હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/પ્રેમ સાંકેતિક
પ્રેમ સાંકેતિક
પ્રેમ સાંકેતિક સ્વરૂપે સંભળાવી તો જુઓ,
સ્પર્શથી એકાદ-બે મુદ્દા જણાવી તો જુઓ.
નાની નાની વાતમાં પણ હોય છે અઢળક ખુશી,
શીશ પરથી તેજનું વર્તુળ હટાવી તો જુઓ.
ભીંત વચ્ચોવચ ઊભી, એનો નથી ઇન્કાર પણ,
હચમચાવી તો જુઓ, એને કુદાવી તો જુઓ.
કાખઘોડી, લાકડી, ટેકાઓ આવશ્યક નથી,
જિંદગી ખુદ ચાલશે, શ્રદ્ધા ફગાવી તો જુઓ.
એ ગઝલ હો કે જીવન આસાન ક્યારે પણ નથી,
એક તગઝ્ઝુલ[1] યા તસવ્વુફ[2] ને નિભાવી તો જુઓ.
શોધશો કેવી રીતે ચાના બગીચામાં ગુલાબ?
મિજલસી માહોલમાં મિત્રો બનાવી તો જુઓ.
દોસ્ત, ૯૦