હનુમાનલવકુશમિલન/–એંછોનથીછુંછેછીએછોનથીછુંછેછી–

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
-એછોનથીછુંછેછીએછોનથીછુંછેછી-


પશ્ચિમ ભારતનો જેમ્સ બોન્ડ જોરુભા જાદવ મુંબઈની એની બીજે માળની ઑફિસમાં ટેલિફોન-સ્ટેન્ડ પર તબલાં બજાવતો બેઠો છે. ત્યાં ડોરબેલની કશીયે પરવા કર્યા વગર લાલચોળ આંખવાળો એક શખ્સ બારણું હચમચાવતો અંદર ધસી આવ્યો. જોરુભાનો જુવાન મદદનીશ યુસુફ પઠાણ તાજાં જ આવેલાં છાપાંના ઢગલામાંથી સમાચારની કતરણોનું વિભાગીકરણ કરતો હતો તે સાબદો થઈ ગયો. આવનારના હોઠ ધ્રૂજતા હતા ને ડોક સ્થિર નહોતી રહેતી, ચારેબાજુ ફર્યા કરતી હતી. હાથ કોણી આગળથી ઊંચા-નીચા થયા કરતા હતા ને તે સ્નાયુઓ તંગ કરી મૂઠી ઉઘાડ-બીડ કર્યાં કરતો હતો. ‘સાહેબ, સાહેબ’, એણે કિકિયારી પાડીને બે હાથ વતી માથાના વાળ વિખેરી નાખ્યા, ‘બચાવો, બચાવો – મારું ખૂન થયું છે.’ જોરુભાએ એને માથાથી પગ સુધી માપી લીધો. ‘કશું થયું નથી. આ મારી ઑફિસ છે ને તમારે વાળ પણ વાંકો થવાનો નથી.’ ખુરશી હડસેલીને એણે ઉમેર્યું, ‘બેસો.’ પણ પેલો બેઠો નહીં એટલે ખુરશી પર હાથ ઠોકી પાછું કહ્યું, ‘બેસો.’ પેલો પાછો ચીખી પડ્યો, ‘ડિટેક્ટિવ, ડિટેક્ટિવ’, એણે પોતાના શર્ટને છાતી આગળથી ચીરી કાઢ્યું, ‘જુઓ, જુઓ, મારું ખૂન થયું છે.’ જોરુભા જોઈને ચોંકી ઊઠ્યો. યુસુફ પઠાણ નવતર શું છે તે જોવા માટે આગળ ધસી આવ્યો ત્યાં ટેલિફોન ચીખી ઊઠ્યો. જોરુભાએ રિસીવર ઊંચક્યું ને કાન સુધી પૂરું પહોંચે ત્યાં તો અવાજ પરથી જ માણસને ઓળખી લીધો. ‘કોણ, ઇન્સ્પેકટર? શું કામ છે હમણાં? શટ અપ. હું અગત્યના કામમાં છું’ ફોન નીચે પછાડીને ડોકું પાછું ફેરવ્યું. છાતી પર જ્યાં વાળ ઊગે છે, ત્યાં ચપ્પાના ઊંડા ઘા પડ્યાં હતા. હમણાં જ માંડ રુઝાયા હોય તેમ ત્યાં પરુને ઝાલી રાખતી પીળી ચામડી બાઝી ગયેલી હતી. આજુબાજુના ભાગ પર લોહી થીજીને ઘટ્ટ કાળું થઈ ગયું હતું તેનાં ભીંગડાં બાઝ્યાં હતાં ને બાકીના ભાગ પર મેલની લકીરો ફેલાયેલી હતી. યુસુફ પઠાણનું ધ્યાન અચાનક તેના જમણા હાથ પર ગયું. તેમાં વચલી આંગળી ઊડી ગઈ હતી. ઝપાઝપી થઈ હોય ને એનું નિશાન આ માણસ બન્યો હોય એ સ્પષ્ટ હતું. પણ એને નહીં નહીં તોય આઠ-નવ દિવસ વીતી ગયેલા લાગ્યા. તો પછી – આજે?! યુસુફને આ માણસ નર્યો પાગલ લાગ્યો. જોરુભા એને ઑફિસ બહાર મૂકી આવવા ઇશારો કરે એની એ રાહ જોવા લાગ્યો. જોરુભાએ પેલાના મોં તરફ એકીટશે જોતાં જોતાં ટેબલના કવર પર નખ ઘસી ‘કચરર’ અવાજ કર્યો ને પછી સ્મિતની લહેરખી સાથે કહ્યું, ‘બર્ગહેમ ફલેમિંગો, બેસો. યુસુફ, ત્રણ નંબરના ઘોડા પરથી છ નંબરની ફાઈલ લાવ તો – ફલેમિંગો ખૂન કેસવાળી. ગંગારામ...’ ‘ગંગારામ?’ ફલેમિંગોના બુઝર્ગ કપાળની નસો ઊપસી આવી : ‘કમજાત બચ્ચા, ગંગારામ?’ યુસુફ પઠાણ ફાઈલના ઘોડા તરફ જવાને બદલે ઝડપથી વાઘની જેમ ફ્લેમિંગો તરફ લપક્યો ને એને પોતાની બાથમાં ભીંસીને ખુરશીમાં પટક્યો. ટેબલ પરથી ઊંચકીને જોરુભાના માથાને નિશાન બનાવતું પેપરવેઈટ ફલેમિંગોના હાથથી ઊંધું છટકીને જોરુભાના કાંડા-ઘડિયાળ પર પડ્યું. એનો ભુક્કો બોલી ગયો ને પછી નીચે પછડાઈને એ ટુકડેટુકડા થઈ ગયું. યુસુફે ફલેમિંગોને ખુરશીમાં જકડી લીધો હતો પણ એનો ઉશ્કેરાટ હજુ એટલો જ હતો. એ બેફામ બોલ્યે જ જતો હતો : ‘ગંગારામ? નાલાયક, ગંગારામે નહીં પણ તેં...તેં જ મારી બોટી-બોટી ઉરાડેલી, દોરડે બાંધીને કાળજે ઘચાઘચ ખાડા ખોદેલા. મેરી, મેરી, મધર મેરી!’ ‘યુસુફ, એને છોડી દે. મિ. ફલેમિંગો, જરા પણ હલચલ કરશો નહીં.’ જોરુભા, યુ આર એરેસ્ટેડ.’ બારણામાં ખુલ્લી પિસ્તોલ સાથે પોલીસ ઇન્સપેકટર ઊભો હતો. યુસુફે હાથની પકડ ઢીલી કરી ને પડી ગયેલા મોંએ પાછળ સરકવા લાગ્યો. ઇન્સ્પેકટર ધીરે ધીરે આગળ વધ્યો. ‘ફલેમિંગો, આપ ‘વાન’માં બહાર બેસો. હું મારું કામ પતાવું છું.’ ઇન્સ્પેકટરના ઇશારે સિફતથી બે પોલીસો બર્ગહેમને વાન તરફ દોરી ગયા ને ઇન્સ્પેકટરનો હાથ પિસ્તોલના સેફટીકેચ તરફ વળ્યો. જોરુભાએ અદબ છોડીને ઇન્સ્પેકટર તરફ તીરછું જોયું, આંખ ઝીણી કરી. ‘આ બધો શો તાલ છે, ઇન્સ્પેકટર? ભૂત-સંજીવનીનો મંત્ર...?...’ પછી વાત અધૂરી છોડીને ખડખડાટ હસી પડ્યો, પણ ઇન્સ્પેકટર એટલો જ ગંભીર હતો. આંખોથી જોરુભાને વીંધવાનો એ પ્રયત્ન કરતો હતો. ‘જોરુભા, હું અત્યારે અહીં ઇન્સ્પેકટર તરીકે છું. અંગત વાતોમાં મારે પડવું નથી. યુ આર એરેસ્ટેડ. આ તમારું વૉરંટ. જોઈ લો ને સાઈન કરો, ચાલો.’ ‘વૅલ’, જોરુભાએ ઝડપથી નિર્ણય લઈ લીધો, ‘એક મિનિટ આપી શકો, મારા મદદનીશ સાથે વાત કરવા?’ ઇન્સ્પેકટરે સંમતિમાં ડોકું ધુણાવ્યું. ‘યુસુફ, ચાલુ બધા કેસની વિગત ટેબલના ખાનામાં પડી છે. ફલેમિંગોનો આ નવો ફણગો ક્યાં જાય તે ખબર નથી. તારે એકલે હાથે આગળ વધવાનું છે. મોર્ગમાં ફ્લેમિંગોના શબ અંગે તપાસ કર. એ કેસની ફાઈલ તપાસ. એક વખત બધો કચરો સાફ થાય એટલે હું પાછો આવી પહોંચું છું.’ કૅબિન ખાલી પડી. માત્ર યુસુફ બાકી રહ્યો. ત્રણ નંબરના ઘોડા પરથી છ નંબરની ફાઈલ એણે ખેંચી કાઢી. ત્યાં બારણે છાપાંવાળા ફેરિયાનો અવાજ સંભળાયો : ‘વધારો, વધારો. વાંચો, મોર્ગના રખેવાળનું થયેલું ખૂન. ગુમ થયેલું શબ.’ યુસુફ ચોંકીને તરત વધારો લેવા માટે દોડ્યો. એમાંથી કોઈ ખાસ વિગત મળી નહીં. રખેવાળનું ખૂન થયું હતું. ખૂન ગૂંગળામણથી થયું હતું. સાંજે સ્વીપરે બારણું ખોલતાં પગથિયાં આગળ જ રખેવાળ ફસડાઈ પડેલો મળ્યો હતો. એક શબ ગુમ થયું હતું – એ વાત મહત્ત્વની હતી. કોનું શબ હતું? યુસુફ કૅબિન બંધ કરી તરત મોર્ગ તરફ જવા ઊપડ્યો. અંડરગ્રાઉન્ડ મોર્ગ આગળ પત્રકારો અને કેમેરામૅનોનો કાફલો ઊતરી પડ્યો હતો. ‘મોર્ગ’માંથી એક શબને લઈ જવા માટે રખેવાળનું ખૂન શા માટે કરવું પડે? હવામાં ઘૂમરાતી થોડીક વાત તો યુસુફે તરત કબજે કરી લીધી. ચોથા નંબરનું મુડદું ગુમ થયું હતું. એ મુડદું બીજા ઘણાં બધાં મુડદાંની જેમ અનામી નહોતું, પણ નામ સિવાય એના અંગે કશી જ ભાળ હતી નહીં. ‘મોર્ગ’માં એને આવ્યે દસમો દિવસ થયો હતો. એ મુડદું હતું બર્ગહેમ ફલેમિંગોનું. કલાર્ક જેવો દેખાતો એક માણસ ઇન્ડેક્સનો મોટો થોથો લઈને બેઠો હતો. યુસુફે પાછળથી એના ખભા પર હાથ ઠોક્યો એટલે એણે ઊંચું જોયું : ‘કેમ, મિત્ર?’ ‘બોલો.’ ભારે રોબદાર અવાજ આવ્યો. યુસુફે પોતાનું ઓળખપત્ર કાઢ્યું અને મૂંગા મૂંગા એના હાથમાં મૂક્યું. પેલાએ તુચ્છકારથી તપાસ્યું ને પછી કાઉન્ટર પર ઊંધું પટક્યું– ‘હં.’ ને પાછો 'ઇન્ડેક્સ’નાં થોથાંમાં મોં ખોસી પેનથી બિલાડાં ચીતરવા માંડ્યો. યુસુફ થોડી વાર ઊભો રહ્યો. ફરી વાર પેલાના ખભે હાથ મૂક્યો– ‘મિત્ર?’ પેલાના તિરસ્કારે પોત પ્રકાશ્યું, ‘શું છે?’ ‘ચા પીઓ છો?’ પેન છંટકારીને, ‘ના.’ ‘કૉફી?’ ‘ના.’ ‘લો’, યુસુફે દસની એક વાઘછાપ નોટ એના ખિસ્સામાં ઠેસવી, ‘ફાવે તે પીજો.’ ને પછી પેલાની જીભ સડસડાટ ખૂલી ગઈ. ગુમ થયેલા મુડદાની બધી નિશાનીઓ એ જ હતી – છાતીની બરાબર વચ્ચોવચ, ચપ્પાના ઘા. બહારના ગાર્ડનમાં આવી યુસુફે તરત બોમ્બેનો નકશો કાઢ્યો. આંખે ‘લેન્સ’ ચડાવીને જોવા માંડ્યું. ‘મૉર્ગ’ની આસપાસમાં ત્રણ ટ્રાફિક સિગ્નલ હતાં. પૂર્વ તરફના ક્રૉસિંગ આગળથી મુંબઈની બહાર સીધા ચાલ્યા જવાતું હતું. મરેલો ફ્લેમિંગો ને જીવતો ફ્લેમિંગો એક જ હતા? એ ગમે તે હોય પણ રખેવાળનું ખૂન કરનાર માણસ જ જો શબ ગુમ કરનાર હોય તો— યુસુફનું મગજ ઝડપથી ચાલવા માંડ્યું. એણે એનું ‘હોન્ડા’ ઘુમાવ્યું. બબ્બે ક્રૉસિંગ આગળ તપાસ ખાલી ગયા પછી ત્રીજા ક્રૉસિંગ આગળથી પત્તો મળ્યો કે સિગ્નલને ગણકાર્યા વગર મૉર્ગની દિશામાંથી આવીને એક ઑરૅંજ-બ્લ્યૂ રંગની કાર ઉત્તર તરફ દોડી ગઈ છે ને એ ઝડપાઈ પણ ગઈ છે. બીજી કશી વધુ માહિતી ત્યાંથી મળી નહીં. હવે અત્યારે ને અત્યારે વધુ દોડધામનો અર્થ હતો નહીં. યુસુફ કૅબિન પર પાછો ફર્યો. ફલેમિંગો કેસની વિગત તપાસવા માંડી. આરોપી ગંગારામ વિરુદ્ધ પોલીસના બધા સબળ પુરાવા પડેલા હતા. વિગતોમાં ક્યાંયે ઑરૅંજ-બ્લ્યૂ રંગની કારનો ઉલ્લેખ મળ્યો નહીં. કસ્ટડીમાં રહ્યે રહ્યે પણ ગંગારામ હજુ સક્રિય હતો? બપોરે ઘેર જવાને બદલે હોટેલ ‘પિકનિક’માં જ યુસુફે ભોજન પતાવી લીધું. જોરુભાની ધરપકડ ક્યાં કારણોસર કરવામાં આવી હતી એ અંધારામાં હતું. જોરુભાએ વૉરંટની કશી વિગતો એને જણાવી ન હતી. ફલેમિંગોની ધરપકડ ક્યારની થઈ જવી જોઈતી હતી, એ કેમ નહોતી થઈ? હવે તો થવી જ જોઈએ. ઑરૅંજ-બલ્યૂ કાર ઝડપાઈ ગઈ તો એમાંથી કોણ અને શું મળ્યું? યુસુફ પોલીસ સ્ટેશન તરફ ઊપડ્યો. છાપાંના કૂત્તાઓ પગલું સૂંઘતા ત્યાં ક્યારનાયે પહોંચી ચૂક્યા હતા. ફલેમિંગોની ધરપકડ જોરુભાની સાથોસાથ જ થઈ ચૂકી હતી. ત્યાં ઇન્સ્પેકટર કેટલીક વાતો છુપાવીને બેઠો હતો, એમાં એક પેલી ‘કાર’ અંગેની હતી. ઇન્સ્પેકટરની કૅબિન બંધ હતી ને બહાર છાપાંવાળાઓ ટોળું વળીને ઊભા હતા. કૅબિનનું બારણું થોડુંક ખૂલ્યું ને એમાંથી ઇન્સ્પેકટરનું મોં દેખાયું. ‘કાલે સવારે આઠ વાગ્યે આવો. તમને પૂરતી નવાજૂની મળી રહેશે. હમણાં પુષ્કળ કામમાં છું, સૉરી!’ વળી બારણું બંધ થઈ ગયું. ટોળાને વિખેરવાનું આ સ્પષ્ટ સૂચન હતું. ‘સ્કૂપ’ની આશામાં પોલીસ સ્ટેશનની આવ-જા પર નજર રાખતા કેટલાક આજુબાજુની દુકાનો, હૉટેલ, લાઈબ્રેરી, પોસ્ટ ઑફિસમાં વેરાઈ ગયા. કેટલાક પાછા ફર્યા. યુસુફ સામેની રેસ્ટોરાંમાં ઘૂસ્યો. લગભગ ૩૦-૩૫ મિનિટની તપશ્ચર્યા અને પાંચેક ‘વિલ્સ’ના ખાત્મા પછી એક કાર દરવાજામાંથી નીકળીને અંદર કોણ છે તે પરખાય તે પહેલાં વળાંક આગળ વળી ગઈ. યુસુફે પોતાના ‘હોન્ડા’ પર ઝંપલાવ્યું ને દોડતી કારને નજરમાં રાખી આગળ વધ્યો. રસ્તાઓ અને ટ્રાફિકને આસ્તે આસ્તે વટાવતી વટાવતી એ ઠેઠ વિલે પાર્લે કેથોલિક ગેસ્ટહાઉસ આગળ અટકી. અંદરથી ઇન્સ્પેકટરની સાથે એક નમણી, ખૂબસૂરત પચીસ-છવ્વીસ વર્ષની યુવતી નીકળીને કમ્પાઉન્ડમાં સરી ગઈ. યુસુફ હેબક ખાઈ ગયો. ઇન્સ્પેકટરના રોમાન્સના કોઈ ચેપ્ટર સાથે એને કશું જ લાગતું વળગતું ન હતું. ‘દેખા જાયેગા, આગે આગે ગોરખ જાગે’ – માનીને તે થોભ્યો. એને વધારે રાહ જોવી ન પડી. વિદાયના ઉપચારના આછા શબ્દો આવ્યા. ઇન્સ્પેકટર ગાડીમાં દાખલ થયો, હાથ હલાવ્યો ને ગાડી સરકી. યુસુફે ‘હોન્ડા’ હડસેલ્યું, દીવાલને ટેકવ્યું ને કશુંક ખોવાઈ ગયું હોય તેમ ધૂળ ફંફોસતો ગેસ્ટહાઉસના મેઈન ગેટ આગળ બેસી પડ્યો. આંખ સહેજ ત્રાંસી કરીને જોઈ લીધું; ચોકીદાર પાછળના ભાગમાં બાગને પાણી પાવાના નળ આગળ માટલું ધોવામાં વ્યસ્ત હતો. એ ધીમેથી અંદર સરક્યો. બારી અને પડદા વચ્ચેની જગ્યામાંથી અંદર નજર કરી. રૂમ મુસાફરના રૂમ જેવો જ હતો. સોફા પર પેલી તીતલી એક હાથને માથાના વાળમાં પરોવીને બેઠી હતી. ને અંદર ‘બટલર’ને બૂમ પાડી રહી હતી. એની સામેના નાના સરખા સ્ટેન્ડ પર નજર કરતાં યુસુફ ચોંક્યો. ત્યાં એક યુગલની મઢેલી છબી મૂકેલી હતી. એમાં પેલી યુવતી સ્પષ્ટ પરખાતી હતી અને એટલો સ્પષ્ટ સાથેનો જુવાન પણ પરખાય તેમ હતો. એ જોરુભા હતો. યુસુફના પગ ઠરી જવા લાગ્યા. જોરુભાનો કોઈ યુવતી સાથેનો સંબંધ એ કલ્પી શક્યો ન હતો, પણ એણે નિર્ણય કરી લીધો. ‘રૂમ નંબર ૧૮’– એણે નોંધ કરી લીધી ને પછી ચોકીદારથી બચવા લાગ જોઈને દીવાલ ઠેકીને બહાર સરક્યો. ‘હોન્ડા’ને પબ્લિક ટેલિફોન બૂથની શોધમાં વાળ્યું. બાજુની એક કૉલેજ-હૉસ્ટેલમાં ફોન મળી ગયો. ડિરેકટરીમાંથી ‘કેથોલિક ચર્ચ, વિલે પાર્લે’નો નંબર શોધી કાઢ્યો. ‘હૅલો’ સામેથી કોઈ ફાધરનો ઘોઘરો અવાજ આવ્યો. ‘પ્લીઝ, સર, આપ ગેસ્ટહાઉસના રૂમ નં. ૧૮નાં સન્નારીને બોલાવી શકશો?’ ‘થોભો.’ ‘........’ થોડીવારમાં ફોન ઉપર મધુર અવાજ સંભળાયો : ‘હૅલો, મિસિસ ફ્લેમિંગો છું. આપ?’ યુસુફે પેંતરો બદલ્યો. મિસિસ ફલેમિંગો? પોલીસ ઇન્સ્પેકટરની સાથે એટલે મિસિસ બર્ગહેમ ફલેમિંગો? તો પછી ટેબલ પરના ફોટાનો શો ભેદ? કોઈ અજાણ્યા માણસ સાથેનો ફોટો આમ ખુલ્લા ટેબલ પર ડેકોરેટિવ ઢબે કેમ મૂક્યો હોય તો પછી? – સેકંડના સોમા ભાગમાં બધું વિચારાઈ ગયું. ‘ગુડ ઇવનિંગ મૅડમ, હું ઇન્સ્પેકટર વામન, પોલીસ સ્ટેશન પરથી બોલું છું.’ ‘ઓહ, જલદી બોલો, એ શું કહે છે?’ ‘એ તદ્દન નામુક્કર જાય છે. એને ખોટી રીતે ફસાવવા માટે બનાવટી પુરાવા ઊભા કરાયા છે એમ એ કહે છે.’ ‘પણ ઇન્સ્પેકટર, આ કોર્ટની સાક્ષી, આ કરારનામું, આ કપલ-ફોટો...આ...આ...’ અવાજ રૂંધાઈ ગયો. યુસુફ મલક્યો. એની અટકળ સાચી ઠરતી જતી હતી. ‘મેડમ, ડોન્ટ વરી. તમારાં પ્રૂફ બહુ સોલીડ છે ને એનો નન્નો બહુ નભી શકે તેમ નથી. જોકે એ તો એનું નામ જોરુભા જ છે, બર્ગહેમ સાથે એને કશું સ્નાનસૂતક પણ નથી એમ જ પકડી રાખે છે.’ યુસુફ એક ડગલું આગળ વધ્યો. ‘માય ગોડ, મારાં પ્રૂફને શું કરું, ઇન્સ્પેકટર! જે માણસ, જે માણસ મને આટલી હદે...’ રિસીવર ખટાક દઈને પછડાયું ને સાથે જ કોઈનો ધબ્ દઈને પડવાનો અવાજ આવ્યો. મૅડમ સાથે જરા કડક હાથે કામ લેવાઈ ગયું, પણ વાતની કડી મેળવાવા માટે એ સિવાય છૂટકો ન હતો. યુસુફનો અત્યાર સુધીનો બધો જુસ્સો ઊતરી ગયો. પગ સાવ ઢીલા થઈ ગયા. જોરુભા સાથેના આજ સુધીના બધા પ્રસંગો તરવરવા માંડ્યા. એ જોરુભા પરથી એનું નામ આટલી સહેલાઈથી ઊતરડી શકાય ખરું? ઉકેલની મથામણ તો ઘણીવાર કરી હતી. ઉકેલવા જતા ગૂંચ વધતી જ જતી હોય એ પણ અજાણ્યું ન હતું, પણ ઉકેલ અને ગૂંચના હરેક તાણાવાણા મોં-નાક દબાવીને ગળાને ભીંસમાં લઈ એને રૂંધાતા હોય એવો અનુભવ તો હવે જ થતો હતો. શરીરમાં પ્રસરતી ‘હોન્ડા’ની ધ્રૂજારી અને મસ્તિષ્ક પર સવાર થતો ‘હોન્ડા’નો અવાજ – એ બે સિવાય બધું વાતાવરણ પાછળ ને પાછળ હડસેલાયે જતું હતું. વળાંક આગળ જરા વળ લઈ લેતું હતું. આ કેસ કોનો હતો? કોણે સોંપ્યો હતો? કોને બચાવવાનો હતો? શા માટે બચાવવાનો હતો? જોરુભા ફલેમિંગો બનીને... તો પછી ચપ્પાના ઘા... ‘મારું ખૂન થયું છે’...? મૉર્ગનો મરેલો રખેવાળ, ગંગારામ પોલીસ ઇન્સ્પેકટર ઑરૅંજ-બ્લ્યૂ રંગની કારમાં બેસીને નાસી છૂટયા હતા તે બાકીના બધા – બાકીનું બધું ઊકળી ઊકળીને એકરસ થવા માંડ્યું હતું. એક કોમલાંગી ટેલિફોન પર ધબ્ દઈને નીચે પડે તો એને નાટ્ય અકાદમીનો ઍવૉર્ડ મળવો જોઈએ કે પછી...પણ પેલો ફોટામાંનો જોરુભા દાંત કાઢીને ખડખડાટ ચુંબન કરે છે તેનું શું? ને ‘ઇન્સ્પેકટર, આ કોર્ટની સાક્ષીએ કરારનામું’...? રાત આખી ઘરની છત ને એની વચ્ચેના પોલા ગોળાકારમાં બેસાડેલો ‘નાઈટલૅમ્પ’ અનેક તિરાડોમાં વહેંચાઈ એની પર ઝળુંબ્યા કર્યો. સવારના છાપાના વધારાથી વાતો સાવ ચોખ્ખી થઈ ગઈ. યુસુફની ધારણાઓ સાચી હતી. ફ્લેમિંગોના શબનો કબજો લેવા માટે એની પત્ની હોવાનો દાવો કરતી આ સ્ત્રી આવી હતી અને એમાંથી નવો ફણગો ફૂટીને જોરુભા સુધી લંબાયો હતો. એક... એક વખત જે જોરુભાને મળી શકાય તો? ‘યુસુફ બચ્ચા, સબ તો ઠીક, મગર તુમ ભી તઘલખ બન ગયે?’ – કરીને આ ઊભી થયેલી વાતોને એ જગલરની જેમ ઉરાડી બતાવે તો? પણ ધાર્યા કરતાં રમત બહુ ઊંડી ને ભયંકર હતી. પોલીસ-સ્ટેશને જતાં સુધીમાં અડધો મામલો પતી ગયો હતો. ઠેરઠેર પોલીસ સ્ટેશનો પર આરોપીઓની નિશાની અને વર્ણન પહોંચી ચૂક્યાં હતા. પોલીસ ઇન્સ્પેકટર પોતાની મહેનત પર છેલ્લી ઘડીએ પાણી ફરી વળતું અટકાવવા જિગરથી મથી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં સવારના ખબરપત્રીઓના મેળા પછી પા કલાકમાં ભેદી રીતે આગ લાગી ચૂકી હતી. જાણે કોઈ વ્યવસ્થિત યોજના હોય તેમ એક જગ્યાએ હોલવવાનો પ્રયત્ન થાય, ન થાય ત્યાં તો બીજી જગ્યાએ લબકારા દેખાતા હતા. ફાઈલો, કેદીઓ, કારતૂસોને બહાર કાઢવામાં ગંગારામ અને ફલેમિંગોની કશી જ ભાળ ન મળી. જોરુભાનું મડદું જેલની બહાર નીકળવા માટેની બે દીવાલની બનેલી ગલીના ઠેઠ છેડા આગળથી સૌથી પહેલું મળ્યું હતું. એની જીભ બહાર નીકળી આવી હતી, આંખના ડોળા ફાટી ગયા હતા. દાઝ્યાનાં સાવ મામૂલી ચિહ્નો હતાં, ગળું દબાવીને કોઈએ મારી નાખ્યો હોય એમ દેખાતું હતું. રડવા જેવું કંઈ ખાસ હતું જ નહીં. માત્ર કપાળ પર થતા પરસેવા પર હાથ ફેરવી ફેરવીને પેલી ફાટીને બહાર નીકળી આવેલી આંખો પર તાકી રહેવાનું હતું. યુસુફે ધીમેથી જઈને એનાં પોપચાં બંધ કર્યા. ગળાના ભાગ પર બાઝી ગયેલી ધુમાડાની કાળાશને હાથ ફેરવી સાફ કરી ને પછી આખા ચહેરા પર હાથ ફેરવ્યો. બધું ઠંડું ને જડ હતું. માથાના પાછલા ભાગના વાળ અડધા જલી ગયા હતા ને બન્ને હાથ કોઈએ પીઠ પાછળ પકડી રાખ્યા હોય તેમ તે સ્થિતિમાં જ અક્કડ થઈ ગયા હતા. યુસુફે થૂંક જોર કરીને ગળ્યું. ફરી ગળ્યું. ‘ઝપ...ઝપ...’ કેમેરાની થોડી સ્વીચ ઝબકી ગઈ. ‘...તમે શું ધારો છો?’ – કોઈ ચાલાક પત્રકાર યુસુફ તરફ ધસ્યો. યુસુફે કેવળ ડોકું ધુણાવ્યું, પછીથી ધીમે ધીમે આંસુ ઝમવા માંડ્યાં. માત્ર પાંપણની અંદર ફેલાઈને અટકી ગયાં. આંખની આડે આવેલી હથેળી પાછી ફરે તે પહેલાં તો અટકેલી ટૅક્સીના બારણામાંથી કોઈ, ‘ઓહ માય બેગી’ કરતું જોરુભાના નિશ્ચેષ્ટ દેહ પર ઠલવાઈ ગયું. યુસુફના અણુ અણુ એની તંદ્રા છોડીને જાણે ઝબકી પડ્યા. મિસિસ ફલેમિંગો છાતી પર માથું ઘસતી, આખા મડદાને હચમચાવીને જીવતું કરી દેવા મથતી હોય તેમ એના બે ખભા પકડીને એના ટેકા પર આખા દેહને ધ્રુજાવતી, છાતીફાટ કલ્પાંત કરતી હતી. સહાનુભૂતિ, તિરસ્કાર, વલોપાત બધું કોઈનેય લક્ષ્ય કર્યા વિના યુસુફના મનમાં ઊભરાવા લાગ્યું. મિસિસ ફલેમિંગો, નામ ફલોરિડા, બેગી સાથેના એક પછી એક પ્રસંગોને ભાંગ્યાતૂટ્યા ટુકડાઓમાં સાવ અસંબદ્ધ રીતે બબડ્યે જતી હતી. ઑરૅંજ-બ્લ્યૂ રંગની એ દુનિયામાં યુસુફનું કોઈ અસ્તિત્વ ન હતું. એ દુનિયા યુસુફને મન આ કદાવર વ્યક્તિ સાથેના બધા સંપર્કોને દાટવાનું કેવળ કબ્રસ્તાન બનીને ઊભી હતી. પત્રકારોને આ નવા પ્રવેશેલા નાજુક પાત્ર તરફ આકર્ષાયેલા રહેવા દઈને યુસુફ પાછો હટ્યો. ‘હોન્ડા’ પર માત્ર આદતને જોરે રસ્તા વટાવવા માંડ્યા. એક ત્રિભેટા આગળ જરા થોભ્યો. ઑફિસ પર જવામાં જોરુભાનાં બધાં ચિહ્નો ખાવા ધાતાં હતાં. પોતાની રૂમમાં જઈને પુરાઈ ગયો. સૂકી આંખો લઈને બપોરે તે ઊઠ્યો. કબાટ ખોલીને મીણ, ક્રેયૉન, સ્ટીક્સ, પીંછીઓ, વીગ, રબર-બૉલ્સ ને એવું કેટલુંયે તેણે ટેબલ પર મૂક્યું. ઉપરના ખાનામાંથી એક જાડું આલ્બમ ખેંચી કાઢ્યું. ‘અંડરગ્રાઉન્ડ વર્લ્ડ’ના કેટલાયે આદમીઓના ચોપાસથી ઝડપેલા કેટલાયે ફોટાઓના એ સંગ્રહની શરૂઆતમાં જ યુસુફ અને જોરુભાના ફોટા હતા. આલ્બમ બંધ કર્યું. આદમકદ અરીસાની સામે ખુરશી પર તે બેઠો. જોરુભા જો ફ્લેમિંગો બની જાય તો નામબદલા સિવાય વધારે મોટો કોઈ ફેર પડી જતો હતો ખરો? હા, મોટો ફેર પડી જવાની એક એવી શક્યતા ઊભી થતી હતી જેનો સામનો કરવા પોતે તૈયાર ન હતો. જોરુભાના ચહેરાની બધી રેખાઓ તરવરવા લાગી. મીણ અને ક્રેયૉન યુસુફના ચહેરા પર ફરવા માંડ્યાં ને એ રેખાઓ યુસુફના ચહેરા પર ચડવા માંડી. ‘મારું ખૂન થયું છે’ કરીને રૂમમાં ધસી આવેલો પેલો ફલેમિંગો હકીકતમાં કોણ હતો? યુસુફે આછા વાંકડિયા વાળવાળી વીગ પસંદ કરી. ટ્રાફિક સિગ્નલને ગણકાર્યા વગર આગળ વધી ગયેલી કારમાં ફલેમિંગોનું શબ નહોતું એ વાત નક્કી હતી. તો પછી એનો ભેદ પોલીસ કેમ છુપાવતી હતી? કોઈ નામધારી ચોક્કસ હયાત વ્યક્તિ જેવું હૂબહૂ રૂપ બનાવવાનું કામ ફેરિયો, ટપાલી, રીપેરર, ડૉકટર જેવા રસ્તે મળ્યા કરતા સાધારણોના વેશ ધારણ કરવા જેટલું સરળ ન હતું. કેટલાયે કિસ્સાઓમાં કેવળ અસંભવ હતું. પણ આમાં યુસુફને આંખે એવું ભાગ્યે જ કોઈ હતું. જોરુભા ધીરે ધીરે આળસ મરડીને ફરી જીવતો થતો હતો. ચહેરો પૂરો થયો. નાની સાઈઝના બે રબર-બૉલ્સને મોંમાં મૂકીને ગાલને સહેજ ફુલાવ્યા. આંખ ઝીણી કરતાં કરચલીઓ ઊપસે એ રીતે મીણને સરખું કર્યું; હવે ધડના ભાગનું પ્રમાણમાં સહેલું હતું. શરીરને ભરાવદાર બનાવવા માટે હાથ અને છાતી પર ચારપાંચ કવર પહેરી લીધાં. ઉપર પેન્ટ-બુશશર્ટ ચડી ગયાં. યુસુફને જોરુભા દ્વારા થતું મજાકિયા સંબોધન ‘સ્વિટી’ એના ગળામાંથી નીકળ્યું. કોઈ રહસ્ય ઉકેલતી વખતે આંગળાંમાં આંગળાં પરોવવા-છોડવાની એની રમત, કપાળમાં કરચલી પાડી એને વળ આપવાની, મોંથી ‘હુપ’ બોલાવવાની ને ‘ગાલ ગુલાબી તેરે’ કહી યુસુફને ચીમટો ભરીને શીતાગારમાં પહોંચી જવાની એની લઢણ – ફરી ઊપસવા માંડ્યાં... ‘મિત્ર...’ ઇન્ડેકસનાં થોથાં ઉપર ખૂટી ગયેલી શાહીવાળી પેનનો છેલ્લો ડબકો પડ્યો ને શાહીચૂસ દાબતાં કલાર્કે કંટાળાથી પાછળ જોયું. ખભા પર હાથ ઠપકારતો જોરુભા ઊભો હતો. ચોંકીને ખુરશી પરથી એ ઊભા થાય એ પહેલાં જોરુભાએ કહ્યું— ‘કોલા પીઓ છો?’ ‘ના જી, ન્યુમોનિયા પછી ઠંડું ફાવતું નથી.’ ‘તો પછી રેઈનબો સેન્ડવીચ...? લો, ફાવે તે ખાજો-પીજો.’ સો-સોની પાંચ નોટ સરકાવી દેવાઈ. ‘અહીં કોઈ સ્પેસ છે?’ ‘જી’, ચોપડો ઉથલાવાયો, ‘નંબર સોળ.’ ‘અચ્છા, તો નંબર સોળ પર મને દાખલ કરી શકો? દસ દિવસ બૉર્ડિંગ માટે, વધારે દિવસ પૉસિબલ હોય તો...’

‘ટ્રોંગ… ટ્રોંગ...’ બારણાની ઘંટડી રણકી. યુસુફે કબાટનું ખાનું અંદર હડસેલી કી-હોલમાંથી નજર કરી. બહાર ઇન્સ્પેકટરનો ચહેરો દેખાતો હતો. એની સાથે બીજા પોલીસમેન હતા. હઠાત્ યુસુફ ચોંક્યો. એની અનુભવી આંખથી મેકઅપ છૂપો રહ્યો નહીં. ઇન્સ્પેકટરનો હાથ એના ખીસા તરફ વારેવારે જતો હતો. તાજા ઉથલાવેલા આલ્બમની તીવ્ર સ્મૃતિથી યુસુફની નજરે ઇન્સ્પેક્ટરના આખા ફરેબને વીંધીને સાચા ચહેરાને ઊંચકી લીધો. એ કાળો, ચીબા નાકવાળો ગંગારામ હતો. આજુબાજુના પોલીસોમાં ક્યાંય પેલો ફલેમિંગો હતો ખરો? કોઈના હાથની વચલી આંગળી ઊડેલી હતી ખરી? પોલીસોના ચહેરા કી-હોલની મર્યાદાની બહાર હતા. પોતે હવે ટેલિફોન પ્રતિ વળવું જોઈએ ખરું?