હનુમાનલવકુશમિલન/છિનાળ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
છિનાળ

બહાર, સુંદર સ્ત્રીના પગરવમાંથી ઝાંઝર વિના પણ જે એક ઝમકાર ઊઠે તેવો અવાજ આવવા લાગ્યો એટલે હું ઊઠીને ઓટલા પર ગયો. મેઘધનુષના પહેલા અને સાતમા રંગના મિશ્રણવાળી સાડી પહેરીને જે ચહેરો રોજ પસાર થતો અને જેને હું ‘નમસ્તે’ કરતો તે આવીને મારા ઘરની સરહદના રસ્તાને ઓળંગી જવા લાગ્યો. હિંમત કરીને મેં કહ્યું, ‘આવો, છિનાળ.’ તેણે પોતાની વાળની લટમાં જાત-જાતનાં ફૂલ ગૂંથ્યાં હતાં. તેમાંથી તીવ્ર વાસવાળું એક ફૂલ કાઢીને મારા આંગણામાં ફેંક્યું ને પછી... ને પછી ... ‘આવોને’, હું ખુલ્લી જાળીનો આગળો અકારણ ઉઘાડ-બંધ કરવા લાગ્યો. છિનાળ આવીને ઓટલા પર બેસવા જતાં હતાં પણ મેં સમજાવ્યું કે ઘર પૂર્વ દિશામાં છે એટલે સાંજે ઓટલા તપીને ખૂબ ગરમ થઈ જાય છે. ‘અંદર આવોને.’ તે આવ્યાં. ‘આવો.’ મેં કહ્યું. –ને હું સૂર્યાસ્ત પૂરો થઈ જાય ને અંધારું થાય તેની રાહ જોવા લાગ્યો. મને મારી હિંમત પ્રત્યે જે માન થયું તે મેં સૂકા કાજુની ભરેલી રકાબીમાં ઠાલવ્યું ને એ રકાબી એમના હાથમાં મૂકી. કાજુની રકાબી આપતી વખતે કોઈની આંગળીઓ કોઈની આંગળીને શા માટે અડવી જોઈએ? ‘મુંબઈમાંયે’, મેં કાજુ તરફ આંગળી કરીને કહ્યું, ‘આવું કશુંક આપણને તો જોઈએ. ખાધા પછી બે’ક મમળાવી નાખીએ, પાન-સોપારીની જેમ.’ અમારા ગામવાળાઓને સાંજે ફરવા નીકળી પડવાની બૂરી ટેવ. ‘તે અહીંયે થોડા લેતો આવ્યો’, વાક્ય પૂરું કર્યું. ફરવા જવાની ટેવ અને તે પણ એક જ દિશામાં. તે રોજ સાંજે ઘર આગળથી બે, ત્રણ, ચારનાં ટોળામાં બધો જમેલો નીકળતો, તળાવ તરફ. મારું ઘર તળાવની બાજુમાં જ. તે મેં એક વાર છિનાળને તળાવ પર ફરવા વિશે પૂછ્યું હતું એટલે મોં લાંબું કરી, નાક ઊંચું ચડાવી, – ‘છિ, તળાવ પર તો લેવટાં ગંધાય છે’, જેવું બોલ્યાં હતાં. તળાવ તરફથી રોજ બપોરે બે વાગ્યે પવન આ દિશામાં ઊડે છે ત્યારે મને લેવટાં કેમ નહિ ગંધાતાં હોય? છિનાળે લાઈટના અંધેર વિષે વાત કાઢી. આજુબાજુ ડોગરા, કુંભારિયા, ઝાંપલા, બાપુડા બધે લાઈટ આવી ગઈ. પાંચ પાંચ વરસથી અહીં લાઈટ લાવવાની વાત થાય છે. હું તો જોઉં છું છતાં આજેયે... ‘આ’, મેં ખૂણામાં પડેલા મેંશવાળી કાળી ચીમનીવાળા ફાનસ તરફ હાથ કર્યો. આળસને લીધે ચીમની બધી મેંશવાળી થઈ ગઈ છે, પણ ઝાંખાં ફાનસો મને ગમે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આંખ માટે – સારી ઊંઘ માટે પણ – એવાં ફાનસો ઘણાં લાભદાયક છે. ‘દેશી બલ્બ’, મેં વધુ સ્પષ્ટ કર્યું, ‘ઘાસતેલે મોંઘું થઈ ગયું છે હવે તો.’ પછી છેલ્લો નિર્ણય આપવા છિનાળ તરફ ઝૂક્યો; અવાજ ધીમો કર્યો, ‘સરપંચ તદ્દન રદ્દી માણસ છે.’ એક મહાન સત્ય છતું થઈ ગયું પણ છિનાળ ઝૂકેલાં જ રહ્યાં. હકારમાં એમણે ડોકું ધુણાવ્યું ત્યારે મારી આંખ સામે એમનાં કડી આકારનાં એક એક કર્ણફૂલ હાલી ઊઠ્યાં. ‘મત મેળવવા માટે આ બધી વાત કરે છે પણ પછી...’ મેં ‘છૂમંતર’નો અભિનય કરી બતાવ્યો ‘અહહા’ કાજુવાળા અવાજ સાથે ચહેરો હાલ્યો.’ પાછું મારે સીધા થઈ જવું પડ્યું. અમારા ગામના લોકોને સાંજ પડ્યે આ દિશામાં જ નીકળી પડવાની બૂરી ટેવ છે. તેમાં વળી ‘ટૂરિંગ ટૉકીઝ’ના તંબૂમાંથી ત્રણથી છનો વધારાનો ખેલ છૂટયો, તે લોકો ભળ્યા. સામેના ત્રાંસા ટાંગેલા ફોટોગ્રાફના કાચમાં એમનાં પ્રતિબિંબ દેખાતાં હતાં. ટાલવાળા, વાળવાળા, ચોકઠાવાળા, લંગડા, તાજામાજાવાળા, બધા જ બારણા આગળથી પસાર થતાં અંદર તરફ નજર કરી લેતા. બારી તરફ જોવાનું મેં માંડી વાળ્યું, પણ પ્રકાશ હવે ઘણો ઝાંખો થયો હતો. ઊભો કરેલ ખાટલો મેં નીચે ઉતાર્યો ને ઉપર, વીંટો વાળેલું ગોદડું, ‘ભચાક’ અવાજ કરીને, નાખ્યું. ‘પાટી ભરાવી દોને’, છિનાળ બોલ્યાં. ‘આપણે આળસુ માણસ.’ ગાદલું ઝડપથી પાથરીને પિછોડી વતી જોરથી અવાજ કરીને એને ખંખેરવા માંડ્યો. ટૂંકો દિવસ અને લાંબી રાત એટલે અંધારું ઝડપથી પસરવા માંડશે. ‘સાંજે રોજ આ તરફ ક્યાં જાઓ છો?’ ‘જિતુભાઈના ઘરે.’ પિછોડી ખંખેરવાનું અટકાવી જેની તે મુદ્રામાં થંભી જઈને બોલ્યો, ‘કોણ?’ પછી– ‘જુઓ, તમને ક્યાં નથી ખબર? જિતુ તો મારો ‘ફ્રેન્ડ’ છે પણ સાચી વાત કહું છું – એ સારો માણસ નથી, છોકરીઓ માટે.’ પછી– ‘મારા જેવો આખાબોલો તમને નહિ મળે.’ છિનાળ હસી પડ્યાં. ‘હું તો વિષ્ણુસહસ્ત્રનામ સાંભળવા જાઉં છું. એમને ઘરે રોજ વંચાય છે.’ ‘તમે? વિષ્ણુસહસ્ત્ર...?’ ‘વિષ્ણુસહસ્ત્ર સાંભળતી વખતે જિતુભાઈ ખીખ્ખી હસે છે તે જરા મઝા પડે છે.’ મનમાં ધૂંવાપૂવાં થઈ ગયો હું. મેં બધું ધૂંવાંપૂવાં ગાદલા અને ઓશીકામાં ભરી દીધું. આ ગાદલા પર જ્યારે સૂઈ જઈશ ત્યારે એ બધું ફરી મારા શરીરમાં પસરી જશે. ઓશીકું ગાદલા નીચે સેરવીને પિછોડી ઝાપટવા લાગ્યો ત્યાં બહાર ‘અંભાં’, ‘અંભાં’ જેવું સંભળાયું : પેલો મારકણો સાંઢ આવ્યો કે શું? હું ડિંગોરો લઈને બહાર ગયો. પિછોડીના અવાજમાં ભ્રમ થયો હતો; બહાર તો જિતુ બૂમ પાડતો હતો. ડિંગોરા સાથે મને જોઈને તે હસી પડ્યો. ‘કેમ લેન્લૉર (Land lord)? મેથીપાક ચખાડવો છે કે શું?’ ‘ના રે. કંઈ કામ છે?’ ‘ચાલને, સાલો ઘરકૂકડી બનતો જાય છે.’ ‘ડેડ ટાયર્ડ છું આજે. અચ્છ!...’ કરીને અંદર આવીને જાળી ઢાંકી દીધી. જિતુનું શું થયું તેની પરવા ન કરી. છિનાળે કાજુની રકાબી નીચે મૂકી. છથી નવનો ‘શો’ શરૂ થઈ ચૂક્યો હતો ને તંબૂમાંથી સરકારી ‘ન્યૂસ’નો અવાજ, અસ્પષ્ટ પડઘા જેવો, બહાર આવતો હતો. તેના પરથી પ્રેરણા પામીને — આજે નવું ‘પિક્ચર’ પડ્યું છે ને?’ ‘હં, 'હંટરવાલી.’ મેં કહ્યું, ‘ફાધરનું કેમ ચાલે છે?’ છિનાળની મા મરી ગઈ હતી. ને ઘરમાં એ અને એનો બાપ જ રહેતાં હતાં. ડોહાએ દારૂ પી પીને હાડકાં ગાળી નાખ્યાં હતાં. ને રોજ મોડી સાંજે ‘દાઢી વધારવાના પૈહા નથી, રે ભૈ, દાઢી ઘટાડવાના પૈહા નથી’, બોલતો બોલતો ઘરે જતો. છિનાળ, એટલે જ, ડરીને જિતુને ત્યાં જાય છે? આજે મારે ત્યાં આવ્યાં છે. ભલે. ‘બરાબર’, તેમણે નીરસ રીતે જવાબ આપ્યો. ઝાંખા પ્રકાશમાં, અંધારાને પોતાના ચહેરા પર ચીપકી જવાથી દૂર ને દૂર રાખતો હોય તેમ, છિનાળનો ચહેરો સરસ લાગતો હતો. ‘તમે ... તમે...’ ‘શું?’ ‘સરસ લાગો છો, હં.’ ‘જાઓ, જાઓ.’ છિનાળ શરમાતાં ન હતાં. ‘ના સાચું કહું છું, હોં’ આગ્રહ કરી કરીને, મહેમાને આડો હાથ ધર્યો હોય તોયે, ખાવાનું પીરસવાની ઢબે... ‘છિનાળ’, મારો અવાજ ધ્રુજતો હતો. મૌન. મૌન. ફરી મૌન. આજુબાજુમાં, કોઈ પોતાનું ચાર-પાંચ કલાકથી બંધ પડી ગયેલું ‘વૉલ ક્લૉક’ ચાલું કરતું હતું. તેમાં અડધી અડધી મિનિટે એક એક કલાક પૂરા થતા હતા. ફરી મૌન. ટન્, ટન્. એક, બે. ટન્, ટન્, ટન્, ટન્. એક, બે, ત્રણ, ચાર. એક, બે, ત્રણ, ચાર, પાંચ. ફરી મૌન, છ...પછી ટકોરા અટક્યા. પોણા સાત થયા હતા. આજના છાપા ઘર મેં, છાપું ઊંચક્યા વિના જ નજર નાખી. આજનો સૂર્યોદય સાત અને અગિયાર. સૂર્યાસ્ત અઢાર અને છપ્પન કલાકે. આજુબાજુના રાનમાંથી શિયાળની લાળી જેવો અવાજ આવવા માંડ્યો. ‘શિયાળ બોલે છે કે શું?’ ‘ના. એ ફાલુ કહેવાય!’ ‘ફાલું?’

‘- એટલે શિયાળ જેવું જ; પણ...વાઘ પોતાનાથી એક માઈલ દૂર હોય એટલે એ બોલવા માંડે.’ ‘વાઘ?’ ‘એવું કહેવાય છે. આઈ કાન્ટ બિલિવ.’ મેં કહ્યું. ‘આ તરફ વાઘ ખરા?’ ‘બાપુડાના રેલવે સ્ટેશન સુધી રાતે વાઘ આવે છે. માસ્તર સ્ટેશન પર નથી સૂતો, રાતે!’ મેં કહ્યું. ફાલુનો અવાજ વધુ તીણો આવવા માંડ્યો. ‘ઓ મા’, છિનાળ જરા ભયભીત બન્યાં અને પોતાની હથેળી મારા ખભા પર મૂકી દીધી. ‘છિનાળ’, મેં એના પર હાથ મૂક્યો અને ‘એમાં ગભરાવાનું શું છે’ જેવું જરા માદક અવાજે બોલવાને બહાને એમના કાન તરફ મોં લઈ ગયો. પણ ત્યાં કોઈ તીવ્ર ગંધથી ડોકું આપોઆપ પાછું ખેંચાઈ ગયું ને છિનાળના ખભા પર મૂકેલો હાથ નાક પર આવીને વસાઈ ગયો. ‘કશુંક ગંધાય છે.’ ‘લેવટાં.’ ‘હા, એવું જ.’ ‘હમણાં આવ્યો તે પવન હતો?’ હું ગાંડું ગાંડું બોલતો હતો. ‘ચાલો, હું જાઉં.’ મેં મોડું કર્યું હતું. ‘ચંપલ ક્યાં છે?’ છિનાળે આમતેમ શોધવા માંડ્યું. છિનાળના પગમાં એક જ ચંપલ લટકતી હતી. એના પર કાળું, તાજું ‘પૉલિશ’ હતું ખરું. અચાનક મને ખ્યાલ આવ્યો કે એમની એક ચંપલ તો બેધ્યાનપણે મારા પગમાં જ મેં અડધી-પડધી લટકાવી દીધી હતી, મને બંધબેસતી નહોતી થતી તે છતાં. મેં તે કાઢી આપી, ‘જુઓને હુંયે…’ બોલીને. છિનાળને ખૂબ હસવું આવી ગયું. એનો લાભ લઈને મેં જવાની વાતથી એમને દૂર જવા પ્રયત્ન કર્યો. ‘કયો ‘સબ્જેકટ’ લીધો છે તમે?’ ‘સાયકોલૉજી—એઝ એ પ્રિન્સિપલ’, ને પછી કોઈ મોટા માનસશાસ્ત્રીનું વિધાન, ‘ઇચ ઍન્ડ એવરી ક્રિચર કન્સર્ન્સ વિથ સાયકોલૉજી’ બોલી બતાવ્યું. ‘દરેક વિચારની પાછળ કારણ હોય છે ને?’ મેં કહ્યું. વાતચીત અસ્વાભાવિક બનતી જતી હતી. ‘મને આપણા ‘પ્રતાપ કોલ્ડડ્રીંક હાઉસ’નો વિચાર અત્યારે આવ્યો; એની પાછળ શું કારણ?’ ‘આપણને બહુ રસ નથી. ઠીક છે. આ તો... લીધું છે. પ્રોફેસર નથી આપણે.’ વાતની કૃત્રિમતા જણાઈ ગઈ? ‘ના, ના, એ તો બરાબર છે. પણ...’ બહાર દૂરથી એક બરાડો સંભળાયો. છિનાળે ગભરાઈને મારા પગની જાંઘ પર એમનો હાથ મૂકી દીધો. ‘ઓ...’ એમની આંખ ફાટી ગઈ ને મોં અધખૂલું બની ગયું. છિનાળના ‘ફાધર’ એના ઘર તરફ જતા હતા. ‘ગુડ મૉરનિંગ સાયેબ, ગુડ મૉરનિંગ. તુમ મોજ્જ્સે પીવાના છ્છેઓઓ તો આજે મેળામાં પોપૈયું વેચવા મૂકેલું છે જી... તાડીવાળો પારહી ખાટલીની ઉપર સૂએ ને બૈરી ખાટલીની અંદર નીચ્ચે... આવની તારી માનું...’ છિનાળે પોતાનો હાથ મારા હાથમાં જોરથી દબાવી દીધો. મારો ખભો એમના ખભાને અડ્યો. અમે બંને પાસપાસે ઊભાં રહીને ધબકતાં હતાં. આવા બાપ સાથે... પીધેલા .... ને પછી, બાપ ઘરની આગળથી એક ત્રાંસું લથડિયું ખાઈને સામેના તૂટી ગયેલા જૂના મકાનની અડધી સાબૂત ભીંત સાથે અફળાયો. છિનાળ ગભરાઈ ગયાં હતાં. ‘ગભરાતાં નહિ. પોલીસને પીઠાવાળા તરફથી...’ ‘મળે છે.’ ગભરાયેલા અવાજે જ તેમણે કહ્યું. અંધારે રોજ રાતે પીધેલા બાપ સાથે... બાપ પીએ એટલે બાપ રહે કે ન રહે? મારો બાપ કટ્ટર ગાંધીવાળો હતો. મને ખબર નહોતી. દાઢી વધારવાના પૈહા… બાપની દાઢી વધીને જાણે કે અમારી બંનેની આસપાસ વીંટળાવા લાગી. ‘છિનાળ’, મેં જોરથી છિનાળની હથેલી પકડી લીધી. ઘડિયાળમાં છ પચાસ થયા હતા અને લગભગ અંધારું હતું. છિનાળ ‘રૂમ’ના ઊંડાણમાં ખાટલા પર બેસી પડ્યાં. ડોસો આગળ જવાને બદલે ત્યાં જ બરાડ્યા કરતો હતો : ‘આનીવાલી આવી ગઈ... સલામ... આગે બઢો... ઘોડીને થબડી કરો... પોંહ વારો... પોંહ... પોંહ...’ આજુબાજુથી ફરી ફાલુ બોલવા લાગ્યાં. છિનાળ મારી આડમાં સંતાઈ ગયાં. હું ક્યારે ખાટલા પર બેસી ગયો તેની ખબર ન પડી. ખાટલાનાં તાજાં પાથરેલાં ગાદલાં અને ઓશીકામાં પેલું ધૂંવાંપૂવાં ભરેલું હતું. એ ધૂંવાંપૂવાં મેં મારે માટે ભર્યું હતું પણ છિનાળે પહેલો ભાગ પડાવ્યો. એની રગેરગમાં તે પ્રસરી ગયું હતું. અમારા ગામના લોકો આઠેક વાગ્યે ફરીને પાછા ફરે છે. વનસ્પતિ આઠ વાગ્યા પછી અંગારવાયુથી હવાને દૂષિત કરે છે એટલે એ એક સારી ટેવ છે. છિનાળની જમણી છાતીના અડધા ભાગ સહિતનું જમણું પડખું મારા ડાબા પડખાને ખૂબ અડી ગયું હતું. બપોરે તીખા ચણા ખાધા પછી તેનો રદ્દી કાગળ ટેબલ પર જ રહી ગયો હતો. પવન ભેગો તે ખાટલા પર ઊડી આવ્યો હતો. ઉપર શિખાઉ અક્ષરોમાં કોઈએ ‘અદ્વૈતવાદ’ લખેલું હતું. તેની પર પીળા ડાઘા પડી ગયા હતા. તે ઉપાડીને ફેંકી દેવા જતાં, ચોળી નીચેના ખુલ્લા પેટ પર મારો હાથ પડ્યો. બાપની બૂમ દૂર દૂર જતી હતી. મેં સાશંક નજરે છિનાળ તરફ જોયું. મેં પેટ પરથી હાથ ઉઠાવ્યો ને હાથમાંનો રદ્દી કાગળ બહાર ફેંકી દીધો. મારી સાશંક નજરની સાથે જ છિનાળની ભયભીત છતાં ગોદડામાંના ધૂંવાંપૂવાંથી ભરેલી નજર ઊંચી થઈ પણ તરત જ બદલાઈ ગઈ. મેં મેળવવા ધારેલું ઘણું બધું ગુમાવી દીધું હતું. છિનાળ અચાનક ધ્રૂજવા લાગ્યાં. એમના મોંમાંથી માણસની બોલીથી વિચિત્ર પ્રકારનો ‘હુ... ઉ...ઉ’ ‘હુ... ઉ...ઉ’ અવાજ આવવા લાગ્યો. ત્યાં ગામને બીજે છેવાડેથી ભયંકર અવાજ, રડારોળ અને ચીસાચીસ આવવા લાગ્યાં. એક પરગજુ ખેપિયો હાથ હવામાં વીંઝતો “આગ લાગી... દોડો... દોડો, દૂબળવાડમાં આગ લાગી’, બૂમ પાડતો દોડી ગયો. હુ...ઉ... ઉ...ઉ... હા... ઉ…ઉ…ઉ…ઉ… મારી હાલત વિચિત્ર હતી. “મારા વાળ છોડી નાખો’ સત્તાદર્શક અવાજે છિનાળ બોલ્યાં; છીંકોટા નાખવા લાગ્યાં. મેં રિબિન વિના ગૂંથેલી એમની બંને લટ કોઈ હિપ્નોટાઇઝ્ડની જેમ છોડી નાખી. ફરવા ગયેલા બધા લોકો દૂબળવાડ તરફ દોડવા લાગ્યા. આગ... આગ... આ તરફ જોવાની કોઈને ફુરસદ નહોતી. ‘તમે... તમે... ઘરે જશો? મૂકી આવું?’ ‘ના મને સત ચડ્યું છે.’ ‘કુંવારકાને સત ન ચડે.’ ‘તું મારો ગલ્લો ના થયો. મેં બોલાવ્યો ત્યારે કેમ બાડું જોયું? હુઉઉ...’ હું ચૂપ. ‘આ બધા કયાં જાય છે?’ ‘દૂબળવાડમાં આગ...’ પછી તતપપ. ‘દૂબળવાડમાં દારૂ બનાવતાં ઝૂંપડું અંદરથી સળગ્યું હતું. પાસેના બે સૂકા લીમડા પણ ઝપટમાં આવી ગયા હતા. દોડતા માણસો વાત કરતા હતા. છિનાળના મોંમાંથી બીભત્સ ચાળા સાથે વિષ્ણુસહસ્ત્રનામ દુહાની ગતિમાં નીકળવા લાગ્યાં. બે સ્ત્રીઓ દૂબળવાડ તરફ દોડી ગઈ. ‘આગળ કોણ હતી? એ કોણ ગઈ? હાક્...છીઈઈઈ.’ ‘સન્નારી.’ ‘પાછળ?’ ‘પતિવ્રતા.’ અચાનક મારું ધ્યાન ગયું. મેઘધનુષના રંગની સાડી ધીમે ધીમે સફેદ બની ગઈ હતી. છિનાળે અચાનક પોતાનો પગ ઊંચો કર્યો ને ખાટલાની વચ્ચેના ભાગમાં જોરથી ઠોક્યો. ત્યાં કંકુનું પગલું પડી ગયું. ‘હું જાઉં છું.’ મેં છુટકારાનો દમ ખેંચ્યો. ‘ભલે...’ મેં હાથમાં આવેલી છ પચાસની પળ ખોઈ હતી; હવે, બરાબર છછપ્પન થઈ હતી. છિનાળ જેરથી, ડોકું ધુણાવતાં – કંકુનાં પગલાંઓમાંની રેખાઓ ભૂંસી નાખવા માટે એક જ પગલાં પર બબ્બે વાર પગ ઠપકારતાં – દૂબળાવાડનાં છાપરાં તરફ આગળ વધ્યાં. છિનાળને આટલી વારમાં હું ઘણાં ઓળખી ગયો હતો. હવે તે દૂબળવાડમાં જશે. દારૂના ઘેન નીચે માથું કચડીને લવારા કરતા દૂબળાઓનાં આગ જોતાં ટોળાં વચ્ચે થઈને તે આગવાળાં ઝૂંપડાં પર કૂદશે અને ગલકાની વેલ પરથી ગલકાં તોડે તેમ ઝૂંપડાં પરથી આગ તોડી તોડીને ખોળામાં ભરતાં જશે. છરી વતી એને સમારશે. બાપાજી, ઓ બાપાજી. એ સમારીને તેની બે રકાબીઓ ભરશે. બાપાજી, લો એક રકાબી તમે ને એક હું લઉં. આપણે ખાઈએ હુઉફ છીઈઈઈ, ખાઈએ ને આનંદથી ઘરે સૂઈ જઈએ. મને માતાનો જરાયે પ્રસાદ નહિ મળે... નહિ મળે. અંધારું હવે ઘેરાઈ ચૂક્યું હતું.