હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૩૪
સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જોઈ રુદરાખે
નભ આલિંગન લિયે નિરંતર
તો ય વિહગ બૈરાગી
ભગવામાં યે ભરત ભરીને
સોહે તે અનુરાગી
એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે
તુલાવિધિ મુરશિદની કરવા
મળે જો એક તરાજુ
સવા વાલ થઈ પડખેના
પલ્લામાં હું જ બિરાજુ
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે