અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/નિવેદન


નિવેદન

ગુજરાતીનો અધ્યાપક સંઘ છેક ૧૯૪૭થી કાર્યરત છે. પ્રતિ વર્ષે યોજાતા સંઘના વાર્ષિક અધિવેશનમાં નવ નિયુક્ત પ્રમુખ દ્વારા એમના રસના વિષય પર અપાતું વ્યાખ્યાન પછીના ‘અધીત’ પ્રગટ થાય છે. ‘અધીત’ અધ્યાપકોની સંખ્યાને નજર સામે રાખીને મર્યાદિત નકલમાં પ્રગટ થતું હોવાથી, પછીનાં વર્ષોમાં એ લગભગ અપ્રાપ્ય બને છે! અધ્યાપક સિવાયના (એ પણ મર્યાદિત!) રસિક-અભ્યાસુ વર્ગ પાસે ‘અધીત’ લગભગ પહોંચતું જ નથી! આથી સાહિત્ સાથે ઘનિષ્ઠ નાતો દરાવતો અધ્યાપક સિવાયનો વર્ગ પ્રમુખીય વક્તવ્યથી લગભગ વંચિત જ રહી જાય છે! આ વાસ્તવને ખાળવા ગુજરાતીનો અધ્યાપક સંઘ સમયાંતરે પ્રમુખીય પ્રવચનોનાં સંપાદનો પણ પ્રગટ કરે છે. અત્યાર સુધીમાં, આ પહેલાં આ પ્રકારનાં કુલ ત્રણ પ્રકાશનો પ્રગટ થયાં છે. ઈ.સ. ૧૯૭૪માં પ્રગટ ‘અધીત’, ઈ.સ. ૧૯૯૭માં પ્રગટ ‘અધીત: પ્રમુખીય પ્રવચનો’ અને ઈ.સ. ૨૦૧૧માં પ્રગટ ‘અધીતઃ પ્રમુખીય પ્રવચનો-૩’ - એ ત્યાં સુધીનાં પ્રમુખોએ આપેલાં વક્તવ્યોનાં સંપાદનો છે. ઈ.સ. ૨૦૧૨થી ઈ.સ. ૨૦૨૪ સુધીનાં પ્રગટ ‘અધીત-ચોત્રીસ’થી ‘અધીત-૪’માં છપાયેલાં પ્રમુખીય વક્તવ્યોનું સંપાદન એટલે આ ‘અધીતઃ પ્રમુખીય પ્રવચનો-૪’ ડૉ. ગુણવંત વ્યાસના પ્રમુખપદે થયેલું આ કાર્ય ભવિષ્યની પેઢીને જરૂર ઉપયોગી નીવડશે. ડૉ. ગુણવંત વ્યાસની પ્રેરણા, પ્રોત્સાહન અને ઉત્સાહથી આ વર્ષે આ ઉપરાંત અન્ય વિશેષ પ્રકાશનો - ‘અધીત પર્વ-૫ : કાવ્ય સમીક્ષા’ પણ થઈ રહ્યાં છે એનો અમે હર્ષ પ્રગટ કરી રહ્યાં છીએ. આ પ્રકારનાં કાર્યો ભવિષ્યમાં પણ થતાં રહે અને આ પ્રકારે સંઘને ઉત્સાહી પ્રમુખો મળતા રહે એવી શુભભાવના સહ...

– હૃષિકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ,

અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ,
બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા

(મંત્રીઓ - ગુજરાતનો અધ્યાપક સંઘ)