અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/પ્રમુખીય

પ્રમુખીય

‘અધીત : બે'થી ‘અધીત: પિસ્તાળીસ’ સુધીમાં પ્રગટ કાવ્ય કે કાવ્યસંગ્રહ વિશેની સમીક્ષા, અવલોકન, મૂલ્યાંકન કે રસદર્શન અહીં ‘અધીત: પર્વ : ૬’માં ગ્રંથસ્થ કરતાં આનંદ અનુભવું છું. ‘અધીત : એક’માં માત્ર પ્રમુખીય પ્રવચનો છે, આથી 'અધીત : બે'થી આરંભાયેલી આ યાત્રા ‘અધીત : પિસ્તાળીસ' સુધી પહોંચતાં કુલ ૬૦ જેટલી કવિતા-વિષયક સમીક્ષાઓ પ્રાપ્ત કરાવે છે. એને આ રીતે એક સાથે મૂકતાં રોમાંચનો પણ અનુભવ થાય છે. મજાની વાત એ છે કે અહીં જ્ઞાનવૃદ્ધ વિદ્વાનો, ખ્યાતનામ કવિઓ, સમર્થ મૂલ્યાંકનકારો અને આશાસ્પદ નવ-વિવેચકોની ચાર-ચાર પેઢી અધ્યાપીકીય સજ્જતાના ઊજળા ઇતિહાસની ગવાહી પૂરી પાડતી ગૌરવવંતી એક સાથે ઊભી છે. કાવ્યસમીક્ષા/કાવ્યઆસ્વાદનાં ઉમદાં દૃષ્ટાંતરૂપ પ્રારંભે મૂકેલી થોડી સમીક્ષાઓ પછીથી મુખ્યત્વે કાવ્યસંગ્રહોની સમીક્ષાઓ સમગ્ર સંગ્રહને જોવાની દૃષ્ટિ પૂરી પાડે છે. આપણા સમર્થ પૂર્વસૂરિઓ ચંદ્રકાંત ટોપીવાળા, ચંદ્રકાંત શેઠ, હર્ષદ મ. ત્રિવેદી, વ્રજલાલ દવે, લાભશંકર પુરોહિત અને શિરીષ પંચાલ સાથે હજુ હમણાં જ અધ્યાપકીય કારકિર્દીથી નિવૃત થયેલી બીજી પેઢીના વારસદારોસમા સતીશ વ્યાસ, જયદેશ શુકલ, નિતીન મહેતા, વિનોદ જોશી, મણિલાલ પટેલ ઉપરાંત નજીકના ભવિષ્યમાં જ નિવૃત્ત થનાર રાજેશ પંડ્યા, દર્શના ધોળકિયા, પિનાકીની પંડ્યા, નિસર્ગ આહીર સેવા સાક્ષરો સાથે નવી પેઢીના પીયૂષ ચાવડા, વર્ષા પ્રજાપતિ, દશરથ પટેલ, દિક્પાલસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ ગોહિલ, સંજય પટેલ વગેરેને જોઈને હરખની હેલી ચડી આવે છે. ગુજરાતી વિવેચનને એના સાચા વારસદારો અધ્યાપકોમાંથી પણ મળશે એવી આશા નવી પેઢીની થોડી તેજસ્વી કલમો જોતાં જરૂર જન્મે છે. કાવ્યસમીક્ષાનું આ સંપાદન 'અધીત : પર્વ : ૬' શીર્ષકથી પ્રગટ થાય છે એ સાથે 'અધીત : પર્વ : પ' કાવ્યસ્વરૂપોના અભ્યાસો વિશેનું સંપાદન પણ પ્રગટ થઈ રહ્યું છે અને સાથે સાથે ‘અધીત: પ્રમુખીય પ્રવચનો : ૪’નું સંપાદન પણ પ્રગટ થાય છે. આમ, મારા પ્રમુખીય કાર્યકાળના આ એક વર્ષમાં ‘અધીત : સુડતાળીસ' સાથે અન્ય ત્રણ સંપાદનો મળી કુલ ચાર પુસ્તકો પ્રગટ થઈ રહ્યાંનો આનંદ ‘આજની ઘડી તે રળિયામણી'નો સાક્ષાતકાર કરાવે છે. આ વર્ષે એકત્ર ફાઉન્ડેશને પૂર્વના લગભગ તમામ પ્રમુખોનાં પ્રાપ્ત વક્તવ્યોને ઓનલાઇન મૂકવાનું કામ સ્વીકાર્યું છે. આપ હવે એકત્ર ફાઉન્ડેશનની વેબસાઈટ પરથી આંગળીને ટેરવે આપના મોબાઈલ દ્વારા પણ પૂર્વેનાં પ્રમુખોનાં વક્તવ્યો વાંચી શકશો; તો, હયાત એવા થોડા પૂર્વ પ્રમુખોનાં વક્તવ્યોને એમના જ અવાજમાં રેકોર્ડ કરી યુટ્યુબ પર આ જ વર્ષે મૂક્યાં છે. આપ તેને ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ, પ્રમુખીય પ્રવચન' ટાઈપ કરી જોઈ, સાંભળી પણ શકો છો! મારી પૂર્વેના પ્રમુખ/મંત્રીઓએ જે-તે સમયે પ્રમુખીય પ્રવચનો અને ‘અધીત : પર્વ'નાં સંપાદનો કર્યાં જ છે. જે બાકી હતાં અને કરવા જેવાં હતાં તે અહીં આ વર્ષે મંત્રીમંડળના સહકાર અને કારોબારીની સહમતિથી પ્રકાશિત થાય છે. એ માટે સમગ્ર કારોબારી સભ્યો સાથે સક્રિય મંત્રીઓને સહર્ષ યાદ કરું છું. તો, એટલા જ હર્ષથી પ્રકાશનનું કામ પ્રેમપૂર્વક સ્વીકારી, પાર પાડી આપતા ડિવાઇન પબ્લિકેશનના સૂત્રધાર અમૃતભાઈ ચૌધરીનો પણ આભાર માનું છું. સર્વના સ્નેહ, સહકાર અને સદ્ભાવને સાદર સ્મરુ છું. અસ્તુ.

ગુણવંત વ્યાસ
પ્રમુખ (૨૦૨૩-૨૪)
ગુજરાતીનો અધ્યાપક સંઘ