હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૧
સાધો, આ તે સત કે ભ્રમણા
એક હરિ આલો તો તરત જ કરી બતલાવે બમણા
પ્રેમગલીની વચ્ચે બોલાવે
કીમિયાગર કપટી
હરિમાં હું ને હુંમાં હરિ
ત્યાં ઊભા ચપટી ચપટી
સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા
હું જ મને ઢાંકીને
બેઠો રહું મારી પછવાડે
ઢાંકપિછોડા છોડ, હરિ
થઈ જાશે ખડાં રૂંવાડે
હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં