હાલરડાં/જનેતાના હૈયામાં
જનેતાના હૈયામાં
[સાચી વાત તો એમ છે કે કૃષ્ણ દેવકીજીને પેટ કંસના કેદખાનામાં જન્મેલા, ને પછી એના પિતાજી વસુદેવ એમને છાનામાના નંદ-જશોદાને ઘેર મૂકી આવેલા. પણ આ ગીતમાં તો ઈતિહાસ અળગો મુકાયો છે. મુખ્યત્વે તો આ ગીતમાં સગર્ભા માતાનું ચિંતાતુર ચિત્ર ઊભું કરવાનો આશય છે. મહિને મહિને શાં-શાં ચિહ્નો જણાય, અને બાળના જન્મસમયે શી-શી વિધિઓ કરાય તેનું વર્ણન છે.] એક દેવકી જશોદા બે બેનડી, હરનું હાલરડું; બે બેની પાણીડાંની હાર્યું રે ગોવિંદજીનું હાલરડું.
દેવકી પૂછે જશોદા કેમ દૂબળાં રે, હરનું હાલરડું, બાઈ, તારે તે કેટલા માસ રે ગોવિંદજીનું હાલરડું.
મેં તો સાત જણ્યાં તોય વાંઝિયાં રે, હરનું હાલરડું, હવે આઠમાની કરવાની શી આશ રે ગોવિંદજીનું હાલરડું.