમય દૃષ્ટિએ સૌથી નિકટ છે. એથી ૧૮૫૨માં દયારામના અવસાન પછી સાત જ વરસમાં ૧૮૫૯માં નર્મદે ડભોઈ, ચાણોદ આદિ સ્થળોમાં કવિના સમકાલીનો — સ્વજનો અને સગાંસંબંધીઓ — પાસેથી જે કંઈ સાંભળ્યું, અને જે કંઈ વાંચ્યું, સૂઝ્યું તે પરથી દયારામનું એક મિતાક્ષરી જીવનચરિત્ર રચ્યું છે. એમાં નર્મદે સમકાલીન પૅરિસના કાર્તિએ લાતાંમાં કે બોહેમિયામાં હોય એવું વાતાવરણ યુવાન દયારામની આસપાસ રચ્યું છે અને કોઈ બોહેમિયન કે હિપ્પી રૂપે યુવાન દયારામનું ચિત્રણ કર્યું છે. આ વાતાવરણ અને ચિત્રણ અપૂર્ણ અને એકાંગી છે. વિચિત્ર અને વિકૃત છે. સંપૂર્ણ સાહિત્ય, સાધન અને સામગ્રીના અભાવમાં આમ થવું અનિવાર્ય હતું. પણ પછી ‘રસિકવલ્લભ’ આદિ શાસ્ત્રગ્રંથોનું સંશોધન થયું છે અને ગોવર્ધનરામ, ન્હાનાલાલ, કેશવલાલ અને નર્મદાશંકરે દયારામના કવિત્વ અને વ્યક્તિત્વનું સમતોલ વિવેચન કર્યું છે. એ દ્વારા દયારામના કંઈક સંપૂર્ણ અને સર્વાંગી, આધારભૂત અને અધિકૃત જીવનચરિત્રની રૂપરેખા પ્રાપ્ત થાય છે. એમાં પણ દયારામની જે મૂર્તિ પ્રગટ થાય છે તે એક તપસ્વીની મૂર્તિ છે, એક રસિક સંન્યાસીની મૂર્તિ છે. સૌ પ્રાચીન કવિઓમાં એક માત્ર દયારામે જ સાંપ્રદાયિક કવિતાનું, સિદ્ધાન્ત-કવિતાનું સર્જન કર્યું છે, ‘રસિકવલ્લભ’ આદિ શાસ્ત્રગ્રંથોમાં દયારામની વિદ્વદ્ભોગ્ય કવિતા છે. એમાં દયારામે કદાચને અખાના વિરોધમાં સ્પર્ધા રૂપે શંકરના કેવલાદ્વૈત મતનું ખંડન અને વલ્લાભાચાર્યના શુદ્ધાદ્વૈત મતનું મંડન કરવાનો પ્રત્યન કર્યો છે. એમાં દયારામની તર્કબુદ્ધિ, તર્કશક્તિ  —  onceit અને wit  —  પ્રાપ્ત થાય છે. એ સુન્દર હશે પણ અખાની તર્કબુદ્ધિ, તર્કશક્તિ જેવી ભવ્ય તો નથી. જોકે ખંડનમંડન એ અંતે કવિકર્મ કે કવિધર્મ નથી. પણ હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, દયારામની આ જ તર્કબુદ્ધિ, તર્કશક્તિ જ્યારે ઊર્મિકવિતામાં — ગરબી અને પદમાં — પ્રગટ થાય છે ત્યારે એમાંથી દયારામે સમગ્ર પ્રાચીન ઊર્મિકવિતામાં અદ્વિતીય એવી ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. અને આ ઊર્મિકવિતા એ જ દયારામનો વિશેષ છે અને એ જ દયારામની ઊર્મિકવિતાની પરંપરા છે. સૌ પ્રાચીન કવિઓમાં દયારામ અંતિમ કવિ છે એથી એ સૌ પ્રાચીન કવિઓના સમૃદ્ધ વારસ છે. દયારામની ગરબીઓમાં એ સૌની ભક્તિશૃંગારની, રાધકૃષ્ણકવિતાની પરંપરાની પરાકાષ્ઠા છે. અને દયારામનાં પદોમાં એ સૌની વૈષ્ણવભક્તિ, કૃષ્ણભક્તિની પરંપરાનો પરિપાક છે. દયારામની ઊર્મિકવિતામાં નવધા પછીની દસમી ભક્તિ છે, માધુર્યભક્તિ છે, પ્રેમલક્ષણા ભક્તિ છે, પરાભક્તિ છે, પ્રેમભક્તિ છે. આ ભક્તિમાં અધિકાર, અભ્યાસ, સાધનસામગ્રી કંઈ ન જોઈએ, જોઈએ માત્ર પ્રેમ. જોઈએ એક નિર્દોષ અને નિર્મલ હૃદય, પ્રેમપૂર્ણ હૃદય. આ ભક્તિ મનુષ્યમાત્રને સુલભ છે. દયારામની ઊર્મિકવિતાની લોકપ્રિયતાનું આ મુખ્ય કારણ છે. એમાં એક માત્ર સાક્ષાત્ કૃષ્ણનો જ આશ્રય છે, એમાં અનન્યપણે ભક્તિશૃંગાર છે. એથી એમાં સ્ત્રૈણભાવ છે. એમાં દયારામ દયાપ્રીતમની દયાસખી છે, દયાગોપી છે. મીરાં સ્વયં ગોપી હતી. દયારામ નરસિંહનો અવતાર નથી, ગોપીનો અવતાર છે. ન્હાનાલાલે દયારામનું ‘ગુજરાતની ગોપી રૂપે’ અભિવાદન કર્યું છે તે સકારણ છે. ગરબીઓ અને પદોમાં દયારામની જે ઊર્મિકવિતા છે તે દયારામની લોકભોગ્ય કવિતા છે. ગરબીઓમાં વસ્તુવિષય છે પ્રેમ અને એમાં શૃંગાર રસ છે. પદોમાં વસ્તુવિષય છે નીતિ અને એમાં શાંત રસ છે. પણ નીતિ વિનાનો પ્રેમ એ પશુતા છે અને પ્રેમ વિનાની નીતિ એ અમાનુષિતા છે. એથી અંતે એમાં એક જ વસ્તુવિષય છે અને એ પ્રેમ-નીતિ અથવા પ્રેમભક્તિ અને પ્રેમભક્તિનો શૃંગાર રસ એ શાંત રસ છે એથી અંતે એમાં એક જ રસ છે, અને તે શાંત રસ છે. એમાં શૈલીસ્વરૂપમાં દયારામને સૌ પ્રાચીન કવિઓ પાસેથી ભાષા, લય, છંદ, સ્વરૂપ આદિનો તથા લોકકવિતામાંથી ઢાળ, સંગીત આદિનો સમૃદ્ધ વારસો પ્રાપ્ત થયો છે અને દયારામે એ સમૃદ્ધ વારસાને પોતાના સ્વકીય કાવ્યપુરુષાર્થથી વધુ સમૃધ્ધ કર્યો છે. દયારામની ઊર્મિકવિતામાં શબ્દમાધુર્ય, પદલાલિત્ય અને સુશિક્ષિત, સુસંસ્કારી, નાગરસુલભ સૌંદર્ય તો છે જ પણ દયારામ ગરબીકવિ છે, સ્ત્રીઓના કવિ છે. એથી સાથે સાથે એમાં સ્ત્રીઓની બોલચાલની ભાષા છે, એના લય, લહેકા, મરોડ, અને કાકુઓ છે. એમાં વિવિધ પ્રસંગો અને પરિસ્થિતિઓમાં મિલન વિરહ, હર્ષ-શોક, અશ્રુ-હાસ્ય, રોષ-તોષ, માન-અપમાન, આશા-ભય, જય-પરાજય આદિ વિવિધ ભાવભંગીઓ અને અર્થભંગીઓ માટેની ભાષા, જેમાં સ્ત્રીનું હૃદય સંપૂર્ણપણે પ્રગટ થાય એવી વૈવિધ્યપૂર્ણ ભાષા છે. એથી એમાં પ્રવાહિતા, સરળતા અને સહજતા છે. દયારામની ઊર્મિકવિતાની લોકપ્રિયતાનું આ પણ કારણ છે. જો કે દયારામે સ્ત્રીસુલભ ભાષાના શબ્દોના અને પ્રાસના જે મૌલિક પ્રયોગો અને અવનવીન સંયોજનો કર્યા છે એમાં કવચિત્ અપપ્રયોગો, વિચિત્ર પ્રયોગો, પ્રાદેશિક પ્રયોગો અને પુનરાવર્તનો પણ થયાં છે. અને ત્યારે શૈલીસ્વરૂપ, અને એથી વસ્તુવિષય પણ, શિથિલ થાય છે અને અંતે રસક્ષતિ થાય છે. તો દયારામે કવચિત્ એકાદ પંક્તિના આછાઅમથા લસરકાથી સુંદર ચિત્રો અને ભવ્ય ઉદ્ગારોનું પણ સર્જન કર્યું છે. ન્હાનાલાલ, રામનારાયણ, સુન્દરમ્ અને ઉમાશંકરે દયારામની કવિતાનું સમતોલ વિવેચન કર્યું છે. ‘પણ કવિતારચનાની સરળતા વિશે મારું મત ઘણું જ સારું છે. કોઈ કવિ એના જેવો થયો નથી. તેમ શૃંગારસંબંધી, પ્રીતમપ્યારીનાં પરસ્પર ભાષણસંબંધી વ્યવહારિક મધુરા કહેવતવાળા શબ્દોની ચતુરાઈ પણ સહુથી શ્રેષ્ઠ છે.’ — આમ, નર્મદે દયારામની ઊર્મિકવિતામાં જે ચતુરાઈની અને એના પરિણામરૂપ એની રચનામાં જે સરળતાની કાવ્યસિદ્ધિ છે એમાં દયારામ સૌ પ્રાચીન કવિઓમાં સર્વશ્રેષ્ઠ છે એવું મૂલ્યાંકન કર્યું છે. સૌ પ્રાચીન કવિઓમાં જો કોઈ કવિએ ઊર્મિકવિતામાં તર્કબુદ્ધિ-તર્કશક્તિનો, બૌદ્ધિકતાનો સંપૂર્ણ કસ કાઢ્યો હોય તો તે એક માત્ર દયારામે. આ દયારામની અનન્યતા છે, અદ્વિતીયતા છે. એમની જન્મશતાબ્દીના આ પ્રસંગે માત્ર દયારામના આ વિશેષ પર, એમની ઊર્મિકવિતાની આ પરંપરા પર મારું અને સૌનું ધ્યાન કેન્દ્રિત કરવાના એક માત્ર હેતુથી જ વ્યાખ્યાન સાથે આ ક્ષણે અહીં ઉપસ્થિત થયો છું. અખામાં દયારામથી પણ વિશેષ એવી તર્કબુદ્ધિ-તર્કશક્તિ, બુદ્ધિમત્તા છે પણ એમણે કટાક્ષ અને તત્ત્વજ્ઞાનની કવિતામાં એનો સંપૂર્ણ કસ કાઢ્યો છે. અન્ય સૌ પ્રાચીન કવિઓમાં કોઈ કવિ દયારામથી વધુ રસિક હશે તો કોઈ કવિ દયારામથી વધુ ચતુર હશે, પણ એ જેટલો રસિક હશે એટલો ચતુર નહિ હોય અને જેટલો ચતુર હશે એટલો રસિક નહિ હોય. જ્યારે દયારામ જેટલા રસિક છે એટલા ચતુર છે અને જેટલા ચતુર છે એટલા રસિક છે. એમનામાં રસિકતા અને ચતુરતાનો સમતોલ અને સમપ્રમાણ સંયોગ છે. એ રસિક ચતુર છે અને ચતુર રસિક છે એમનામાં રસિક ચતુરતા છે અને ચતુર રસિકતા છે. એ દેહથી વિચારે છે અને એમની બુદ્ધિને લાગી આવે છે. એમની રસિકતા મંદ કે મૂર્ખ નથી, ચતુર છે. એમની ચતુરતા જડ કે શુષ્ક નથી, રસિક છે. એમનામાં રસલૌલ્ય નથી, સાચી રસિકતા છે. એમનામાં તર્કજાડ્ય નથી, સાચી તાર્કિકતા છે. એથી એમની ઊર્મિકવિતાના વસ્તુવિષયમાં — પ્રેમમાં — વક્રતા, વિરોધાભાસ અને વૈવિધ્ય છે, એકસાથે સરલતા અને સંકુલતા છે. એમાં એકસાથે વિલાસ અને વૈરાગ્ય, શૃંગાર અને ભક્તિ, લૌકિકતા અને અલૌકિકતા, માનુષિતા અને દિવ્યતા છે. એના શૈલીસ્વરૂપમાં લાઘવ અને સઘનતા છે. સાદ્યંત રસિકતા અને ચતુરતા છે એથી એમાં આદિ, મધ્ય અને અંતમાં એકતા છે અને પ્રાસાદિકતા છે. એમની ઊર્મિકવિતાની લોકપ્રિયતાનું આ સૌથી મુખ્ય કારણ છે. અને સૌથી વિશેષ તો એમાં નાટ્યાત્મકતા છે. એથી એમાં એકસાથે સંઘર્ષ અને સંવાદ છે. એમાં સંપૂર્ણ અર્થમાં સુરતસંગ્રામ છે. વારંવાર વાંકું જોવું, કવચિત્ વાંકું ચાલવું એ જેટલું દયારામના કૃષ્ણને પ્રિય છે એટલું જ લગભગ સતત વાંકું બોલવું એ દયારામની ગોપી કે રાધાને પ્રિય છે. દયારામની ઊર્મિકવિતાના નાયકનાયિકામાં દક્ષતા અને વિદગ્ધતા છે, નર્મ, મર્મ, હાસ્ય, વિનોદ, ટોળટીખળ, તોફાનમસ્તી અને મઝાકમશ્કરી છે. દયારામની ઊર્મિકવિતાનું જ્હૉન ડનની મૅટાફીઝિકલ કવિતા સાથે અતિશય સામ્ય છે. દયારામની ગરબીઓથી જ્હૉન ડનના ‘Songs and Sonnets’નું સતત સ્મરણ થાય છે. એમાં મુખ્યત્વે વિવિધ પ્રસંગે વિવિધ પરિસ્થિતિમાં રાધા, કૃષ્ણ, સખી, સાસુ, ઉદ્ધવ, વાંસલડી, મધુકર — આ પાત્રોની અથવા આ પાત્રો પ્રત્યેની ઉક્તિઓ, અથવા આ પાત્રોના સંવાદો હોય છે. દયારામની ગરબીમાં સંવિધાનની લાક્ષણિક શૈલી આ પ્રમાણે છે : પાત્ર એની તર્કબુદ્ધિ-તર્કશક્તિથી એક સ્વાંગ સજે, મહોરું પહેરે, પાઠ ભજવે, આરંભમાં અને મધ્યમાં એક પછી એક તર્કનો ઉમેરો કરે અથવા એક તર્કનો અન્ય વધુ સબળ તર્કથી ઉચ્છેદ કરે અને એમ એક કૃતક ભાવ પ્રગટ કરે, એક એવી ભૂમિકા રચે, એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે જેથી અંતમાં સહસા એ કૃતક ભાવનું પરિવર્તન થાય અને આરંભથી જ હૃદયમાં જે સાચો ભાવ છુપાવ્યો હોય, જે રહસ્ય ગોપવ્યું હોય તે પ્રગટ થાય. ‘શ્યામ રંગ સમીપે ન જાવું’, ‘લોચન મનનો રે કે ઝગડો લોચન મનનો’, ‘અડશો મા, આઘા રહો અલબેલા છેલા, અડશો મા’, ‘નેણ નચાવતા નંદના કુંવર, પાધરે પંથે જા’, ‘હાવાં હું સખી નહિ બોલું રે, કદાપી નંદકુવરની સંગે’ — એનાં ઉત્તમ ઉદાહરણો છે. ‘પ્યારી મનાવાને કારણ રે, મોહને મનમાં મત્ય વિચારી રે’ માં કૃષ્ણ નંદગામની નવસપ્ત વરસની શામળી સખીના છદ્મવેશમાં માનુની રાધાને મનાવે છે એમાં શેક્સ્પિયરના ‘As You like It’ના Rosalind પુરુષ-Ganymede-ના છદ્મવેશમાં Orlandoને બનાવે છે એનું તરત સ્મરણ થાય છે. નીતિનાં કોઈ કોઈ પદમાં પણ આ તર્કબુદ્ધિ-તર્કશક્તિ અને આ લાક્ષણિક શૈલીનું દર્શન થાય છે. ‘જેવો છું તેવો તમારો હે શ્રીજી’ એનું ઉત્તમ ઉદાહરણ છે : ‘નેણ નચાવતા નંદના કુંવર. પાધરે પંથે જા, 
 ગુમાની, પાધરે પંથે જા! 
સુંદરી સામું જોઈ, વિઠ્ઠલ, વાંસલડી મા વા! 
નિર્લજ ધીટમાં નામ પડ્યું છે, તું કંઈ ડાહ્યો થા! 
કોણ પુત્રી પરણાવશે, તારાં દેખી લક્ષણ આ? 
પનઘટ ઉપર પાલવ સાહો, એ તે ક્યાંનો ન્યા? 
કામિનીમાં શું કામ આજથી? અવિવેક તે શા? 
હળવા રહી હસીને બોલ્યા, તારું અધરામૃત પા! 
તો મારું મન માને શ્યામા! એક વાર કહે હા! 
આવ ઓરો એક વાત કહું તુંને કાનમાં, કાનુડા! 
શીદ હઠીલા અટકે, હું તો તારી છું જ સદા!’ ‘જેવો છું તેવો તમારો હે શ્રીજી! 
દોષના કોષ જોઈ જાશો મા બ્હીજી! 
બિરૂદ વિચારી બાંય ઝાલોને રીઝી! 
જેવો છું તેવો તમારો હે શ્રીજી!’ ‘હે હરિ, હું હાવાં હાર્યો, જે ગમે તે કરો! 
અતિશે અકળામણનો માર્યો, જે ગમે તે કરો!’ ‘જેવો તેવો શરણ પડ્યો છું, 
ટાળ્યો નહિ ટળું, અચળ અડ્યો છું, 
પદરેખશો જડ્યો છું.’ દયારામની ઊર્મિકવિતામાં ભાવયુક્ત તર્ક અને તર્કયુક્ત ભાવ છે. પણ સ્પષ્ટ છે કે આ લાક્ષણિક શૈલી અને આ તર્કબુદ્ધિ-તર્કશક્તિ અંતે ભાવને ખાતર છે, ભાવ તર્કને ખાતર નથી. ભાવ પ્રધાન છે, તર્ક ગૌણ છે. ભાવ, ભક્તિ, રસિકતા સાધ્ય છે; તર્ક, જ્ઞાન, ચતુરતા સાધન છે. આમ, દયારામની ઊર્મિકવિતામાં ‘રસિકવલ્લભ’માં નથી એવું અને એટલું જ્ઞાનમાર્ગનું સફળ ખંડન અને પુષ્ટિમાર્ગનું સબળ મંડન છે. જોકે એ પણ અહીં જ નોંધવું જોઈએ કે દયારામની કવિતા ભક્તિ-શૃંગારની કવિતા છે છતાં ‘માણીગર મ્હોલે પધારો માણવા!’ જેવી દયારામની કોઈ કોઈ ગરબીમાં કે કોઈ કોઈ પંક્તિમાં ઉઘાડો શૃંગાર છે. એનો અર્થ એ નથી કે એમાં ભક્તિરહિત શૃંગાર છે. ભક્તિ ન હોય અને કેવળ શૃંગાર હોય ત્યારે કવિતામાં ઉઘાડો શૃંગાર પ્રગટ થાય. પણ દયારામની આ ગરબીઓ કે પંક્તિઓમાં રસિકતાનો અતિરેક છે કે રસિકતાની નિષ્ફળતા છે એથી નહિ પણ એમાં ચતુરતાનો અતિરેક છે કે ચતુરતાની નિષ્ફળતા છે એથી એમાં ઉઘાડો શૃંગાર છે. પાત્ર અતિરસિક થાય છે એથી નહિ પણ અતિચતુર થાય છે એથી એમાં ઉઘાડો શૃંગાર છે. અથવા તો રસિકતા અને ચતુરતાની સમતુલા અને સમપ્રમાણતાનો ભંગ થાય છે અને રસિકતા અલ્પ અને ચતુરતા અતિશય હોય છે એથી એમાં ઉઘાડો શૃંગાર છે. મીરાંનાં પદમાં માત્ર હૃદયનો આશ્રય છે જ્યારે નરસિંહનાં પદ અને દયારામની ગરબીઓમાં દેહનો આશ્રય છે. એથી મીરાંનાં પદમાં કદી ઉઘાડો શૃંગાર નથી, જ્યારે નરસિંહનાં પદ અને દયારામની ગરબીઓમાં કવચિત્ ઉઘાડો શૃંગાર છે. પણ સાથે સાથે એ પણ અહીં જ નોંધવું જોઈએ કે ભક્તિ પણ ન હોય, હૃદય પણ ન હોય, તર્ક કે બુદ્ધિ પણ ન હોય ત્યારે કવિતામાં માત્ર સ્થૂલ દેહની ચેષ્ટાઓ જ પ્રગટ થાય. કોઈ કોઈ ગરબી કે પંક્તિમાં દયારામનો શૃંગાર પૂર્વોકત કારણે ઉઘાડો હશે પણ એ શૃંગાર એટલો ઉઘાડો નથી કે એમાં આવી સ્થૂલ દેહની ચેષ્ટાઓ પ્રગટ થાય. ‘ગમે તેમ છે તોપણ આટલું તો ખરું કે દયારામ જન્મથી વિચક્ષણ, તેથી તેને પોતાના કુછંદી સાથીઓના સહવાસથી કવિતા જોડવાની શક્તિ આવેલી,… એક વાત લખતાં દલગીરી થાય છે કે દયારામના શૃંગારે વ્યભિચારમાં વધારો કર્યો છે.’ — આમ નર્મદે દયારામની કવિતાનો આરંભ વ્યભિચારમાં છે અને એનો અંત પણ વ્યભિચારમાં છે એવું વિધાન કર્યું છે. ૧૮૬૫માં આ વિધાન થયું પછી અરધી સદી પછી નર્મદના સ્વયંસ્થાપિત વંશજોએ એવું વિધાન કર્યું હતું કે દયારામની કવિતામાં વ્યભિચાર છે. નર્મદનું વિધાન વિચિત્ર અને વિકૃત છે છતાં પૂર્વોક્ત કારણે ક્ષમ્ય છે. પણ વીસમી સદીના ત્રીજા દાયકાનું આ વિધાન તો એથીયે વધુ વિચિત્ર અને વિકૃત છે અને અક્ષમ્ય પણ છે. જાણે કે વચમાં ૧૯૦૮માં ગોવર્ધનરામે દયારામ અને દયારામની કવિતાને સમજવા-સમજાવવાનો સન્નિષ્ઠ અને સહૃદય પ્રયત્ન કર્યો જ ન હોય! દયારામ માનવતામાં મસ્ત પ્રણયી, મસ્ત કવિ છે; ભક્ત નથી, દીન ભક્ત નથી; એમની કવિતામાં માનવપ્રેમ છે, માનુષી પ્રિયા છે, પરમેશ્વરપ્રેમ નથી; શુદ્ધ ભક્તિનો ધ્વનિ નથી, પ્રણયને સ્થાને ભક્તિને સ્થાપવામાં એ નિષ્ફળ ગયા છે. — આ વિધાન કરવું એ બુદ્ધિનું એક સાહસ છે. છતાં આ અભિપ્રાય છે અને કોઈનો આવો અભિપ્રાય હોય. પણ પછી આટલું ઓછું હોય તેમ એવું વિધાન કરવું કે એ યુગમાં ચોખલિયાઓના સમાજમાં દયારામ ભક્ત ન હતા છતાં એમને ભક્ત થવું પડ્યું. કારણ કે પરલોકમાં હોય કે ન હોય પણ આ લોકમાં તો ભક્ત થવું એ મોક્ષનો, આર્થિક, સામાજિક અને માનસિક વિષમતાઓ અને વિટંબણાઓમાંથી મોક્ષનો માર્ગ છે જ, અને એક માત્ર માર્ગ છે. એથી દયારામ ભક્ત ન હતા છતાં એમને ભક્ત થવું પડ્યું અને થયા. હવે આ અભિપ્રાય નથી, આરોપ છે, આરોપણ છે. દયારામ ભક્ત ન હતા છતાં થવું પડ્યું અને થયા એમાં યુગ પ્રત્યે એમની છલના હતી, સમાજ પ્રત્યે એમની પ્રતારણા હતી એટલો જ આ વિધાનનો અર્થ થાય. આ બુદ્ધિનું સાહસ જ નથી, અદ્ભુત સાહસ છે. પણ પછી આટલું ઓછું હોય તેમ એવું વિધાન કરવું કે મનુષ્ય સ્વભાવ વિચિત્ર છે, જે માનવા ઇચ્છે છે તે એ માને છે તેમ પછી તો દયારામ પોતાને ભક્ત માનવા લાગ્યા અને પછી ઉદાહરણ આપવું કે પદોમાં સ્ત્રી પ્રત્યે અણગમો છે પણ એ કાલ્પનિક પ્રભુના પ્રણયમાં મસ્ત ભક્તનો નથી. એ પ્રણયને સ્ત્રીમાંથી પરમેશ્વરમાં ખસેડી શક્તા નથી, એમાં એ નિષ્ફળ જાય છે. દુઃખ, વૈરાગ્ય, તપશ્ચર્યા એમને માટે અશક્ય છે. વળી ભક્તજીવનમાં જે કલંકરૂપ છે તે કવિજીવનમાં પોષણરૂપ છે. એથી અંતે સાર આપવો કે દયારામ લંપટ હતા અને એ નિર્બળતાએ એમના વ્યક્તિત્વ અને કવિત્વને કેવો રંગ આપ્યો એની નોંધ લેવી એ ચરિત્રકારનું કર્તવ્ય છે. આ આરોપ નથી, આ ચુકાદો છે. દયારામમાં માત્ર યુગ પ્રત્યે છલના અને સમાજ પ્રત્યે પ્રતારણા ન હતી, આત્મછલના અને આત્મપ્રતારણા પણ હતી એટલો જ આ વિધાનનો અર્થ થાય. આ બુદ્ધિનું અદ્ભુત સાહસ જ નથી, અતિઅદ્ભુત સાહસ છે. એક ક્ષણે એવું વિધાન કરવું કે દયારામ મસ્ત પ્રણયી હતા, મસ્ત કવિ હતા, દીન ભક્ત ન હતા. અને અન્ય ક્ષણે એવું સૂચન કરવું કે દયારામ ભીરુ હતા, એમનામાં છલના અને આત્મછલના હતી, પ્રતારણા અને આત્મપ્રતારણા હતી. એમાં દયારામ માત્ર દીન નહિ, હીન મનુષ્ય પણ હતા એવું દયારામનું ચિત્રણ છે. નર્મદે દયારામનું આટલું હીન ચિત્રણ કર્યું ન હતું! ગરબીઓમાં દયારામ પ્રણયકવિ જ નહિ, ભક્તકવિ પણ છે અને પદોમાં દયારામ દીન ભક્ત છે એટલું જ નહિ પણ જે દીન ભક્ત નથી એવા વૈષ્ણવનું એમણે અદીન એટલે કે નિર્દય અને નિષ્ઠુર વિશ્લેષણ પણ કર્યું છે. પણ અહમ્‌‌ને કારણે જેની સવિઘ્ના સંવિત્ હોય અથવા તો જે જીવનનો ઉલ્લાસ અને રોમેન્ટિક પ્રેમ આદિ અંગત જીવનના અનુભવોના આત્મપ્રતિપાદન અર્થે સાહિત્યનો ઉપયોગ કરે અર્થાત્ જે કોઈ પણ કવિની કવિતામાં પોતાની આત્મકથાનું જ આરોપણ કરે એવા મનુષ્યોના લલાટમાં આવાં વિધાનો કરવાનો લેખ વિધાતાએ લખ્યો હોય એનું કોઈ આશ્ચર્ય નથી. પૂર્વવયમાં જેક ડનને નામે નામચીન એવા જ્હૉન ડનને રાજા જેઈમ્સ પહેલાએ લંડનના સેન્ટ પૉલના ડીન તરીકે નિયુક્ત કર્યા અને જેક ડન જ્હૉન ડન થયા અને એમણે ધર્માંતર કર્યું એ વિશે આજે પણ ઈંગ્લંડમાં એ સાચે જ ધર્માન્તર હતું કે ધર્મ સાથે લુચ્ચી બાંધછોડ હતી. એવો વ્યર્થ વાદવિવાદ થાય છે. નર્મદાશંકર મહેતાએ દયારામનો સંપૂર્ણ કેસ સફળતાથી રજૂ કર્યો છે. ગોવર્ધનરામે દયારામના સ્થૂલ દેહ પર નહિ, પણ અક્ષરદેહ પર જ પોતાનું સમગ્ર ધ્યાન એકાગ્ર કેન્દ્રિત કર્યું હતું, ‘કવિની પરીક્ષા કાવ્યમીમાંસાના ધોરણે થાય, કંઈ ધર્મશાસ્ત્ર અથવા નીતિશાસ્ત્રથી થાય નહિ, કાવ્યના રસાસ્વાદમાં કવિનું પોતાનું અંગત જીવન કેવું હતું એ પ્રશ્ન અસ્થાને ગણાય.’ — આમ નર્મદાશંકરે પણ કવિતાના વિવેચનમાં કવિના અંગત જીવનનો જ નહિ ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો પણ કાંકરો જ કાઢી નાંખ્યો છે. દયારામના અવસાન પછી સાઠોદરા નાગર જ્ઞાતિની સ્ત્રીઓના અને બાલાશંકર સુધ્ધાંનાં હૃદયમાં દયારામ માટે માન અને આદરનો ભાવ હતો. દયારામ લંપટ હોય તો આવો ભાવ હોય નહિ. દયારામ વલ્લભાચાર્યના પુષ્ટિસંપ્રદાયના ભક્ત હતા. આ સંપ્રદાયના શુદ્ધાદ્વૈત મતના વૈષ્ણવધર્મમાં માધુર્યભક્તિનું મુખ્ય સ્થાન છે. એથી દયારામની કવિતામાં જે શૃંગાર છે એ માધુર્યભક્તિ એટલે કે અલૌકિક પ્રેમ છે, લૌકિક પ્રેમ નથી. દયારામની સમગ્ર કવિતામાં કૃષ્ણ સિવાય અન્ય કોઈ કાવ્યવિષય જ નથી. કૃષ્ણ પ્રિયતમ છે અને દયારામ એની સખી, ગોપી છે. વિશ્વમાં પુરુષ તો એક જ છે અને તે કૃષ્ણ અન્ય પુરુષો એ પુરુષો જ નથી, એક માત્ર પુરુષ એવા કૃષ્ણની સખીઓ, ગોપીઓ છે. આ સંદર્ભમાં જેને સ્ત્રી પ્રત્યે અણગમો હોય તે ભક્ત અને ન હોય તે ભક્ત નહિ એ વિધાન પ્રત્યે અણગમો જ થાય. પોતાને પરમેશ્વરનો આવો ભાવજન્ય અનુભવ ન થાય માટે અન્ય કોઈને પણ ન થાય અને થાય તો એ પરમેશ્વર કાલ્પનિક છે અને એક માત્ર સ્ત્રી જ વાસ્તવિક છે એવું વિધાન પોતે જ વાસ્તવિક નથી. દયારામ માત્ર પ્રણયી, પ્રણય કવિ નથી; ભક્ત, ભક્તકવિ પણ છે. દયારામમાં શુદ્ધ ભક્તિ છે. આમ, નર્મદાશંકર મહેતાએ દયારામનો સંપૂર્ણ કેસ સફળતાથી રજૂ કર્યો છે. ન્હાનાલાલે પણ એમની લાક્ષણિક શૈલીમાં ઉચ્ચાર્યું છે, ‘રાધાકૃષ્ણનાં રસકીર્તન ગાવે જ વિષયલંપટતા હોય તો તો સ્વામીનારાયણ સંપ્રદાયના એ પરમ સાધુવરો યે અનાચારીમાં ઠરે. ને બ્રહ્માનન્દ, પ્રેમાનન્દ, મુક્તાનન્દ, નિષ્કુળાનન્દ જેવા ઉગ્ર તપસ્વી સંન્યાસીઓને અનીતિના આળની આંગળીયે ચીંધનાર માઈનો પૂત હજી તો જન્મ્યો જાણ્યો નથી.’ ‘રસિકા : કામવર્જિતા :’ એ વચન, ગીતામાં વિભૂતિયોગમાં કૃષ્ણનું જ ‘ધર્મને અવિરોધી એવો કામ હું છું’ એ વચન, ચાર પુરુષાર્થો અંગેનું ‘ધર્મઅર્થકામમોક્ષ’ એ વચન — આ સૌ વચનોમાં કામ, રસ અને ધર્મની, એટલે કે પ્રેમ અને ભક્તિની સહોપસ્થિતિ શક્ય છે, પ્રેમભક્તિ સત્ય છે એવું સૂચન છે. દયારામનું લંપટ તરીકે, વ્યભિચારી તરીકે ચિત્રણ કરતું જીવનચરિત્ર રચવાનો જે પ્રયત્ન થયો છે એ ગુજરાતી કવિતાના ઇતિહાસનું એક દુર્ભાગી પ્રકરણ છે. ન્હાનાલાલે એ વિશે કરુણ સ્વરે કહ્યું છે, ‘દયારામનું જીવનચરિત્ર ડહોળાઈ ગયું છે, દયારામભાઈને જાણે ચૂંથી નાંખ્યા છે.’ ૧૮૬૫માં નર્મદે દયારામનું ચરિત્ર લખ્યું ત્યારથી દયારામ વિશે અરધી સદી ઉપરાંત જે ઊહાપોહ થયો એમાં પ્રશ્નોનો પ્રશ્ન એ છે કે દયારામનો પ્રેમ લૌકિક કે અલૌકિક? દયારામની કવિતા શૃંગારની કે ભક્તિની? દયારામના પ્રેમમાં અને એમની કવિતાના કેન્દ્રમાં સ્ત્રી કે પરમેશ્વર? આ ઊહાપોહ અને પ્રશ્નનું એક માત્ર કારણ છે દયારામની કવિતામાં રાધાકૃષ્ણનાં પ્રતીક એટલે કે સ્ત્રીપુરુષસંબંધનાં પ્રતીક. પણ એમ તો નરસિંહ, મીરાં આદિ સૌ પ્રાચીન કવિઓની અલૌકિક પ્રેમની, ભક્તિની, પ્રેમભક્તિની કવિતામાં રાધાકૃષ્ણનાં પ્રતીક છે. તો પછી એક માત્ર દયારામ વિશે જ ઊહાપોહ શા માટે? નરસિંહ, મીરાં અને દયારામ આ ત્રણેનો પ્રેમ અલૌકિક છે, આ ત્રણેની કવિતા ભક્તિની કવિતા છે, આ ત્રણેની કવિતાના કેન્દ્રમાં પરમેશ્વર છે. પણ નરસિંહ એટલે ભવ્ય, મીરાં એટલે સરલ, દયારામ એટલે સુન્દર. આ ત્રણ વિશિષ્ટ શબ્દોથી ત્રણેના વિભિન્ન વ્યક્તિત્વનો પૂર્ણ પરિચય થાય છે. નરસિંહમાં જ્ઞાન મુખ્ય છે. મીરાંમાં ભાવ મુખ્ય છે. એ સ્ત્રી છે. એ કૃષ્ણની દાસી છે. કૃષ્ણની સ્વયં પત્ની છે. એનામાં સંયમ, સંકોચ, મર્યાદા, શીલ છે; અલૌકિકતા, દિવ્યતા, ગહનતા છે. દયારામમાં રસ મુખ્ય છે. દયારામ પુરુષ છે અને એ કૃષ્ણની પ્રિયતમા રૂપે સખીભાવ અનુભવે છે. એનો કૃષ્ણ, એનો પરમેશ્વર માનવ છે, માનવ-અવતાર છે. એથી એનામાં વિલાસ અને ઉન્માદ છે, સ્પર્શક્ષમતા અને ઇન્દ્રિયરાગ છે. આત્મીયતા છે. એનો અલૌકિક પ્રેમ પણ લૌકિક પ્રેમ સમો ભાસે છે. એનામાં કવચિત્ ઉઘાડો શૃંગાર છે, જોકે એનું કારણ એના વ્યક્તિત્વમાં કે ચારિત્ર્યમાં નથી, પણ, આગળ જોયું તેમ, એની અતિચતુરતામાં છે. આવો કવિ, પ્રણયકવિ ભક્તકવિ હોય જ નહિ એવો કોઈ સિદ્ધાન્ત નથી. અલૌકિક પ્રેમ પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ છે. આ પ્રેમ ‘બાવન બાહેરો’ છે. અક્ષરો દ્વારા અવર્ણ્ય છે, શબ્દાતીત છે. એટલે બાવનમાંથી ત્રેપનમો પ્રગટાવવાનુ સેન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસ આદિ જગતભરના અલૌકિક પ્રેમના કવિઓ પાસે આજ લગી તો એક માત્ર સાધન રતિનાં પ્રતીક, સ્ત્રીપુરુષસંબંધનાં પ્રતીક છે. રતિ, સ્ત્રીપુરુષસંબંધ એ મનુષ્યમાત્રનો ઉત્કટમાં ઉત્કટ અને નિકટમાં નિકટ અનુભવ છે. દેહ-મન-આત્માનો સંપૂર્ણ અનુભવ છે. સર્વ અનુભવોની પરાકાષ્ઠા છે. અલૌકિક પ્રેમનું વર્ણન લૌકિક પ્રેમની પરિભાષામાં જ શક્ય છે. કવિ પાસે અન્ય કોઈ સાધન નથી, અન્ય કોઈ વિકલ્પ નથી. શું દયારામ માટે કે શું અન્ય કોઈ કવિ માટે અલૌકિક પ્રેમની કવિતામાં આ પ્રતીક આવશ્યક નહિ, અનિવાર્ય છે. આ છે દયારામની કવિતામાં સ્ત્રીપુરુષસંબંધનાં પ્રતીકનું, રાધાકૃષ્ણનાં પ્રતીકનું રહસ્ય. ૧૮૬૫માં નર્મદે એના આગવા અવાજમાં — અર્વાચીન, આધુનિક, અદ્યતન — સૌ કવિઓ અને દયારામની કવિતાના સૌ પ્રેમીઓનો પ્રતિનિધિ અવાજ પણ જેમાં છે એવા અવાજમાં દયારામની કવિપ્રતિભાને પ્રેમથી અંજલિ અર્પી હતી, ‘હું દયારામના ધર્મસંબંધી વિચારને બિલકુલ પસંદ કરતો નથી, એને મોટા વિદ્વાન દાખલ માન નથી આપતો. હું એના ક્રોધી તથા અભિમાની સ્વભાવની દયા ખાઉં છ, તો પણ એની દરદી કવિતા ઉપર અને તમામ કવિતાની ભાષા ઉપર ખરેખર મોટો આસક્ત છઉં… તેમ એના સુઘડ વિચારો ઉપરથી એને સુઘડ જન જાણી હું એને માહારા એકાન્તના મિત્રવર્ગમાંનો એક માનું છું… ખરેખર દયારામ ગુજરાતનું મ્હોરું હતું. અને એની વાણી આપણી ગુજરાતી ભાષાનું ભૂષણરૂપ અંગ છે, ને તે હંમેશ તેમ જ રહેશે.’ હવે વ્યાખ્યાનના ઉત્તરાર્ધમાં દયારામના આ સંદર્ભમાં એટલે કે દયારામનો જે આ વિશેષ છે, દયારામની રસિક અને ચતુર એવી જે આ રાધાકૃષ્ણકવિતાની પરંપરા છે એના સંદર્ભમાં અનુકાલીન રાધાકૃષ્ણકવિતાનો વિચાર કરવાનો છે. અનુકાલીન રાધાકૃષ્ણકવિતા એટલે દયારામ પછીની રાધાકૃષ્ણકવિતા. દયારામનું અવસાન ૧૮૫૨માં એટલે દયારામ પછીની રાધાકૃષ્ણકવિતા એટલે અર્વાચીન રાધાકૃષ્ણકવિતા. પણ અર્વાચીન રાધાકૃષ્ણકવિતાનો વિચાર દયારામના સંદર્ભમાં કે અન્ય કોઈપણ સંદર્ભમાં કરવાનો હોય ત્યારે પ્રથમ તો એ વિચાર સમગ્ર અર્વાચીન કવિતાના સંદર્ભમાં કરવો અનિવાર્ય છે. અને ત્યારે એ વિચારમાં આરંભે જ બે પ્રશ્નોનો સામનો કરવો અનિવાર્ય છે : સાંપ્રદાયિકતા અને રાધાકૃષ્ણનાં પ્રતીક. દયારામનો જન્મ ૧૭૭૭માં, તે પૂર્વે ૧૭૫૭માં પ્લાસીનું યુદ્ધ થયું અને ભારત પર અંગ્રેજો અને એમની પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણનો આરંભ થઈ ચૂક્યો હતો. દયારામનું અવસાન ૧૮૫૨માં, તે પૂર્વે અમદાવાદ અને સુરતમાં અર્વાચીન વિદ્યાસંસ્થાઓની અને તે પછી ત્રણચાર વરસમાં જ યુનિવર્સિટીઓ અને વિધિસરના અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ ચૂકી હતી. ૧૮૫૧માં દયારામની હયાતીમાં જ નર્મદ ‘મંડળી મળવાથી થતા લાભ’નું વ્યાખ્યાન આપી ચૂક્યો હતો. અંગ્રેજોની પશ્ચિમની સંસ્કૃતિની અસરમાં અર્વાચીન કવિ એ બિનસાંપ્રદાયિકતાનો કવિ છે, અથવા તો સર્વ ધર્મસમભાવ-મમભાવનો, સર્વધર્મસમન્વયનો કવિ છે. જ્યારે દયારામ તો સંપ્રદાયમાં હતા. જોકે દયારામ સંપ્રદાયમાં હતા છતાં જાણે સંપ્રદાયમાં ન હતા. નર્મદે નોંધ્યું છે તે જો સાચું હોય તો ગુરુએ જ્યારે દયારામને દર્શન ન કરાવ્યું ત્યારે ગુરુની નિંદાનું પદ રચ્યું હતું અને એથી ગુરુ જ્યારે દયારામને ઘેર ગયા ત્યારે દયારામે ‘આ લ્યો, તમારી કંઠી’ એ વચન સાથે કંઠી તોડીને એમનું સ્વાગત કર્યું હતું. અંતિમ દિવસોમાં જ્યારે શિષ્યોએ પાદુકાપૂજનનો પ્રસ્તાવ કર્યો ત્યારે દયારામે એનો નકાર કર્યો હતો. ન્હાનાલાલે પણ દયારામ અને સંપ્રદાયના સંબંધ વિશે પ્રશ્ન પૂછ્યો છે, ‘કોઈ કહેશો કે સંપ્રદાયે કવિને પોષ્યા? કે કવિએ સંપ્રદાયને પોષ્યો?… દયારામભાઈને માત્ર સંપ્રદાયદૃષ્ટિએ મૂલવશો? કે જગતદૃષ્ટિએ? એ ચંપાની સ્હોડમ ત્હમારી વાડીમાં જ પાછી પૂરી રાખશો? પૂરી પૂરાશે?’ અને પછી ઉત્તર આપ્યો છે, ‘પૂરતાં આવડે તો પૂરો! સંપ્રદાયની સીમાઓમાંથી દયારામભાઈ છલકાઈ ગયા છે. સમેટ્યા નહિ સમેટાય!’ વળી દયારામની કવિતામાં રાધાકૃષ્ણનાં પ્રતીક છે તે દયારામ સંપ્રદાયમાં હતા, અથવા પૂર્વકાલીન પ્રાચીન નરસિંહ, મીરાં આદિ કવિઓની કવિતામાં એ પરંપરાગત પ્રતીક હતાં, અથવા તો દયારામ ભક્ત ન હતા પણ એમને ભક્ત થવું પડ્યું ને થયા એ કારણોથી નહિ પણ આગળ કહ્યું તે કારણથી. દયારામ વૈષ્ણવસંપ્રદાયમાં ન હોત અને જન્મે એ શૈવ હતા અને જીવનભર શૈવ રહ્યા હોત તો પણ આગળ કહ્યું તે કારણથી એમની કવિતામાં રાધાકૃષ્ણનાં પ્રતીક જ હોત. અર્વાચીન કવિ અર્વાચીન હોવાથી એ રાધાકૃષ્ણ જેવાં પ્રાચીન પરંપરાગત, કાલગ્રસ્ત પ્રતીક યોજે? યોજે તો એની મૌલિકતાનું શું થાય? એવી અર્વાચીનતાનું શું થાય? પણ અર્વાચીન કવિ હોવાથી એ રાધાકૃષ્ણનાં પ્રતીક પણ યોજે. કારણ કે કવિ માત્ર માટે, પ્રાચીન કે અર્વાચીન કે અનાગત કવિ માટે, કોઈને કોઈ પ્રતીક, પ્રાચીન, પરંપરાગત કે અર્વાચીન, મૌલિક પ્રતીક દ્વારા કવિતા સિદ્ધ કરવી અનિવાર્ય છે. કોઈ અર્વાચીન કવિ રાધાકૃષ્ણનાં પ્રતીક સિવાયનાં કોઈ પ્રતીક દ્વારા એના અર્વાચીન, મૌલિક, લૌકિક પ્રેમની કવિતા સિદ્ધ કરી જ ન શકે, અથવા તો વધુ સુન્દર અને સફળ રીતે કરી ન શકે તો એ આઘોપાછો વિચાર કર્યા વિના — રાધાકૃષ્ણનાં પ્રતીક તો અર્વાચીન, મૌલિક પ્રતીક નથી એવો આઘો વિચાર અને રાધાકૃષ્ણનાં પ્રતીક તો પ્રાચીન, પરંપરાગત પ્રતીક છે એવો પાછો વિચાર કર્યા વિના — રાધાકૃષ્ણનાં પ્રતીક દ્વારા જ એની લૌકિક પ્રેમની કવિતા સિદ્ધ કરવાનો અને એમ કરવાનો એનો કવિ તરીકે, અર્વાચીન કવિ તરીકે પણ, અધિકાર છે. કવિતા એ શબ્દની કળા છે અને શબ્દોને અતીતનું પરિમાણ હોય છે. રાધાકૃષ્ણ શબ્દો વિશાળ ભાવકવર્ગમાં સૈકાઓનાં દૃઢ સંસ્કારથી ચિરંજીવ પ્રતીક છે. એથી કવિતાના ત્વરિત અને વ્યાપક અવગમનમાં એમનું અર્પણ હોય છે. એથી અર્વાચીન કવિની કવિતામાં જ નહિ ભવિષ્યના કવિની કવિતામાં પણ રાધાકૃષ્ણનાં પ્રતીક અવશ્ય હશે. અર્વાચીન કવિઓમાં ન્હાનાલાલ એમની રસિકતાને કારણે સર્વશ્રેષ્ઠ ઊર્મિકવિ છે. ૧૭૭૭માં દયારામના જન્મ પછી બરોબર સો વરસે ૧૮૭૭માં ન્હાનાલાલનો જન્મ. એ એક મધુર સુયોગ છે કે દયારામના જન્મની દ્વિશતાબ્દીનું વરસ એ ન્હાનાલાલના જન્મની શતાબ્દીનું પણ વરસ છે. ગુજરાતી પરંપરાની ઊર્મિકવિતામાં એટલે કે રાસ, ગીત અને ભજનમાં ન્હાનાલાલની ઉત્તમ સિદ્ધિ છે. અન્ય કોઈ અર્વાચીન કવિની એટલી સિદ્ધિ નથી. છતાં એમની ઉત્તમતર સિદ્ધિ અંગ્રેજી પરંપરાની ઊર્મિકવિતામાં એટલે કે કથનોર્મિકાવ્ય અને ચિન્તનોર્મિકાવ્યમાં છે. વળી ગુજરાતી પરંપરાની ઊર્મિકવિતામાં એમની સિદ્ધિ નરસિંહ, મીરાં અને દયારામની સિદ્ધિ જેટલી નથી એવું ન્હાનાલાલે એમની આ સિદ્ધિનું તટસ્થ અને વિનમ્ર સ્વ-મૂલ્યાંકન કર્યું છે, ‘નરસિંહ અને મીરાંની મેઘનિર્ઝરતી ભાવઝડીઓ કે દયારામનું વસંતઋતુમાં રેવાજીની લહરીઓ સરિખડું લાલિત્યસર્જન મ્હારા કાવ્યગ્રંથોમાં નથી.’ પણ આ વ્યાખ્યાનમાં દયારામના સંદર્ભમાં અનુકાલીન રાધાકૃષ્ણકવિતાનો વિચાર કરવાનો છે. ન્હાનાલાલમાં દયારામની રસિકતા છે પણ દયારામની ચતુરતા નથી. એ અર્થમાં એ દયારામના વારસ નથી, નરસિંહના વારસ છે. વળી ન્હાનાલાલની આ સિદ્ધિ જેમાં રાધાકૃષ્ણનાં પ્રતીક હોય એ કાવ્યોમાં નહિ પણ અન્યત્ર છે. એથી ન્હાનાલાલ અર્વાચીન કવિઓમાં સર્વશ્રેષ્ઠ ઊર્મિકવિ છે અને છતાં અહીં આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં એમની કવિતાનો વિચાર અપ્રસ્તુત છે. નર્મદથી આજ લગીના અનેક — અર્વાચીન, આધુનિક, અદ્યતન કવિઓએ જેમાં રાધાકૃષ્ણનાં પ્રતીક હોય એવાં અનેક કાવ્યો કર્યાં છે. એ કાવ્યોનો અહીં આ વ્યાખ્યાનના ઉત્તરાર્ધમાં વિચાર કરી શકાય. પણ એ કાવ્યો દયારામની પરંપરામાં નહિ પણ નરસિંહ અને મીરાંની પરંપરામાં છે. જ્યારે આ વ્યાખ્યાનમાં દયારામની પરંપરામાં અર્વાચીન રાધાકૃષ્ણકવિતાનો વિચાર કરવાનો છે. અર્વાચીન કવિઓમાંથી જો કોઈ કવિની રાધાકૃષ્ણકવિતા એ દયારામની રાધાકૃષ્ણકવિતાની સૌથી વધુ નિકટ હોય તો તે પ્રિયકાન્ત મણિયારની રાધાકૃષ્ણકવિતા. એથી અહીં અંતમાં એનો વિચાર કરવો જોઈએ. ૧૮૫૩માં દયારામના અવસાન પછી બરોબર સો વરસે ૧૯૫૩માં પ્રિયકાન્તે એમની રાધાકૃષ્ણકવિતાનું સર્જન કર્યું છે. ૧૯૫૦માં શરદની એકાદશીની રૂપેરી રાતે, દયારામની જ જન્મભૂમિ ચાણોદમાં, નર્મદાના તટ પર, મલ્હારરાવના ઘાટ પર, દયારામના જ શિષ્ય-ભક્તોના વંશજોના શ્રોતાવૃન્દ સમક્ષ કવિ હોવાનું ગૌરવ થાય એવા વિરલ વાતાવરણમાં અન્ય કવિઓની સાથે પ્રિયકાન્તે પણ કાવ્યપઠન કર્યુ હતું. અને પછીનાં વર્ષોમાં એમની રાધાકૃષ્ણકવિતાનું સર્જન કર્યું હતું. આ વ્યાખ્યાનકાર એ વાતાવરણ, પઠન અને સર્જનનો સાક્ષી છે. ‘પ્રતીક’ના એક ગુચ્છમાં દસ કાવ્યો અને ‘સ્પર્શ’ના એક ગુચ્છમાં દસ કાવ્યો એમ બે ગુચ્છમાં કુલ વીસ કાવ્યો — આ છે પ્રિયકાન્તની રાધાકૃષ્ણકવિતા. ન્હાનાલાલે દયારામને ગુજરાતની ગોપીનું બિરુદ આપ્યું હતું. પ્રિયકાન્તે એમની રાધાકૃષ્ણકવિતા રચવાનો આરંભ કર્યો ત્યારે મકરંદે પ્રિયકાન્તનું સ્વાગત કર્યું હતું, ‘ગોકુળની ગોપી ગુજરાતમાં આવી છે.’ પ્રિયકાન્તની રાધાકૃષ્ણકવિતા ધ્રુવપંક્તિ, અંતરા, પ્રાસ, ઢાળ આદિ શૈલીસ્વરૂપનાં બાહ્ય અંગોપાંગોમાં ભિન્ન છે છતાં એની રસિકતા અને ચતુરતાને કારણે દયારામની રાધાકૃષ્ણકવિતાની પરંપરામાં એની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ‘ઉપવનની ડાલી!’, ‘અવ’, ‘ગોરસ’, ‘ભીતિ’, ‘અપરાધી’, ‘અલબેલા’માં પ્રિયકાન્તની તર્કબુદ્ધિ-તર્કશક્તિ દયારામની તર્કબુદ્ધિ-તર્કશક્તિનું સ્મરણ કરાવે છે. તો ‘ઉચાટ’ અને ‘કૃષ્ણરાધા’માં રસિકતા અને ચતુરતાની એવી પરાકાષ્ઠા છે કે આ બન્ને કાવ્યોની નીચે દયારામની સહી વાંચી શકાય : ‘એકલી ઊભી જમુનાજીને ઘાટ, 
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહિ માટ! 
 ક્યાંક બેઠેલો કદમ્બ-ડાળે, 
 કાનજી ઝૂક્યો જળની પાળે, 
એની તરતી છબી સરતી આવી જળના વ્હેણની વાટ! 
 કરથી સાહી કેમ રે ધારું? 
 ઘટની માંહે કેમ હું સારું? 
અવરને દેખાય ન કાંઈ, કોણને કહું ઉચાટ? 
એકલી ઊભી જમુનાજીને ઘાટ.’ ‘આ નભ ઝૂક્યું તે કહાનજી 
 ને ચાંદની તે રાધા રે. 
આ સરવરજલ તે કહાનજી 
 ને પોયણી તે રાધા રે. 
આ પર્વતશિખર કહાનજી 
 ને કેડી ચડે તે રાધા રે. 
આ બાગ ખીલ્યો તે કહાનજી 
 ને લ્હેરી જતી તે રાધા રે. 
આ ચાલ્યાં ચરણ તે કહાનજી 
 ને પગલી પડી તે રાધા રે. 
આ કેશ ગૂંથ્યા તે કહાનજી 
 ને સેંથી પૂરી તે રાધા રે. 
આ દીપ જલે તે કહાનજી 
 ને આરતી તે રાધા રે. 
આ લોચન મારાં કહાનજી 
 ને નજરું જુએ તે રાધા રે.’ અંતે દયારામની આ દ્વિતીય જન્મશતાબ્દી પ્રસંગે દયારામે કૃષ્ણ વિશે જે પ્રશ્ન પૂછ્યો હતો તે આપણે દયારામની કવિતા વિશે પૂછીએ : ‘કિયે ઠામે મોહિની ન જાણી રે? 
ભ્રૂકુટિની મટકમાં કે ભાળવાની લટકમાં કે 
 શું મોહિનીભરેલી આ વાણી રે!’ અને પછી દયારામે પોતાને વિશે જે પ્રશ્ન આપણને પૂછ્યો હતો તે આપણે વિશે અહીં આ ક્ષણે આપણે દયારામને પૂછીએ : કાળજ કોર્યું તે કોને કહીએ? અને શતાબ્દીઓની પારથી પણ રસિકજનો પૂછશે : કાળજ કોર્યું તે કોને કહીએ?

(ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં દયારામની દ્વિતીય જન્મશતાબ્દી પ્રસંગે વ્યાખ્યાન. ૧૯૭૭.)

*