અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/તેર – એક ધર્મયુદ્ધ

તેર – એક ધર્મયુદ્ધ

ચંપારણમાં ગાંધીજી સાથે જોડાયા પછીનું મહાદેવભાઈનું સૌથી મોટું કામ અમદાવાદના મિલમજૂરો અને મિલમાલિકો વચ્ચે પડેલા વિવાદ અંગે ગાંધીજીએ કરેલા કામને દેશ અને દુનિયા આગળ ધરવાનું હતું.

મહાદેવભાઈને એમનો સ્વધર્મ મળી ગયો હતો. અને પ્રથમ ચરણે તેઓ તે કામમાં કેટલા પ્રવીણ નીવડવાના હતા તેની સર્વ એંધાણી મળતી હતી.

લગભગ એ જ કાળે ખેડા જિલ્લામાં ખેડૂતો દ્વારા ‘ના-કર’ આંદોલન કરવામાં આવ્યું હતું. ગાંધીજી એના પણ નેતા હતા. रघुवंशના દિલીપ રાજા જેમ ગાયની પછવાડે છાયાની માફક જતા, મહાદેવ પણ ઘડીકમાં અમદાવાદ તો ઘડીકમાં ખેડા જિલ્લામાં ગાંધીજીની પાછળ છાયાની માફક (छायेव ताम् अनुगच्छति) ફર્યા હતા. આટલી દોડાદોડ છતાં મહાદેવભાઈએ જે અહેવાલ આપ્યો તે એટલો સજીવ છે કે તે વાંચવાથી જાણે નજરોનજર જોતા હોઈએ એમ લાગે. એ વિવરણમાંથી છેવટે एक धर्मयुद्ध નામનું જે પુસ્તક તૈયાર થયું, તેનાં ભાષાંતરો અને પુનર્મુદ્રણ આજે સિત્તેર વર્ષે પણ પ્રગટ થાય છે.

ઔદ્યોગિક ક્ષેત્રમાં ૧૯૧૮નો અમદાવાદનો આ કિસ્સો, જેને હવે પછી આપણે ‘ધર્મયુદ્ધ’ જ કહીશું, તે એક ઇતિહાસ સર્જતી ઘટના હતી. જ્યારે હિંદુસ્તાનમાં મજૂર-આંદોલન જ્યાં અસ્તિત્વમાં હતું ત્યાં પણ તે હજી બાલ્યકાળમાં જ હતું, ત્યારે ગાંધીજીએ તેને સત્ય અને અહિંસાને આધારે ઊભું કર્યું અને એ જ નૈતિક ને આધ્યાત્મિક મૂલ્યોને આધારે અમદાવાદમાં મજૂરમહાજન જેવી સંસ્થા બની, જે એની વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓને લીધે તે ટાણે નવા ચીલા પાડનાર સંસ્થા હતી અને આજે પણ આ પ્રશ્નમાં રસ લેનારા સર્વ માટે એક નમૂનો પૂરો પાડે તેવી છે. સૌથી મહત્ત્વની વાત તો એમાંથી માલિક-મજૂરોના વિવાદોને હલ કરવાની, લવાદ નીમીને એની મારફત નિર્ણય કરાવી, લવાદનો ચુકાદો બંને પક્ષોને મંજૂર થાય એવી જે પરંપરા પડી એ હતી. મહાદેવભાઈએ પોતાના ઝીણવટભર્યા અહેવાલ ઉપરાંત સાથે સાથે એ આંદોલનમાં અખત્યાર કરવામાં આવેલી વ્યૂહરચનાને એવી આવડતથી સમજાવી કે તેને લીધે અહિંસક આંદોલનમાં રસ ધરાવનાર સૌ કોઈને સારુ આજે જ નહીં, પણ ભવિષ્યમાં પણ एक धर्मयुद्ध પુસ્તક પાઠ્યપુસ્તક જેવું થઈ પડે તેમ છે. પુસ્તકની બીજી આવૃત્તિની દોઢ પાનાં કરતાં પણ ટૂંકી પ્રસ્તાવનામાં મહાદેવભાઈ આવા બે અમૂલ્ય પાઠ વાચકને અનાયાસ જ આપી દે છે:

૧. મૂડી જેમ ધન છે, તેમ મહેનત પણ ધન છે, બલકે વધારે અમોલું ધન છે. મિલ એ બંને ધનવાળાઓની સહિયારી માલિકીની જ હોઈ શકે.

ર. સહિયારી માલિકી મેળવવાની શક્તિ મજૂરોએ જ્યારે મેળવી હશે ત્યારે કદાચ ‘માલિકો’ મજૂરો પાસે માલિકી મેળવવા હડતાળ ન કરાવે, પણ પોતાની મેળે જ એમને ભાઈ કહીને ભેટશે અને તેમને ભાગીદાર બનાવશે.

અને આટલા વિધાનને અંતે મહાદેવભાઈ માર્ગદર્શન આપે છે:

‘અહિંસા જેવા અદ્ભુત ફળ… માટે ધીરજ જોઈએ, સંયમ જોઈએ, શિસ્ત જોઈએ, સંઘશક્તિ જોઈએ, સંઘનિષ્ઠા જોઈએ.’૧

આ પ્રસંગની પાછળ સત્યાગ્રહ આશ્રમનું તપ છે. તેથી સહજ રીતે જ મહાદેવભાઈએ આશ્રમમાં ગવાતી સવારની પ્રાર્થનામાંથી લીધેલા એક શ્લોકાર્ધ: ‘कामये दु:खतप्नानां प्राणिनामार्तिनाशनम् ।’ અને ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’થી પુસ્તકનો પ્રારંભ કરે છે અને સમજાવે છે કે આ બંને વચનો જેટલાં સાદાં છે તેટલાં જ ગંભીર છે. એમાં મમત્વ કે અભિમાનનો અંશ નથી રહેલો, પ્રવૃત્તિમાત્ર એક ઇષ્ટ પ્રવાહમાં જ વહે તેવી તીવ્ર વાંછના જ એમાં રહેલી છે.

આ શ્લોક અને ભજન પર તો અનેક ટીકા-ટિપ્પણીઓ લખાઈ છે. ગાંધીજીએ વૈષ્ણવ જન ભજનને ચલણી બનાવેલું ત્યાર પછી એ જ મથાળા હેઠળ એકથી વધારે પુસ્તકો લખાયાં છે. પણ મહાદેવભાઈ આ બે ઉદાહરણો સાથે ટાંકીને એનું જે વિવેચન કરે છે તેમાં મહાદેવભાઈના જીવને હજી થોડા જ માસ પહેલાં લીધેલ એક મહાન વળાંકનું સૂચન નથી આવી જતું? એમનો નિરભિમાની, નમ્ર સ્વભાવ, પારકાની પીડા જોઈને દ્રવી જાય તેવું તેમનું હૃદય એમને ઇષ્ટ પ્રવાહમાં પ્રવાહિત કરી રહ્યું છે, એનું સહજ સ્મરણ વાચકને પુસ્તક ઉઘાડતાંની સાથે થઈ જાય છે. પણ મહાદેવભાઈને પોતાની વાત કહેવામાં રસ નથી, એમને તો ગાંધીજીને છતા કરવામાં રસ છે. તેથી જ એના પછીનાં વાક્યોમાં તેઓ એક એવો સિદ્ધાંત કહી દે છે, જે ગાંધીજીના ગયા પછી સત્યાગ્રહને નામે યોજનાપૂર્વક કરવામાં આવતા ત્રાગાને પડકારે છે. મહાદેવભાઈ કહે છે:

‘ … માટે જ ખરા સત્યાગ્રહીએ પોતાનાં આચારસૂત્રો બનાવેલાં છે. મમત્વ કે અભિમાનથી તે સત્યાગ્રહનું ક્ષેત્ર શોધવા નથી જતો; સત્યાગ્રહના વિષયો આપોઆપ જ તેને મળી રહે છે, અને સત્યાગ્રહીને તે હાથ ધર્યા વિના ચાલતું જ નથી.’૨

પ્રવાહપતિત જે પરિસ્થિતિ સામે આવે તેનો સત્ય-અહિંસાને સુકાન બનાવી સામનો કરવો, અને એટલી જ મહત્ત્વની બીજી વાત એ કે, આવેલી પરિસ્થિતિનો સત્યાગ્રહી મુકાબલો જ કરે, એનાથી છટકી જવા પ્રયત્ન ન કરે.

ગાંધીજીની પ્રવૃત્તિનું વર્ણન કરતાં કરતાં મહાદેવભાઈ અમદાવાદમાં ઔદ્યોગિક ક્ષેત્રના તે કાળના કોયડાનો ઇતિહાસ પણ કહી દે છે. ૧૯૧૭માં પ્લેગ હતો ત્યારે સાળખાતાવાળા મજૂરોને, તેઓ કામ પર ચાલુ રહે એટલા સારુ પ્રલોભન તરીકે ‘પ્લેગ બોનસ’ આપવામાં આવ્યું. એ મહામારીનો ભય ટળ્યો ત્યાં સુધીમાં મોંઘવારી એટલી જાલિમ વધી કે જીવનજરૂરિયાતની પ્રાથમિક ચીજવસ્તુઓના ભાવો બમણાથી ચોગણા થઈ ગયા હતા. માલિકો આ બોનસ એકાએક બંધ કરવાનો વિચાર કરતા હતા તેથી મજૂરોમાં ખળભળાટ જાગ્યો હતો. તેમણે મિલમાલિકોના નેતા અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન મજૂરનેત્રી અનસૂયાબહેનને કહ્યું કે મોંઘવારી ઓછામાં ઓછી પગારના ૫૦% જેટલી તો મળવી જ જોઈએ. માલિકો તેમ ન કરતાં બોનસ ખતમ કરવા માગતા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈ ‘અમદાવાદના દિલસોજ કલેક્ટર [મિ. ચેટફિલ્ડ(?)] સાહેબે’ એક પત્ર દ્વારા ગાંધીજીને મળવા બોલાવ્યા. તે પહેલાં અંબાલાલભાઈ પોતાની વાત ગાંધીજીને સમજાવી ચૂક્યા હતા અને ગાંધીજીને વચ્ચે પડવાની વિનંતી કરી ચૂક્યા હતા. મજૂરનેતાઓ તો ગાંધીજી આ પ્રશ્નમાં રસ લે એમ ઇચ્છતા જ હતા, તેથી ગાંધીજી આ પ્રશ્નમાં ઊંડા ઊતરે છે. બંને પક્ષોની વાત સમજી લે છે. બંને પક્ષોને આ પ્રશ્ન લવાદને સોંપવાનું ગાંધીજી સમજાવે છે. બેઉ પક્ષે ત્રણ ત્રણ જણ રહે અને સરપંચ કલેક્ટરસાહેબ બને એમ ઠરે છે. પછી ગાંધીજી ખેડા જાય છે. અહીં અમદાવાદમાં કાંઈક ગેરસમજૂતીને કારણે કેટલીક મિલોમાં હડતાળ પડે છે. એના જવાબમાં માલિકો વળતી ‘તાળાબંધી’ જાહેર કરવાનું વિચારે છે એવા સમાચાર અનસૂયાબહેન ગાંધીજીને આપે છે, અને ગાંધીજી ખેડાના કામની જવાબદારી વલ્લભભાઈને સોંપીને અમદાવાદ દોડી આવે છે. સાથે મહાદેવ ખરા સ્તો!

મહાદેવ કહે છે કે ગાંધીજીએ જોયું કે પંચ નિમાયા પછી મજૂરોએ લીધેલું આ પગલું ગેરવાજબી હતું. તરત તેમણે મિલમાલિકોને બનેલી બાબત ખાતર પોતાની દિલગીરી પ્રગટ કરી અને મજૂરો ભૂલ સુધારી લેવાને તૈયાર હતા એમ તેઓને જાહેર કર્યું. પોતાની તરફે ટિપ્પણી કરતાં મહાદેવભાઈ કહે છે કે:

‘આ પ્રસંગે એટલું કહી દેવું જોઈએ કે મિલમાલિકોની પણ આમાં કાંઈ કસૂર થઈ ન હતી એમ નહીં, પણ ગાંધીજીએ પોતાના પક્ષની (તેઓ મજૂરો તરફે નિમાયેલા પંચ પૈકી એક હતા) કસૂરને જ મહત્ત્વ આપ્યું, અને તે સુધારી લેવાની તત્પરતા બતાવી’૩

માલિકોને એ વાત ગળે ન ઊતરી. તેમણે તો પંચ નિમાયા પછી મજૂરોએ હડતાળ પાડી એટલે તત્કાળ પંચ તૂટે છે એવો આગ્રહ કર્યો અને પોતે પંચથી બંધાયેલા ન હોવાને લીધે, વીસ ટકા વધારો લઈને કામ કરવા મજૂરો રાજી ન હોય તો તેમને કાઢી મૂકવાનો નિશ્ચય કર્યો. આ સ્થિતિ અટકાવવા ગાંધીજીએ અથાગ પ્રયત્ન કર્યા તે છતાં માલિકો એકના બે ન થયા.

ગાંધીજી ત્યાર બાદ મજૂરોને વારંવાર મળ્યા. મજૂરોને મળતી રોજી, ચીજવસ્તુઓના ભાવ, મુંબઈના મિલમજૂરોને મળતી રોજી વગેરેની ઝીણવટથી તપાસ કરી. આ સંદર્ભમાં શ્રી ખંડુભાઈ દેસાઈ, જેઓ પાછળથી આ દેશના મજૂરપ્રધાન બનેલા, તેમણે આ લેખકને કહેલો એક પ્રસંગ ટૂંકમાં વર્ણવવો અસ્થાને નહીં ગણાય. તેમણે કહ્યું: ‘અમે બધાએ મિરઝાપુરના બંગલામાં બેસીને દરેકેદરેક વસ્તુનો ખૂબ સૂક્ષ્મ અભ્યાસ કર્યો. છેવટે અમે એ નિર્ણય પર આવ્યા કે આજના સંયોગોમાં ૩૫% મોંઘવારીની માગણી કરવી એ યોગ્ય છે. પછી અમારામાંથી એક મજૂરનેતાએ કહ્યું, “આપણે ૫૦%ની માગણી કરો, એટલે માલિકો બાંધછોડ કરતાં કરતાં ૩૫% તો આપશે જ!” ગાંધીજી એ વાત સાંભળતા હતા. એમણે તરત કહ્યું, “તમે બધી ગણતરી કરીને ૩૫% ઉપર આવ્યા છો ને? તો ૩૬% માગશું નહીં, અને ૩૪% સ્વીકારીશું નહીં.” મારે સારુ સત્યાગ્રહીની નીતિનો આ પહેલો પાઠ હતો.’

ગાંધીજીએ ૫૦%ની માગણી કરનાર મજૂરો અને મજૂરનેતાઓને પણ સમજાવ્યું કે સત્યાગ્રહી સત્યથી વધુ માગે નહીં, અને સત્યથી ઓછું સ્વીકારે નહીં.

મહાદેવભાઈ આગળ જતાં કહે છે:

‘બંને પક્ષમાં આગ્રહનું તત્ત્વ તો અત્યાર અગાઉનું દાખલ થઈ ચૂક્યું હતું. તાણાવાળાઓએ જ્યારથી પોતાનું મહાજન બાંધ્યું ત્યારથી જ મજૂરોમાં ઐક્ય અને આગ્રહનાં બીજ નખાયાં હતાં. મજૂરોના ઐક્યની સામે થવાને મિલમાલિકોએ પણ એક ચક્ર (ગ્રૂપ) રચ્યું. આ પક્ષો વચ્ચે લગભગ પચીસ દિવસ સુધી સંપૂર્ણ રસાકસી છતાં કાંઈ પણ કડવાશ વિના જે લડત ચાલી રહી હતી, તેને આખું અમદાવાદ શહેર જ નહીં પણ આખું ગુજરાત અને કેટલેક અંશે આખો દેશ નીરખી રહ્યો હતો.’૪

આ લડતનું રહસ્ય સમજાવતાં મહાદેવભાઈ કહે છે કે, ગાંધીજીએ મજૂરોના જીવનમાં પ્રવેશ કરીને તેમના ઉત્સાહને રચનાત્મક દિશામાં વાળવા પ્રયત્ન કર્યો; તેમનાં સુખદુ:ખમાં ભાગીદાર થવા પ્રયત્ન કર્યો, મજૂરોને કાંઈ સલાહસૂચના લેવી હોય તો ગમે ત્યારે આવીને મળી શકે એવી ગોઠવણ કરી. રોજેરોજ એક જાહેરસભા કરવાની પરંપરા શરૂ કરી, અને લડતના સિદ્ધાંતો અને રહસ્ય સમજાવતી એક દૈનિક પત્રિકા કાઢી. આ પત્રિકાઓ અનસૂયાબહેનની સહીથી પ્રગટ થતી, પણ ગાંધીજી જ તે લખતા. રોજેરોજની પત્રિકા અને સાબરમતી નદીના તટ પર બાવળના ઝાડ નીચે અપાતાં વ્યાખ્યાનોનો મહાદેવભાઈ એવો અહેવાલ આપતા કે અમદાવાદ શહેર, ગુજરાત અને ‘કેટલેક અંશે’ આખો દેશ એની રાહ જોઈને બેસતો. આ અહેવાલોમાંથી એક દિવસનું વર્ણન કાંઈક ટૂંકાવીને આપણે ટાંકીએ:

‘જેમ મજૂરોને કામ પર લેવાના સર્વ પ્રયત્નો સામા પક્ષ તરફથી થવા માંડ્યા તેમ મજૂરોના પક્ષે મજૂરોને ટકાવી રાખવાના પણ પ્રયત્નો થવા માંડ્યા. મજૂરોમાંના કેટલાક અતિ ઉત્સાહીઓ નબળાઓની ઉપર કાંઈક દબાણ ચલાવીને પણ તેમને કામ ઉપર ચડતાં રોકે છે એવી ફરિયાદ ગાંધીજીને કાને આવી. ગાંધીજી આ તો સાંખી શકે એમ હતું જ નહીં. તેઓ તો કહેતા જ આવ્યા હતા કે, મજૂરોનાં હૃદયની ઉપર, મજૂરોની લાગણી ઉપર અસર કરી તમે તેને અટકાવી રાખો, તેમના ઉપર જુલમ કરીને નહીં. તુરત અતિશય પ્રામાણિકપણાથી ઊભરાતી પત્રિકા બીજે દિવસે કાઢવામાં આવી:

‘મજૂરોની લડતનો આધાર કેવળ તેઓની માગણીના અને તેઓના કાર્યના ન્યાયની ઉપર રહેલો છે. જો માગણી વાજબી હોય તો મજૂરો જીતી શકે. માગણી વાજબી હોય પણ માગેલું મેળવવામાં અન્યાય વાપરે, જૂઠું બોલે, ફિસાદ કરે, બીજાઓને દબાવે, આળસ કરે તેથી સંકટ ભોગવે તોપણ તે હારી જાય.’૫

પણ કંઈક આ પત્રિકાથી, તો કંઈક રોજ રોજ ઊભા થતા સંજોગોને લીધે અણધાર્યું પરિણામ તૈયાર થતું હતું. આ પત્રિકાની અસર અતિ ઉત્સાહીઓ ઉપર કંઈક વિપરીત થઈ. ઘણાકોને તો મજૂરોને અટકાવી રાખવા પોતાના પ્રયત્નો માટે શાબાશી મળવાની આશા હતી. તેમને કાંઈક આઘાત પહોંચ્યો. મૂળ અણસમજુ વર્ગ, એટલે કેટલાકને આ નિખાલસ સલાહથી માઠું લાગ્યું. તેઓ તો નબળા મજૂરોને કહેવા લાગ્યા કે, ‘જેને જવું હોય તે જાઓ, માર્ગ ખુલ્લો છે, કોઈએ રોકી નથી રાખ્યા.’ જેઓ નૈતિક દબાણ વાપરતા હતા તેઓ નૈતિક દબાણ શિથિલ કરવા લાગ્યા. આથી ઘણા મજૂરોનાં મન ફેરવાયાં. કોઈ કેમ બોલવા લાગ્યું, કોઈ કેમ. મજૂરોની રોજની મુલાકાત લેવાને બહેન અનસૂયાબહેન, ભાઈ શંકરલાલ બૅંકર અને ભાઈ છગનલાલ ગાંધી નિયમિત જતાં જ હતાં. જે મજૂરોને મજૂરી કરવાનું મન હતું તેઓ આશ્રમમાં આવી મજૂરી કરી પોતાની મજૂરી મેળવતા હતા, પણ કેટલાક ખોટા પણ હતા. તેઓને મનમાં એમ થયા કરતું કે, ‘આપણે નકામા તણાઈએ છીએ. પ્રતિજ્ઞાથી કશું વળવાનું નથી. પ્રતિજ્ઞાઓ તો ખોટાં હવાતિયાં છે. ભૂખમરો આવ્યો છે, મજૂરી થતી નથી, મફતની સલાહ આપનારને કાંઈ દુ:ખ છે? દુ:ખ આપણને જ છે.’ પેલી તરફ મિલમાલિકો પોતાનાં હૈયાં વજ્ર જેવાં કરવા લાગ્યા હતા. પાંત્રીસ ટકા ન જ આપવા એવી હઠમાં તેઓ વધારે દૃઢ થતા જતા હતા અને તેમણે મજૂરોનો નિશ્ચય તોડવાને માટે પોતાના માણસો રાખ્યા હતા. આમ બાવીસ દિવસ વીતી ગયા હતા. ભૂખમરો અને મિલમાલિકોના જાસૂસ પોતાનું કામ કર્યે જતા હતા, અને શયતાન એમના કાનમાં ગણગણતો હતો કે, ‘દુનિયા ઉપર ગરીબોનો બેલી ઈશ્વર જેવું કાંઈ નથી અને પ્રતિજ્ઞાઓ તો ન ફાવતાંનાં મનામણાં છે.’ એક દિવસ ભાઈ છગનલાલ, જુગલદાસની ચાલીમાં રહેનાર મજૂરોને સવારની સભામાં આવવાની વિનંતી કરતા હતા. તેમને આવા જ કાંઈક ઉદ્ગારોથી કેટલાક મજૂરોએ વધાવી લીધા: ‘ગાંધીજી અને અનસૂયાબહેનને શું છે? તેઓને મોટરમાં આવવાનું અને મોટરમાં જવાનું, ખાસું ખાવાપીવાનું, પણ અમારા તો જીવ જાય છે, સભામાં આવ્યે કાંઈ ભૂખમરો ટળતો નથી.’ આ વચનો ગાંધીજીને કાને ગયાં. ગાંધીજીને કોઈ ટીકા કરે તે ન લાગે, કોઈ નિંદા કરે તે ન લાગે, પણ ખરી સ્થિતિસૂચક આ કડવા ઉદ્ગારોથી ગાંધીજીનું હૈયું વીંધાઈ ગયું. બીજે દિવસે સવારે સભામાં ગયા. સવારે તેમણે શું જોયું? અથવા તેમના અગાઉથી દુ:ખી થઈ રહેલા હૃદયે અને તેમની કરુણાર્દ્ર દૃષ્ટિએ શું જોયું? તેમના જ શબ્દોમાં કહીશું:

‘પોતાના મુખ ઉપર ઝળકી રહેલા અડગ નિશ્ચયવાળા હંમેશાં નજરે પડતા પાંચદશ હજાર મનુષ્યોને બદલે નિરાશાથી ખિન્ન મુખવાળા એકાદ હજાર માણસોને જોયાં,’૬

થોડા જ વખત ઉપર જુગલદાસની ચાલીવાળી વાત તો તેમના કાને આવી હતી:

‘મને લાગ્યું કે મજૂરોનો ઠપકો સાચો છે, આ પત્ર લખું છું એ હું જેટલું માનું છું, તેટલું જ હું ઈશ્વરી સત્તામાં માનનારો, પોતાનાં વચનો ગમે તે ભોગે પણ પાળવાને માણસ બંધાયેલો છે એમ પણ હું માનનારો. મને એમ પણ ખબર હતી કે, મારી સન્મુખ બેઠેલા માણસો ઈશ્વરથી ડરનારા છે, પણ આ અણધારી રીતે લંબાતી લૉકાઉટ તેઓનો હદ ઉપરાંત કસ કાઢે છે. હિન્દુસ્તાનમાં મારી બહોળી મુસાફરી દરમિયાન સેંકડો લોકો એક ઘડી પ્રતિજ્ઞા લે છે અને બીજી જ ઘડીએ તેને તોડે છે, એવું જે જ્ઞાન થયેલું તે તરફ પણ મારું દુર્લક્ષ ન હતું. મને એમ પણ જ્ઞાન હતું કે આપણામાંના ભલભલાઓને આત્મબળમાં અને પ્રભુમાં માત્ર એક ઝાંખી ઝાંખી અને અનિશ્ચયાત્મક માન્યતા છે. મને એમ લાગ્યું કે મારે માટે એ તો એક ધન્ય ચોઘડિયું હતું, મારી શ્રદ્ધાની કસોટી થતી હતી. તુરત હું ઊઠ્યો અને હાજર રહેલા માણસોને કહી દીધું કે, “તમે પ્રતિજ્ઞામાંથી પડો એ ક્ષણભર પણ હું સાંખી શકનાર નથી. તમને પાંત્રીસ ટકા મળે નહીં અથવા તો તમે બધાયે પડી ન જાઓ ત્યાં સુધી હું આહાર લેનાર નથી કે મોટર વાપરનાર નથી.” ’૭

આ પ્રતિજ્ઞા લેવાઈ કે તરત સભામાં શું શું થયું તેનું વર્ણન આપવાને માટે તો કવિની કલમ જોઈએ. સભામાં બેઠેલા પ્રત્યેક જણની આંખમાંથી ચોધાર આંસુ ચાલી રહ્યાં હતાં. પ્રત્યેકને એમ લાગી ગયું જણાતું હતું કે, કંઈક ગંભીર ભૂલ થઈ છે; ગાંધીજીને કાંઈક આપણી નબળાઈથી અથવા તો પાપથી ભારે આઘાત પહોંચ્યો છે; અને તે નબળાઈ કે પાપનું તેઓ પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર થયા છે. (તેઓ) પલકવારમાં બધી સ્થિતિ કળી ગયા અને એક પછી એક ઊઠીને બોલવા લાગ્યા: ‘અમે અમારી પ્રતિજ્ઞામાંથી કદી નહીં પડીએ. ગમે તે થઈ જાય, આકાશપાતાળ એક થાય, તોયે નહીં પડીએ. અમારામાંના નબળાઓને અમે ઘેર ઘેર જઈને સમજાવશું, અને કદી નહીં પડવા દઈએ. આપ આ ભીષણ પ્રતિજ્ઞા મૂકો.’૮ આ અસર એ લોકોના આટલા બોલવામાં જ ન સમાપ્ત થઈ, બપોર સુધીમાં તો થોકેથોક મજૂરો આશ્રમમાં આવવા લાગ્યા અને ગાંધીજીને દીન કરુણ વચને પ્રતિજ્ઞા છોડવાનું વીનવવા લાગ્યા. કેટલાક મજૂરો ઉત્સાહથી મજૂરી માગવા લાગ્યા; કેટલાકે મફત મજૂરી કરીને પોતાની મજૂરીના પૈસા, જે મજૂરી ન કરતા હોય અથવા ન કરી શકતા હોય તેને આપી દેવાને તૈયાર થયા. આશ્રમનો પણ તે દિવસ ધન્ય હતો. મજૂરોને ઉત્તેજન આપવા માટે કદી તાપ પણ ન સહન કરેલો એવા ભાઈ શંકરલાલ બૅંકર પણ ઈંટો, રેતી વગેરે ત્રણચાર દિવસ થયા ઉપાડવા માંડ્યા હતા. આજ તો બહેન અનસૂયા પણ જોડાયાં. આશ્રમનાં સ્ત્રીપુરુષો ઉપરાંત બાળકો પણ આમાં અતિશય ઉમંગથી ભાગ લેતાં હતાં. આ બધાંની કંઈક અવર્ણનીય અસર થઈ. મજૂરોનો ઉત્સાહ અને ઉમંગ તો માતો નહોતો. જે લોકો કરગરતા અને ફરિયાદ કરતા મજૂરીએ આવતા હતા, જે લોકો આવીને કામમાં બહુ આળસ કરતા હતા, તે લોકો હંમેશ કરતાં બમણું કામ બમણા તેજથી કરવા આવ્યા.’ મહાદેવભાઈ આગળ જણાવે છે કે, ‘એક બાજુએ જ્યારે આ ભાગ ભજવાઈ રહ્યો હતો, ત્યારે બીજી બાજુએ ગાંધીજીની સમક્ષ સંકડો મજૂરો, જુગલદાસની ચાલીવાળાઓ, જેમણે ગાંધીજીને મહેણું માર્યું હતું તેમને લઈને પોતાનો પશ્ચાત્તાપ જાહેર કરવા તથા ગાંધીજીની પ્રતિજ્ઞા છોડાવવા મથી રહ્યા હતા. “મહિનાના મહિના હડતાળ ચાલે તોયે અમે ના પડીએ, મિલ તજીને ગમે તે ધંધો કરીશું. મજૂરી કરીશું, ભીખ માગીશું, પણ પ્રતિજ્ઞા નહીં તોડીએ”, એવી બધા ખાતરી આપવા લાગ્યા. કેટલાકની તો લાગણી એટલી બધી ઉશ્કેરાયેલી હતી કે તેઓએ ગાંધીજીને કહી દીધું કે અનસૂયાબહેન, જેમણે પણ તે જ સભામાં નિરાહાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી, તેઓ, જે પ્રતિજ્ઞા પાછી ન ખેંચે તો અમે કાંઈ નવુંજૂનું કરીશું. એક જણ તો પોતાની કેડમાં જમૈયો ખોસીને આવેલો હતો. તેણે આત્મહત્યા કરવાની ધમકી આપી. આ મધુરી કરુણાજનક તકરાર એટલી તો લંબાઈ કે અનસૂયાબહેનને તો આહાર લેવાનું કબૂલ કરવાની ફરજ પડી.’

અંતે સાંજની સભા વિશે મહાદેવભાઈ કહે છે, ‘સાંજે પાંચ વાગ્યે મજૂરોની સભા બોલાવવામાં આવી હતી. આજની પત્રિકા “મજૂરી” વિશે હતી. મજૂરીના મહત્ત્વ વિશે, મજૂરીની પવિત્રતા વિશે, આટલું સરળ અને સોંસરું હૃદયમાં પહોંચી જાય એવું ગુજરાતી ભાષામાં આ પ્રથમ જ લખાણ છે.’૯ પછી મહાદેવભાઈ એ પત્રિકાનો થોડો ભાગ ટાંકે છે અને સાંજની સભાના ગાંધીજીના ભાષણનો ભાગ ટાંકે છે. પછી થયેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને કહે છે, ઉપર ટાંકેલા ઉદ્ગારોમાં ગાંધીજીએ પ્રતિજ્ઞા લેવાનું તાત્ત્વિક રહસ્ય અને પોતે લીધેલી પ્રતિજ્ઞાથી ઉત્પન્ન થયેલી સ્થિતિ એટલી તો જિજ્ઞાસા, ટીકા અને ચર્ચાનો વિષય થઈ પડી હતી કે તે વિશે કંઈ પણ કહેતાં પહેલાં ગાંધીજીના પોતાના જ ઉદ્દગારો એ સંબંધે જુદે જુદે પ્રસંગે કેવા નીકળ્યા છે તે જાણવાની જરૂર છે.

આટલું કહી મહાદેવભાઈ ગાંધીજીના ભાષણમાંથી બીજા બે ઉતારા આપી, વળી તે ઉતારાઓમાંયે અમુક અંશોને નાગરી લિપિમાં છપાવી એની ઉપર વિશેષ ભાર મૂકે છે.

છેવટે તેઓ વિવાદાસ્પદ મુદ્દાઓ લઈને તે અંગેની ગાંધીદૃષ્ટિ સમજાવવાનું ભાષ્યકારનું દુષ્કર કાર્ય કરે છે: ‘આટલું જોઈ લીધા પછી પ્રતિજ્ઞા સંબંધે થયેલી લોકચર્ચા વિચારીએ. હિન્દુસ્તાને હજુ સુધી લોકનેતાઓને ઉપવાસની પ્રતિજ્ઞા લેવા જેવા પ્રયોગો લોકસેવાર્થ કરતા જોયા ન હતા. પણ મનુષ્યના અધ:પાતને પ્રસંગે ભીષણ પ્રતિજ્ઞાઓ તેને ટકાવી રાખી શકે એ તો ગાંધીજીનો એક સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંત દક્ષિણ આફ્રિકામાં એમણે ઘણી વાર અમલમાં પણ મૂક્યો હતો. અહીંના લોકોને એ કેવળ નવો જ પ્રયોગ લાગ્યો. ગાંધીજી અવિવેક ન કરે એવું માનનારા કેટલાક એમ પણ માનવા લાગ્યા હતા કે, ગાંધીજીએ અકળાઈને મિલમાલિકોને દબાવવા ફિતૂર કર્યું છે. પ્રો. આનંદશંકર ધ્રુવે પહેલે જ દિવસે આવીને પ્રશ્ન પૂછેલો: “આ ઉગ્ર નિશ્ચય કર્યો છે તે આખા જીવનમાં વણાયેલા સૂત્રને અનુસરીને જ થયો હશે એમ હું જાણું છું. પણ તે शा माटे થયો છે તે જાણવા ઇચ્છું છું.” આ પછી ‘પ્રતિજ્ઞા’ના આધ્યાત્મિક રહસ્ય ઉપર જે ચર્ચા ચાલી તેમાં અહીં ઊતરવાનો ઇરાદો નથી. અહીં એટલું જ કહેવું બસ થશે કે આખી ચર્ચા દરમિયાન પ્રો. આનંદશંકરનું કહેવું એવું હતું કે, આવી પ્રતિજ્ઞાથી ઘડીક વાર મનુષ્યનું બાહ્ય વર્તન બદલાય, પણ મનુષ્યનું અંતર બદલાતું નથી. ગાંધીજી ખૂબ સમજાવવા મથતા હતા, પણ પ્રો. આનંદશંકરને ખાતરી નહોતી થતી જણાતી. મિલમજૂરોનો પ્રશ્ન જે અત્યાર સુધી સંકુચિત હતો તે હવે વિસ્તૃત થયો, તેમાં ગાંધીજીએ ભીષણ પ્રતિજ્ઞા લીધેલી હોઈ અત્યાર સુધી જે ગૃહસ્થો તટસ્થ હતા તેઓને પણ પોતાનું તાટસ્થ્ય તજવું પડ્યું. પ્રો. આનંદશંકરનો સંબંધ આ બાબતમાં આવી રીતે શરૂ થયો. બહારના — હિન્દુસ્તાનના જુદા જુદા ભાગના — લોકનેતાઓને પણ બહુ ચિંતા થવા લાગી અને કેમે કરી આ તકરારનો નિવેડો આવે તો સારું એમ સૌને થવા લાગ્યું.

‘મિલમાલિકોને પણ કાંઈ અસર થઈ ન હતી એમ નહીં. અલબત્ત, ઘણાક એમ માનતા હતા કે માલિકોને દબાવવા માટે ગાંધીજીનું આ એક ફિતૂર અથવા ત્રાગું છે. પણ અંબાલાલભાઈ, જેઓએ અત્યાર સુધી પોતાના કડક આગ્રહથી પોતાના માલિક-ભાઈઓને ટકાવી રાખ્યા હતા, તેમના હૈયાને આ બિનાથી સખત આઘાત પહોંચ્યો. તેઓ કલાકના કલાક આવીને ગાંધીજી પાસે બેસવા લાગ્યા, પ્રતિજ્ઞા છોડવાને વીનવવા લાગ્યા. ત્રીજે દહાડે તો એમની સાથે ઘણા મિલમાલિકો આવ્યા. સૌ ગાંધીજીના ઉપવાસ છોડાવવાને માટે આગ્રહી હતા પણ મજૂરોની પ્રતિજ્ઞા જળવાવાને એટલા આગ્રહી ન હતા.’ વળી મહાદેવભાઈ એક મહત્ત્વના મુદ્દા તરફ ધ્યાન ખેંચીને કહે છે, ‘પ્રતિજ્ઞાની આડકતરી અસર મિલમાલિકોને દબાવવાની થશે એ બાબત ગાંધીજીનું દુર્લક્ષ થયું ન હતું. વારંવાર તેઓ આ બાબત માલિકોને સમજાવવા લાગ્યા. પોતાના દરેક ભાષણમાં તેમણે સ્પષ્ટ કરીને કહ્યું કે, પ્રતિજ્ઞા માલિકો ઉપર થતાં દબાણને લીધે દૂષિત થાય છે છતાં તેનો મૂળ હેતુ તો મજૂરો પ્રતિજ્ઞાને કેટલું મહત્ત્વ આપે છે તે મજૂરોને બતાવવાનો અને તેમ કરી તેમને ટકાવી રાખવાનો જ છે.’૧૦

ઉપવાસ વખતે ઉપવાસનાં અનેક પાસાંની ચર્ચા થાય એ સ્વાભાવિક છે. તેમાંયે ગાંધીજી જેવા માણસના ઉપવાસ હોય ત્યારે તો વિશેષે કરીને. એવા અનેક મુદ્દાઓ દેશ ને દુનિયા આગળ યથાતથ રજૂ કરવા, એ સ્તો મહાદેવભાઈનું કામ હતું. એટલે તેઓ કહે છે:

‘ઘણા મિલમાલિકો ગાંધીજીને કહેતા કે, “આ વખતે तमारी खातर અમે મજૂરોને ૩૫ ટકા આપીએ.” ગાંધીજી ચોખ્ખી ના પાડીને કહેતા કે, “મારી દયાની ખાતર નહીં, પણ મજૂરોની પ્રતિજ્ઞાને માન આપીને, તેઓને ન્યાય આપવાની ખાતર ૩૫ ટકા આપો.”

ગાંધીજીની ખાતર ૩૫% આપવાની વાત અંગે જાહેર સભામાં તેમણે ઉચ્ચારેલા ઉદ્ગારો મહાદેવભાઈ ટાંકે છે:

‘મારે સારુ ૩૫ ટકા એ લોકો આપે એ તો મને સમશેરના ઝાટકા સમું લાગે છે. હું એ વિચાર જાણતો હતો, પણ હું પ્રતિજ્ઞા નહીં છોડી શક્યો, કારણ, મેં બીજો વિચાર કીધો કે ૧૦,૦૦૦ માણસો પડે એ તો ખુદાનો ખોફ કહેવાય. મારે સારુ અતિશય નીચાજોણું છે કે मारी खातर તમને ૩૫ ટકા આપે.’૧૧

ઉપવાસની ગાંધીજીના શરીર પર થતી અસરોનું વર્ણન ન કરે તો મહાદેવભાઈ ગાંધીજીના અંગત સચિવ શાના? ‘આમ ચર્ચા ચાલતી હતી અને ઉપવાસના દહાડા વધતા જતા હતા. ઉપવાસ ગાંધીજીના શરીરમાં શિથિલતા ઉત્પન્ન કરવાને બદલે, જાણે તેમની સ્ફૂર્તિમાં વધારો કરતો હતો,’ તેમને સમજાવવાના… અનેક દિશામાંથી પ્રયત્ન ચાલુ જ હતા. અંબાલાલ સારાભાઈની એક દલીલ મહાદેવભાઈ આમ ટાંકે છે: ‘આવી રીતે વારંવાર મજૂરો મનસ્વી રીતે અમારી સામે થાય અને તેમને બહારથી ઉત્તેજન મળે એ તો સહ્ય થઈ શકે એવું નથી. એમ થયા કરે તો મજૂરોમાં विनय જેવી કોઈ ચીજ જ રહે નહીં અને આવી રીતે અમારી અને મજૂરોની તકરાર વખતે હરવખત અમારે ત્રીજાની મધ્યસ્થી કરવી પડે એ અમને શોભાભરેલું નથી. એમાં અમારું માન રહેતું નથી. આપ જો ભવિષ્યમાં અમારો અને મજૂરોનો પ્રશ્ન અમારે માટે જ રાખી, હંમેશને માટે તમારા હાથ એ બાબતમાંથી ધોઈ નાખો તો અમે તુરત ૩૫ ટકા આપીએ.’ આ દલીલ વિશે મહાદેવભાઈ પોતાનો અભિપ્રાય આપતાં કહે છે કે, ‘આ માગણી તો બહુ ભારે પડતી હતી. અન્યાય, અનીતિ અને અત્યાચારને પ્રસંગે અંતરની પ્રેરણાથી ઝૂઝનાર ગાંધીજી આમ મજૂરોની સેવાનાં દ્વાર સદા માટે બંધ થવા દે, એ તો બની શકે એમ જ ન હતું. એટલે, સેવાવૃત્તિને સદા શીંકે મૂકવાની કબૂલાત આપી, મજૂરો માટે ૩૫ ટકા લેવાની અને ઉપવાસ છોડવાની વાત ન બની.’ બીજી દલીલોની વિગતો આપીને મહાદેવભાઈ ફરી પાછા એ જ મુદ્દા પર આવે છે: ‘બધી તકરાર દરમિયાન, પોતાના ઉપવાસથી માલિકો ઉપર દબાણ થાય છે એ વાત ગાંધીજીના મનમાંથી નહોતી ખસતી. એટલે માલિકોની પ્રતિજ્ઞા જાળવવાના કૃત્રિમ ઉપાયો સ્વીકારવા પણ તેઓ તૈયાર થયા. લડત પહેલાં બંને પક્ષ વચ્ચે જે પંચનું તત્ત્વ સ્વીકારાયેલું હતું તે પંચનું તત્ત્વ હજી પણ ગાંધીજીને તો કબૂલ જ હતું, ‘મજૂરોની પ્રતિજ્ઞાનો અર્થ જળવાય તો પછી પંચ કહે તે મજૂરો કબૂલ રાખશે,’ એમ ગાંધીજીએ સ્વીકારી લીધું. આથી સમાધાનનો મોટો રસ્તો નીકળ્યો, પરિણામે, મજૂરોની પ્રતિજ્ઞા જાળવવા પહેલે દિવસે ૩૫ ટકા વધારો, માલિકોની પ્રતિજ્ઞા જાળવવા બીજે દિવસે ૨૦ ટકા વધારો, અને ત્રીજે દિવસે મજૂરો અને માલિકોએ નીમેલા પંચ ઠરાવે તેટલા ટકા વધારો આવી દરખાસ્ત સમાધાનના આધારરૂપે રજૂ થઈ… પંચને તપાસ કરવા સારુ પૂરતી મુદત મળવી જોઈએ એમ સ્વીકારાયું અને આ મુદત ત્રણ મહિનાની હોવી જોઈએ એમ પણ બંને પક્ષ વચ્ચે ઠર્યું. … વચગાળાના સમયમાં ૨૭।। ટકા વધારો મળે એમ ઠર્યું.’૧૨

પંચ તરીકે જેમણે ઉપવાસ વખતે એ ઉપવાસના વાજબીપણા વિશે શંકા ઉઠાવેલી તેવા પ્રો. આનંદશંકરભાઈનું નામ આવ્યું. એમની પ્રામાણિકતામાં વિશ્વાસ ધરાવનાર ગાંધીજીએ તે તરત સ્વીકાર્યું. તે વિશે મહાદેવભાઈ કહે છે, આ તકરારમાં ઉપવાસની પ્રતિજ્ઞાના દિવસથી સક્રિય રસ લેનાર પ્રો. આનંદશંકરને માથે આ જવાબદારી વાજબી રીતે જ આવી પડી અને એમણે પ્રસન્ન મને સ્વીકારી. ગાંધીજીને મજૂરોની માગણી સાચી લાગતી હતી, માલિકો પોતાની ‘પ્રતિજ્ઞા’ની વાત કરતા હતા તેમાં રાજા પ્રજાને રંજાડીને વધુ કરવેરા નાખે અને પછી કહે કે આ મારી પ્રતિજ્ઞા છે, એના જેવું લાગતું હતું. પણ પોતાના ઉપવાસનું દબાણ થોડેઘણે અંશે પણ માલિકો ઉપર પડ્યું છે એ વાત એમની અહિંસાને ખૂંચતી હતી તેથી તેમના શબ્દો મહાદેવભાઈ (મજૂરોની સભામાં સમાધાન પહેલાં આપેલા ભાષણમાં) આમ ટાંકે છે: ‘બંનેની પ્રતિજ્ઞા મેં વિચારી, મારો રોજો વચ્ચે આડો આવ્યો. હું એમ એ લોકોને નહીં કહી શકું કે, હું માગું તે જ આપશો તો હું મારો ઉપવાસ તોડું. આ તો મારી નામર્દી કહવાય.’

સમાધાનથી સર્વ પક્ષોને હર્ષ થયો એની મહાદેવભાઈ નોંધ કરે છે. તેમાં કમિશનર મિ. પ્રેટે દર્શાવેલી ખુશીને થોડી વિગતવાર ટાંકે છે. ગાંધીજીએ પોતાનો હર્ષ પ્રગટ કર્યો તેમાં મુખ્ય વાત એ હતી કે આખી લડતમાં વૈરભાવ કે ખટાશ ખૂબ ઓછી હતી.

આ બાવીસ દિવસના સંઘર્ષ દરમિયાન જે ટીકાઓ — ખાસ કરીને ગાંધીજીના અનશનને લીધે થઈ હતી — તેનો વિગતવાર ઉત્તર આપવામાં મહાદેવભાઈ ઝાઝું પડ્યા નથી. એમને જીભાજોડીમાં રસ નહોતો. એમને રસ આ બાબતમાં ગાંધીજી શું કહે છે તે દુનિયા આગળ પહોંચાડવામાં હતો. તેથી તેઓ કહે છે કે, ‘આ ટીકાના ઔચિત્ય-અનૌચિત્યમાં ઊતરવાનો અહીં ઇરાદો નથી. ગાંધીજીએ પોતે એ બંને બાબત પોતાના આત્માની કેવી આકરી પરીક્ષા કીધી છે તે આ ટીકા કરનારાઓને જણાવી લેવું અસ્થાને નહીં ગણાય.’ અંબાલાલ સારાભાઈને લખેલા એક પત્રમાંથી કેટલાક ભાગો ટાંકી મહાદેવભાઈ ગાંધીજીના આત્મપરીક્ષણની વાત સમજાવે છે કે, ‘મને જમાડવાની ઇચ્છા કરતાં આપની ન્યાયવૃત્તિને વધારે માન આપજો. મજૂરોને ન્યાયથી મળશે તે વધારે પચશે.’૧૩ સમાધાનીને દિવસે સવારની સભાના ભાષણનું ટાંચણ: ‘હું જે તમારે માટે લાવ્યો છું તે આપણી પ્રતિજ્ઞાનો અક્ષર પાળવા માટે બસ થશે, આત્મા માટે નહીં. આત્માવાળા આપણે હજી નથી એટલે અક્ષરથી જ આપણે સંતોષ પકડવો પડશે.’ પણ ખરું આત્મપરીક્ષણ તો આશ્રમવાસીઓ આગળ: ‘ … એ સમાધાન મારી પ્રમાદરહિત સ્થિતિમાં હું જોઈ રહ્યો છું, અને જોઉં છું કે હું તે કદી નહીં સ્વીકારું એવું થયું છે. પણ તેમાં મારી ઉપવાસની પ્રતિજ્ઞાનો દીપ છે. …જેમ તે (પ્રતિજ્ઞા) અત્યંત ગુણોથી ભરેલી છે તેમ તેમાં દોષો પણ ઘણા છે. મજૂરોના સંબંધમાં તે ભારે ગુણોવાળી છે. અને તેનાં પરિણામ તે જ પ્રમાણે સુંદર આવ્યાં છે. માલિકોના સંબંધમાં તે દોષોવાળી છે. અને તેટલા પૂરતું મારે નમવું પડ્યું છે. મિલમાલિકો ઉપર મારા ઉપવાસનું દબાણ છે તે હું ગમે તેટલી ના પાડું પણ લોકોને લાગ્યા વિના રહે જ નહીં અને દુનિયા માને પણ નહીં. માલિકો આ મારી કનિષ્ઠ દશાને લીધે સ્વતંત્ર રહ્યા નથી, અને કોઈ માણસ દબાણ નીચે હોય ત્યારે તેની પાસેથી કંઈ લખાવી લેવું, તેની પાસે કંઈ શરત કરાવવી કે તેની પાસેથી કંઈ લેવું એ ન્યાય વિરુદ્ધ છે. સત્યાગ્રહી તેમ કદી કરે જ નહીં, અને તેથી મારે આ બાબતમાં નમતું મૂકવું પડ્યું છે. શરમમાં પડેલો માણસ શું કરી શકે? હું થોડી થોડી માગણી કરતો ગયો તેમાંથી તેમણે ખુશીથી જેટલી સ્વીકારી તેટલી જ મારે લેવી પડી. હું પૂરેપૂરી માગણી કરું તો તેઓ પૂરેપૂરી સ્વીકારે, પરંતુ તેમને આવી સ્થિતિમાં મૂકીને તેમની પાસેથી હું તે ન જ લઈ શકું. એ તો મારે ઉપવાસ તોડી નરકનું ભોજન કરવા બરોબર થાય, અને અમૃતનું પણ યથાકાળે ભોજન કરનારો હું તે નરકનું ભોજન કેમ કરી શકું?’

ગાંધીજીનો આટલો ઉતારો આપ્યા પછી મહાદેવભાઈ પૂછે છે, ‘આ પછી કંઈ વધુ ખુલાસાની જરૂર છે ખરી?’ અને તોયે ગાંધીજીની કૃતિને લૌકિક રીતે સમજાવવાની દૃષ્ટિએ કહે છે, ‘છતાં જેમને ખબર ન હોય તેમની માહિતીની ખાતર કહેવાની જરૂર છે કે પંચ ઠરાવે તેટલો વધારો સ્વીકારી લેવામાં પ્રતિજ્ઞાનો લેશમાત્ર ત્યાગ થયો નથી કારણ, સમાધાની પહેલાં, લડત દરમિયાન પણ, મજૂરપક્ષ તરફથી તો પંચની જ માગણી કરવામાં આવી હતી. અને તે માગણી સ્વીકારવાને મિલમાલિકોએ તૈયારી બતાવી ન હતી.’

મિલમાલિકોએ ગાંધીજી માટે દયાથી પ્રેરાઈને ગાંધીજીની માગણી સ્વીકારી અને તેથી મજૂરોની લડત રસ વિનાની થઈ ગઈ એવી ટીકાનો જવાબ આપતાં મહાદેવભાઈ કહે છે કે તે વાત પણ ભૂલભરેલી હતી. ‘સમાધાની પહેલાં મિલમાલિકોએ જે દલીલો કરી છે, અને એ દલીલો કરવામાં જેટલા દહાડા લીધા છે તે જ બતાવે છે કે મિલમાલિકોએ વગર વિચારે કેવળ દિલના દોલાપણાથી જ મજૂરપક્ષની માગણી સ્વીકારી ન હતી. વળી, આનંદશંકરભાઈનો ચુકાદો આવે તે પહેલાં તો મજૂરોને ઘણે ઠેકાણે ૩૫ ટકા અને ઘણે ઠેકાણે ૩૫ ટકાથી વધુ મળતા થઈ ગયા હતા. તે પણ બતાવે છે કે મિલમાલિકોને વહેલામોડા ઓછામાં ઓછા ૩૫ ટકા વધારો આપ્યે જ છૂટકો હતો.’ એમ પણ જણાય છે કે અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે મહાદેવભાઈની વકીલાત ખાસ ઝળકી નહોતી તે, ગાંધીજી જેવો અસીલ મળતાં મિલમજૂરોના રણક્ષેત્રમાં ખીલી ઊઠી હતી.

પણ પછીની દલીલમાં મહાદેવભાઈના વકીલ કરતાં તેમની માંહ્યલો ધર્મનિષ્ઠ સાહિત્યિક બોલતો જોઈ શકાય છે.

મિલમાલિકો તરફથી પ્રસિદ્ધ થયેલી છેલ્લી પત્રિકામાં અંબાલાલભાઈ પર શ્રીમતી એની બેસંટનો તાર — ‘For India’s sake, try persuade owners yield and save Gandhi’s life.’ (ભારત ખાતર માલિકોને માની જવા સમજાવો અને ગાંધીની જિંદગી બચાવો.) — ઉતારીને માલિકોએ પોતાની ઉદારતાથી ગાંધીજીની જિંદગી બચાવવાનો દાવો કર્યો હતો. તેને વિશે મહાદેવભાઈ કહે છે, ‘એને વિશે શું કહેવું? એ પત્રિકા અને મજૂરપક્ષની છેલ્લી પત્રિકા સાથે રાખી વાંચી જોવાની વાચકોને ભલામણ છે.’ અને પછી મહાદેવભાઈ ગાંધીજી પાસે આવેલ તાર-ટપાલના ઢગલામાંથી એકને આગળ ધરીને કહે છે, ‘ભાગ્યે જ કોઈને ખબર હશે કે એ જ દિવસે ગાંધીજીને અનેક તાર મળ્યા હતા તેમાં મિસ ફેરિંગ નામની એક ડેનિશ સાધ્વી તરફથી આવો તાર પણ આવ્યો હતો: ‘Greater love knoweth no man than that he layeth down his life for the sake of his fellowmen’ (પોતાના માનવભાંડુઓ સારુ પ્રાણ પાથરનાર પ્રેમ કરતાં મોટો બીજે પ્રેમ માણસ બતાવી શકતો નથી.)

પંચ શ્રી આનંદશંકરભાઈએ ચાર માસ અને વીસ દિવસ પછી ચુકાદો આપ્યો:

‘મિલમાલિકોએ કારીગરોને તકરારને લગતા બાકીના વખતના પગારમાં ૩૫ ટકા વધારો આપવો — એટલે કે, ૨૭।। ટકા આપતાં બાકી રહેલી રકમ તેઓએ કારીગરોને આપવી.’ આ ચુકાદાથી જે નિશ્ચય વડે ગાંધીજીએ મજૂરોને કહેલું કે, ‘પંચ પાસેથી પણ આપણે ૩૫ ટકા લઈ શકીશું.’ તે નિશ્ચય સાચો ઠર્યો.

આખી લડત વિશે મહાદેવભાઈનો અભિપ્રાય: ‘ગાંધીજીના પુણ્યપ્રતાપે અમદાવાદે અને અમદાવાદને નિમિત્તે હિંદુસ્તાને — આ સીધી, સુંદર અને નિર્દોષ લડતનો લહાવો લીધો. અગાઉ ઘણીએ વાર હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં મિલમાલિકો અને મિલમજૂરો વચ્ચે લડતો થઈ છે, પણ તેમાંની એકે લડત આની માફક સ્વચ્છ સાધનોથી, ધનના નહીં પણ કેવળ સંકલ્પના બળે અને સંપૂર્ણ મીઠાશથી ચાલી નથી, કોઈ પણ લડતનું પરિણામ આ લડતના પરિણામ જેટલું બંને પક્ષને હિતકર અને ઉન્નતિકર થવાનો અથવા તેથી કોઈ પણ ગંભીર પરિણામ ઉત્પન્ન થવાનો એટલો બધો ઓછો સંભવ રહ્યો છે કે તેની આજે કલ્પના કરવી મુશ્કેલ છે.’૧૪

આ પ્રસંગે મહાદેવભાઈએ માત્ર નોંધો અને લેખો દ્વારા જે ભાગ ભજવ્યો એનું મહત્ત્વ કોઈ પણ સાધારણ વૃત્તપત્રકાર કરતાં અનેકગણું ચડી જાય તેવું હતું. ગાંધીજીએ જાહેરમાં આપેલાં પ્રવચનો, એમણે અંગત રીતે કરેલી વાતચીત કે વાટાઘાટો, અને કોઈ કોઈ વાર એમનો પત્રવ્યવહાર, ત્રણેયમાંથી લોકોનું આ પ્રશ્ન અંગે સાચું શિક્ષણ થાય એ દૃષ્ટિએ જરૂરી લાગ્યું તેટલું સાહિત્ય તેમણે લેખ દ્વારા પ્રગટ કર્યું. વળી એક કુશળ સેનાપતિ જે રીતે લડતનું પૃથક્કરણ કરે તે રીતે લડતના જુદા જુદા તબક્કે એનું પૃથક્કરણ કરીને એની વ્યૂહરચના તેમણે સમજાવી છે. ગાંધીજીનાં ચરિત્ર અને ચારિત્ર્યની ખૂબીઓ સમજાવવાની તક ચૂકે તો મહાદેવભાઈ કેવા? અને કદાચ સૌથી મહત્ત્વની વાત એ કે સર્વ લેખોમાં એમણે અહિંસક લડાઈની વિશેષતાઓને પણ જતનપૂર્વક છતી કરી છે. લડતના રચનાત્મક પાસા પર ભાર મૂકી મહાદેવભાઈએ એ બાબત ધ્યાન દોર્યું કે ચળવળની રચનાત્મક નીતિને લીધે: ૧. મજૂરો લુચ્ચાઈભરેલી સોદાબાજીથી બચ્યા, ર. એમનો ઉત્સાહ રચનાત્મક દિશામાં વળ્યો, અને ૩. ગાંધીજી તથા તેમના સાથી કાર્યકર્તાઓને મજૂરોના જીવનમાં પ્રવેશ કરવાની તક મળી.

એટલું જરૂર કહી શકાય કે एक धर्मयुद्ध પુસ્તકમાં ઘણી વાર મહાદેવભાઈનો વધારે પડતો આશાવાદ પ્રગટ થયો હશે, જેનું મુખ્ય કારણ ગાંધીજી પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા હતી, પણ સાથે એની પણ નોંધ લીધા વિના છૂટકો નથી કે આટલી બધી ભક્તિ હોવા છતાંયે મહાદેવભાઈએ ક્યાંયે અતિશયોક્તિ નથી કરી.

મિલમજૂરો અને માલિકો વચ્ચેના આ ધર્મયુદ્ધનું પ્રકરણ પૂરું કરતાં પહેલાં એક નોંધ લેવી જરૂરી છે. મહાદેવભાઈએ આ પ્રસંગે ગાંધીજીનાં નાનાંમોટાં પ્રવચનોની નોંધ લીધી તેમાં ૧૭મી માર્ચને દિવસે સત્યાગ્રહ આશ્રમ સાબરમતીની સવારની પ્રાર્થનાસભા પછી આશ્રમના અંતરંગ સાથીઓ વચ્ચે એમણે જે ઉદ્ગારો કાઢ્યા હતા તેની નોંધ પણ આવે છે. આ ઉદ્ગારો મહાદેવભાઈની અસાધારણ વૈવિધ્યવાળી ડાયરીમાં પણ વધુ અસાધારણ ગણાય તેવા ઉદ્ગારો હતા.

ઠેઠ ૧૯૦૯માં हिंद स्वराज લખ્યું ત્યારથી ગાંધીજી એક મિશનને વરેલા હતા. પોતાની વ્યાખ્યા મુજબ જે સાચી ભારતીય સભ્યતા હતી અને જે એમની કલ્પના મુજબના હિન્દુસ્તાનના આત્માને ઓળખીને તેને હિંદમાં પ્રસ્થાપિત કરવા हिंद स्वराजના છેલ્લા ફકરામાં તેમણે પોતાનું જીવન સમર્પણ કર્યું હતું, તે સભ્યતા ત્યાર બાદનાં બધાં વર્ષોમાં ગાંધીજીના જીવનનો ધ્રુવતારક બની રહી હતી. એને યાદ કરીને ગાંધીજીએ પોતાના અંતરંગ સાથીઓ આગળ દેશના બે પૂજ્ય નેતાઓને એ ભારતની સભ્યતાની કસોટીએ કસ્યા છે.

મજૂરોની પ્રતિજ્ઞા અને તેમની શ્રદ્ધામાં ગાંધીજીને ભારતનો આત્મા દેખાય છે. તેઓ કહે છે: ‘વીસ દિવસ થયા હું દસ હજાર મજૂરો સાથે ભળું છું. તેમણે મારી સમક્ષ ખુદા કે ઈશ્વરને દરમિયાન રાખી પ્રતિજ્ઞા લીધી. તે વખતે તેમણે ઉત્સાહથી લીધી. એ લોકો ગમે તેવા હોય, પરંતુ તેઓ એમ તો માનનારા છે જ કે ખુદા અથવા ઈશ્વર છે. તેમણે એમ ધારેલું કે આપણે વીસ દિવસ પ્રતિજ્ઞા પાળી એટલે ખુદા આપણને મદદ કરે જ. પરંતુ ખુદાએ આટલી વારમાં મદદ ન કરી અને તેમની વધુ કસોટી કરી તે વખતે તેમની આસ્થા નબળી પડી ગઈ. તેમને એમ લાગ્યું કે આટલા દિવસ આ એક માણસના કહેવા ઉપર ભરોસો રાખી આપણે દુ:ખ વેઠ્યું પરંતુ આપણને કંઈ ન મળ્યું. આ માણસનું કહેવું ન માન્યું હોત અને તોફાને ચડ્યા હોત તો પાંત્રીસ ટકા તો શું પરંતુ તેથી વધારે ટકા આપણને થોડા વખતમાં મળી જાત. આ તેમના મનનું પૃથક્કરણ છે. હું આ સ્થિતિ સહન ન જ કરી શકું. મારી સમક્ષ લેવાયેલી પ્રતિજ્ઞા આમ સહેજમાં તોડાય અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા ઓછી થાય તે તો ધર્મનો લોપ જ થયો કહેવાય. અને આવી રીતે જે કાર્યમાં હું સામેલ હોઉં તેમાં ધર્મનો લોપ થતો જોઈ હું જીવી જ ન શકું. પ્રતિજ્ઞા લેવી એ શી વસ્તુ છે એ મારે મજૂરોને સમજાવવું જોઈએ. તે માટે હું શું કરી શકું તે મારે તેમને બતાવવું જોઈએ. તે ન બતાવું તો હું બાયલો કહેવાઉં. એક વામ કૂદું એમ કહેનારો એક વેંત પણ ન કૂદે એ બાયલાપણું કહેવાય. ત્યારે એ દસ હજાર માણસોને પડતા અટકાવવા સારુ મેં આ પગલું લીધું. એટલે મેં આ પ્રતિજ્ઞા લીધી અને તેની અસર વીજળીના જેવી થઈ. મેં તે ધાર્યું જ ન હતું, ત્યાં હજારો માણસ હતા તેમની આંખમાં ચોધારાં આંસુ વહેવા લાગ્યાં. તેમને तेमना आत्मानुं भान थयुं, तेमनामां चैतन्य जाग्रत थयुं, તેમની પ્રતિજ્ઞા પાળવાનું તેમને બળ મળ્યું. મને એકદમ ખાતરી થઈ કે हिंदुस्तानमांथी धर्मनो लोप नथी थयो, माणसो आत्माने ओळखी शके छे. આ વાત ટિળક મહારાજ તથા માલવિયાજીના સમજવામાં આવે તો હિંદુસ્તાનમાં ભારે કામ સાધી શકાય.’

અને અંતે મહાદેવભાઈ પાંચ લીટીઓમાં ગાંધીજીને અનશનના પ્રત્યક્ષ કાર્ય અને ઉદાહરણથી થયેલી આનંદાનુભૂતિનું વર્ણન કરે છે:

‘હું અત્યારે આનંદથી ઊભરાઈ રહ્યો છું. આ પહેલાં જ્યારે મેં આવી પ્રતિજ્ઞા

લીધેલી ત્યારે મારા મનને આવી શાંતિ ન હતી. શરીરની માગણી પણ મને લાગતી.

આ વખતે મને શરીરની માગણી જણાતી જ નથી. મારા મનને પૂર્ણ શાંતિ છે. મારાં આત્મા તમારી આગળ ઠાલવું એમ થાય છે. પરંતુ આનંદથી હું વિહ્વળ પણ બની ગયો છું.’૧૫

નોંધ:

૧. મહાદેવભાઈ દેસાઈ: एक धर्मयुद्ध (બીજી આવૃત્તિ): પ્રસ્તાવના. પૃ. ૬.

૨. એજન, પૃ. ૪.

૩. એજન, પૃ. ૭.

૪. એજન, પૃ. ૮-૯.

૫. એજન, પૃ. ૨૯.

૬. એજન, પૃ. ૩૧.

૭. એજન, પૃ. ૩૧-૩૨.

૮. એજન, પૃ. ૩૨.

૯. એજન, પૃ. ૩૩-૩૪.

૧૦, એજન, પૃ. ૩૯.

૧૧. એજન, પૃ. ૪૦.

૧૨. એજન, પૃ. ૪૦–૪૧–’૪૨માંથી સારવીને.

૧૩. गांधीजीनो अक्षरदेह – ૧૪ : પૃ. ૨૨૯

૧૪. મહાદેવભાઈ દેસાઈ: एक धर्मयुद्ध (બીજી આવૃત્તિ): પૃ. ૪૯-૫૦.

૧૫. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૫૫થી ૫૭.