અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/બેતાળીસ – ઝગમગતી જ્યોત

બેતાળીસ – ઝગમગતી જ્યોત

કૉંગ્રેસે પ્રાંતિક પ્રધાનમંડળો સ્વીકાર્યાં ત્યારથી તેણે ‘ભારત છોડો’નું આહ્વાન આપ્યું ત્યાં સુધીનો પાંચ વર્ષનો ગાળો દેશ તથા દુનિયા સારુ ખૂબ મોટાં રાજનૈતિક પરિવર્તનોનો હતો. દેશનો આ કાળનો જ ઇતિહાસ લખાય તો થોથાં ભરાય. આપણને તો એ બાબતની નિસ્બત છે કે આ ઐતિહાસિક ઘટનાઓમાં મહાદેવભાઈના ‘બાપુ’ પગલે પગલે નિર્ણાયક ભાગ ભજવતા હતા. ગાંધીજીનાં પગલાં સાથે પગલાં માંડનાર મહાદેવભાઈની ક્ષિતિજોનો પણ પગલે પગલે વિસ્તાર થઈ રહ્યો હતો.

૧૯૩૬ના નવેમ્બર માસમાં ત્રાવણકોરમાં હરિજનો સારુ મંદિરો વિધિપૂર્વક ખૂલ્યાં. ગાંધીજીએ એને હિંદુ ધર્મની શુદ્ધિની ક્રિયાના પહેલા પગથિયા તરીકે વર્ણવ્યું. એ જ વર્ષે ડિસેમ્બર માસમાં પહેલી વાર મહાસભાનું અધિવેશન મહારાષ્ટ્રમાં તાપી નદીને કાંઠે ફૈજપુર નામના ગામડામાં ભરાયું. ત્યાર બાદ દેશના સાડા ત્રણ કરોડ લોકોને મતાધિકાર આપનાર પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીમાં છ પ્રદેશોમાં કૉંગ્રેસને ચોખ્ખી બહુમતી મળી અને બેમાં તે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવી. ત્રણ પ્રદેશોમાં તે લઘુમતીમાં રહી. બહુમતીવાળા પ્રદેશોમાં હોદ્દાઓ સ્વીકારવા કે નહીં તે અંગે મુખ્ય આગેવાનોમાં મતભેદ હતા, પણ ગાંધીજીએ રાજવહીવટના કામકાજમાં અત્યંત કટોકટીના સંજોગો સિવાય ગવર્નરો વિશેષ સત્તા મારફત હસ્તક્ષેપ નહીં કરે એવી બાંયધરી મેળવી ત્યારે કૉંગ્રેસે ૧૯૩૭ના જુલાઈ માસમાં પ્રધાનપદાં સ્વીકારવાનો નિર્ણય કર્યો. મહાદેવભાઈને મુંબઈ રાજ્યના પ્રધાન બનવાનું સૂચવાયું ત્યારે તેમણે તેને હસીને કોરે મૂક્યું હતું. એમને મન ગાંધીજીનું મંત્રીપદ કોઈ પણ સરકારના મંત્રીપદ કરતાં ચડિયાતું હતું. એમાં જ એમને પોતાનો સ્વધર્મ દેખાતો હતો, અને એમાં જ એમની અભિવ્યક્તિ પણ.

ધારાસભાઓને લગતા કોયડાઓને ઉકેલવા કૉંગ્રેસે એક પાર્લમેન્ટરી બોર્ડ નામની ઉચ્ચસ્તરીય સમિતિ નીમી હતી અને તેના અધ્યક્ષ, સરદાર વલ્લભભાઈ, દરેક બાબતમાં ગાંધીજીની સલાહ લેતા. વલ્લભભાઈ પોતાને હમેશાં એક શિસ્તબદ્ધ સિપાઈ લેખતા અને તેથી સદાય પોતાને પાછળ રાખી કૉંગ્રેસ કે દેશને આગળ કરતા. પાર્લમેન્ટરી બોર્ડનું કામકાજ સારી પેઠે મુશ્કેલ હતું, બિનઅનુભવી કાર્યકરોને વહીવટ ચલાવવાનો હતો. સત્તા હાથમાં આવવાથી ક્યાંક મદ અને ક્યાંક ઈર્ષા ડોકિયાં કરવા લાગ્યાં હતાં.

કૉંગ્રેસની અંદરના તીવ્ર મતભેદોના ત્રણ મોટા કાંડો થયા: નરીમાન પ્રકરણ, ડૉ. એન. બી. ખરે પ્રકરણ અને સુભાષ બોઝ પ્રકરણ. ત્રણેયમાં સીધી ઝીંક સરદાર પટેલે ઝીલી હતી, પણ ત્રણેય મામલાઓ ગાંધીજી સુધી પહોંચ્યા હતા. ત્રણેયમાં ગાંધીજીને સરદારના પક્ષે ન્યાય દેખાયો હતો. નરીમાનના કિસ્સામાં લવાદ તરીકે ગાંધીજી અને શ્રી બહાદુરજી ભરૂચાએ ચુકાદો સરદારના પક્ષે આપ્યો હતો. ખરે અને સુભાષ બોઝના મામલામાં કૉંગ્રેસ વર્કિંગ કમિટી સરદારની સાથે રહી હતી. આ ત્રણે કિસ્સાઓની વિગતમાં અહીં ન જવાય. માત્ર એટલો જ ઉલ્લેખ કરી દઈએ કે આ બાબતમાં સામે પક્ષે પૂરેપૂરી ચોખવટનો મોકો આપ્યા પછી ગાંધીજીએ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ ભાષામાં જણાવ્યો હતો. નરીમાને તો ખુદ ગાંધીજીને લવાદ નીમ્યા હતા, પણ ગાંધીજીએ શ્રી ભરૂચાની મદદ લીધા પછી મોટા ભાગની તપાસનું કામ તેમણે જ કર્યું હતું. ત્રણેય પ્રકરણોમાં સરદારની સાથે સાથે ગાંધીજી ઉપર પણ ઠીક ઠીક કાદવ ઊછળ્યો હતો. મહાદેવભાઈ એનાથી જ વ્યથિત રહેતા. પણ તેમણે કે ગાંધીજીએ આ વિવાદોની જીભાજોડીમાં ઊતરવાનું યોગ્ય નહોતું માન્યું. ક્યારેક ક્યારેક કોઈક પત્રમાં મહાદેવભાઈની વ્યથા છતી થતી ખરી.

૧૯૩૮ના ફેબ્રુઆરી માસમાં ગુજરાતમાં તાપીકાંઠે હરિપુરામાં કૉંગ્રેસ ભરાઈ તે પહેલાં ગાંધીજી ૧૯૩૭ના જૂન માસમાં આરામ કરવા વલસાડ પાસે તીથલ જઈને રહ્યા હતા. મહાદેવભાઈએ તે વખતે સાઇકલ ચલાવતાં શીખવાનો નિષ્ફળ પ્રયત્ન કરેલો! માત્ર શાંતિનિકેતનના કલાગુરુ શ્રી નંદલાલ બોઝ જોડે મૈત્રી કેળવવામાં તેઓ એના કરતાં ઘણા વધારે સફળ નીવડ્યા હતા. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જિગરી દોસ્ત હરમાન કૅલનબેક પણ તીથલ આવીને રહેલા. સરદારને તે વખતે પગમાં ખૂબ મોટો કાંટો વાગેલો અને એડી પાકેલી. તેની ઉપર તેમણે કોઈ પણ પ્રકારની અરેરાટી વિના શાંતચિત્તે ચીરો મુકાવેલો. હરિપુરાની કૉંગ્રેસ એ સરદારના આતિથ્યભાવની ગૌરવગાથા સમાન હતી. મહાદેવભાઈએ हरिजनના લેખોમાં એની ભૂરિ ભૂરિ પ્રશંસા કરેલી. છતાંય એની કેટલીક નબળાઈઓનો તટસ્થતાથી, સ્પષ્ટપણે ઉલ્લેખ કરતાંય તેઓ ચૂક્યા નહોતા.

કૉંગ્રેસે પ્રધાનપદાં સંભાળ્યાં ત્યાર બાદ દેશી રાજ્યોમાં પણ અપૂર્વ જાગૃતિ આવી હતી. કૉંગ્રેસની નીતિ દેશી રાજ્યોના પ્રશ્નમાં સીધા ન પડવાની હતી, પણ રાજ્યોનાં પ્રજામંડળો કૉંગ્રેસની અને ગાંધીજીની દોરવણી મેળવવા સદાય ઉત્સુક રહેતાં. ગાંધીજી, સરદાર અને જવાહરલાલજી આ બાબતમાં ઠીક ઠીક રસ લેતા. ત્રાવણકોર, રાજકોટ, જયપુર, મૈસુર, હૈદરાબાદ અને બીજાં પણ અનેક નાનાંમોટાં દેશી રાજ્યોમાં પ્રજાકીય આંદોલનો પણ થયેલાં.

સપ્ટેમ્બર ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ છેડાયું ત્યારથી એ જ દુનિયાની રાજનીતિની કેન્દ્રવર્તી ઘટના બની ગયું હતું. ગાંધીજીની ભૂમિકા ગમે તેવાં નબળાં, પણ લોકશાહીનું સમર્થન કરનાર સાથી રાજ્યોને નૈતિક ટેકો આપવાની હતી. કૉંગ્રેસે સાથી રાજ્યોને યુદ્ધના ઉદ્દેશો જાહેર કરવા પડકાર ફેંક્યો તથા ભારતમાં લોકશાસન અને બંધારણસભા સ્થાપવાની માગણી કરી.

કોઈ પણ પ્રકારની મસલત કર્યા વિના આપમેળે જ વાઇસરૉયે મહાયુદ્ધમાં હિંદુસ્તાનને ભેળવી દીધું તેથી કૉંગ્રેસનાં પ્રાંતીય પ્રધાનમંડળોએ ૧૯૩૯ના ઑક્ટોબર-નવેમ્બરમાં પોતાનાં રાજીનામાં આપ્યાં.

દેશનું સંરક્ષણ પણ અહિંસક રીતે જ થવું જોઈએ એવા વિચાર જ્યારે ગાંધીજીએ મૂક્યા ત્યારે તે વિશે કૉંગ્રેસ કારોબારી સહમત થઈ શકી નહોતી. સુભાષબાબુ તો ગુપ્ત રીતે ૧૯૪૧ના જાન્યુઆરીની ૧૭મીએ દેશમાંથી નાસી છૂટ્યા અને પહેલાં જર્મની જઈને હિટલરનો સાથ લેવા તેમણે પ્રયાસ કર્યો, પણ તેમાં ઝાઝી સફળતા ન મળતાં સબમરીનમાં જાપાન પહોંચ્યા અને ત્યાં ‘આઝાદ હિંદ ફોજ’ સંગઠિત કરી જાપાન તરફે યુદ્ધમાં ભળ્યા. રાજાજી જેવા કેટલાક આગેવાનો કોઈ પણ શરત વિના જાપાનનો મુકાબલો કરવાના પક્ષના હતા. કૉંગ્રેસ કારોબારીના મોટા ભાગના સભ્યો દેશને આઝાદ કરવાની ઘોષણા થાય તો સાથી રાજ્યો તરફ, યુદ્ધપ્રયાસોમાં બધી રીતે મદદ કરવા તૈયાર હતા.

બ્રિટન એમ માનતું હતું કે હિંદનું ભાવિ નક્કી કરવું એ એમનું કામ છે. કૉંગ્રેસ એમ માનતી હતી કે હિંદનું બંધારણ ઘડવાનો હક હિંદીઓને છે.

કૉંગ્રેસે પ્રાંતોમાં પ્રધાનમંડળો સ્વીકાર્યાં ત્યારથી જ કૉંગ્રેસી વહીવટવાળા પ્રદેશોમાં કોમી હુલ્લડો થતાં રહેતાં હતાં. મહમદઅલી ઝીણાની આગેવાની હેઠળ મુસ્લિમ લીગે એવી ભૂમિકા અખત્યાર કરી હતી કે તે જ આખા દેશના મુસલમાનોની પ્રતિનિધિ સંસ્થા છે અને કૉંગ્રેસ હિંદુઓની સંસ્થા છે. આગળ ઉપર તેમણે એ સિદ્ધાંત ઘડ્યો હતો કે હિંદુ અને મુસલમાનો એ બે અલગ અલગ રાષ્ટ્રો છે. આ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત ઉપર જ પાકિસ્તાન માટેની માગણી ખડી થઈ. કૉંગ્રેસ પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં ત્યાર બાદ મુસ્લિમ લીગે ૧૯૩૯ના ડિસેમ્બરની ૨૨મીએ ‘મુક્તિદિવસ’ ઊજવ્યો હતો.

યુદ્ધને કારણે દેશ પર અનેક પ્રકારના બોજા પડતા હતા. દેશમાં મુક્તપણે પ્રચાર કરવાની સ્વતંત્રતા પર સરકાર દ્વારા ભારે કાપ મૂકવામાં આવ્યો હતો. વાણીસ્વાતંત્ર્યનો મુદ્દો લઈને કૉંગ્રેસે એની સામે ૧૯૪૦ના ઑક્ટોબર માસમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો ઠરાવ કર્યો.

જ્યારે જ્યારે પણ લડત આવે ત્યારે કૉંગ્રેસ કારોબારી સર્વ મતભેદોને બાજુએ રાખીને ગાંધીજીની આગેવાની સ્વીકારી લેતી. હજી તો જૂન ૧૯૪૦માં જ કૉંગ્રેસે ગાંધીજીને પોતાના સંગઠનમાંથી ગાંધીજીના જ આગ્રહથી મુક્ત કર્યા હતા. વ્યક્તિગત સત્યાગ્રહ નિમિત્તે કૉંગ્રેસે ગાંધીજીને પાછા બોલાવી આગેવાન બનાવ્યા. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેને અને બીજા સત્યાગ્રહી તરીકે જવાહરલાલ નેહરુને પસંદ કર્યા. આખા દેશમાં ઠેર ઠેરથી વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાવા સારુ ગાંધીજી ઉપર અરજીઓ આવવા માંડી. ગાંધીજીએ મહાદેવભાઈને વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે જેલમાં જવાની સલાહ ન આપી, દેશભરમાંથી સત્યાગ્રહીઓની પસંદગી કરવામાં પોતાને મદદ કરવાનું કામ સોંપ્યું. માત્ર એક વાર ડિસેમ્બર ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં મહાદેવભાઈને હોમવા ગાંધીજીએ વિચાર કર્યો હતો. શ્રી ઘનશ્યામદાસ બિરલા અને દેવદાસ ગાંધી જોડે ૧૮-૧૯મી ડિસેમ્બર, ૧૯૪૦માં થયેલ એક વાર્તાલાપમાં તેમણે કહ્યું હતું:

આ તો આત્મશુદ્ધિની લડત છે. કોઈને મૂંઝવવાની લડત નથી. એમ હોઈ મારે મારું જે કાંઈ સર્વશ્રેષ્ઠ છે તેનો ભોગ આપવો જોઈએ. મારે બીજાં અનેક ઉમદા કાર્યો માટે મહાદેવની બહાર જરૂર હતી. આથી એમનું મૂલ્ય ઓર વધી ગયું છે. પણ એ જ એમને જેલમાં મોકલવાનું એક વધુ કારણ છે, કારણ એ બલિદાન વધુ કીમતી હશે.૧

ડિસેમ્બર ૨૪, ૧૯૪૦ને દિને ગાંધીજીએ એડોલ્ફ હિટલરને નામે એક પત્ર લખી તેમને અપીલ કરી હતી કે,

માનવજાતને નામે હું તમને યુદ્ધ બંધ કરવાને માટે અપીલ કરું છું. તમારી તથા ઇંગ્લંડની વચ્ચે જે કાંઈ તકરારી બાબતો હોય તે તમારી બંનેની પસંદગીના કોઈ આંતરરાષ્ટ્રીય લવાદ પંચને ચુકાદા માટે સોંપવામાં આવે તેથી તમારે કશું ગુમાવવાનું નથી.૨

આ પત્ર બ્રિટિશ સરકારે દાબી રાખ્યો હતો.

એપ્રિલ ૧૯૪૧માં અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ગાંધીજીએ શાંતિસૈનિક તરીકે મહાદેવભાઈને ત્યાં મોકલ્યા હતા. ઑક્ટોબર ૧૯૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહ મુલતવી રાખવામાં આવ્યો હતો. માર્ચ ૧૯૪૨માં અંગ્રેજ સરકારે ભારે ડિમડિમ સાથે સર સ્ટૅફર્ડ ક્રિપ્સને હિંદના ભાવિ અંગે એક દરખાસ્ત લઈને હિંદુસ્તાન મોકલ્યા. કૉંગ્રેસે એને અંગે વિચારણા કરવામાં અઠવાડિયાંઓ કાઢ્યાં, પણ ગાંધીજીએ જોતાંવેંત એ દરખાસ્તને ફગાવી દીધી.૩ પાછળથી દેશના લગભગ તમામ પક્ષોએ ક્રિપ્સ દરખાસ્તોનો અસ્વીકાર કર્યો હતો. આ દરખાસ્તમાં જે કાંઈ પણ આપવાનું હતું તે લડાઈને અંતે જ આપવાનું હતું અને એમાં દેશના ભાગલા પણ પડી શકે એવી જોગવાઈ હતી.

૧૯૪૧ના ઑક્ટોબર માસમાં મધ્ય પ્રદેશની દેવલી કૅમ્પ જેલમાંથી જયપ્રકાશ નારાયણ એમનાં પત્ની પ્રભાવતીબહેન મારફત કેટલાંક કાગળિયાં ચોરીછૂપીથી જેલ બહાર સરકાવી દેવાનો પ્રયત્ન કરતાં ઝડપાઈ ગયા હતા. બ્રિટિશ સરકારે આ ઘટનાનો ઉપયોગ કૉંગ્રેસની વિરુદ્ધ પ્રચાર કરવામાં કર્યો હતો. ગાંધીજીએ હિંસા અને ગુપ્તતાનો નિષેધ કર્યા પછી બ્રિટિશ સરકારને કહ્યું હતું કે તમારા દેશમાં કોઈએ આવું સાહસ દેખાડ્યું હોત તો તમે એની વીરગાથા ગાઈ હોત.

નવેમ્બર ૧૯૪૧માં દેવલી કૅમ્પના કેદીઓ ભૂખહડતાળ ઉપર ઊતર્યા હતા. ગાંધીજીએ હિંદી સરકારના ગૃહસચિવને તાર કરીને પોતાના પ્રતિનિધિ તરીકે મહાદેવભાઈને દેવલી કૅમ્પ જેલના આ કેદીઓને મળવાની પરવાનગી માગી હતી, જે તેમને આપવામાં આવી હતી.

ફેબ્રુઆરી ૧૯૪૨માં ગાંધીજીએ ચીનના વડા ચ્યાંગકાઈ શેક અને માદામ ચ્યાંગની મુલાકાત કલકત્તામાં લીધી હતી.

ક્રિપ્સની મુલાકાત પછી જ ગાંધીજીના મનમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે અંગ્રેજ સરકાર ભારત છોડે એમાં જ એનું કલ્યાણ છે. તેમણે એને અંગે ઠીક ઠીક વિચારણા બાદ જાહેર રીતે ‘હિંદ છોડો’ની હાકલ અંગ્રેજ સરકારને કરી. મેમાં કૉંગ્રેસ કારોબારીએ એ વિચારને વધાવી લેતો ઠરાવ કર્યો અને ૮મી ઑગસ્ટ, ૧૯૪૨ને દિને મુંબઈના ગોવાલિયા તળાવ પર મળેલી કૉંગ્રેસની મહાસમિતિએ ભારે બહુમતીથી એ પ્રકારનો ઠરાવ પસાર કર્યો.

ઇતિહાસની આ આખી રૂપરેખા અહીં એટલા સારુ આપી છે કે જેથી વાચકોને આ પ્રકરણ પહેલાંનાં બે અને પછીનાં બે પ્રકરણોમાં બનેલી ઘટનાઓ કયા ઐતિહાસિક સંદર્ભમાં થઈ હતી તે સમજાય.

આ કાળ દરમિયાન, મહાદેવભાઈ માંદગીને લીધે સિમલા રહ્યા અને ગાંધીજીના પાઠવ્યા ક્યાંક બહાર ગયા હોય તેટલા અપવાદ સિવાય બાકી આખો વખત ગાંધીજીની સાથે હતા. અને ગાંધીજી સાથે હતા ત્યારે નિરપવાદ રીતે તેમણે રોજનીશી લખી છે. મોટે ભાગે ઝીણા અક્ષરે લખેલી આ રોજનીશીઓથી કેટલીયે જાડી નોટબુકો ભરેલી છે. આ બધી રોજનીશીઓ તો આવતાં થોડાં વર્ષોમાં પ્રગટ થશે. અહીં આ ગાળાની અત્યાર સુધી અપ્રગટ રોજનીશીમાંથી થોડાં છૂટાંછવાયાં પાનાં મહાદેવભાઈની કલમે કેવાં કેવાં ક્ષેત્રોને સજીવ કર્યાં છે તેના નમૂના પૂરા પાડવા સારુ આપવામાં આવ્યા છે.

વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પહેલી પસંદગી વિનોબાજીને આપ્યા પછી ગાંધીજી એમનો પરિચય કૉંગ્રેસ કારોબારી આગળ આપી એમ કહે છે કે તેઓ પકડાય નહીં ત્યાં સુધી બીજા સૌ વાટ જોશે. ત્યારે,

બાપુ: આજ સુધીમાં મારી ઇચ્છા મારા પોતાથી શરૂ કરવાની હતી, પછી વિનોબાનો વિચાર કર્યો. એ તૈયાર થયા — જશે તો મહાસભા તરફથી જ. હું જાહેર કરીશ કે એને એકલાને જ પ્રથમ મોકલવાના છે.

મૌ(લાના): બડી માયૂસી પૈદા હોંગી. લોગોં કો આશા દિલાઈ ગઈ હૈ, કમિટીયાં બન ગઈ હૈ. ઉનકો આપ ઇજાજત દેતે તો અચ્છા હોતા.

બાપુ: બધી કમિટીઓને મોકલવાનો મારો ઇરાદો હતો નહીં. મારે તો તાલીમ જોઈએ. પસંદ કોને કરવા એ મારું કામ છે. કોઈને કહું કે કાંત્યા કરો, અને કોઈને કહું બીડી ફૂંક્યા કરો તો તેમ કરવાનું… એક સાચો સત્યાગ્રહી ઘણું કરી શકે એ મારે બતાવવું છે, અને એમાંથી આખો દેશ લાભ મેળવશે… થોડા મોકલવામાં બહુ લાભ છે. હજારો તો મોકલી શકીએ છીએ પણ એથી અંધાધૂંધી થવાનો સંભવ છે…

વલ્લ(ભભાઈ): મેરી રાય તો યહ હૈ કિ જિસકો કામ ચલાના હૈ ઉસકો જિસ તરહ સે ચલાના હૈ ઉસી તરીકે સે કામ લેને કી સુભીતા હોની ચાહીએ. સરકાર કે પાસ અપની પ્લાન હૈ. વહ તો ઇન્તેજાર મેં હૈ કિ કૉંગ્રેસ કમિટી કુછ રૅઝોલ્યુશન કરે કિ સબ કો રાઉન્ડ-અપ કર લે. બાપુ કા પ્લાન ઐસા હૈ કિ સરકાર કી ગેમ નહીં પ્લે કરના. બાપુ થોડેએક આદમી ભેજ કર બૈઠ જાયેંગે? દાંડીમાર્ચ કી ભી હંસી હોતી થી, પર શુરૂ હુઆ કિ એક ઇલેક્ટ્રિક ઍટમૉસ્ફિયર હો ગઈ…

જમનાલાલજી: મહાત્માજી કા ઑર્ડર. એક આદમીને એક આદમી કો એલાઉ કિયા. ઔર સબ કો બંદ કિયા. યહ એક બહુત બડી બાત હોગી. હમ મહાત્માજી કા ઑર્ડર માનતે હૈ તો લોગ ભી માનેંગે…

જવાહર: વિનોબા ક્યા કરે ઔર લોગ ક્યા કરેંગે યહ મેરી સમઝ મેં નહીં આયા.

મૌલાના: બાત યહ હૈ —

જવાહર: મેં બેવકૂફ આદમી નહીં હૂઁ. આપ મુઝે જ્યાદા નહીં સમઝા સકતે હૈં.

(શંકરરાવ) દેવ: કાફી હૈ કિ મહાત્માજી સ્ટ્રગલ શરૂ કરતે હૈ.

આસિફ (અલી): મેં કુછ અર્જ નહીં કરના ચાહતા હૂં. હુકુમ કબૂલ કરૂંગા.

જવાહર: બાપુ ચાહતે હૈ વિનોબા મેં સબ હિંદુ(સ્તાન) કી મરદાનગી મહદૂદ [સીમિત] કી જાય, ઔર હમ સબ ઔરતેં બન જાયે, પરદાનશીન બન જાયે. ક્યા ચંદા ગરીબ કિસાનો સે લેને દંગે? ઉસે કૌન રોકેગા? વિનોબા રોકેગા?

કાલે સેમ્યુઅલ હોરનો કાગળ અચાનક આવ્યો: ‘માય ડિયર ફ્રેંડ’ કરીને સ્પેનમાં ઇમ્પૉર્ટન્ટ મિશન ઉપર જતાં કાગળ લખ્યો. અમારો ધર્મ, અમારી સંસ્કૃતિ, અમારા જીવનની ઢબ — બધું ખતરામાં છે. તમારા (દેશના) બંધારણ અંગે મેં (તમારી સાથે) કામ કર્યું હતું તેને હું ખૂબ ઉપયોગી રીતે વપરાયેલો સમય ગણું છું. તમને એ કામ ગમતું નહોતું. પણ તમને મારી ઇમાનદારી વિશે શક નહોતો. મને પણ તમારી વિશે નહોતો.

એને બાપુએ લખ્યું:

તમારા અનપેક્ષિત પત્રથી મને ખૂબ હર્ષ થયો. એને સારુ હું તમારો આભારી છું. આપણે જે સ્પષ્ટ અને હાર્દિક વાતો કરતા હતા તે દિવસોની યાદ એનાથી તાજી થઈ. તમે આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યા છો. મારી એ અનવરત પ્રાર્થના છે કે યુદ્ધનું સ્થાન શાંતિ લે.૪

બાપુ અને રાજેન્દ્રબાબુને વાઇસરૉયને મળવાનું થયું. એમની ગાડી ત્રણ કલાક મોડી હતી એટલે અગિયાર વાગ્યે મુલાકાત ઠરી હતી તેને બદલે ત્રણ વાગ્યે ઠરી. બાપુએ રાજેન્દ્રબાબુને કહ્યું: તમે ઝીણાને ટેલિફોન પર કહો કે આપણે ત્રણેય સાથે વાઇસરૉય પાસે જવું એ આવશ્યક છે.

ઝીણા કહે: યસ, વ્હેન વિલ યુ કમ ટુ માય પ્લેસ? (હા, તમે મારે ત્યાં ક્યારે આવો છો?)

રાજેન્દ્રબાબુએ બે વાગ્યાનો વખત કહ્યો. બાપુ જેમતેમ જલદી માલિશ પતાવી, નાહવાધોવાનું વ. બે વાગ્યા સુધીમાં પતાવી, આરામ લીધા વિના ઝીણાને ત્યાં પહોંચ્યા. એ બારણે લેવા પણ ન આવ્યો. અંદર ગયા ત્યાં પોણોક કલાક વાત કરીને પાછા વાઇસરૉયને ત્યાં જવાને નીકળ્યા.

વાઇસરૉયે લખેલી નોટ્સમાંથી ભાષણ આપવાનું શરૂ કર્યું… તમારે તરત નિશ્ચય કરવો જોઈએ વ. કહીને પ્રૉવિન્શિયલ અને સેન્ટરમાં સમજૂતી કરી લો તો મને સેન્ટરમાં હિંદી પ્રતિનિધિને જવાબદારીમાં ભાગ લેતાં કરતાં અડચણ ન આવે, એમ સમજાવ્યું. બાપુએ કહ્યું કે ડેકલેરેશનની મૂળ વસ્તુ ઉપર તમે કશું ન કહો તો આ વિચારવું અમારે માટે બહુ કઠણ છે. છતાં વિચાર કરીને કહીશું. ઝીણા કહે, મેં તો આપની પાસે ફલેરિફિકેશન મુસ્લિમ લીગના સ્ટેટમેન્ટમાં માગ્યું છે જ.

…બાપુને પોતાને લાગ્યું કે વાતો પૂરી નથી થઈ ત્યાં તો વાઇસરૉય ઊઠ્યા. બહુ અનફ્રેન્ડલી એટિટ્યૂડ (મિત્રાચારી વગરનું વલણ) લાગ્યું.

પાછા આવતાં બાપુ વળી પાછા ઝીણાની જ ગાડીમાં આવ્યા — જતાં પણ ઝીણાએ સાથે આવવાની ના પાડી ત્યારે તેની ગાડીમાં સાથે જવાની બાપુએ માગણી કરી ને સાથે ગયેલા — અને તેના ઘરમાં થોડી વાતો પાછી કરી. રસ્તામાં ‘ફ્રીડમ (સ્વતંત્રતા)ની માગણીમાં તું ભળે કે નહીં?’ — એમ પૂછતાં ઝીણા કહે: ફ્રીડમ ઇઝ ઍન ઍબસ્ટ્રેક્ટ ક્વાન્ટિટી. ઍન્ડ વૉટ ઇઝ ધૅર ઇન સેયિંગ આઈ વૉન્ટ ફ્રીડમ? પાવર ઇઝ ધ થિંગ ઍન્ડ આઈ વૉન્ટ પાવર. (સ્વતંત્રતા એ તો એક અમૂર્ત માત્રા છે, મારે સ્વતંત્રતા જોઈએ એમ કહેવામાં શું છે? ખરી ચીજ તો સત્તા છે. મારે સત્તા ખપે છે…) રાત્રે જવાહર અને મૌલાનાને અહીં (દિલ્હી) આવવા તાર કરવામાં આવ્યો.

૨–૧૧–’૩૯ બંને આવ્યા. અને વાતો કરતા હતા ત્યાં ઝીણાનો ટેલિફોન આવ્યો કે ગાંધી સાથે વાતો કરવી છે. દેવદાસે કહ્યું: ‘સંદેશો કહું તો?’ પેલો કહે: નો. ઇટ ઇઝ ગાંધી યૉર ફાધર વિથ હૂમ આઈ વૉન્ટ એ પ્રાઇવેટ વર્ડ, ઍન્ડ ધૅટ ટૂ બિફોર આઈ સી પં. જવાહરલાલ.’ (ના. મારે ગાંધી, તમારા પિતા જોડે થોડી ખાનગી વાત કરવી છે, અને તેય હું પં. જવાહરલાલને મળું તે પહેલાં.) બાપુ ટેલિફોન પર અનેક વર્ષ પછી ગયા. એને એટલું જ કહેવાનું હતું કે પંદર મિનિટ મળવું છે, એટલે ગમે ત્યારે મારે ત્યાં આવી જાઓ. મૌલાના કહે: ‘શા માટે ન કહ્યું, “મારી પાસે આવી જજો.” ’ બાપુ કહે: પણ મારી જબાન પર એ વાક્ય ચઢે તો ના? એક વાગ્યે એને ત્યાં બાપુ ગયા. દરમિયાન હું દેવદાસ સાથે મિરઝા ઇસ્માઈલ પાસે જઈ આવ્યો. અમે એને સમજાવ્યું કે એણે ઝીણાને ડાહ્યા થવાનું સમજાવવું જોઈએ. એને કહેવું જોઈએ કે મુસ્લિમ લીગની ઍક્સસ્લૂઝિવ કલેમ (ખાસ દાવો)ની અને કૉંગ્રેસ હિંદુ ઑર્ગેનાઇઝેશન હોવાની વાત જ ન કરતો, કોઈ પણ રીતે મેળ કર, તારે માટે જિંદગીમાં આ યુનિક ઑપૉર્ચ્યુનિટી (અદ્વિતીય તક) છે. કરોડોની ડેસ્ટીની (ભાવિ) તારા હાથમાં છે. વ. વ. અમારા દેખતાં જ બધી વાત એણે ઝીણાને ટેલિફોન ઉપર સંભળાવી. સંભળાવ્યા પછી કહે: હી ઇઝ એ કૅન્ટેન્કરસ બૂટ (એ ઝઘડાળુ પ્રાણી છે), છતાં બધું સાંભળ્યું છે અને પરિણામ ઠીક આવશે.

આ વાત બાપુને કહી અને પછી બાપુ એની પાસે ગયા. બાપુ આવીને કહે — આશ્ચર્યકારક વાતો કરી, કોઈ પણ રીતે આપણે સંધિ થવી જ જોઈએ. મને બ્રિટિશ માટે ઇલવિલ (દ્વેષભાવ) નથી. આ લોકોને આપણે ફાઇટ કરીએ તોપણ નૉન-વાયલન્સ (અહિંસા)થી જ થઈ શકે. બાપુએ ડેકલેરેશન (ઘોષણા) ની ફૉર્મ્યુલા (ખરડો) એને આપી. તેને એણે ચર્ચી. એમાં ફેરફારો સૂચવ્યા. છેવટે બાપુએ કહ્યું, ‘હવે તું જવાહર સાથે બધું ચર્ચી લે, હું થાક્યો છું…’

જવાહરને સાડા ચાર વાગ્યે મળ્યો. અઢી કલાક વાતો કરીને પાછા ફરતા જવાહરને કહે: આઈ વૉન્ટ ટુ પે માઈ રિસ્પેકટ્સ ટુ ગાંધી, મે આઈ કમ ઇન યૉર કાર? (મારે ગાંધી પ્રત્યે આદર વ્યક્ત કરવો છે. હું તમારી ગાડીમાં આવી શકું?) પ્રાર્થના સમયે જવાહર એને લઈને આવ્યા. બાપુની સાથે હાથ મેળવીને કહે, ‘આઈ વૉન્ટેડ ટુ ઇન્કવાયર હાઉ યૂ વેર. આઈ ટાયર્ડ યૂ ટૂ મચ ઍન્ડ યૂ ડિડ નોટ લુક ઍટ ઑલ વેલ.’ (મારે તમારી તબિયતની ખબર પૂછવી હતી. મેં તમને થકવી નાખ્યા. ને તમારી તબિયત જરાય સારી લાગતી નહોતી. ) બાપુએ આભાર માન્યો અને કહ્યું, હવે કશું નથી. મને ઠીક આરામ મળ્યો છે, વ. જવાહરે કહ્યું: વાતો બહુ સારી થઈ. એ માણસ આપણી ડિમાન્ડ (માગણી) સપોર્ટ કરવા, ટેકો આપવા તૈયાર છે, માત્ર એ કહે છે કે ડિમાન્ડ સરકાર ન સ્વીકારે તો તમે જે કરો તે અમારાથી ન થાય. એને અનેક ડર છે. બ્રિટિશ ચાલ્યા જાય તો કૅઓસ (અંધાધૂંધી) થાય એવો ડર છે. સાવ ઇન્ડિપેન્ડન્સ (સ્વતંત્રતા) કેમ મગાય. છતાં જે બીજી જવાબદારી ન હોય તો વાઇસરૉય પાસે એ ડિમાન્ડને સપોર્ટ કરવાને પોતે તૈયાર છે. પછી તો ત્રણેયે જવાની જરૂર નથી. એ જાય કે ગાંધીજી જાય એ એક જ વાત છે એવી એવી મીઠી મીઠી વાતો કરી!!

અને આ એક નાનો સંવાદ — બે મોટા માણસો વચ્ચે જે મહાદેવભાઈએ ઝડપ્યો છે:

રાજાજી: કોઈના મનમાં એવી શંકા નથી કે આપણે સ્વરાજ મેળવીને બીજા કોઈનું શોષણ કરવા માગીએ છીએ…

જવાહર: તો મને કહેવા દો કે છાપ એવી છે, હિંદના ઇતિહાસ વિશે મારી છાપ એવી છે, હિન્દુઓ સામ્રાજ્યવાદી જમાતના લોકો છે. હું ભારતના આખા ઇતિહાસની વાત કરું છું.

રાજાજી: હિંદુ પ્રતિભા અંગેનું તમારું પૃથક્કરણ એ તમારી પ્રતિભાનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ છે.

સચ્ચાબાબા આવ્યા. એ મૌનમાં લખીને કહે છે: કાંઈક માગો.

બાપુ: ઈશ્વર મને બધું આપે છે. ખાવાપીવાનું આપે છે, સ્વરાજ પણ દઈ રહ્યો છે. એટલી ચિત્તની પ્રસન્નતા રાખું છું. એટલે ઇચ્છા જ નથી થતી. કોઈની પાસે માગતોયે નથી. ઈશ્વર જાણી લે છે. મારે શું જોઈએ છે, એ આપી દે છે. એટલે હું કોઈની પાસે કંઈ માગું તો મૂર્ખ બનું. ઈશ્વરની ઇચ્છા થશે ત્યારે જ્ઞાન આપશે. એ નમ્રપણે સ્વીકારું છું કે હું મૂર્ખ છું, એ પણ ઈશ્વર પાસે જ માગું એ સારું ના? રોજ માગું છું કે મારી મૂર્ખતા તું દૂર કર. હું તો શ્રદ્ધાથી માનું છું કે ઈશ્વર છે, ઈશ્વરને પિછાની લઉં તો પછી કરવાનું કશું ન રહે, કૃતાર્થ થઈ ગયો. ઈશ્વરને છોડીને કોઈની પાસે હું વરદાન માગું તો લજ્જિત થાઉં.

અપ્રગટ ડાયરીઓના અફાટ રત્નાકરમાંથી આ તો થોડાંક રત્નો.

નોંધ:

૧. गांधीजीनो अक्षरदेह – ૭૩ : પૃ. ૨૫૧.

૨. એજન, પૃ. ૨૬૧.

૩. गांधीजीनो अक्षरदेह – ૭૫ : લેખ ૫૫.

૪. બંને અંગ્રેજી પત્રોનું ભાષાંતર લેખક દ્વારા.