અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ચાળીસ – 'અગ્નિકુંડનું ગુલાબ’

ચાળીસ – 'અગ્નિકુંડનું ગુલાબ’

બીજી રચનાત્મક સંસ્થાઓની માફક ગાંધી સેવા સંઘની કોઈ ખાસ રચનાત્મક પ્રવૃત્તિ ચલાવવાની જવાબદારી નહોતી. કાર્યકર્તાઓની વિચારશુદ્ધિ અને પરસ્પર સ્નેહસંબંધો દૃઢ કરવા એ જ એનાં મુખ્ય કામ હતાં. એના સભ્યોમાંથી ઘણાખરા આજીવન રચનાત્મક કાર્યરત કાર્યકર્તાઓ હતા એ સાચું, પરંતુ એનાં વર્ષોવર્ષ મળતાં સંમેલનો એ જ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ હતી. ગાંધીજીનાં પ્રવચનો, કાર્યકર્તાઓની મુક્ત મને ચાલતી ચર્ચાઓ, સવારના સમયમાં નાનામોટા સૌ કાર્યકરોનું ભેગા મળીને શ્રમકાર્ય અને અનૌપચારિક રીતે એકબીજા સાથે હળવામળવાનું — એ બધું આ સંમેલનોને સ્મરણીય બનાવી દેતું. તેમાં ૧૯૩૭ના એપ્રિલ માસમાં કર્ણાટકના હુદલી ગામ અને કુમારી આશ્રમમાં અને ૧૯૩૮ના માર્ચ માસમાં ઓરિસાના ડેલાંગ ગામે મળેલાં ગાંધી સેવા સંઘનાં સંમેલનો મહાદેવભાઈ સારુ વિશેષ સ્મરણીય બની રહ્યાં હતાં. કર્ણાટકનું સંમેલન એની મધુર સ્મૃતિઓને લીધે; ઓરિસાનું એની કરુણ સ્મૃતિઓને લીધે.

કર્ણાટકના સંમેલન સારુ નિશ્ચિત કરવામાં આવેલું હુદલીનું સ્થળ અકલ્પિત વરસાદને કારણે બદલવું પડેલું. હુદલીની પાલાંની બનાવેલી ઝૂંપડીઓને બદલે સંમેલનસ્થળ પાસેના કુમરી ગામના આશ્રમનાં પાકાં મકાનોમાં ખસેડવામાં આવ્યું હતું. એકાએક પ્રાકૃતિક દૃશ્ય પલટાઈ ગયું હતું. સાવ સૂકી ગેરુ રંગની ધૂળ ઉડાડતી ભૂમિ ઉપર ઠેર ઠેર ખળખળ કરતાં નાનાં નાનાં નાળાં વહેવા લાગ્યાં હતાં. મૂળ સંમેલનથી કુમરી આશ્રમ પહોંચતાં સંમેલનના પ્રતિનિધિઓને બેત્રણ ઠેકાણે આવા ક્ષિપ્ર-ગતિ વહોળાઓ વટાવવા પડ્યા હતા. આશ્રમની આસપાસ અને ગામના પણ બીજા અનેક વાડાઓની આસપાસની વાડ પર જંગલી ગુલાબની વેલો છાયી ગયેલી હતી અને એની પર ઊગેલાં અસંખ્ય ગુલાબો કદાચ ‘જંગલી’ હતાં તેથી જ, સખત વૃષ્ટિની સામે ઝીંક ઝીલતાં પોતાનું ગૌરવ વધારી રહ્યાં હતાં.

એ સંમેલનમાં મહાદેવભાઈને સારુ વિશેષરૂપે સ્મરણીય એવી ઘટના હતી નાની બહેન નિર્મળાના વિવાહ અને નાના ભાઈ પરમાનંદ તથા પુત્ર નારાયણના ઉપનયન-સંસ્કાર. તે જ વખતે તે જ ‘માંડવા’માં મનુબહેન હરિલાલ ગાંધીના પણ વિવાહ થયા હતા. ગાંધીજી અને કસ્તૂરબા તથા મહાદેવભાઈ અને દુર્ગાબહેન કન્યાઓનાં વડીલ તરીકે વિવાહવિધિ કરાવવા વિરાજ્યાં હતાં. તે દિવસે સવારે મહાદેવભાઈએ નારાયણ અને પરમાનંદને ગાયત્રીમંત્ર મુખપાઠ કરાવ્યો હતો. તે દિવસે તે બંનેને ગીતાના બારમા અધ્યાયના શ્લોકોના અર્થ સમજાવ્યા હતા. લગ્ન અને ઉપનયન-સંસ્કાર ખૂબ સાદગીથી થયા હતા. બંને વરરાજાઓ — શ્રી સુરેન્દ્ર મશરૂવાળા અને શ્રી ઈશ્વરલાલ મ. દેસાઈ જાનમાં, બનતા સુધી, સાવ એકલા આવ્યા હતા. આખા વિધિનું ખર્ચ નગણ્ય થયું હતું. માત્ર ગાંધીજીએ આ પ્રસંગે લગ્ન કરતાં બંને જોડાં અને ‘દ્વિજ’ બનતા બંને બટુકોને आश्रमभजनावलि તથા अनासक्तियोगની એક એક નકલ ભેટ આપી હતી. ખૂબીની વાત તો એ હતી કે આ બારેય પુસ્તકોમાં ગાંધીજીએ જુદાં જુદાં વાક્યો લખીને પોતાની સહી કરી હતી. નારાયણને અપાયેલ भजनावलिમાં ગાંધીજીએ લખ્યું હતું: ‘આ બધાં ભજનોના અર્થ સમજી લેજે અને ભજનો મોઢે કરજે.’ અને अनासक्तियोगમાં લખ્યું હતું: ‘તારે વિશે જે આશાઓ રાખી છે તે પૂરી પાડજે.’ નારાયણ માને છે કે તેની માફક બીજા પાંચે જણે પણ ગાંધીજીનાં આ આશીર્વચનોને આખી જિંદગી સ્મરણમાં રાખ્યાં હશે. જેમ अनासक्तियोग ઉપર લખેલ વાક્યે એના જીવનને જુદે જુદે તબક્કે નવી નવી પ્રેરણા આપી છે, તેમ બાકીના પાંચેયને જુદાં જુદાં વચનોએ આપી હશે. વ્યક્તિને વ્યક્તિ તરીકેનું ગૌરવભર્યું સ્થાન આપીને ગાંધીજી એને માણસ તરીકે ઉપર ઉઠાવવામાં મદદ કરતા હતા. આ પ્રસંગે નવદંપતીઓને તથા બટુકોને સંબોધીને ગાંધીજીએ થોડાં બોધવચનો પણ સંભળાવેલાં.

પરંતુ ઓરિસાના ડેલાંગ ગામે ભરાયેલા ૧૯૩૮ના ગાંધી સેવા સંઘના સંમેલને તો મહાદેવભાઈ સાથે સંમેલનમાં ઉપસ્થિત ઘણાખરા સેવકોને હચમચાવી મૂક્યા હતા.

આ સંમેલન પુરી જિલ્લામાં જગન્નાથપુરીની પાસે જ થાય છે એમ જાણીને આ વખતે કસ્તૂરબા, દુર્ગાબહેન, વેલાંબહેન, લક્ષ્મીદાસ આસર, ખેરસાહેબનાં માતુશ્રી અને બીજા કેટલાક લોકો પ્રવાસમાં જોડાયા હતા. સંમેલન ખૂબ સરસ ભરાયું હતું. એમાં હાજરી પણ સારી હતી. પણ ગાંધીજીની હાજરીથી દૂર દૂરના લોકોનાં જે ટોળાં રોજ રોજ દર્શનાર્થે ભેગાં થતાં, તે અસાધારણ હતાં. રોજ પરોઢિયું થતાં પહેલાં તો દર્શનાર્થીઓ સારુ ફાળવવામાં આવેલ ખાસ ખેતર દર્શનાર્થીઓથી ભરાઈ જતું. ખેતરને એક છેડે જરા ઊંચો મંચ કરવામાં આવ્યો હતો. એક વાર સવારે ને એક વાર સાંજે ગાંધીજીને પોતાના કામમાંથી ઉઠાડીને આ સ્થાન પર બોલાવી લાવવામાં આવતા. સામાન્યપણે લોકો એ ખેતરમાં આવીને ગોઠવાઈ જતા. પણ ગાંધીજી મંચ પર આવીને ઊભા રહે, ત્યારે ખેતરમાં કોઈ ઊભું ન રહે એટલી કાળજી સ્વયંસેવકો લેતા. હજારોનું ટોળું શાંત બેસી રહેતું. ગાંધીજી નમસ્કાર કરે ત્યારે એમને સામે નમસ્કાર કરતું. કેટલાક આખો વખત બંને હાથ જોડીને જ બેસતા. પણ કોઈ બે શબ્દોનું પણ ઉદ્બોધન નહીં, વ્યાખ્યાન-પ્રવચનનો તો પ્રશ્ન જ નહોતો; અરે, ‘મહાત્મા ગાંધી કી જય’ના પોકાર પણ નહીં. ગાંધીજી જેવા પોતાની ઝૂંપડી તરફ જવા પાછા વળે કે આ ભીડ ઊઠીને પોતપોતાના ગામ ભણી ચાલવા લાગે. વળી સાંજ પહેલાં બેત્રણ કલાક આગળથી એ ખેતરમાં લોકો ભેગા થવા માંડે. વગર બોલ્યે, માત્ર દર્શનથી, માત્ર પરસ્પર દર્શનથી અદ્ભુત આંતરિક પુષ્ટિ મેળવનાર આ લોક અને આ મહાત્મા હતા. ઓરિસાના ગ્રામજનોની આ નીરવ ભક્તિ જેનારને આશ્ચર્યચકિત કરે તેવી હતી.

સંમેલનમાં કાર્યકર્તાઓને ગાંધીજી સંબોધતા જ હતા, તે ઉપરાંત સામાન્ય જનતાને સંબોધીને પણ તેઓ કોઈ કોઈ વાર બોલતા. તેમાંથી એક વિશિષ્ટ પ્રસંગ ખાદીગ્રામોદ્યોગ પ્રદર્શનના ઉદ્ઘાટનનો હતો. એ પ્રવચનમાં હરિજન-મંદિરપ્રવેશના પ્રશ્ન પર ભાર દઈ તેમણે કહ્યું:

જગન્નાથનું મંદિર તો ભારતવર્ષમાં સૌથી વધારે ખ્યાતિ પામેલું છે, કેમ કે ત્યાં માણસ માણસ વચ્ચેના માનવીએ સરજેલા ભેદ ભૂંસાઈ જતા મનાય છે અને બ્રાહ્મણો અને હરિજનો એકબીજાની હારોહાર ઊભા રહીને ભગવાનનાં દર્શન કરે છે, એટલું જ નહીં પણ એકબીજાના હાથમાંથી એનો પ્રસાદ પણ લઈને ખાય છે. પણ એની એ પ્રતિષ્ઠા હવે રહી નથી ને એ વર્ણન ખોટું પડ્યું છે, કેમ કે હરિજનોને એ મહામંદિરમાં પેસવા દેવામાં આવતા નથી. મેં મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી જગન્નાથની નજર આગળ ભેદ ચાલે છે ત્યાં સુધી એ જગન્નાથ મારો નાથ નથી, એ તો એના નામનો ગેરલાભ ઉઠાવનારાઓનો. ને હરિજનોને બહિષ્કૃત રાખનારાઓનો નાથ છે, પણ જગતનો નાથ તો નથી જ. એ મંદિરની જૂની પ્રતિષ્ઠા પાછી ખરેખર સજીવન કરવી એ મારા મનની ઝંખના છે, ને એ પૂરી કરવામાં તમારે મને મદદ કરવાની છે. જગન્નાથના મંદિરનાં દ્વાર જ્યાં સુધી હરિજનો માટે બંધ છે ત્યાં સુધી તે મારે માટે પણ બંધ છે.૧

પછીની કરુણ કથા મહાદેવભાઈના શબ્દોમાં જોઈએ. ૧૦મી એપ્રિલ, ૧૯૩૮ના हरिजनबंधुના અગ્રલેખમાં તેમણે લખ્યું:

કથા કરુણ છે, અને અંગત છે… ગાંધી સેવા સંઘની વાર્ષિક બેઠક માટે મારી પત્ની ભાગ્યે જ જાય છે. આ વેળા એ પુરી જવાના હેતુથી આવી એમ મને ખબર પડી. ગાંધીજીએ મને પહેલે જ દિવસે કહ્યું કે મારે એને પુરી મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. બીજાં પણ જનારાં તો હતાં જ. મને પોતાને પુરીની સૂગ રહી, એટલે હું કાંઈક ઉદાસીન હતો, પણ ગાંધીજીએ ફરી પાછું મને પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, એટલે મેં વ્યવસ્થા કરી. પુરી જઈને મંદિરમાં જવું કે ન જવું એની ચર્ચા કરવી જોઈતી હતી, પણ એની ખાસ ચર્ચા ન થઈ… ગાંધીજીએ તો પ્રદર્શન ખોલતાં જ કહ્યું કે એ મંદિર જ્યાં સુધી હરિજનો માટે ખુલ્લું ન મુકાય ત્યાં સુધી જગન્નાથ એ જગતના નાથ નથી પણ મંદિરની છાયામાં પેટ ભરતા ‘પંડા’ઓના નાથ છે. આ વચનો પછી મને પોતાને પુરી જનારાઓને ખાસ કહેવાનો ધર્મ ન લાગ્યો. હા, મને ડર હતો ખરો કે એમ છતાં મારી પત્ની મંદિરમાં જશે. અસ્પૃશ્યતાને એણે કદી સંઘરી નથી, હરિજનોની યથાશક્તિ સેવા કરે છે, દસ વર્ષ થયાં હરિજનોને ઘરમાં પ્રવેશ કરાવ્યો છે. હવે મંદિરપ્રવેશમાં એને શ્રદ્ધા હોય તો એ શ્રદ્ધાને હું કેમ હલાવું? એ પણ મારી વૃત્તિ હતી. વળી ગાંધીજીએ ફરીફરીને બધાંને પુરી મોકલવાની વ્યવસ્થા કરવાનું કહ્યું એટલે ઘડીભર મેં એમ પણ માન્યું કે ગાંધીજી પોતાની અપાર અહિંસામાંથી ઉદ્ભવતી ઉદારતાથી એમ સૂચવી રહ્યા છે કે જેને મંદિરમાં જવું હોય એ ભલે જાય. એ જ ગાંધીજીએ ઝૂલુ બળવામાં ગોરા લશ્કરને સગે હાથે દારૂ આપ્યો હતો ને? એ જ ગાંધીજીએ પોતાના ટેબલ ઉપર જમવા આવનાર ગોરાઓને માંસ પીરસ્યું હતું ના? આ સાથે મારા મનમાં એ પણ હતું કે સંભવ છે કે શ્રી મણિલાલ ગાંધી સૌની સાથે છે એટલે મંદિરમાં ન જ જવાનો નિશ્ચય સૌ માનશે. શ્રી કસ્તૂરબા જશે એવો ભય મને ન હતો, અને એ ન જાય એટલે પણ બીજી બહેનો રોકાશે એવો સંભવ માનેલો. આ મિશ્ર લાગણીઓ મારા મનમાં હતી. મારી પત્નીના મનમાં પણ ગાંધીજીની ઉદારતાનો ખ્યાલ હતો. આમ સૌ ગયાં. મારી પત્ની મંદિરમાં ગઈ, બીજી એકબે બહેનો ગઈ, અને બા પણ ગયાં. મણિલાલભાઈ તો માંદા પડ્યા એટલે સંઘને દિશાસૂચન કરવાને જઈ શક્યા નહીં. સંઘમાંથી થોડા બહાર જ રહ્યા, એમાં મારો નાનો દીકરો પણ હતો. એણે ‘પંડા’ઓની સાથે ઠીક ટક્કર ઝીલી, અને ‘હિંદુ’ઓમાં ‘હરિજન’ આવી જાય છે એમ સમજાવ્યું, અને મક્કમતાથી અંદર ન ગયો.

સોમવારે સાંજે સંઘ પાછો આવતાં ગાંધીજીને બધી હકીકતની ખબર પડી. પ્રથમ તો તેઓ હસ્યા. ‘મહાદેવ, આપણે ત્રણેયે તો છેડો ફાડી આપવા પડશે,’ એમ મને કહ્યું. પણ એ હાસ્ય તો એમની તીવ્ર વેદના ઢાંકવા માટે હતું. એમની વેદના તો વધતી ગઈ, રાત્રે સૂતા નહીં, અને સવારે લોહીનું દબાણ તો સૌને ગભરાવી મૂકે એટલું વધેલું હતું. મને બોલાવ્યો, દુર્ગાને બોલાવી, કસ્તૂરબાને બોલાવ્યાં, સૌની હાજરી લેવાઈ. મેં એમના મનની સ્થિતિ જાણતાં થોડોક ખુલાસો કર્યો, પણ એમના હૃદયનો ઉકળાટ શમ્યો નહીં પણ વધ્યો. ‘આ પ્રકરણ દુખદ થઈ પડ્યું છે, મહાદેવ, તમે ભારે ગફલત બતાવી. તમે તમને પોતાને અન્યાય કર્યો, મને અન્યાય કર્યો, દુર્ગાને કર્યો. તમારો ધર્મ હતો કે એ લોકોને ફરી પાછો બધો ઇતિહાસ સમજાવવો જોઈતો હતો. પુરીમાં મારા શા હાલ થયા હતા તે સમજાવવું જોઈતું હતું, સનાતનીઓ મારા શા હાલ કરવા માગતા હતા તે પણ કહેવું જોઈતું હતું, અને મારી પ્રતિજ્ઞા અને સુધારક વર્ગને આપેલી સલાહ — મંદિર હરિજનો માટે ન ખૂલે ત્યાં સુધી એનો ત્યાગ કરવાની — સંભળાવવી હતી. એ સાંભળ્યા છતાં એ જવા માગત તો મારી પાસે લાવવી જોઈતી હતી. મારું ન માનત તો એને જવા દેત. બળાત્કારની તો વાત જ ન હતી.

એમની તબિયત એવી ન મળે કે હું એમની સાથે લાંબી દલીલ કરું. લાંબી દલીલે એમને કદાચ વધારે ઉદ્વેગ થાય — જોકે આજે જોઉં છું કે દલીલ કરી હોત તો એમનો ઉદ્વેગ ઓછો થાત અને અમે બંનેયે જે યાતના ભોગવી છે તે ઓછી થાત. પુરી જવાનો મને પણ ગાંધીજીએ આગ્રહ કરેલો. મેં તો સાફ કહેલું કે મને તો ત્યાં જવામાં સૂગ છે. પણ એ જ વેળા ગાંધીજીએ મને કહ્યું હોત કે ‘સૂગ ભલે હોય, તમને મંદિરમાં જવા થોડા જ મોકલું છું? તમારે તો ત્યાં હરિજનો માટે ઝુંબેશ લઈને જવાનું છે,’ તો બધી યાતનામાંથી બચી જાત. પણ જે થનાર હતું તે જગન્નાથ પણ કેમ મિથ્યા કરી શકે?

ગાંધીજીનું દુ:ખ હું જોઈ ગયો. સાંજે એથીયે વધારે દુ:ખ હતું. બીજે દિવસે પ્રભાતે મેં સંઘના સભ્યોની આગળ મારી વેદના વ્યક્ત કરી, મારી શરમ જણાવી… ગાંધીજીએ સંઘના સભ્યોને આ વિશે કશું ન કહેવાનો પહેલાં ઇરાદો રાખ્યો હશે, પણ મેં પ્રાર્થનામાં ખુલાસો કર્યો એટલે એમણે પણ એ વિશે પોતાની વેદના સંઘની આગળ ૩૦મી તારીખે ઠાલવી:

‘મહાદેવનો અને મારો નિકટ સંબંધ તમે જાણો છો. એણે પોતે આજે સવારે તમને સંભળાવ્યું એટલે મને થયું કે હવે હું પણ મારા મનમાં જે ભર્યું છે તે સંભળાવું.

જે કિસ્સો બની ગયો છે તે ઉપરથી હું તમને સૌને કહેવા માગું છું કે તમે રચનાત્મક કામ ગમે તે કરો — ચરખા સંઘ, અસ્પૃશ્યતાનિવારણ કે ગ્રામોદ્યોગ — તે બધાં કામ તો સત્ય અને અહિંસાનો પ્રયોગ કેટલે સુધી થઈ શકે છે એ બતાવનારાં છે. સત્ય અને અહિંસાનો પ્રયોગ કરતાં કરતાં સ્વરાજે પહોંચવાનાં એ સાધનો છે. આમાં અસ્પૃશ્યતાનિવારણ એ અહિંસાનું તીવ્ર રૂપ છે. એ ન મટે તો હિંદુ ધર્મ મટી જાય એ બહેતર, એવી પ્રાર્થના મારી હમેશાં રહી છે — સૌ અહિંસાધર્મીઓની એ પ્રાર્થના રહેવી જોઈએ, એ વૃત્તિ લઈને મેં એક વર્ષ હરિજનયાત્રા કરી. એ. આખી યાત્રાનું કેન્દ્ર હરિજનો માટે મંદિરપ્રવેશ થઈ પડ્યું. હરિજનો મંદિરપ્રવેશ ઇચ્છે કે ન ઇચ્છે એ વાત નથી — જોકે ત્રાવણકોરે તો બતાવ્યું છે કે લોકો પ્રવેશ ઇચ્છે છે જ — પણ આપણો એ ધર્મ છે… એટલે મેં પોકારી પોકારીને કહ્યું કે જે મંદિરોમાં હરિજનોને પ્રવેશ ન હોય તેમાં આપણાથી ન જવાય. હવે આમ છતાં એવા મંદિરમાં મારી પત્ની અને જેને મેં મારી દીકરી માની છે એવી બહેનો ચાલી જાય એ મારાથી કેમ સહન થાય?… જ્યારે આશ્રમની પણ બહેનો મંદિરમાં ચાલી ગઈ એમ મને ખબર પડી એટલે હું નિસ્તેજ થયો. મારું લોહીનું દબાણ લેતાં બહુ વધારે નીકળ્યું. પણ એ સંચા કરતાં મારું મન વધારે જાણતું હતું કે મારી કેવી સ્થિતિ છે. મને જે આઘાત પહોંચ્યો તેથી મગજની એક નસ તૂટી જાય તો નવાઈ નહીં. ગીતાની અનાસક્તિમાં માનનારો છતાં આવી વસ્તુઓની અસર મારા ઉપર ન થાય એવો હું બનવા નથી ઇચ્છતો. એ અનાસક્તિની સ્થિતિ સંપૂર્ણ પુરુષની સ્થિતિ વર્ણવે છે. આપણે તો એવી વસ્તુની અસર ન થવા દઈએ તો મૂઢ બનીએ. આપણે તો સાત્ત્વિકતાએ પહોંચવું છે, અને એ પહોંચવાને માટે બીજાનું દુ:ખ, બીજાનો અધર્મ જોઈને આઘાત પહોંચે એ આવશ્યક છે. જે ત્રણ બહેનો ગઈ એનો દોષ તો ઓછો હતો. દોષ એમાં મારો હતો, પણ વધારે દોષ મહાદેવનો હતો. એ એમાં ધર્મ ભૂલ્યા. એણે માન્યું કે એ લોકોની શ્રદ્ધા હું નહીં હલાવું, પણ એણે મારું દુ:ખ તો જાણવું જોઈતું હતું. એ લોકોનાં કૃત્યનાં સામાજિક પરિણામનો તો વિચાર કરવો જોઈતો હતો. હું નિસ્તેજ બન્યો. બા મંદિરમાં ન ગઈ હોત તો હું પાંચ ગજ ઊંચો ચડત. તેને બદલે નીચો પડ્યો. જે શક્તિથી મારું કામ ચાલી રહ્યું હતું તેનો હ્રાસ થઈ ગયો હોય એમ મને લાગ્યું. એ લોકોનું તો અજ્ઞાન જ હતું એ વિશે શંકા નથી. પણ એમને અજ્ઞાન રાખનાર કોણ? આપણે જ ના? આપણો ધર્મ છે કે અહિંસાથી, પ્રેમથી, એમને સમજાવીએ. એમના અજ્ઞાનને ન ફેડવામાં અહિંસા નથી, હિંસા છે; ધર્મ નથી, અધર્મ છે…

આજે હરિજનો પણ માને છે કે આપણે એમને ઠગી રહ્યા છીએ. માને જ, કારણ આપણે તો મંદિરમાં જતા રહીએ, એ લોકોને જ્યાં પ્રવેશ ન હોય તેવાં સ્થાનોનો ઉપયોગ કરતા રહીએ તો એ લોકો શી રીતે માને કે હરિજનોને આપણે અપનાવ્યા છે? આપણે તો ત્યારે જ એમની ખાતરી કરી શકીએ જ્યારે આપણે સૌએ — આપણાં માબાપે, પતિપત્નીએ, સગાંવહાલાંએ અસ્પૃશ્યતા સંપૂર્ણપણે છોડી હોય.’૨

પહેલાં ઉદ્ધૃત કર્યો છે તે જ લેખમાં મહાદેવભાઈ પોતાની દશાનું વર્ણન કરે છે:

મારી દશા શું કહું? હું આ ભાષણથી ટાઢો પડવાને બદલે ઊકળ્યો. મને થયું, અસ્પૃશ્યતા જેવા પ્રશ્નમાં મારી આવી ગંભીર ગેરસમજ થઈ હોય તો હું ગાંધીજીના વિચારને સમજાવનાર કોણ? હું જ આટલો ત્રાસ, ભલેને અજાણ્યે, આપું તો બીજાને રોકનાર હું કોણ? બીજી તરફથી મને એમ પણ થયું કે ગાંધીજીનો ક્લેશ વધારે પડતો છે. એઓ શા સારુ પોતાને નિસ્તેજ બનેલા માને? સૂરજની આસપાસ વાદળાં ફરી વળે તેથી કાંઈ તે નિસ્તેજ થતો હશે? ગમે તેમ હો, પણ મને થયું કે ‘નીકળ જીવ, તારું સ્થાન બાપુ પાસે નથી.’ મેં રાત જાગતાં ગાળી, પ્રભાતે ચિઠ્ઠી લખીને મને વિદાય દેવાને ગાંધીજીને વીનવ્યા. આથી એમને અધિક દુ:ખ થયું.૩

ગાંધીજીથી વિદાય માગતી મહાદેવભાઈની ચિઠ્ઠીના જવાબમાં ગાંધીજીએ સણસણતો જવાબ લખ્યો:

સવારના પહોરમાં શી ભેટ? પણ એક ભૂલ પણ તરત ન સુધારાય ત્યાં લગી ઉપરાઉપર બીજી થયા જ કરે. આમ છતાં હજારો ભૂલો સહન કરીશ પણ મારાથી તમારો ત્યાગ થનાર નથી. ભક્તોને હાથે મરવું ભલું, અભક્તને હાથ તરવુંય મરવા સમાન છે. એટલે તમારે જવાપણું તો નથી જ.

હવે તમારી ભૂલો ગણાવું

મને દુર્ગા કે વેલાંબહેનનો વાંક વસતો જ નથી. બાએ તો પ્રાયશ્ચિત્ત કર્યું. અપવાસ કરીને નહીં પણ અતિ સરળપણે. પોતાનો દોષ મારી પાસે કબૂલ કરીને. પંચાવન વર્ષનો પવિત્ર સંબંધ તેણે કાલે વધારે પવિત્ર કર્યો.

પણ તમે? દુર્ગા પ્રત્યેના અંધ પ્રેમે કે તમારી બેદરકારીએ તેને અધર્મના માર્ગે જવા દીધી. પછી જ્યારે મારું દુ:ખ જાણયું ત્યારે વગર વિચારે અપવાસ આદર્યા. કુવિચાર કે અવિચારનું નિવારણ અપવાસ નથી, સુવિચાર છે. જ્યારે અપવાસનું જાણ્યું ત્યારે તમને ચેતવ્યા, પણ તમે અપવાસ ન જ છોડ્યો. તમને અપવાસ કરવાને બદલે વિચારવાનું કહ્યું, તમે વિચાર્યું નહીં. મારી પાસેથી સમજવાનો પ્રયત્ન સરખોય ન કર્યો. કાલે તમને અતિશય પ્રેમપૂર્વક પૂછ્યું,’ મહાદેવ, હું બોલ્યો તે સમજ્યા?’ જવાબ આપ્યો તે બરોબર ન હતો. આચાર એથીયે ખરાબ… મારું કાલનું કથન સોંસરવું ઊતર્યું હોત તો તમે આજે સંઘ લઈને પુરી જાત ને પુરી હલાવતે. મારી ધગશ પણ કેવી નબળી કે મને આ પગલું પ્રથમ જ ન સૂઝ્યું. તમે ધર્મ દીવા જેવો સમજ્યા હો તો હું એક દિવસની રજા પણ આપું ને કોઈ લોકો તૈયાર થાય તેને લઈ જવા દઉં. આજે પણ થાય તો કરવા જેવું ખરું…

તમારું કવિત્વ તમને કેટલીક વાર બહુ અંધારામાં રાખે છે. તમારા કાગળમાં કાયરતા સિવાય કશું નથી. તમે મારો ત્યાગ કરો પછી પ્યારેલાલ રહે કે? પ્યારેલાલ જાય એટલે સુશીલા રહે? એની અસાધારણ બુદ્ધિનું મારે શું કામ? એવી બુદ્ધિ છે તે મારી પાસે કટાઈ જાય એ ભયથી કેટલીક વાર હું દુ:ખી થાઉં છું, પણ એટલું તમને કેમ નથી સૂઝતું કે તમને ત્યાગીને એ બધાંનો ત્યાગ સહેજે થઈ જાય? એ બધા ભાગી જાય. લીલાવતી ગાંડી જ થઈ જાય. છતાં નસીબે એ હશે તો એ પણ સહન કરીશ. પણ તમને કે કોઈને હું તો નહીં ભગાડું. કોઈ ભાગશો તો તેને રોકવાની મારી શક્તિ શી? આ પ્રકરણમાંથી તમે અંતરમાં કાવ્ય નિપજાવો. ભૂલ થઈ હોય તો તે સુધારો. ભૂલ ન લાગે તો મારી પાસેથી સમજો. મારી ભૂલ જણાય તો મને સુધારો. આ નથી રડવાનો સમય, નથી અપવાસનો. તમે વાચન ઓછું કરો, વિચાર વિશેષ કરો. અહીં જે જે થયું છે તે ઊંડા ઊતરીને જુઓ. સુશીલાની — પ્યારેલાલની બુદ્ધિનો તમે પોતે જ ઉપયોગ કરો ને તમારી ઉપરથી ભાર ઓછો કરો. લીલાવતીની પાસેથી પણ કામ લો. આ કિસ્સો મને સૂચવે છે કે તમે બાહ્ય પ્રવૃત્તિના બોજામાં કચરાઈ જઈ વિચાર ઓછો જ કરો છો ને પરિણામે ‘ઇન્ટરપ્રિટ’ કરવાનું પણ ઓછું જ થશે…૪

ઉપરના પત્રમાં ગાંધીજીની કઠોરતાનાં ઠીક ઠીક દર્શન થાય છે, પણ એમની કોમળતા પણ કાંઈ છાની રહેતી નથી. એ પત્રમાં તેમણે જાણીને કે અજાણતાં એક એવી દલીલ કરી હતી કે મહાદેવની સામે બ્રહ્માસ્ત્ર નીવડે. એમણે મહાદેવના જવાથી ડૉ. સુશીલા પણ જાય એ વાત યાદ દેવડાવી. જ્યારે ગાંધીજીની તબિયત ખરાબ જ હતી ત્યારે ડૉ. સુશીલા એમનો સાથ છોડીને જાય એ મહાદેવભાઈ કલ્પી પણ શી રીતે શકે?

મહાદેવભાઈએ ગાંધીજીને છૂટા થવાની રજા માગતી ચિઠ્ઠી આપી પછી દુર્ગાબહેન અને નારાયણ સાથે પણ આ અંગે વાત કરી. નારાયણને કહ્યું: ‘બાબા, આપણે દિહેણ જઈશું, હું ખેતી કરીશ ને તને ભણાવીશ.’ બાબલાએ એમને ઘસીને ના પાડી: ‘તમારે જવું હોય તો જજો, હું તો નથી જવાનો.’ દુર્ગાબહેને પણ ગાંધીજીનો સાથ છોડવાના વિચારને ટેકો ન આપ્યો.

મહાદેવભાઈએ કયા વિચારે મન સાથે સમાધાન કર્યું તેની વાત પેલા જ અગ્રલેખના છેલ્લા ભાગમાં આવે છે કે:

ગાંધીજીનાં વેણો મને તે સમયે આકરાં લાગ્યાં, હું બહુ દુ:ખી થયો.

રહેવું સોહ્યલું રે, સંતની સાથે સ્વર્ગે જઈને, જીવવું દોહ્યલું રે, સંત નિકટ પૃથ્વી પર રહીને.

એ ભાવની અંગ્રેજી કડીના ભણકારા મારા કાનમાં વાગતા હતા અને મને સતાવતા હતા. ફરીફરીને મને થતું હતું કે આ બધું થોડી ગેરસમજમાંથી નથી ઊપજ્યું? મોટાં મોટાં પાપને શિવજી હલાહલ પી ગયા તેમ પી જનાર બાપુ આવા એક બુદ્ધિદોષ ઉપર આટલા શા સારુ વલોવાયા હશે? આમ તે રજનો ગજ થતો હશે? અને ન કરે નારાયણ ને એમાંથી કશું થઈ જાય તો જગતની આગળ હું શું મોં બતાવું? બા શું મોં બતાવે? દુર્ગા શું મોં બતાવે?

આ મારી તે કાળની લાગણી છે. આજે સ્વસ્થ થઈને વિચાર કરું છું ત્યારે થાય છે કે હું એમની પરીક્ષા કરનાર કોણ? મને જે રાઈ લાગે તે એમને પહાડ લાગે તો? તંદ્રારહિત રહીને પચાસ પચાસ વર્ષો થયાં ધર્માચરણ કરનાર ધર્મ વધારે સમજે કે રાગદ્વેષથી ભરેલો હું ધર્મ સમજું? અને એમની સાથે રૂસણું શું? એમની પાસેથી જઈને ક્યાં જવાપણું હતું? એમને સંતનું પદ આપીને સ્વર્ગના દેવતા બનાવવા એ ન્યાય કહેવાય? એ તો પોતાને દેવતા કદી માનતા નથી. મહાત્માયે નથી માનતા. આપણા જેવા કાળા માથાના માનવી માને છે, અને એટલા માટે જ એમની સાથે રહી શકાય છે. કોઈ વાર એમનો તાપ ઉગ્ર થાય તેથી કેમ કંટાળાય? અને કંટાળીને ભાગીએ, કે એ તાપમાં ભગવાન આપણને પણ ખાખ કરી નાખે એમ માગીએ?

વધારે સ્વસ્થતાથી વિચારતાં થાય છે કે એમના જેવા ઉગ્ર સુધારક બીજી રીતે કેમ વર્તે? એમણે ભલે અમને આકરા ડામ દીધા — વચનના નહીં, પણ પોતે ભાંગી પડવાની સ્થિતિ આણી મૂકીને — પણ એ ડામે કાંઈ જાગ્રત પણ ઓછા કીધા? આખું વાતાવરણ જે ત્રણચાર દિવસ થયા અહિંસાના ભેદો ખોલવાના પ્રયાસોથી ભરાઈ ગયું હતું તેમાં વળી અહિંસાના આ એક નવા પ્રયોગથી વીજળીની જેમ નવું અજવાળું પડ્યું. શુદ્ધ ધર્મરૂપે લાગતી, પણ જગતની દૃષ્ટિએ નજીવી જણાતી બાબત માટે પ્રાણ ત્યજવાને તેઓ તૈયાર છે એ સૌએ ફરી એક વાર જોયું. સેવાધર્મ તો પરમ ગહન છે જ, પણ હરિજનોની સેવાનો ધર્મ એથીયે વધારે ગહન છે એમ સૌ જોઈ શક્યા. અને એમણે પોતાને ધગાવીને ‘જગાવેલી: જ્યોતમાંથી ચિનગારીઓ લઈ સૌ પાછા વળ્યા.૫

આજથી પચીસ વર્ષ ઉપર જ્યારે ડેલાંગના ગાંધી સેવા સંઘનો આ પ્રસંગ આ લેખકે પોતાના સ્મરણોની પુસ્તિકા संत सेवतां सुकृत वाधेમાં લખ્યો, ત્યારે એક જ ટિપ્પણી કરી હતી:

‘કાકાના સ્વર્ગવાસ પછી શ્રી ઝવેરચંદ મેઘાણીએ એમને વિશે જે લેખ લખ્યો હતો તેનું મથાળું આપ્યું હતું: “અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ” એ મથાળું આ પ્રસંગે શબ્દશ: સિદ્ધ થતું હતું.’૬

નોંધ:

૧. गांधीजीनो अक्षरदेह – ૬૬ : ૪૧૩-૪૧૪.

૨. મહાદેવ દેસાઈ: हरिजनबंधु. ૧૦ એપ્રિલ, ૧૯૩૮, પૃ. ૩૬-૩૭માંથી સારવીને.

૩. મહાદેવ દેસાઈ: हरिजनबंधु. ૧૦ એપ્રિલ, ૧૯૩૮, પૃ. ૩૭.

૪. गांधीजीनो अक्षरदेह – ૬૬ : પૃ. ૪૫૦-૪૫૧.

૫. એજન, પૃ. ૩૭-૩૮.

૬. નારાયણ દેસાઈ: संत सेवतां सुकृत वाधे (બીજી આવૃત્તિ): પૃ. ૬૧.