હાલરડાં/બાળા, પોઢો ને!
બાળા, પોઢો ને!
[પૂતળી અને મોરલા વડે શોભીતા પારણામાં સુવાડતાં છતાંયે બાળક પોઢતું નથી. વહાલઘેલી માડીને તો બેય વાતે દુ:ખ! બાળક જાગે તોયે દુઃખ, ને ઘવા માંડે તોયે દુખ! ઉચાટ થાય, વહેમ આવે, પાડોશણો પાસે દોડી દોડી પૂછે! કોઈની નજર લાગી સમજી, એના માથા પરથી રાઈને મીઠું ઉતારે.] સાવ રે સોનાનું મારું પારણિયું ને ઘૂઘરીના ઘમકાર, બાળા પોઢો ને!
ચાર પાયે ચાર પૂતળિયું ને મોરવાયે બે મોર, બાળા પોઢો ને!
સુવડાવ્યા સૂવે નહિ ને આ શાં કળજગ રૂપ, બાળા પોઢો ને!
જેમ તેમ કરી બાળ સુવારિયાં ને કરવાં ઘરનાં કામ, બાળા પોઢો ને!
કામકાજ કરીને ઊભાં રિયાં ને તોય ન જાગ્યાં બાળ, બાળા જાગોને!
બાઈ રે પાડોશણ બેનડી ને હજી તો જાગે બાળ, બાળા જાગો ને!
બાઈ તારું બાળક બીનું છે ને લાવો ઉતારીએ લૂણ, બાળા જાગો ને!
સરખી સાહેલી ભેળી થઈ ને જગાડ્યાં નાનાં બાળ, બાળા પોઢો ને!