અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/કવિતા, કવિતાની ભષા, છંદોલય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિતા, કવિતાની ભાષા, છંદોલય : સ્વરૂપ અને કાર્ય
મણિલાલ હ. પટેલ

ભાષા અદ્દભુત વસ્તુ છે. ભાષા અમૂર્ત છે, પણ એ ઘણાંને મૂર્ત કરી શકે છે. ભાષા ગજવે ઘાલી કે તીજોરીએ પૂરી શકાતી નથી. એ બોલી સાંભળી શકાય છે... એને લિપિમાં તથા યંત્ર વડે સંગ્રહી શકાય છે, પણ એનો સંસ્પર્શ, એનો અનુભવ તો બોલીએ – વાંચીએ ત્યારે જ થાય છે. ભાષા સ્વયં ઊર્જારૂપ છે ને ઊર્જા વડે ઘણાને ઊર્જામય કરી શકે છે. એ ચેતનને વર્ણવે છે ને ચેતના જગાડી શકે છે. એને પરંપરાઓએ અર્થબદ્ધ કરી છે પણ એ અર્થોના બધા સીમાડા ઓળંગીને – નૂતન પદવિન્યાસ વડે - નવા અર્થપ્રદેશો દેખાડે છે, જરૂર હોય છે સર્જકતાની, સર્જકતા સંકોરનારની !

ભાષાની જેમ માટી પણ અદ્ભુત છે. દુનિયામાં માટી (આપણી ધરતી)થી મોટું કોઈ નથી. કશું નથી. માટી સૌથી મોટી મા છે. માટી પોતે જ મહાસર્જક છે. એનામાં અપાર સર્જકતા છે. એની ઉર્વરતાથી રચાય છે સૃષ્ટિ ! માટી તો, આમ મૂર્ત છે પણ એની સર્જનપ્રક્રિયા ગૂઢ અને અદશ્યછે... અકળ પણ છે.

  • માટીમાંથી એક માણસ ‘ઘડો’ બનાવે છે.
  • માટીમાંથી બીજો માણસ ‘ઘોડો’ બનાવે છે.
  • માટીમાંથી ત્રીજો માણસ ‘બીજ’ રોપી ધાન પકવે છે.

ઘડો પાણી પીવા /ભરવા; ઘોડો શ્રદ્ધાપૂર્વક માતાને પારે ચઢાવવા અને ધાન દેહની ભૂખ ભાગવા વપરાય છે. ઘડો ને ઘોડો માણસની કારીગરીથી બને છે. જળ-હવા-ઉષ્મા એમાં ય જોઈએ છે. પણ ધાનમૉલ પકવવામાં આપણી માવજત જરૂરી હોવા છતાં એને પકવે છે તો પ્રકૃતિની અકળ લીલા ! બીજ સ્ફૂરિત થઈને છોડ બને / ઝાડ બને; ફૂલેફ...! આ પ્રક્રિયામાં 'કુદરતની સર્જકતા’ છે. બીજમાંથી ઝાડ થાય તે રૂપાંતરની પ્રક્રિયાને લીલા કહીએ છીએ... માટી એનું માધ્યમ છે અને છેવટે અંતિમ વસ્તુરૂપે એ સાધ્ય પણ છે. રંગો અને સુગંધો રૂપે એ આનંદ આપે છે.

ઊર્મિ-લાગણી–વિચારનું બીજ મનની માટીમાં ભાષાના દ્રવ્યમાં વવાય છે; અંકૂરિત થાય છે... ભાષા વડે એનું ભાષામાં ભાષાગત સંરચનામાં રૂપાંતર થાય છે. આ રૂપાંતર પરિણામ એ જ એનું સાધ્ય ! અહીં પણ રૂપાંતરની લીલા છે. ભાવાર્થો તથા એની વ્યંજનાઓમાં ભાવકોને આનંદ રસાનંદ મળે છે.

કોઈપણ ભાષા સમાજની દેણ છે. સાહિત્ય પણ સમાજની દેણ છે. ભાષા અને સાહિત્ય બંને – ઉક્ત ભૂમિકાએ પણ - સામાજિક ઘટનાઓ છે. ભાષા લોકજીવનમાંથી આવે છે. બોલાતી ભાષા લોકોની બોલીઓ એ જ ભાષાની ગંગોત્રી છે. નદીની જેમ એ વ્હેતી ને વળાંકો લેતી રહે છે. એનાં ય નીર વધે ઘટે છે. એમાં નવાં નીર ઉમેરાય છે. ડહોળાં હોય તે નીતર્યાં થાય છે ને નીતર્યાં થઈને શિષ્ટભાષા માન્ય ભાષામાં એ ય ભરતી પામે છે. પ્રજા ભાષાનો રોજેરોજ પ્રયોગ-વિનિયોગ કરતી રહે છે. આમ કરતાં કેટલાક પ્રયોગો રૂઢ થઈ જાય છે. રુઢિપ્રયોગો ને કહેવતો પણ આ કાળમાં બંધાતા-રચાતા આવે છે. આમ, ભાષા પ્રાદેશિકતાના, સ્થળવિશેષના તથા ‘લોકાલ' (Local-પ્રદેશવિશેષ)ના ‘લોકલ કલર્સ' (Local Colours-પ્રજાજીવનના રંગરાગ)ને ધારણ કરતી ભાષા બોલી તરીકે નોખી પડે છે ને પ્રભાવકતા દાખવે છે. કોઈપણ સાચા સર્જકને પોતાનાં સ્થળકાળની આવી ભાષાનું/બોલીનું આકર્ષણ હોય છે. એ એનું ઉત્તમ માધ્યમ બને છે ને સાધ્યને રસાળ બનાવે છે. દસ્તાવેજ સાથે કલાત્મકતા સિદ્ધ કરવામાં આવી બોલીઓ લેખે લાગે છે.

જમાનો બદલાય છે. યંત્રો આવે છે. આધુનિકતા આક્રમણ કરે છે. બીજા દેશો-પ્રદેશોની ભાષાઓ અને સમૂહ માધ્યમો પણ જીવનને તથા ભાષાને પ્રભાવિત કરે છે. ત્યારે ભાષાની નદી કિનારાઓ વિસ્તારે છે. ‘લોન વર્ઝ’ને પોતાના કરે છે. ભાષા તો પ્રત્યાયનને શીઘ્ર-અસરકારક અને વ્યાપક બનાવવા માગે છે. સામાન્ય ભાષકો પણ નવા ઉક્તિપ્રયોગો કરે છે. સર્જકો પણ એને અપનાવે છે.

દા.ત. યંત્રયુગ આવતાં નવાં રૂઢિપ્રયોગો કહેવતો આવ્યાં. • આટાં આવી જવા • સાંધાની સમજણ નહીં ને સિગ્નલમેન થવું છે.. • ગાડી પાટે ચડી નથી. • એ તો ગામનું એન્ટેના છે.

વળી ક્રિકેટ જેવી રમતો સાથે ય નવા ઉક્તિ પ્રયોગો આવ્યા.

• રન આઉટ થવું • ફિલ્ડીંગ ભરવી • વિકેટ લઈ નાખવી.

ભદ્રવર્ગ અને શિક્ષણ વાળાઓ શિષ્ટતા માટે લોકબોલીધી જેટલા દૂર જતા ગયા એટલા અંશે એ ભાષાની તાકાતથી પણ અજાણ બનતા ગયા. ખરો સર્જક - વિવેચક તથા ભાષાશાસ્ત્રી આ બધું જાણીને વર્તે એ જરૂરી છે.

• સર્જકે શબ્દના ત્રણ ગુણધર્મો : ૧. નાદ ૨. લય ૩. અર્થ : ભૂલવાના નથી.

• સર્જક શબ્દની ત્રણ શક્તિઓ : ૧. અભિધા ૨. લક્ષણા ૩. વ્યંજના : યાદ રાખવાની છે. બધાંનો પ્રયોગ સહજ રીતે કરવાનો છે, કૃતકતાથી નહીં ! આ બધું સમાજમાં - લોકવ્યવહારમાં ને લોકભાષામાં પ્રયોજાય છે. એ સાહિત્યમાં તો પછી આવે છે. માટે સમાજ, સર્જકભાષા માટે પણ મહત્ત્વની પાઠશાળા છે એ વિસારવાનું નથી. ભાષાશાસ્ત્રીઓ ભાષાનાં રૂપો અને કાર્યોને ઓળખવા તથા અન્યોને ઓળખાવવા મથે છે. વ્યાકરણશાસ્ત્રીઓ બોલાતી તથા લખાતી ભાષાઓની ભાતો (પેટર્નસ)ને એની આંતરિક ગતિવિધિઓને વ્યાખ્યાયિત કરવા મથે છે. તેઓ એમ કરીને રાજી થાય છે. પણ ખરા સાહિત્યસર્જકો તથા સક્ષમ ભાષકો તો આ બંનેથી ઉફરા ચાલે છે; ઉપર ઊઠીને ભાષાને પ્રયોજે છે ને એમ ભાષા વર્ણ વર્ણ, વર્ગ વર્ગ, સમાજે સમાજે દેશકાળે નવતા ધારે છે ને એટલે એ જીવતી રહે છે - આપણને એની નૂતન રીતિઓ દેખાડે છે. દા.ત. આપણાં રૂઢિપ્રયોગો અને કહેવતો, લોકોક્તિઓ, સૂત્રો આ વાતોનાં જ દષ્ટાંતો છે. આપણા કવિઓ/સર્જકો પણ ભાષા વડે નવી ભાષા થડે છે. આ રૂપાંતરની પ્રક્રિયા આપણા મન સાથે, મન કહેતાં ભાવલોક સાથે સંકળાતી હોવાથી ‘ભાષા’ મજાની અદ્ભુત વસ્તુ બની રહે છે.

સાહિત્યમાં ભાષા માધ્યમ છે; સાધન છે છતાં એ ભૂલવાનું નથી કે ભાષા, ‘રચના’– 'સંરચના'ની ભૂમિકાએ, સાધ્ય પણ છે. હું તો વ્યવહાર ભાષામાં પણ અનેક રચનાભાતો' જોઉં છું. ભાષાશાસ્ત્રીઓ અને વૈયાકરણીઓએ ભાષાની પાછળ પાછળ ચાલવું પડે ને એની રૂખને પરખવી પડે એવો ઘાટ છે. કવિતાનું વિશ્વ પણ ભાષકેન્દ્રી વિવેચનાની મદદથી પૂરેપૂરું પમાઈ જાય છે એમ કહેવું સાચું નથી. ભાષાલક્ષી વિવેચના સર્જકતાને, થોડીક સર્જનલીલાની ક્ષણોને ઓળખાવવાની દિશામાં લઈ જાય છે. થોડાક સંકેતો કરે છે... પેલી વીજળીની ચમકારે’ મોતી પરોવી લેનારી ક્ષણોનો એકાદ ઈશારો મળી શકે તોય ભયો ભયો ! કવિતા ભાષામાં ભાષા વડે લખાય છે એ ખરું પણ કવિતા કાંઈ એકલો નકરો ભાષાવ્યાપાર નથી. એની રચનાભાતને નિયંત્રિત કરનારાં પરિબળો તો બીજાં પણ ઘણા છે……. ને એ બધાંને આંગળી મૂકીને દર્શાવી નથી શકાતા... એ સર્જકલીલા વૃક્ષને કૂંપળ-પાંદડાં-ફૂલ-ફળ બેસે એ પ્રકારની જ છે. એ મનથી પામી શકાય તો પણ એની ‘અકળ કળ’ તો હાથ લાગતી જ નથી, વર્ણવી શકાતી નથી.

કવિતા (રચના માત્ર) એની ભાષા (નાદ-લય-અર્થસમેતની શક્તિઓ) લઈને જ જન્મે છે. એનું રૂપ-સ્વરૂપ આંતરલોકમાં જ રચાઈ-ઘડાઈને ટકોરા મારે છે. અંતરની એરણ ભાષાચેતનાથી ઘડાયેલી હોય છે. વિચાર/લાગણીને ભાષા વિના અભિવ્યક્ત કરવામાં મુશ્કેલીઓ પડે છે. હાવભાવ કે સંકેતોની મદદ લઇ શકાય પણ મનમાં જે અનુભવીએ છીએ કે ઘાટ ઘડીએ છીએ એ તો ભાષામાં જ / ભાષા વડે જ શક્ય બને છે. એટલે ભાષા પણ ‘લીલા વ્યાપાર'ની સહચારિણી છે. એની ‘ચાલચલગત’ જાણીએ તો બેડો પાર થઈ જાય છે.

ભાષાનો પોતાનો સ્વભાવ છે – 'નેચર' છે. શબ્દના પોતાના ગુણધર્મો પણ છે. વર્ષે વર્ષે નોખો ને વળી નિજી નાદ છે. આવા વર્ણો નિશ્ચિત ક્રમમાં મળે અને નિશ્ચિત અર્થ આપે ત્યારે શબ્દ પદ બને છે. આ પદોને પણ ‘વર્ણમેળ’ –ને લઈને વિશેષ નાદ હોય છે. આ નાદને જે કવિ સર્જક પારખીને પ્રયોજી જાણે તે વધુ પ્રભાવક બને છે. દરેકને પોતાના છંદોલયની નિજી મુદ્રા હોવાના મૂળ પણ અહીં પડેલા છે. એમાં કવિનો આશય અને ‘મૂડ' પણ (ક્રિયાશીલ) હોય છે. આમ, કવિતામાં શબ્દચયન પદવિન્યાસ ઘણી મહત્ત્વની બાબત ગણાવી શકાય. પદ શબ્દનો નાદ (જેમાંધી પછી શબ્દાલંકારો દર્શાવાયા તે) કવિતામાં ઘણી રીતે મદદરૂપ થાય છે. ભાવની તરલતા ચંચળતા કે વિચારની કઠોરતા આક્રમકતાને પણ પદપસંદગીથી વધુ પ્રભાવક બનાવી શકાય છે. ‘સાઉન્ડ ફોલોઝ ધ સૅન્સ' : પદરચનાના અવાજો જ અર્થ તરફ દોરી જતા હોય – એવી સહજ રચના વધુ આસ્વાદ્ય લાગે છે.

દા.ત. ‘ઝૂકી ઝૂંડની ઝાઝી ઝાડી’ અહીં ‘ઝ’ વર્ણનો રવ : ઝાડની ખચાખચતા સૂચવે છે... ને વૃક્ષોના પાસે પાસે ઊભેલાં થડ લાઈન બદ્ધ દેખાય/ અનુભવાય છે.

ઝંઝાના ઝાંઝરને પ્યુરી પધાર પિયા
કાનના કમાડ મારા ઢંઢોળી જા...

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા
મારી વીણાની વાણી જગાડી જા

અહીં વર્ણસગાઈ દ્વારા નાદ માધુર્ય રચીને અર્ધમાધુર્ય નીપજાવવામાં કાવ્યત્વ પણ છે

‘આસપાસ આકાશમાં અંતરનો આવાસ...
ઘાસઘાસની પાસ પણ વિશ્વપતિનો વાસ !

અહીં આંતરપ્રાસ વડે ભરચકતા-ખચાખચતા દર્શાવાઈ છે - ઈશ્વરલીલા બધે જ ખચાખચ છે - એવો ભાવાર્થ સહજ મળે છે.

પ્હાડોનાં હાડ મારા પિંડમા, ને –
નાડીમાં નાનેરી નદીઓના નીર

અહીં પહેલી પંક્તિમાં નક્કરતા/ કઠોરતા દર્શાવતા પદો છે. બીજી પંક્તિમાં ‘ન’નાં આવર્તનો સ્વરમેળથી– નદીની લહેરો તથા ગતિનો અનુભવ કરાવે છે.

'છાનુ ને છપનું કૈં થાય નેં થાય નેં
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નૈ...
નણદી ને નેપૂર બે એવાં અનાડી\
વ્હાલાં પણ વેરી થૈ ખાય મારી ચાડી....’

અહીં નાયિકાના મનમાં જે ‘નાદ લાગ્યો છે’ – પિયુને પામવાનો નાદ લાગ્યો છે - તે પદોની નાદરચના વડે અંતરસોંસરો અનુભવાય છે. એમાં નાદ સાથે મસ્તીનો થોડો છાક થોડો કેફ છે એ વર્ણયોજના વિના શક્ય નહીં બનતે, હાસ્તો !

અહીં શબ્દાલંકારોની ભાત ભાષાભાત રચાય છે - આપોઆપ. આપણા માત્રામેળ છંદો પરંપરિત લયનો પણ આ જ પ્રદેશ છે. બધાનો ઉગમ આ નાદ-લયના મલકમાં જ થાય છે. આ બધા વાનાં આમ તો, બોલાતી ભાષામાં પડેલાં છે – બલકે એમાંથી જ જડેલા છે.

આપણે, ઘણા મિત્રો જો છંદોલયને નથી પકડી/પારખી શકતા એનું કારણ છે બોલાતી બોલી ભાષા તરફનું બેધ્યાનપણું ! રોજેરોજ બોલાતી ભાષામાં નાદની રમણા છે ને લયનો જાદુ છે તો વળી અર્થોનું અચરજ પણ એમાંથી જ અનુભવાય છે.

અનેક લોકોક્તિઓમાં કાવ્યબળ છે. દા.ત. સંગાથની મારી સાસરે ગઈને ને નેવાં ઝાલીને ઊભી રહી ! પાદવાની પહોંચ નઈ ને તોપચી થવું છે. અનેક વાક્યો વાર્તાલાપોમાં છંદોની પંક્તિઓ/એના અંશો એમ જ, જેમના તેમ પડેલા છે. કાન-સાવધાન ! સાવધાન- કાને એ બધું ઝિલાવું જોઈએ.

• ધણીને મૂકીને બીજાને ધણી કરીને જતી રહેનારી સ્ત્રી માટે લોકોકિત છે કે – ‘ઊભે ભાલે ગઈ !’(અહીં ‘ઊભા ભાલા’ નો અર્થ સમજવા જેવો છે.)

• પડું પડું થતા ઘરના કરામાં (ભીંતે) ગામનાં રખડું છોકરાની ટોળી હારબદ્ધ ઊભી રહીને પેશાબ કરે છે – રોજ, ત્યારે ઘરડાં માજી ફરિયાદ કરે છે :

‘આ ભાભોનાં છોકરા (રોજરોજ) ભેંતોમાં ભાલા મારી સી...'

ખોટું અભિમાન કરતી, કહેવાતા મોટા ઘરની વહુ માટે બીજી વહુઓ ટીકા કરે છે ત્યારે કહે છે-

• ‘મૂળે કારેલી કડવી ને પાછી લેંબડે ચડી...'

• ઊંચી ને પાછી ઉકરડે ચડી...’

• ‘ઉંમરાના જીવડે આભલું ભાળ્યું, ભા !'

આપણી કેટલી કેટલી લોકોક્તિઓ કવિતામાં ગોઠવાઈ ગયેલી છે તો વળી કેટકેટલી કાવ્યપંક્તિઓ લોકોક્તિઓ રૂપે વપરાતી રહી છે.

દા.ત. ‘ગોળ વિના મોળો કંસાર મા વિના સૂનો સંસાર...' (પ્રેમાનંદ) ‘બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા' ‘પુત્રનાં લક્ષણ પારણે ને વહુનાં બારણે...'

આમ, રોજેરોજની બોલાતી ભાષા નવાનવા નાદલય નીપજાવે છે... કવિતા માટે નવી ભાષા લોકજીવનની શાળામાં જ તૈયાર થાય છે. એટલે જે કવિ પાસે લોકજીવનનો વિસ્તૃત અને ઊંડો અનુભવ નથી હોતો તેની પાસે કવિતા કરવા સારુ ‘સાબદી’ ભાષા નથી હોતી; એની પાસે તો નિર્જીવ ભાષા અને એના પ્રલાપો હોય છે. આધુનિકો એવા જલ્પનોને પ્રયોગો કહીને પોરસાવતા હતા... આજે આપણને એ બધું નિર્માલ્ય લાગે છે. કેમકે એમાં એના શબ્દમાં જીવાતા જીવનનાં નાદ-લય-કળ-બળ નથી હોતાં. એક લોકોકિત છે :

‘ભેંસ, ભામણ ને ભાજી / પાણી જોયું કે રાજી’

કાનથી વાંચીએ તો આ ઉક્તિ તો લયમાં છે. નિશ્ચિત માત્રા અને તાલ બેઉ હાજર છે. કવિ રાજેન્દ્ર શુકલે આ ઉક્તિનાં લય તાલ જાણી માણીને ટૂંકી બેતની ગઝલ કરેલી... આ રીતે –

‘વીજળી પણ કેવી પાજી / પ્હેલાં ચમકી પછી ગાજી !’

લોકોક્તિ ‘ના પાડું તો નાક કપાય ને હા પાડું તો હોઠ’ (શું કહેવું આ મનને મારા – રહ્યું ઠોઠનું ઠોઠ) જુદા જુદા માણસો એક જ ઉક્તિ બોલે તો પણ એમના નાદમરોડ થોડાક જુદા પડવાનાં જ. આપણા કક્કાના કેટલાક વર્ષો /શબ્દોરૂપે વાક્યમાં વાપરીએ છીએ ત્યારે એના ઉચ્ચાર સ્થાનો થોડાક ઘોડાંક બદલાય છે – એમાં સ્વરો ઉમેરાતાં વળી નાદ તીવ્ર ઊંચો મદ અલ્પ ગાઢ થતો અનુભવાય છે.

દા.ત. •કામિની કોકિલા કેલિ કૂજન કરે...('ક'નાં ઉચ્ચારણો નોંધો) •સૂના સરવરિયાની સોનેરી પાળે... (અધોરેખિત વર્ણો વાંચવા) •જેવા નાહ્યા પછીના નખ કુંણા... (અધોરેખિત વર્ણો વાંચવા) •સખી રે ! મારા સાજણજી એવા સલૂણા ! (અધોરેખિત વર્ણો વાંચવા) •રમતાં રમતાં રોપ્યો રડજી રાજગરો... (અધોરેખિત વર્ણો વાંચવા)

બોલાતી ભાષાનો ભાષક તળ બોલીમાં ય અજાણતાં જ નાદના નાદે ચઢી જાય છે. ભાષાનો પોતાનો આવો ‘ભાષાવાદ' છે ને ભલભલાને ભાષા ‘ભાષાવાદ’માં વીંટાળી લે છે. આમાં નાગરી ભાષા ય આવે છે.

આછા અજવાળે અમે તો આગળ ચાલ્યા. •એમને તો વાતે વાતે વાંકું પડે છે... •આડે લાકડે આડો વૅર ! •ધીમી ધારે મેઘો મંડાયો તે મંડાયો... •કોટી ધોઈને કાદવ કાઢ્યો ! •તારે તો છીંકતાં છીડાં પડે... •છાપરામાં છાના રહો. •આગળ આડી રાત એની તે શી વાત ! •પૈ-ની કમઇ ને ને ઘડીની નવરૈ ને... •ઘેરના ઘેર ન ભેડકા ભેર ... •તમે તે ઘડીએ બહુ બહુ યાદ આવ્યાઃ (પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં. હરીન્દ્ર દવે) •તમે કોઈ ને કોઈ બહાને આ તરફ નીકળી આવો... (તમે આવો આણી તરફ કંઈ વ્હાનેય નીકળી... ઉશનસ્) •ધીમે ધીમે વાત કરજો, અહીં તો ઝાડવાં ય સાંભળી લેશે. (હજી ધીમે ધીમે પ્રિય સખી તહીં ઝાડ ઉપરે... સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે. પ્રહ્લાદ પારેખ)

આપણી લોકોકિતઓ કે એવી વાક્યરચનાભાતો આપણાં સૉનેટો કે ગીતોમાં પ્રયોજાયેલી મળે છે. એ જ રીતે એકબે શબ્દોનાં સ્થાનફેર કે ઉમેરણથી ગઝલોના મત્લા બનેલા છે. વ્યવહારની ભાષા કવિને જાણે રચનાનું માળખું સૂઝાડવા પહેલ કરે છે. આનાથી રચનામાંસહજતા અને સદ્યોગમ્યતા આવે છે. આસ્વાદ વધારે માત્રામાં અનુભવાય છે. વ્યવહારભાષાની રચનાભાતમાંથી આવેલી થોડીક પંક્તિઓ નોંધીએ : •બધો આધાર છે એના જતી વખતના જોવા પર મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ...' - મરીઝ •‘આડા ડુંગર ઊભી વાટ / કુદરત કાયમ ઘડતી ઘાટ' - મણિલાલ પટેલ •એક તો ઓછી મદીરા છે ને ગળતું જામ છે.' - મરીઝ •‘તારું કશું ન હોય તો છોડીને આવ તું’ - મિસ્કીન •‘ છોડ સઘળી મમત, કોઈ તારું નથી, બોલ, લાગી શરત, કોઈ તારું નથી.’ - મિસ્કીન •‘ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.’ - આદિલ •‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ - મનોજ ખંડેરિયા •તને પીતાં નથી આવડતું, મૂરખ મન મારા ! પદાર્થ એવો કયો છે જે શરાબ નથી.' - ઘાયલ •‘થઈ ગયું પુસ્તક પૂરું ને કૈંક પ્રકરણ રહી ગયાં.’ - બેફામ •‘પૂર આવેલી નદીને પટ ઘણો ઓછો પડ્યો’ - ચિનુ મોદી •પાપણ કદી રહી શકે મટકું ભર્યા વગર ?' - મનહર મોદી •‘શું કામ જૈને બેસતો એ વીજળીના તાર પર •નડચો છે જોખમી સ્વભાવ : કાગડો મરી ગયો.' - રમેશ પારેખ

આ અને આવી અનેક પંક્તિઓ નોંધતાં પાર નહિ આવે. ઉક્તિઓને શબ્દફેર કરતાં કાવ્ય પંક્તિઓ બની જાય છે – ને એને લય પણ હોય છે – આ વાત ‘કવિ બનનારે’ જાણવી ઘટે. ભાષા સાંભળવી – એના નાદ/લયમાં સાંભળવી અનિવાર્ય છે. વાંચીએ ત્યારે ય લયભાત પકડાવી જ જોઈએ. (લઘુની એક ગુરુ અક્ષરની બે માત્રા... લઘુગુરુ - વગેરે જાણવાં ઘટે.) નિશ્ચિત માત્રાનાં લયએકમોનું પુનરાવર્તન કરીને કવિઓ ગીતનો લય રચે છે. ત્રિકલ-ચતુષ્કલ- પંચકલ-ષટ્કલ-સપ્તકલ-અષ્ટકલ માત્રાની સંખ્યા પ્રમાણે અને આવર્તનોની વધઘટ પ્રમાણે લયભાત રચાય છે. આધુનિકોએ આ રીતે ગીતના લય રચ્યા... મુખડા/અંતરામાં પણ જુદી લયભાતો રચી. લયાવર્તનોને જોડીને કે તોડીને અનુગાંધીયુગના ઘણા કવિઓએ પરંપરિત લયરચનાઓ કરેલી. વ્યવહારમાં બોલાતાં વાક્યો કે ઉક્તિઓમાં આવી લયભાતો આખેઆખી કે ટૂકડા અશો રૂપે મળે છે. દા.ત. તમે આવજો (રે) તમે લાવજો (રે). (રે) ઉમેરવાથી લયભાત પ્રગટે છે. કવિ એમાંથી મુખડો/અંતરો રચવા આવર્તનો વધારી શકે છે.

કોકવાર તો આવો/એકવાર તો આવો...(બધાં જ આવું કહે છે. ) ‘કોકવાર તો ‘આવો વ્હાલમ ! એકવાર તો આવો...’ ‘વ્હાલમ’ ઉમેરવાથી ગીતનો મુખડો બની જાય છે. આવા અનેક દૃષ્ટાંતો મળી આવે છે.’
આઘાપાછી આઘાપાછી કરતાં કરતાં રાત પડી ગૈ...’ માણસ કામ કરવામાં ઢીલાશ કરે ત્યારે આવું કહે છે... હવે આ ઉક્તિની માત્રા ગણો – અષ્ટકલનાં ચાર આવર્તનો છે. ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને-'નો લય પણ આમ વ્યવહારની ઉક્તિઓમાં મળી આવે એ અચરજની વાત છે? હા. પણ આપણે આ શોધી કાઢીએ એની મજા આવે છે.
એક ઉક્તિ અમારે ત્યાં – વ્હારે જ ફરતા ફરનારને માટે વપરાય છે - એને ઘરમાં કીડીઓ કર' (છે.) ને કે કામ નહિ કરનારો વટ મારે ત્યારે – ‘એ તો અમથો મૂછો મરડે’ (છે) એમ કહેવાય છે. આ બંને ઉક્તિઓમાં સોળ સોળ માત્રા છે – તાલ લય છે... એમાંથી લખનારે ષોડષી-માત્રામેળ-છંદ રચ્યો છે. દા.ત. ‘એ તો અમથો મૂછો મરડે / એને ઘરમાં કીડીઓ કરડે...'
ચોપાઈ તથા સવૈયા છંદમાં ગોઠવાઈ જતી ઉક્તિઓ પણ અજાણતાં જ માણસો પ્રયોજતા રહે છે. એ તો એમના બોલવાની રીતિનો હિસ્સો છે. દા.ત. મૂંઝાયેલો માણસ ઘર-બહાર ફર્યા કરે ત્યારે કહે છે : - ભૈ, એ તો ‘ઘરમાં આવે બ્હારા જાય / બોલે ના તો (અમને) શું સમજાય ? આ ઉક્તિ ‘ચોપાઈ' બને છે. થોડાંક પદો ઉમેરો/બાદ કરો... ને વિશેષ અર્થ નીકળે એની કાળજી રાખો તો લયભાતની સાથે કાવ્યત્વ આણી શકાશે. આપણે એ જાણીએ છીએ કે છંદો/પદ્યો એ કવિતા નથી. છંદોલય હોય કે લોકબોલી/વાર્તાલાપો વગેરે હોય : એમાં પદવિન્યાસ મહત્ત્વનો છે. વિશેષ અર્થ આપતો અને એ ભૂમિકાએ રમણીય હોય એવી પદરચનાઓ કાવ્ય કહેવાય છે.

ભાષા માણસોએ, જૂથ ભાવનાને લીધે તથા પરસ્પર વિચારવિનિમયને માટે ઉપજાવી છે. પછી તો ભાષાપ્રયોગો માણસનું આંતર્ વ્યક્ત્વિ પ્રગટાવવા સમર્થ બન્યા. ભાષા પોતાની શક્તિઓ પ્રગટાવતી રહી એમાં સમર્થ ભાષકોની કાબેલિયત કારણભૂત છે. એ જ ભાષા પછી માનવમનનાં અતળોનો તથા પ્રકૃતિલીલાઓના તાગ મેળવવા મથે છે. મર્યાદિત શબ્દોવાળી ભાષા અમર્યાદ અનુભવો તથા જીવનને અને સૃષ્ટિ લીલાને ઊંડળમાં લેવાનું સાહસ કરે છે. ભાષકો તથા સર્જકો ભાષાને ઘડે છે... પદો-પદોના નવા વિન્યાસો રચાય છે ને ભાષાનું નૂતન સ્વરૂપે ઊઘડે છે. આપણે શિષ્ટ-ભદ્ર-માન્ય ભાષાની લ્હાયમાં વિશાળ વર્ગની વ્યવહાર ભાષાથી દૂર સરતા ગયા. પરિણામે ભાષાના સ્વ-ભાવને તથા એનાં અવનવા રૂપોને ઓળખવાથી આઘા રહ્યા, આથી કવિતા-છંદોલય-સાહિત્યને સમજવામાં પણ પાછા પડ્યા છીએ. આજનાં શિક્ષક- અધ્યાપક અને વિદ્યાર્થી તો ઓછામાં ઓછું વાંચે છે ને શ્રવણ તો ભાગ્યે જ કેળવે છે. પરિણામે છંદોલયની પરંપરાનો અને બોલાતા શબ્દનો જે આંતરસમ્બન્ધ છે તે એની જાણ બ્હાર રહી જાય છે. દા.ત. અક્ષરમેળ (ગણ મેળ) છંદો સંસ્કૃતમાંથી આવ્યા છે. એને સંસ્કૃત છંદો પણ કહીએ છીએ. સંસ્કૃત પણ જીવંત અને વાગ્વ્યવહારની ભાષા હતી. એની લઢણો છંદોમાં ઊતરેલી જ છે. એટલે ગુજરાતીમાં પણ આપણે મંદાક્રાન્તા કે શિખરિણી કે એવા છંદો પ્રયોજીએ ત્યારે વાગોક્તિઓ (બોલાતી ઉક્તિઓ)ની ભાત (રચના/પટર્ન) સામે આવે છે : રામનારાયણ વિ. પાઠક ‘શેષ'ની ‘ઉમા-મહેશ્વર' કાવ્યરચનાની આ પંક્તિઓ સાંભળો: (જાણે નાટકનું દૃશ્ય છે ને સંવાદ ચાલે છે.)

‘રહો, જાણ્યા એ તો ! જગ મહિ બધે છેતરઈને-
        શિખ્યા છો આવીને ઘરની ઘરૂણી એક ઠગતાં !
        બીજું તો જાણે કે ઠીક જ, વિષ પીધું ક્યમ, કહો ?’

અહીં શિખરિણીના માઁડ-મરોડ વાર્તાલાપનું રૂપ ધારણ કરે છે. ઉમાજી શિવજીનો-જાણે કે- ઉઘડો જ લ્યે છે ! સમુદ્રમંધન પછીની ઘટના છે. ભોળાદેવે તો અમૃત નહિ વિષને જ વ્હાલું કર્યું છે- તેથી ઉમાજીનો રોષ (મીઠ્ઠો) વેઠવો પડ્યો છે. કોણ કહે છે કે છંદો બંધન છે ? અવરોધક છે ?! ગુજરાતી છંદોબદ્ધ કવિતામાં આવાં દૃષ્ટાંતોનો પાર નથી. (આગળ, છંદોનું કાર્ય તપાસતાં થોડાં વધુ દૃષ્ટાંતો લઈશું.) ગુજરાતી સંસ્કૃતમાંથી ઊતરી આવી છે. એટલે મા એવી દીકરીને - ન્યાયે, ગુજરાતી બોલનારાં પણ અજાણતાં જ, લયલઢણોમાં બોલે છે. ક્યારેક-એક બે પદો આવાંપાછાં કરતાં આખેઆખી છંદ પંક્તિ મળે છે. અલબત એ છંદ' છે ‘કવિતા' નહીં ! બાકી અનેક પદરચનાઓ-બોલચાલના વાક્ય ખંડો - છંદોલય બદ્ધ પંક્તિ ખંડો રૂપો મળે છે. મેં ધીમે ધીમે છંદોને વાણી વ્યવહારમાં પણ ઓળખ્યા છે. આજે તો એવો અનુભવ વધુ ને વધુ થતો રહે છે. હાઈસ્કૂલમાં છંદો શીખતો હતો. એક દિવસ બાપા મહેમાનને કહેતા હતા કે ‘ઉતાવળમાં આ વખતે નિરાંતે બેસાયું નથી; વાતો ય ના થઈ શકી. તમે, ફરી આવો ત્યારે જરીક ઠરીને વાત કરશું... મારો કાન તરત સરવો થયો. શિખરિણીમાં આખી ઉક્તિ આવી ગઈ હતી - અજાણતાં જ બાપા રોજિંદી ભાષામાં એ બોલેલા : (એક બે પદ/વર્ણ ફેર હશે, બસ !) “ફરી આવો ત્યારે જરીક ઠરીને વાત કરીશું’’ (શિખરિણી) પછી તો મારું કામ આગળ ચાલ્યું... છીડું શોધતાં લાધી પોળ...' વગેરે. ભાભી કોઈને કહેતા હતાં – ‘તમે જાવ ત્યારે મને અમથું મળતાં જજો, હાંકે ! ' મેં એને શિખરિણીમાં ગોઠવ્યું “તમે જાઓ ત્યારે અમથું મળીને, હા, નીકળજો વગેરે. પછી તો 'આવો ત્યારે' - 'જાઓ ત્યારે' ‘ધીમે ધીમે’ – વગેરે ખંડોમાં મંદાક્રાન્તાનો આરંભ પમાતો... પછી પાંચ લઘુ શિખરિણીમાં ય વચ્ચે છે તે તથા હરિણીમાં આરંભે પાંચ લઘુ પછી આવતા ચાર ગુરુ અક્ષરો – આવી આવી પદરચના ભાતોમાં જીવ પરોવાતો... ને ખ્યાલ આવતો કે હરિણી-શિખરિણી-મંદાક્રાન્તા-સ્ત્રગ્ધરા વગેરે છંદોમાં ગુરુ- લઘુના ખંડો સ્થાન ફેર થાય છે ને નવો છંદોલય કર્ણરંજક બને છે. આ બધા (શાલિની પણ ખરો) છંદો જાણે એક કૂળ ગૌત્રના લાગે છે. મારા દાદાજી કુટુંબની વાતો કરતા – શિયાળાની સાંજે - મોડી રાતે સગડીની આસપાસ સંગત અને વાતોની રંગત જામતાં. એમની કેટકેટલી ઉક્તિઓ-સૂત્રો જેવી - યાદ રહી ગઈ છે. એમાંની કેટલીક તો છંદોલય લઈને ચાલતી હતી, એ તો છંદો વિશે ભણ્યો કે છંદો વાંચ્યા - કાનથી વાંચ્યા ને રટ્યા ત્યારે, ખબર પડી. દા.ત. ‘‘અમારા ભાઈબહેનોમાં ભલો માણસ સોમજી” કાનથી – વાંચતાં સમજાયું કે આ તો અનુષ્ટુપ છે. આપણો પ્રથમ કાવ્યછંદ ! સરખાવો : ‘‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’’ (સુન્દરમ્) ‘ડાહ્યો’ માણસ સૌની વાત સાંભળે, માને પણ ખરો. અહીં ‘ડાહ્યો’ થોડો ‘ભોળો’ ગણાતો. દાદા કહે : ‘એને તો કાળી ય ગાય ને ધોળી ય ગાય !' – અર્થાત્ જે કહો તે સવાવીસ (કબૂલ) ! પછી મને દલપતરામનો ચોપાઈ છંદ કવિતામાં પદ્યમાં કાનોકાન મળ્યો. કાળી ધોળી રાતી ગાય'પીવે પાણી ચરવા જાય...' સોમજીની સેવાને દાદા બીરદાવતા ને એનાં કામ વર્ણવતા : ‘સોમજી ! ભેંસો લઈને વગડે જાય / વાવ તળાવે ન્હાવા જાય...' અહીં સંબોધન પછીના શબ્દોમાં ૧૫ માત્રાના બે ચરણ આપોઆપ આવ્યાં છે. આવાં ચાર ચરણો મળે એટલે ચોપાઈ (માત્રામેળ) છંદ થાય. ચોપાઇમાં દરેક ચરણનો છેલ્લો અક્ષર લઘુ હોય છે. તો આનો અર્થ એ થયો કે અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ પાસે વ્યવહારભાષાની બોલીલઢણો તો છે જ...પણ એ કાં તો એને ધ્યાનથી સાંભળતા નથી અથવા એમને એમાં રહેલી લયભાતો, છંદોની ઘણી જ નજી ચાલે છે એનો ખ્યાલ નથી. આપણી બોલીઓ/રોજેરોજનાં વાણીવ્યવહારોને ધ્યાનથી સાભળીશું તો છંદોલય સાથે અર્થો તથા નોખા મર્મો પણ પામીશું. નાદ અને લય એ તો ભાષાઓનો સ્વભાવ છે; ગુણધર્મો છે. કવિતામાં એનો વધુ ને વધુ પ્રયોગ થતો રહ્યો છે. એ સાથે સર્જનાત્મક ગદ્યમાં પણ એ નાદલયનો લેખે લગાડનારા સર્જકો મળતા રહ્યા છે. ટાગોર-કાલેલકર અને સુરેશ જોષીના નિબંધોને જરા મોટેથી વાંચો, તરત ખબર પડશે કે ગદ્યનો અનિયમિત લય અહીં કેવા આરોહ-અવરોહ રચીને વર્ણનને વધારે સ્પર્શ તથા અર્થપૂર્ણ બનાવે છે. આપણે ત્યાં વારતા માંડવાનો રિવાજ હતો. હજી એ નામશેષ તો નથી થયો. ઘણી ભાષાઓમાં આ પદ્ધતિ હતી ને છે. ‘‘એક ઈડર નામે ગામ હતું ને ત્યાં ધૂળો નામે વાણિયો રહેતો હતો. એક વખત એ સમી સાંજે કોટડા ગામ જવા નીકળ્યો. રસ્તામાં અંધારું થયું ને એના મનમાં ઉચાટ થવા લાગ્યો..’' વગેરે હવે આ કથાકથનને પદ્ય (દોહરો)માં કેટલું તો સહજ રીતે – ને ઝાઝાં પહે બદલ્યા વિના – મૂકી શકાયું છે – જુવો :

“એક ઈડરનો વાણિયો / ધૂળો એનું નામ
સમી સાંજનો નીકળ્યો / જવા કોટડે ગામ
રસ્તે અંધારું થયું / ચડિયો બીજી વાટ
જંગલમાં ભૂલો પડ્યો / મનમાં થયો ઉચાટ" (રમણલાલ સોની)

“ ડુંગરોની વચ્ચે એક ગામ હતું. ગામનું નામ ગાંભુ હતું... ત્યાં પાંચો પટેલ રહેતો હતો અને બહુ ખંતથી ખેતી કરતો હતો..” ‘મીઠી માથે ભાત’ કાવ્ય (પદ્ય)ની આ કથા પણ જાણીતી છે. ગદ્યકથનને અહીં સાવ સરળતાથી પદ્યમાં મૂકી દઈને ભાષા ‘પ્રવાહિતા’નો અને વર્ણનની 'રસાળતા'નો પરિચય કરાવવામાં સફળતા મળેલી છે.

‘ડુંગર કેરી ખીણમાં / ગાભુ નામે ગામ
ખેતી કરતો ખંતથી/ પટેલ પાંચો નામ. (વિઠ્ઠલરાય અવત્સ્થી)

મીઠીના ઉમંગનું તથા એને વાઘ ઉપાડી ગયો - પછીનું : બેઉ વર્ણનો ધ્યાનપાત્ર છે. એકમાં ઉલ્લાસ ને બીજામાં કરુણ, પદ્યમાંથી ખસતું ખસતું વર્ણન છેવટે કાવ્યત્વની સીમામાં લઈ જઈને ભાવકને ઘડીક ભાવાદ્ર કરી મૂકે છે. બાળ-કિશોરોને તો એ રોમાંચિત કરે છે ને પછી કરુણા પણ જગવે છે. વચ્ચે આવતો ભુજંગી છંદ ક્રિયાવેગને વાળે છે – રૂપ આપે છે. ( “કહે માત, મીઠી ! હવે ભાત આપું ! કીકો લાવ મારી કને, જા તું બાપુ !) માત્રા મેળોની તાકાત તો જુવો. અહીં ભાષા દ્વારા કવિતા પાસે અને કવિતા દ્વારા ભાષા પાસે જવાનો કીમિયો છે... આવી કૃતિઓ આજે ભણવામાંથી બાદ થઈ ગઈ હોય તો નહિ ચાલે. પ્રાથમિક માધ્યમિક કક્ષાએ ભાષાઓના અભ્યાસક્રમો ઘડનારાઓ બેજવાબદારી દાખવે છે ત્યારે ભાષા-ભાષક/કવિતા-ભાવક-બધાને અને સરવાળે સમાજોને જ શોષવાનું આવે છે. હજી જાગી જવાય તો સારું છે. આગળ ઉપર આપણે જોયું – નોંધ્યું છે કે ‘ભાષા અદ્ભુત વસ્તુ છે.’ આ વાત સામાન્ય માણસે પણ ભૂલવા જેવી નથી. ‘ભાષા’ વિના ઘણું બધું થઈ શકતું નથી. ને કવિતા તો નહિ જ. ભાષા સાથે સૌની પહેલી અને પરમ નિસબત છે. ભાષા વિના આપણી માંહ્યલી ભાવસૃષ્ટિ અભિવ્યક્તિ પામતી નથી. ધાન-તરુવરો-વેલીઓ-ફૂલો-ફળોમાં માટીની-ધરતી માતાની/પોતાના આંતરસત્ત્વતત્ત્વની અભિવ્યક્તિ થયેલી પમાય છે. માટી તો આમ બહુરંગો/સુગંધો વગરની જડવત્ છે. પણ વૃક્ષો-વેલીઓ કે ધનધાન્યમાં એ રંગો/સુગંધોની નવી જ દુનિયા ખડી કરી દે છે. એ એની અકળ લીલા છે ને એ લીલા સકળમાં વ્યાપ્ત છે. શબ્દ પણ આમ જ આપણાં ભોંય- ભીતરને અભિવ્યક્ત કરે છે. એમાં ઉલ્લાસો- આનંદો-વિષાદ-વિરતિ અને શોક પણ હોવાનાં જ. મૂળ વાત તો છે લોહીના ધબકારને લઈને પ્રગટ થતા શબ્દની- શબ્દલોકની !! આપણો કવિ ભાષા ઘડે છે - એણે ભાષાને નવા નવા સન્દર્ભોથી વધારે પ્રસ્તુત તથા તાજગીભરી પણ બનાવવાની હોય છે. ભાવજગત અને પ્રકૃતિની લીલાઓને શબ્દની ઊંડળમાં સમાવવા માટે સર્જકો ભાષા સાથે અનુનય કરે છે, ભાષા જોડે લડાઈ માડે છે, ભાષા વડે જ નવી ભાષા ઘડે છે. નદીના પ્રવાહોની જેમ આ બધું છૉળ પર છૉળ થઈને વ્હેતું રહે છે. ભાષક વાણી-વ્યવહારમાં દ્વિરુક્તિનો પ્રયોગ ડગલે ને પગલે કરે છે. ચિત્રને અસરકારક કે દશ્યને વધારે ચિત્રાત્મક કે ગતિશીલ બનાવવા સારું પ્રાસ-આંતરપ્રાસ અને રવાનુકારી પદોનો પ્રયોગ કરે છે. ભાષાની નાદશક્તિ અહીં વધારે ઉજાગર થાય છે. પદો ઉક્તિઓ તથા પંક્તિઓ દ્વારા એ નાદની ‘રેંજ’ને પામીએ... : •“લધરવધર’ ‘સખળડખળ’ ‘લધ્ધરપધ્ધર’ •વહુ ઘરમાં ‘ઢઢણપઢણ' કરી રહી છે. (વસ્તુઓ ગોઠવે એનો અવાજ ) •રસોડામાં ‘ઢાંકોઢૂબો’ કરીને આવું છું. •‘અલકમલક’ની વાતો છે. •મારે 'વાસણકૂસણ' કરવાનાં બાકી છે. • ‘ધોલધપાટ’ના કરતા. •એ બધા ‘ઘાસફસિયા’ લેખકો છે. • ડાંગર ‘કાળીમેશ’ છે. •આંખો સાવ ‘પીળી પચરક' થઈ ગઈ છે. • શરીર ‘ધોળુંધબ’ છે. •મોઢું ‘લાલચૉળ’ કેમ છે ? • બ્હાર ‘ઘનઘોર’ અંધારું છે. •‘લફરફફર' કરતો આવ્યો. • છાતી ‘ધકધક' થાય છે. •હવામાં ‘છમછમ’ થાય છે. • મનમાં ‘રણઝણ રણઝણ’ થાય છે.

વર્ણો/શબ્દોની પુનરુક્તિ/પ્રાસાધારિત પુનરુક્તિનો કવિઓ છંદ અને ગીત બંનેમાં પ્રયોગ કરે છે. •કૈં ‘ઝળહળ ઝળહળ’ જેવું છેઃ દરવાજો ખોલ ! (ગઝલ) (મનોજ ખંડેરિયા) •અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે. (ગીત) (વિનોદ જોશી) •વહી રે'તો ત્યાંથી ખળળ ચિર શાતા જળ ઝરો... (છંદ) (ઉમાશંકર જોશી) •નાડીમાં નાનેરી નદીઓનાં નીર... (લોકલય) (ગીત) (જયંત પાઠક) ‘ઘાસ-ચાસ-પાસ-વાસ’ : જેવા દલપતરામે યોજેલા આંતરઅનુપ્રાસોની રમણા પણ અહીં યાદ આવે છે. શબ્દરચના જે પ્રાસાદિકતાથી ઉચ્ચારાય છે ત્યારે પ્રગટતો નાદ એ અવાજ અર્થને જાણે કે દશ્યાત્મક રૂપે રજૂ કરે છે. •સહસ્ર શત ઘોડલા અગમ પ્રાંતથી ઊપડ્યા... (શ્રીધરાણી) (અહીં દરિયાની ભરતી/મોજાંની રવાનુકારી ગતિ દેખાય છે.) •ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની... (રાજેન્દ્ર શાહ) (અહીં ઉબડખાબડ રસ્તે જતી જૂની ડમણી બરાબર સંભળાય છે.)

લાભશંકર ઠાકરે આંતરઅનુપ્રાસોનો (‘તડકો' વગેરેમાં) તથા રાવજીએ અને રમેશ પારેખે રવાનુકારી પદોનો અર્થપૂર્ણ વિનિયોગ કર્યા-નાં ઘણાં દૃષ્ટાંતો મળે છે. છેવટે તો અર્થની વ્યંજના તથા કાવ્યત્વ મહત્ત્વનાં છે. પણ ભાષા કેટલી બધી રીતે ભાતે સામાજિક દેણ છે એ સભાન ભાવકને તથા સુજ્ઞ સર્જકને પમાય છે.

આપણી આજની સ્થિતિ ચિંતાજનક છે. વિદ્યાર્થી અને અધ્યાપક બેઉ પાસે ભાષાભંડોળ નથી. છંદોલયની જાણકારી નથી. ઉચ્ચારો ચોખ્ખા-સાચ્ચા નથી. પરંપરાઓ તરફ પીઠ છે અને જાણવા-માણવાની ઉત્કંઠા ભાગ્યે જ દેખાય છે. કવિતા કે છંદોલય જો નથી પકડાતાં તો તેમા એમની બેદરકારી-બે જવાબદારી જ વિશેષ કારણભૂત છે. મેં ‘રિફ્રેશર કોર્સ’માં અધ્યાપકોને ‘ઘનઘોર’ શબ્દનો અર્થ પૂછેલો. ઘણા મૌન હતા. ને થોડા બોલ્યા તે કહેતા હતા કે ‘વાદળોની જેમ ઘેરાયેલું’ (અંધારું.) ખરેખર તો પોતાનો જ હાથ ન કળી શકાય એવા, વાદળ જેવા કાળા અને ‘ઘોર’ કહેતા કબરમાં હોય તેવા, અંધકારને સૂચવે છે - ‘ઘનઘોર' શબ્દ !! અજ્ઞાન તો આપણામાં ય હોય છે. ચિંતા અજ્ઞાનની નથી, ચિંતા તો છે જિજ્ઞાસાના સદંતર અભાવની !! ખોટી માહિતી અને જૂઠી જાણકારી પણ ચિંતાજનક રીતે વધતાં જાય છે. રૂઢિપ્રયોગો/કહેવતો વગેરે પૂછતાં આ ભયંકર સ્થિતિ સામે આવે છે. ને સર્જન તો નવી ભાષા ઘડવા સાથે જૂની રીતિઓને ય નવા સન્દર્ભે તાજી કરે છે. ત્યારે આપણને સમર્થ ભાવો જેવા જ સમર્થ ભાષકોનીય જરૂર છે. આજે ઘણા અધ્યાપકો (બધા વિષયોના) બોલે છે : “એમણે નવો ચીલો ચાતર્યો છે.” આ પ્રયોગ ખોટો છે. ‘ચાતરવું’ – એટલે જ જૂની ઘરેડ (ચીલો/રસમ/રીતિ)માંથી બહાર આવવું - એવો અર્થ છે. “એમણે ચીલો ચાતર્યો” કે ‘એમણે નવો ચીલો પાડ્યો' – એમ જ કહેવાય 'ચીલો' એટલે જ જૂની ઘરેડ ! (એક ને એક રસ્તે ગાડા જતાં હોય ત્યારે ‘ચીલો’ પડે છે... માટે એ ચીલો ચાતરવાની વાત છે.) કોઈને આ આવડત લાગશે પણ કવિતા, ભાષા, છંદોલયનું સ્વરૂપ અને કાર્ય સમજવા સમજાવવા માટે ઉક્ત વાતો જરૂરી બની છે. હવે આપણે છંદો તથા એના બંધારણ વગેરેની નકરી વિગતો જાણી લેવી જોઈએ. છંદો વિશે : છંદ એટલે નિશ્ચિત લયબદ્ધ પદાવલિ. છંદો ‘પદ્ય’ છે પણ છંદો કૈ કવિતા નથી. નિશ્ચિત માત્રા કે નિશ્ચિત (લાઘુગુરુ) વર્ણોનાં બનેલાં શબ્દ-એકમોનું સંયોજન એટલે છંદ. છંદોના શાસ્ત્રને પિંગળ કહે છે. પિંગળ મુનિએ રચેલું કહેવાય છે. ‘પિં’ એટલે ‘પિંડ’ (દેહ-શબ્દદેહ, ગ=ગુરુ અને લ=લઘુ. લધુગુર વર્ણોની નિશ્ચિત રચના. છંદના પ્રકારો : (૧) અક્ષરમેળ અથવા રૂપમેળ (ગણમેળ પણ કરે છે) (૨) માત્રા મેળ (૩) લયમેળ (લયમેળ એટલે દેશીઓ/દેશી રાગ-ઢાળ વગેરે) (૪) સંખ્યામેળ છંદો (ઘણા આને અક્ષરમેળમાં મૂકે છે.

ગણ (લઘુ ગુરુ વર્ણોનું એકમ) ઓળખવાનું સૂત્રઃ યમાતારાજભાનસ – લગા : ત્રણ વર્ણનો એક ગણ બને...પહેલા ત્રણ ત્રણ વર્ણ લેવાં...

ગણયોજના લઘુગુરુ લધુગુરુનાં ગણનામ દૃષ્ટાંત સમજવાનું સૂત્ર સ્વરૂપ સ્થાન-ગણ લક્ષણ ય યમાતા U - - લગા ગા ય ગાણ યશોદા મા માતારા - - - ગા ગા ગા મ ગણ માતાજી તા તારાજ - - U ગા ગા લ ત ગણ તારાજ રા રાજભા - U - ગા લ ગા ૨ ગણ રામજી જ જભાન U - U લ ગા લ જ ગણ જકાત ભા ભાનસ - U U ગા લ લ ભ ગણ ભારત ન ન સ લ U U U લ લ લ ન ગણ નયન સ સલગા U U - લ લ ગા સ ગણ સમતા લગા- - - - - છંદોબદ્ધ રચનાઓનું રટણ કરવાથી એનું અનુરણન પકડવા કાન ટેવાય છે – ‘રટણ' - અનુરણન પ્રમાણે કવિઓ લખે છે ને એમ આપોઆપ છંદ જળવાય છે. છંદ બંધન નથી; ભાવાર્થલોકને નિયત લયમાં વધુ અસરકારક બનાવીને મૂકવાનું સાધન છે. છંદ સાધન છે ને સાધ્ય પણ છે, ‘કાવ્યત્વ’... પણ, છંદોમાં પ્રાવિણ્ય હોય તો, સાધ્યમાં એય ચરિતાર્થતા પામે છે. છંદો શીખનારે (શીખવનારે પણ) આટલાં વાનાં જાણવાં/યાદ રાખવાં પડે છે : ૧. ગણ/ગણનાં નામ - ગણનું સ્વરૂપ યમતરજભનસ) ગણ - ૮ છે. ૨. લઘુ ગુરુ શું છે ? ૩. ચરણ / પદ ૪. કડી / શ્લોક ૫. શ્લોકભંગ ૬. શ્રુતિભંગ ૭. માત્રા (લઘુની-૧ ગુરુની-૨) ૮. સંધિ/ તાલ ૯. યતિ (વિરામ) ૧૦. યતિભંગ ૧૧. દૃઢ અને કોમળ યતિ (અનિવાર્ય યતિ ને હળવો યતિ) ૧૨. અનુસ્વાર – તીવ્ર હોય તો ગુરુ : કોમળ હોય તો લધુ (ખંડેર/ડુંગર) – (સુંવાળું) ૧૩. સખંડ (રૂપમેળ) અને અખંડ (રૂપમેળ) છંદ (યતિ સાથેના ‘સયતિક’ તે સખંડ છે. યતિ વિનાના તે અખંડ છે.) ૧૪. ખંડ અથવા અભ્યસ્ત છંદ. ૧૫. પરંપરિત છંદ ૧૬. છંદના પ્રકારો : ચાર : ઉપરાંત મિશ્ર છંદો વગેરે પ્રયોગો. ૧૭. છંદ ઓળખવાની – ગણ/માત્રા ગણવાની પદ્ધતિ ૧૯. પિંગળશાસ્ત્ર અને તેનો ઇતિહાસ : ગુજરાતીમાં રચાયેલાં પિંગળશાસ્ત્રો વિશે પણ જાણી હોવું જરૂરી છે.

કેટલાક મહત્ત્વના (વધુ વપરાતા) છંદોનું બંધારણ : અક્ષરમેળ ૧. મંદાક્રાન્તા : મભનતતગાગાઃ ૧૭ અક્ષર યતિઃ ૪ અને ૧૦ અક્ષરે ઉદા.

ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી
          વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુવે છે...
                                           (કલાપી)

૨. હરિણી : નસમરસલગા : ૧૭ અક્ષર યતિ : ૬ અને ૧૦ અક્ષરે ઉદા.

ખખડ થતી ને, ખોડંગાતી, જતી ડમણી જૂની
            વિજન પથને, ચીલેચીલે, તામિસ્ર મહીં ઘન
                                          (રાજેન્દ્ર શાહ)>

૩. શિખરિણી : યમનસભલગા : ૧૭ અક્ષર : યતિ : ૬, ૧૨

ઉદા. બપોરે બે ભાઈ, અવર ઉપડ્યા, લેઈ નિજની
         નવોઢા ભાર્યાઓ, પ્રિયવચનમંદસ્મિતવતી...
                                          (ઉશનસ્)

૪. પૃથ્વી : જસજસયલગા : ૧૭ અક્ષર : યતિ : ૮, ૧૪

ઉદા. સહસ્ર શત ઘાડેલાં, અગમ પ્રાંતથી ઉપડ્યા... (શ્રીધરાણી)
           ખમો વરસ આટલું. ગણ ઘણો થશે બાપલા ! (પૂજાલાલ)

૫. સ્રગ્ધરા : મરભનયયય : ૨૧ અક્ષર : યતિ : ૭ અને ૧૪ અક્ષરે

ઉદા. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય
           ગાળી નાખે હલાવી, રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય
                                              (કાન્ત)

૬. શાર્દૂલવિક્રિડિત : મસજસતત ગા : ૧૯ અક્ષર : યતિ : ૧૨ મે અક્ષરે

ઉદા. ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
                ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી...
                                                (કલાપી)

૭. વસંતતિલકા : તભજજગાગા : ૧૪ અક્ષર

ઉદા. ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
                તેમાં ગયા સકલ વ્હાણ ડૂબી મહારાં
                                          (ઉશનસ્)

૮. માલિની : નનમયય : ૧૫ અક્ષર : યતિ : ૮ મે અક્ષરે

ઉદા. મધુર સમય તેવે ખેતરે શેલડીનાં
                રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે.

૯. ઉપજાતિ : તતજગાગા : ૧૧ અક્ષર : જગજગાગા : ૧૧ અક્ષર ઈન્દ્રવજા અને ઉપેન્દ્રવજાનું મિશ્રણ

ઉદા. ‘નિશીથ હૈ ! નર્તક રુદ્ર રમ્ય’
                              (ઉમાશંકર જોશી)

૧૦. ઈન્દ્રવજા : તતજગાગા : ૧૧ અક્ષર : અખંડ રૂપમેળ

ઉદા. કીડી કરું બે નભતારલીની
              માયા વીંધીને જળવાદળીની
                             (ઉમાશંકર જોશી)

૧૧. ઉપેન્દ્રવજાઃ જતજગાગા : ૧૧ અક્ષર (ઈન્દ્રવજાનો પ્રથમ ગુરુ અહીં લઘુ)

૧૨. વંશસ્થ : જતકર : ૧૨ અક્ષર

 ઉદા. નિર્દોષ ને નિર્મળ આંખ તારી....
              હતી હજી યૌવનથી અજાણ
                              (હરીશ્ચન્દ્ર) ઉદા. ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને
               કહી શકે કાલ કશું થનારને
                                (કાન્ત)

૧૩. મિશ્રોપજાતિ : ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ અને ઈન્દ્રવંશાનું મિશ્રણ

ઉદા. ઉમાશંકરનું 'વિશ્વમાનવી' કાવ્ય
             ‘વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી/માથે ધરું ધૂળ વસુંધરાની’

૧૪. શાલિની : મતત + ગાગા : ગાગાગાગા/ગાલગા/ગાલગાગા : યતિ : ૧૧ મે.

ઉદા. આવ્યો આવ્યો એ જ આષાઢ પાછો,
                    ગોરંભામાં વીજ સંચાર આછો;
                              ઊંચી ડોકે ડુંગરે દર્દ મીઠાં
                              ગે’કી રે’તા મોરલા, મત્ત મીઠા (બાલમુકુન્દ દવે)

૧૫. ભૂજંગી : યયયજ : ૧૨ અક્ષર, યતિ ૬ઠ્ઠે

ઉદા. નથી ભૂમિ-પાણી, નહીં વલ્લિ વાયું
                           નહીં શુકલ કે પીત રક્ત કૃષ્ણ
                           અખંડ ચિદાનંદ તું શુદ્ધ પૂર્ણ

૧૬. અનુષ્ટુપ : ૮-૮નાં ચાર ચરણ : ૫ મો લઘુ - છઠ્ઠો ગુરુ ૨ અને ૪ ચરણનો ૮ મો ગુરુ

ઉદા. છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ
                       દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય
                                                   (ક.દ.ડા.)

માત્રામેળ : ૧. ચોપાઈ : ચાર ચરણ : ૧૫ માત્રાનું એક. અંતિમ બે વર્ણો ગુરુ લઘુ હોય

ઉદા. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય
                      ચાર પગો ને આંચળ ચાર વાછરડા પર હેત અપાર
                                                      (ક.દ.ડા.)

૨. દોહરો - (સોરઠો – માં ચરણો બદલાઈ જાય...૩ માં ૧૧ માત્રા) ૨૪ માત્રા : ચાર ચરણ ૧ - ૩ ચરણમાં ૧૩ માત્રા : ૧૧મી માત્રાએ લઘુ વર્ણ ૨ -૪ ચરણમાં ૧૧ માત્રા

ઉદા. એક ઇડરનો વાણિયો ધૂળો એનું નામ
                   સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ (ર.સો.)
                    ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ
                   ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ
                                         (વિઠ્ઠલરાય અવસ્ત્સ્થી)

૩. હરિગીત : ૨૮ માત્રા : ચાર ચરણ : ૮ તાલ ૩ - ૬ - ૧૦ - ૧૩ - ૧૭ - ૨૦ - ૨૪ મી માત્રાએ

 ઉદા. તુજ પાંખ ચળકે પર્ણના ઝૂંડો મહીં ચક્રો રચી,
              ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે,
              સંતાઈ જાતાં-નાસતાં-એ કાર્ય વેરીનું કરે;
              જે પોષતું તે મારવું એવો દીસે ક્રમ કુદરતી !

ઉદા. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની.

                                                 (કલાપી)

૪. ઝૂલણા : ૩૭ માત્રા : ચાર ચરણ યુતિ : ૧૦ - ૨૦ - ૩૦મી માત્રાએ (પંચાલ સંધિનાં ૭ આવર્તનો... છેલ્લો ગુરૂ તાલ ૮ : ૧ - ૬ - ૧૧ - ૧૬ - ૨૧- ૨૬ - ૩૧ - ૩૬ માત્રાએ )

ઉદા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ?
                ઘી તણાં ઘેબરાં દહીં તણાં દહીથરા તુજ વિના કોણ ખાશે ?
                                                        (નરસિંહ)

૫. સવૈયા : ૩૦-૩૧-૩૨ માત્રા : ચાર ચરણ તાલ ૮ : ૧-૫-૯-૧૩-૨૧-૨૫-૨૯ મી માત્રાએ

ઉદા. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ..
                કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ...
                                                 (સુન્દરમ્)

૬. કટાવ : ચાર-ચાર માત્રાનાં ઓછામાં ઓછા બે આવર્તનો અક્ષર નિશ્ચિત નથી.

ઉદા. મારા ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી.. (રાવજી )
૭. ગુલબંકી : અનિશ્ચિત અક્ષરો : લગા કે ગાલ નું લયાત્મક બંધારણ

ઉદા. હું ગુલામ ?
              સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ ?
              સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી કાં ગુલામ ?
                                        (ઉમાશંકર જોશી)

૮. મનહર : ૩૧ અક્ષર. પહેલા ચરણમાં ૧૬, બીજામાં ૧૫ અક્ષર. ૭ અક્ષરે યતિ, ચરણાન્તે ગુરુ.

ઉદા. વિદ્યાપતિ ઊંચી ડોક કરી જરા જોઈ રહ્યા,
                નીચા નમી પછી પૂછ્યું દાસ દયારામને ;
                                         (હરીન્દ્ર દવે)

છંદોનું કાર્ય કાર્ય અને કલા : બંને છેવટ તો, માધ્યમથી સિદ્ધ થાય છે. સાધન, માધ્યમ જેટલું અસરકારક પરિણામ એટલું પ્રભાવક ! કર્તા અને કવિ બંનેમાં પ્રથમ ખેવના માધ્યમની, પછી એમની પ્રતિભાનું બળ માધ્યમને જ સિદ્ધિમાં રૂપાંતરિત કરીને જંપે છે. ગુજરાતી કવિતાએ માધ્યમનો મહિમા કર્યો છે; માધ્યમ દ્વારા મળેલા કલાત્મક પરિણામનો આદર પણ કર્યો છે. કાવ્ય પદ્યમાં (છંદોલયમાં) હોય ને ગદ્યમાં, મુકતછંદમાં અને છંદમુક્તિમાં પણ હોય છે. અલંકારની જેમ, આપણે છંદને કવિતામાં - વ્યાખ્યા વિભાવનામાં અનિવાર્ય નથી ગણ્યો... પણ એનું અનિવાર્યપણે પ્રગટવું કાવ્યને ઉપકારક નીવડ્યું છે. સંવેદન/ ભાવોર્મિ પોતે જ એનાં ભાષા અને લય લઈને પ્રગટે છે. આપણી ઉત્તમ ઊર્મિકવિતા પોતાનો છંદોલય લઈને પ્રગટેલી છે. એ પછી સૉનેટ હોય, ગીત હોય કે ગઝલ ! પણ ૧૯૫૦-૫૫ પછીના ગાળામાં આપણે ત્યાં છંદમુક્ત રચનાઓ આવે છે અને આધુનિકોને – એમના સંવેદનોને અભિવ્યક્ત કરવા માટે - અછાંદસ રીતિ વધુ માફક આવે છે. જોકે ત્યારેય ગીત-ગઝલમાં તો લય-છંદ અનિવાર્યપણે એના સ્વરૂપની શરત હતાં કેટલા બધા આધુનિકોએ પણ છંદથી લખવાનું શરૂ કરેલું. લાભશંકરે તો દલપતશૈલીનો પ્રભાવ ઝીલીને પ્રારંભ કરેલો, ને એમનો પ્રથમ સંચય ‘વહી જતી પાછળ રમ્યઘોષા'-માં છંદોબદ્ધ સફળ કાવ્યો વધુ છે. અલબત, એમણે પરંપરિત લયનો પ્રયોગ પણ કર્યો જ છે. પણ છંદોલય હજી તૂટ્યો કે છૂટ્યો નહોતો... ને પરંપરિત લયમાં રચનાઓ તો આપણા અનેક આધુનિકો -અનુઆધુનિક દ્વારા થતી જ રહી છે. રવજી વગેરે એના મોટા દૃષ્ટાંતો છે. છંદમાં લખવાથી કે છંદને છોડી દઈને લખવાથી કવિતા સિદ્ધ થઈ જતી નથી. કાવ્યસિદ્ધિના માનદંડો તો બધી વખતે સામે રાખવાના જ હોય છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે છંદોમાં કવિતા કરવાથી શો કે કશો વિશેષ લાભ થાય છે ? છંદો જાણનારો કવિ અછાંદસમાં લખે તો પણ એના અછાંદસનો ફાયદો થાય જ છે... કેમકે , છંદો જાણવા/છંદોલયને જાણવો એટલે ભાષાના/શબ્દના અસલ સ્વભાવને જાણવો. શબ્દને નાદ છે. શબ્દો મળીને લય રચે છે. વર્ણોચ્ચારથી મળતો અવાજ પછી નિશ્ચિત વર્ણસમૂહમાં નાદનું રૂપ લે છે. આમ શબ્દનો નાદ અને નિશ્ચિત માત્રાના શબ્દોના સમૂહનું આવર્તન લયનું રૂપ લે છે. ભાષાનો નાદ-લય પ્રગટાવવાનો સ્વભાવ, કવિનાં ભાવસંવેદનોને પણ સહજ લયાત્મક બનાવે છે. ભાવોર્મિ પણ જળલહરની જેમ મનમાં ઊઠતી લહરી-ભાવલહરી છે. એને લયાત્મક ભાષારચના વધુ માફક આવે છે. ગીતકવિતામાં એના ઉત્તમ પરિણામ સાંપડ્યા છે. એ જ રીતે નિશ્ચિત માત્રાના વર્ષોની નિશ્ચિત ગોઠવણી થઈ હોય એવા શબ્દોથી બનતા અક્ષરમેળ - રૂપમેળ છંદો પણ કવિભાવલોકને વધુ આંદોલિત કરે છે; વધુ સારી રીતે ઝિલે છે એ નક્કી. નદીને જેમ કિનારાઓ બાંધે છે ને વળવળાંકે રૂપ-મરોડ આપે છે તે જ રીતે છંદોલય કવિતાને -એના ભાવલોકને મરોડ આપે છે. કવિતાદેવીનાં છંદોલયથી બાંધ્યાં ચરણો પછી રણઝણ રણઝણ થતા રહે છે. કવિતાને યાદ રાખવા અને કંઠસ્થ કરવામાં છંદોલય મહત્ત્વનું પરિબળ છે - હાસ્તો ! આપણ સૌને જે કાવ્યો ગીતો ગઝલો યાદ છે એમાં એના છંદોલયનો ઘણો હિસ્સો છે.... અછાંદસ કે ગદ્યકાવ્યો એટલા (હરકોઈથી) યાદ રાખી શકાતાં નથી – જેટલાં છાંદસ રાખી શકાય છે. છંદોલય ભાવાભિવ્યક્તિને ઘૂંટીને ઘનતા આપે છે - એનો રણકો જાણે ધાત્વિક બનીને રણકે છે. યતિનો, યતિભંગનો, અર્થાનુસાર યતિનો ઉપયોગ કરીને કવિ કથ્યને ભાવને વધુ સ્પર્શ્ય બનાવે છે. નિશ્ચિતક્રમમાં ઘણું ગોઠવાય એવી ગણરચના, એવાં નિશ્ચિત ગણ-એકમોનો સમૂહ છંદમાં હોય છે. આથી કવિની ભાવાનુરૂપ શબ્દ-પર્યાય પસંદ કરવાની આંતરસૂઝ રંગ લાવે છે. કવિતામાં છંદોલય ભાવાર્થોને બાંધે છે ને છેવટે પરિણામ માટે મુક્ત કરે છે. ભાવ પ્રમાણે છંદયોજના પણ કવિતાને ઉપકારક બને છે. છંદોલય કવિતામાં જાણે છાક અને છટા બેઉ પ્રગટાવવા આવે છે. ગુજરાતી કવિતામાં આ સૌનાં અનેક ઉદાહરણો મળે છે. અછાંદસ, ગીત અને ગઝલના આ ગાળામાં છાંદસ કવિતા ઓછી અને ઓછી થતી આવી છે. જોકે છંદોમાં લખવાનું વલણ ટકી રહ્યું હતું તે હવે છેલ્લા દસકામાં પાછું ધ્યાન ખેંચે છે. આ ગાળામાં, છંદોબદ્ધ કવિતા બહુધા સૉનેટ સ્વરૂપમાં દેખાઈ છે. આપણી વાત અક્ષરમેળ અને માત્રામેળ પૂરતી મર્યાદિત છે. પણ એકવાત નોંધીશું કે પરંપરિત છંદોલય/છંદોના અંશો કે લયને ગુજરાતી કવિતાએ છોડ્યાં નથી... ને આ ઘણો મહત્ત્વની વાત છે. કવિતા અને ભાષા બંનેનો સ્વભાવ નાદ- લય ઘડે આકર્ષવાનો છે ને તે થતું રહ્યું છે. ‘ફાર્બસ' ગુજરાતી સભા, મુંબઈ ખાતે (૨૦૦૬) છંદો વિશે વાર્તાલાપ વખતે બોલાતી ભાષા અને છંદોલય વચ્ચેનો સંબંધ જાણે કે રહસ્ય હોય એ રીતે ખૂલીને મારી સામે આવ્યો હતો. પછી તો આજે પણ પરંપરિત છંદો કે લયોમાં કવિતા વાંચતો હોઉં ત્યારે મને રોજેરોજની - વ્યવહારની - ભાષાના ખાસ્સા પડઘા સંભળાતા રહે છે. છંદોલયના કેટકેટલા ટૂકડા/અંશો બોલાતાં વાક્યોમાં હું પકડતો રહું છું. પણ છેવટે તો ‘કાવ્યત્વ’ મહત્ત્વની વાત છે. છંદો લો તો કવિતામાં એક ઘટકરૂપે અથવા મદદગાર-એજન્ટ તરીકે આવે છે. જો કે છંદોલય ભાવને- કવિની સંવેદનાને-અસરકારક નક્કર-મૂર્ત બનાવવા તથા દેશ્યાવલિઓને પ્રત્યક્ષ કરી આપવા માટે હોય તોજ એનું સાર્થક્ય છે. એટલે છંદોની લીધે શું બન્યું ? શું નવું બની આવ્યું ? એ વાત મહત્ત્વની છે. ગુજરાતી કવિતામાં છંદોલયનું શું કાર્ય છે ? તેનો અભ્યાસ ઘણો જ રસપ્રદ રહ્યો છે. એ અભ્યાસમાં પ્રવેશતાં પહેલાં કવિતાની આપણી પોતાની વ્યાખ્યા અને કવિતાના પઠન વિશેની બે વાતો નોંધવી જરૂરી છે. ફાર્બસ સભાના વાર્તાલાપને અંતે કેટલાક પ્રશ્નો પૂછાયા હતા. ૧. કવિતા શું છે ? ૨. કવિતાનું ભાવવાહી – લયવાહી – અર્થવાહી પઠન એક જ સાથે કેવી રીતે થઈ શકે ? આનો જવાબ અઘરો કે સરળ નથી. પણ સમજી - સમજાવી શકાય એવો તો છે જ. કવિતા સંવેદન-ઊર્મિ કે વિચારથી બને છે ? કવિતા ભાષારચનાથી બને છે ? કવિતા એ બધાંથી બને તો બને, નહિતર ન પણ બને ! ભાવવિચાર અને ભાષાના સંવાદી સાયુજ્યથી કવિતા બને છે એમ કહેવામાં સચ્ચાઈ છે પરંતુ એવી સંવાદિતા છતાં ય કવિના પદાર્થ – કલાપદાર્થ થોડો ઓઝલ રહી જાય એવું પણ બને ! એટલે અંશે કવિતાનો પ્રદેશ થોડો રહસ્યમય પણ છે, વળી એમાં ‘ભાવ’ અને ‘રચના’ ઊભયનાં કેટલાંક નૂતન પરિમાણો રચના પ્રક્રિયા વખતે જ અણધારી રીતે પણ પ્રગટી આવે છે એ વાત પણ સ્વીકારી પડે એમ છે. કેમકે માણસનો ભાવલોક અને ભાષાલોક બંને સંસારની અનેક અને અપાર સાંસ્કૃતિક પરંપરાઓની નીપજરૂપ છે, એ કૂવો માપવામાં સાત ખાટલાનાં વાણ પણ ટૂંકા પડે છે. કવિતા આ અર્થમાં જાદુગરણી છે... સંસારમાં એ વણજારણ સદીઓથી- ઋતુઓની જેમ - વિચરતી રહી છે. કવિતાની મારી પોતાની નાની વ્યાખ્યા (વિભાવના) કૈંક આવી છે : ‘કવિતા એટલે પરિચિત પદોનો અને અપરિચિત (અ-પૂર્વ) વિન્યાસ જે વિશેષ કે રમણીય અર્થ આપે છે - સૌંદર્ય બોધ કરાવે છે.' પદો કહેતાં શબ્દો પરિચિત હોય પણ એનો વિન્યાસ (ગોઠવવી-રચનાગત અનુપૂર્વી) અપરિચિત હોય, અર્થાત્ આ પૂર્વે આ પદોને આ રીતે કોઈએ ન્હોતાં મૂક્યાં. (એ અર્થમાં અ- પૂર્વ). દા.ત.

૧. સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપ મેળે ! (ઉમાશંકર)
     ૨. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,
        આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે ! (પ્રિયકાન્ત)
     ૩. લીંબોળી વાવીને છાંયડા ઊછેરું
               પણ ચોમાસું કેમ કરી વાવવું ?
               તારું પડેલા વરસાદ સમું આવવું ! (રમેશ પારેખ)
     ૪. તારું કશું ન હોય તો છોડીને આવ તું,
       તારું બધું હોય તો છોડી બતાવ તું ! (મિસ્કીન)
     ૫. ગયા ભવના ખીલા કળે છે છાતીમાં ! (રાવજી)

આ બધાં ઉદાહરણોમાં કોઈ જ પદ/ શબ્દ અજાણ્યો નધી, એનો અર્થ ભાવકે શબ્દકોશમાં શોધવો પડતો નથી. અર્થાત્ પદો પરિચિત છે. પણ પદોની રચના-આનુપૂર્વી/ગોઠવણી (વિન્યાસ) નૂતન છે. એ નવસરચનાને કારણે બધા પદો મળીને નવો જ તથા વિશેષ અર્થ આપે છે. પદો સાથે મળીને- માર્ગ મોકળો કરે છે. ભાષાની-પદોની આ સહકારીતાનો લાભ લઈને જ સાહિત્ય સર્જન થાય છે. ભાષા વડે /શબ્દો વડે અનેક પદસમૂહો રચીને, ગોચર અગોચર સૃષ્ટિ-ને તથા ભાવલોકને વર્ણવી શકાય છે, નવા રૂપકો/કલ્પનો/પ્રતીકો અલંકરણો રચી શકાય છે. વ્યવહારમાં પણ આ વલણો હોય છે. કવિઓને એનો લાભ લેતાં આવડે છે ને ત્યારે સરળતામાં પણ નવા સંકેતો વડે વ્યાપકને તથા ઊંડાણને અનુભાવ્ય બનાવી શકાય છે. દા.ત.

 ‘બાકસ-ખોખું જિન્દગી
                   સળીઓ, એટલાં દુઃખ !'

અહીં બાક્સમાં પરિમાણો - લંબાઈ પહોળાઈ ઊંડાઈ - જિન્દગીને પણ લાગુ પડે છે. વળી બાકસનાં તકલાદીપણું - ભંગુરતા, કંપની નામ લેબલ ગુણવત્તાનો પણ વિચાર (જીવનના સન્દર્ભે પણ) કરવો પડે છે... ને ‘સળીઓ એટલાં દુઃખ’તો વાક્ય વક્રતાનું દૃષ્ટાંત છે. ઉપરનાં ઉદાહરણોમાં પણ રીતિ-ધ્વનિ-વ્યંજના-રૂપક બધું શોધી બતાવી શકાય છે... ને છતાં એ બધું ‘સહજ રીતે’ નિર્મિત થયેલું છે. આવી સહજ નિર્મિતિમાં સૌંદર્ય છે; રસબોધ-રમણીયાર્થ- વ્યંગ્યાર્થ પણ હાજર છે તે આપણે જોયું. કવિતા આવી સહજ છે - માટે આત્માની કલા છે....એની રહસ્યમયતાનો મલક આપણા અચરજનો વિષય છે.

‘કવિતા કાનની કલા છે’ એમ કહેનારે ભાષાના નાદલયનો મહિમા કર્યો છે. જોકે કવિતામાં ભાષાના બધાજ ગુણધર્મોનો, સ્વરૂપનો રૂપોનો સ્વભાવનો લાભ લેનારા કવિઓ કવિતાને લોકભોગ્ય અને તદવિદઆહ્દલાદકારિણ બનાવી શકે છે. ભાષા દરેક ભાષકની મૂડી છે તો કવિતા પણ એની મૂડી બની શકે છે. સર્વથા શિક્ષિત અને શાણાઓના જગતમાં એમ હોય છે – હોવું જોઈએ. પણ કવિતા તો અભણ ભાષકના હૃદયમાં પણ સરવાણી જગવે છે માટે એને પૃથ્વીલોકની દેવસરિતા કહી છે – એ પ્રેમ જેવી અમરવેલ પણ છે.

કવિતા સમજાવવાનો (ભણાવવાનો) વિષય નથી - એ તો અનુભવવાનો વિષય છે. એ અનુભવ એની સાર્થ ભાષારચના (‘ઈનકોડીંગ' વાચના) વડે કરવાનો છે. કવિતા વાંચતાં આવડવી જોઈએ; એમાં માત્ર છંદોલય જ નથી, એ ઉપરાંત એમાં તો ભાવલોક છે – અર્થલોક છે... સાંસ્કૃતિક પરંપરાઓના સન્દર્ભો છે તો નૂતન યુગચેતનાને ઊડળમાં લેવાની મથામણો છે. ભાષાના બહુવિધ સંકેતો સાથે એમાં આરોહ અવરોહ, કાકુઓ, નાદલય, નર્મમર્મ બધુંજ પ્રયોજાયું છે. એટલે માત્ર છંદોલય વાંચી બતાવવાનો નથી સમગ્ર ભાષાલોક અને ભાવાર્થલોક પણ વાંચવાના છે. અધ્યાપક ભાષાનાં સ્વરૂપ અને સ્વભાવને બરોબર જાણતો હશે તો જ એ કવિતાનું ઉચિત પઠન કરી શકશે. ને આ કાર્ય અઘરું નથી બલકે આનંદદાયક છે.

છંદો ગાઈ શકાય છે પણ એ કવિતામાં રાગડા તાણીને ગાવા માટે નથી. છંદનું લયવાહી પઠન કરવાનું છે. જેમ વેદની ઋચાઓના પાઠ કરવાની એની પતિ છે એમ છંદોના પઠનની પણ એની ગણયોજના પ્રમાણે પઠન કરવાની પોતપોતાની પદ્ધતિ છે. એ કાનને સાંભળવાની ટેવ પાડવાથી - વારંવારના અનુરણનથી - આત્મસાત કરી શકાય છે. જેમ સંગીતનો જ્ઞાતા રાગ કે રાગોના મિશ્રણને પણ તાલલયથી તરત પરખી જાય છે એવું છંદોનું પણ છે. છંદો કવિતાના ભાવસંવેદનને ઉપાડી લે છે. કવિતાની ભાષારચનામાં છંદોલય અને ભાવસંવેદના બંને સહજ ગૂંથાઈ વણાઈ જાય છે. કેમકે શબ્દને નાદલય છે ને અર્થ પણ છે. એટલે ભાવને અનુરૂપ ઉચ્ચારણ કરવાથી અને છંદોલયને સાચવીને પઠન કરવાથી ભાવવાહી -લયવાહી પઠન થાય છે. અર્થ ઘણીવાર એકાધિક પંક્તિ સુધી વિસ્તરેલા હોય તો અર્થ/ભાવ પૂરો થાય ત્યાં જઈને જરાક અટકીને આગળ વાંચવાનું રહે છે. સભાનપણે ટેવ પાડવાથી પછી આ કાર્ય કરવાની મજા પડે છે. આમે ય કવિતા વધુ ને વધુ વખત વાંચવાથી વધુ ઊઘડે છે... પઠનમાં યતિ-તાલ-સન્ધિ મદદરૂપ થાય છે. તો વળી ક્યારેક એનો ભંગ થાય ત્યારે - કવિની સહજ યોજના પ્રમાણે - ભાવાર્થને લાભ થાય છે. અર્થાનુસાર યતિની વાત બ.ક.ઠા. એ વિચારપ્રધાન અને અર્થસઘન કવિતા માટે કરી જ હતી. પણ એથી ય આગળ વધીને છંદોલયની છટાઓ ભાવલોકને કે અર્થલોકને પણ વધુ આલોકિત કરે છે. છંદોલયને પરંપરિત કરીને આપણા કવિઓએ ભાવાર્થલોકને વધુ મૂર્ત, તાદશ્ય કરવા સાથે કાવ્યત્વની વિશેષ પ્રતીતિ કરાવી છે. દા.ત. ‘પાત્રો’-માં નિરંજન ભગતે તથા ‘૧૫-૧૧-૧૯૬૩’ કાવ્યમાં રાવજી પટેલ હરિગીતને પરંપરિત કરીને ભાવછટાઓને પ્રભાવક બનાવી છે - હૃદય સોંસરવી ઊતારી દીધી છે. એક પૂર્વઆધુનિક છેડે છે તો બીજો ઉત્તર આધુનિકો વચ્ચે ઊભો છે. એક માણસની ઉપેક્ષાની વાત કરે છે બીજો અસ્તિત્વબોધની પીડા વર્ણવે છે.

દાત.

કે શું હજી હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર ?'
         તે મારા જનમને કેટલી છે વાર ?
             કે શું, ઝાળ પણ જંપી ગઈ છે ચેહમાં -
         તે હું હવે વસતો નથી મુજ દેહમાં ?

મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં !

         તે અહીં આવવાની લ્હાયમાં ને લ્હાયમાં

           હું કીકીઓ ભૂલી ગયો ત્યાં
           કલ્પદ્રુમની છાંયમાં..'
           (આંધળો : નિરંજન ભગત)

લોકબોલીનાં કાકૂઓ આરોહઅવરોહોનો પણ પરંપરિત હરિગીતમાં લાભ લેવાયો છે. દા.ત. “લ્હાયમાં ને લ્હાયમાં' શબ્દપ્રયોગ સામાન્ય જનો પણ રોજેરોજ કરે છે. જગતની કીર્તિ-ની વાત કરીને કેવો તો વ્યંગ કર્યો છે. હરિગીતના તાલમાં એ માર્મિક વ્યંગ જાણે મનની આરપાર નીકળી જાય છે. રાવજી પટેલ તો અસ્તિત્વની નિરર્થકતાની/ શૂન્યતાની/ભંગુરતાની વાત હરીગીતને તોડીને રજૂ કરે છે. જ્યારે આધુનિકો દુર્બોધ અછાંદસમાં ગળાડૂબ હતા ત્યારે, આ કૃષિજીવનના અસબાબનો કવિ છંદોલયમાં માર્મિક ભાવ સંવેદનોને સરળ રીતે મૂકી આપતો હતો:

દા.ત.

 ‘દેહમાં પૂરાયેલું અસ્તિત્વ આ/ગમતું નથી. /મને કોઈ
                  રાવજીથી ઓળખ એય હવે ગમતું નથી/ ...આમ હું તો
                  મધ સમો મીઠો બનું./ ને યુદ્ધના વિચાર શો
                  ધિક્કારવા લાયક બનું/ લાચાર છું/ આ શહેરમાં –
                  હોટેલમાં- સરિયામ રસ્તે-કઈ સાથે ટ્રેનમાં-પરગામમાં/
                  આ સભ્યતાની કુંવરી (?)ને સાચવ્યા કરવી. /હું મુરબ્બી/
                  કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો...!'

ભ્રમરના ગુંજારવનો સાંભળી શકાય એ રીતે સુન્દરમે હરિગીતને પરંપરિત કરેલો તે પણ પાદ કરાય. આપણે આરંભે દલપતરામના રચેલા ‘રૂડા છંદો’ – નાં ઉદાહરણો નોંધ્યા છે. એમાં ય છંદો શબ્દાલંકારો રચવામાં લેખે લાગેલા છે. એ શબ્દાલંકારોથી વસ્તુવિચાર વધારે દઢ રીતે વ્યક્ત થયો છે. છંદો/લય કવિતામાં કશું કાર્ય કરે છે - તે બનાવવું જરૂરી છે. સુરેશ જોષીએ વિવેચક મેકલિશને ટાંકીને કહ્યું હતું તે જાણીતું છે કે ‘કવિતાના ખરા દુશ્મનો તો વર્ગમાં કવિતા ભણાવતા શિક્ષકો-અધ્યાપકો છે. 'છંદ-અલંકાર ઓળખાવી જવાના નથી... કવિતામાં એનાથી શું વિશેષ બન્યું તે દર્શાવવાનું છે. કવિતાનાં ઘટકો દર્શાવીને ય છેવટે તો એ બધાંનું સંવાદી સાયુજ્ય (સંયોજનના) જે રમણીયાર્થ નીપજાવે છે તે કવિતા છે. સુરેશ જોષીએ બ.ક.ઠા.ની રચના (જૂનું પિયેર ઘર)ની પ્રથમ પંક્તિ લઈને મંદાક્રાન્તાનું કાર્ય દર્શાવ્યું હતું. એ પછી તો આસ્વાદકોએ એવાં ઘણાં ઉદાહરણો લઈને છંદ-અલંકાર-પ્રતીક-કલ્પનનો મહિમા કર્યો છે.

‘બેઠી ખાટે ફરીવળી બધે મેડીએ ઓરડામાં’ (બ.ક.ઠા.)

મંદાક્રાન્તાના પ્રથમ ચાર ગુરુ અક્ષરો ઉચ્ચારતાં, જે નિરાંતનો ભાવ નાયિકાના મનમાં હતો તે, બરાબર પ્રગટે છે. ત્યારે તો સાસરીમાં ખાટે બેસાતું ન્હોતું એટલે નાયિકા પિયરઘેર આવીને નિરાંત અનુભવે છે ને ખાટે પાટે બધે બેસે છે. પણ ઘણે વખતે આવી છે એટલે ઠરીને બેઠેલી તે બધું જોવાની અધીરાઈમાં ઊભી થઈને બધે નીચે ઉપર ફરી વળે છે. આ ચાંચલ્ય પાંચ લઘુ વર્ણોમાં બરાબર સૂચવાયું છે. ને છેલ્લે ‘મેડીએ ઓરડા’માં સ્વરોનાં દીર્ઘ ઉચ્ચારણો નાયિકા ને સીડી ચઢતી ને એક ઓરડેથી બીજે ઓરડે ફરતી દેખાડે છે – પ્રત્યક્ષ કરી આપે છે. મંદાક્રાન્તાના માત્ર સત્તર અક્ષર અહીં નિશ્ચિત લયસંયોજના અને તાલયતિથી નાયિકાનાં ત્રણ ત્રણ શબ્દચિત્રો રચીને રજૂ કરે છે. છંદોલયે એ ચિત્રો રચવામાં ને ગતિ આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી એ દેખાશે. તો પછી છંદ બંધન ક્યાં બન્યો છે ? ના રે, એ તો કવિતાના ભાવલોકને ઊંચકીને કવિતાના કેન્દ્રોત્સારી મલકમાં રમતો મૂકે છે. કિનારો નદીને બાંધે છે ને આકાર આપીને મુક્તપણે વ્હેવા દે છે – છંદોનું પણ એવું જ છે. ઉદાહરણો લઈએ તો પાર નહિ આવે પણ જુદી જુદી મુદ્રાઓ તથા વિશેષ ઉપલબ્ધિ સન્દર્ભે એકબે એકબે દષ્ટાંતો લેવાનું જરૂરી લાગે છે. દા.ત. કાન્તનો મંદાક્રાન્તા સ્થળ-જળની સ્થિતિગતિને પ્રત્યક્ષ કરીને કેવો સૌંદર્યબોધ પ્રગટાવે છે તે માણીએ :

‘ઝાંખા ભૂરા ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ
                 વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ !’

પહાડ ચઢતાં-વાદળી શ્યામ-શૃંગો એક પછી એક ઊઘડતાં આવે છે. એ સ્થિર રમણીય લોકને કવિ ઉત્પ્રેક્ષાથી ગતિશીલ કરી મૂકે છે. વર્ષાકાલે ગાંડોતૂર સાગર એક પછી એક મોજાં-પહાડનાં શૃંગો જેવાં-ઉછાળતો આવતો ના હોય જાણે ! ને આવનારો સમય રાત્રિ ! વિરહરાત્રિ લાવવાનો છે એનો ડર ચક્રવાકીના મનમાં છે જ... તે પણ જાણે રહસ્યમય બનીને સંકેતાતો લાગે છે ! બે જ પંક્તિ કેવો ગૂઢ પરિવેશ રચી આપે છે... છંદો વિના આવું લાઘવભર્યું ને પ્રભાવક કાર્ય અશક્ય નહિ તો ય મુશ્કેલ હોવાનું. કલાપીએ પણ છંદોમાં ક્રિયાપદો દ્વારા પાત્રોની સ્થિતિગતિ અને માનસિકતા સારી રીતે આલેખી છે. જુઓઃ (આ પણ મંદાક્રાન્તા છે.)

‘ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
       વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુવે છે,
       ને તેનો એ પ્રિય પતિ હજી શાંત બેસી રહીને,
       જોતો, ગાતો, સગડી પરનો દેવતા ફેરવે છે !’

‘જૂનું ઘર ખાલી કરતાં-’ (મંદાક્રાન્તા) સૉનેટમાં બાલમુકુન્દ દવે એ બે જગ્યાએ એક એક વર્ણની પસંદગી કરીને ભાવાર્થને નક્કરતા બક્ષી છે તે જોઈએ :

‘ઊભાં છેલ્લે નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ !
                           ●
            ‘ઊપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા...’

'નજર કરીને' જોવું 'નજર ભરીને જોવું એમાં ધરાગગનનું છેટું છે ! ‘ક'- ને બદલે 'ભ' પ્રયોજીને કવિએ પ્રસન્ન દામ્પત્યનો ભાવભર્યો વ્યતીત દેખાડયો છે – જે નજર ભરીને જ સ્થળ વિશે નીરખવાનો છે. તો પગ ઉપાડવાને બદલે (આપણે ત્યાં ‘પગ ઉપાડો’ એમ ‘ચાલો હવે’- ના પર્યાય માટે પ્રયોજાય છે.) કવિ ડગ શબ્દ પ્રયોજે છે. ૫ કરતાં ડ -નું તાલવ્ય ઉચ્ચારણ ભારે છે. લોહના મણિકા ઉચ્ચારાય એના પહેલાં ડગ (પગને બદલે) ઉચ્ચારતાં મણિકાનો આવી પડતો ભાર અનુભવાય છે ! કવિએ વર્ણ પસંદગી - પદ પસંદગી - કેવી તો કાળજીથી કરવાની હોય છે. છંદ ન તૂટતો હોય તો પણ બીજો પર્યાય (છંદમાં છૂટ લઈને) યોજવાની કવિને અનિવાર્યતા લાગે તો તે તેમ કરી જ શકે છે. કેમકે 'કવિતા' મહત્ત્વની છે - છંદો તો કાવ્યત્વને પોષવા જ આવે છે.

મનુષ્ય અમર નથી એનો ભાવલોક (મૂલ્યો/ભાવનાનો) અમર છે. કવિનો શબ્દ આપણને એ ભાવલોકમાં લઈ જાય છે. અને શબ્દને પૂર્વજોએ તેજ કહ્યો છે. ઉમાશંકર જોશી એને ચિરંતન જ્યોતિસ્થંભ કરે છે. આ શબ્દની ચિરંતન લીલા/ એનો લીલા વ્યાપર તે કવિતા. આપણાં પુરાણોને કવિતા ક્યાં છે – ‘છંદો છે પાંદડાં જેનાં-‘ એમ કરીને પુરાણ-કવિતા- તરુવરને પર્યાયરૂપે રજૂ કર્યાં છે. એલિયટે કહેલું કે You cannot build a tree, you can only plant it, and take care for it, and wait for it to mature in its due time. કવિતાનું પણ વૃક્ષ જેવું છે – એનું બીજ રોપાય છે મનોભૂમિમાં... ને પછી એનો લીલાવ્યાપારે કવિનાં મનમાં ચાલ્યા કરે છે. કબીરજી વર્ષો પહેલાં કહી ગયા છે કે ‘નકશ-હુકુમ ચલે ઈમારત, વૃક્ષ ચલે નિજ લીલા !' આ નિજલીલામાં છંદોલય ભળી-ઓગળી ને પ્રગટ થયો હોય તો એ કવિતા-વૃક્ષની ડાળીઓમાં લયહિલ્લોળ થઈને પ્રભાવ પડે છે. તરુની શાખાનોને લય છે. ખેતરમાં હારબદ્ધ ઊગેલા છોડના ચાસ પોતાનો લય અને નિજલીલા ધરાવે છે. છંદોબદ્ધ કવિતાની પંક્તિઓ પણ આવો જ લષાનુભવ કરાવે છે. દા.ત. નિરંજન ભગતનો શિખરિણી જુવો-સાંભળો, જે વસંતાગમનને એની બધી છટાઓ સાથે પ્રત્યક્ષ કરી આપે છે –

‘છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની
              દિશાઓ મૂકીને મન, ખિલખિલાટે મલકતી
              વનોની મસ્તાની મધમધ પરાગે છલકતી
              વસંતે જાગી રહે સકલ કલિ જ્યારે રસભીની !

વસંતનું ચાંચલ્ય અને એનો કેફ આ છંદોલયને લીધે વધુ સ્પર્શ અને આસ્વાદ્ય બન્યાં છે. કવિતાના ભાવને છંદો ધારણ કરી લે છે ત્યારે મજા આવે છે. ઉશનસનાં અનેક સૉનેટકાવ્યો (બહુધા) શિખરિણીમાં રચાયાં છે. આવા છંદો પ્રેમને, કરૂણ, ઉદાસીને, પ્રસન્નભાવને, પ્રકૃતિ સૌંદર્યની આભાને તથા મનના ગહન ભાવલોકને સોંસરવી અભિવ્યક્તિ આપે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાય છે. આ ભાવાર્દ્રતા છંદ વિના શક્ય નથી લાગતી.

‘સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા,
                ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાન્ત સઘળું !
                બપોરે બે ભાઈ અવર, ઉપડ્યા લેઈ નિજની
                નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી !’


બીજી ત્રીજી પંક્તિમાંઆવતો દીર્ઘ ‘ઈ' / એનું ઉચ્ચારણ કરુણને તથા કશીક નિઃસહાયતાને ઘૂંટે છે. આવો જ કરુણ શિખરિણીના પાત્રમાં ઉમાશંકરે ઝિલી બતાવ્યો છે. ‘બળતાં પાણી’ વાંચો –

‘નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર વનો..
                પડે ઓછા પાણી મહીં, સરિત હૈયે સળગતી
                ઘણું દાઝે દેહે તપી તપી ઊડે બિન્દુ જળનાં...’

પ્રથમ પંક્તિમાં ત્રણ શબ્દચિત્રો સામે આવે છે. દોડતી નદી, તરત ‘સોડે’ – શબ્દથી ‘બ્રેક’ આવે છે – ને નજર પ્હાડ ઉપર જાય છે ત્યાંથી વળી વનો સુધી વિસ્તરે છે. ને વળતી નજર નદીમાં, બળતાં ડુંગર - વનોના ઓળા જુવે છે - જાણે કે નદીનું હ્રદિયું બળી રહ્યું છે. આખી કાવ્યરચનામાં વિસ્તરી રહેલી કરુણની લકીર અને નિઃસહાયનાને ચીંધીને મનને શોકાર્દ્ર કરી મૂકે છે. જયંત પાઠકે પણ શિખરિણીને, અનુષ્ટુપને, મંદાક્રાન્તાને તથા પરંપરિત લયોને અર્થપોષક રીતે પ્રયોજીને તેમાં આસ્વાદ્યતા વધારી આપી છે. દા.ત. ‘આદિમતાની અનુભૂતિ' સૉનેટ અને ‘વગડાનો શ્વાસ’ ગીત તથા ‘વેરાન’ જેવું વતન વિચ્છેદનું કાવ્ય વાંચતાં વિભિન્ન ભાવલોક ભીતરમાં દીવા પ્રગટાવી રહે છે.

‘હું આવું છું પાછો હુ દિન પછી ઘેર વનમાં
              ઉતારી નાખું છું વસન પુરનો સભ્ય જનનાં
                           ●
              પુરાણું આ મારું વનઘર નહીં છપ્પર ભીંતો
              અહીં અંધારાથી શરમ મૂકીને સૂર્ય રમતો...’

ઉશનસે ‘સુહાગરાત અને પછી - 'માં નાયિકા પોતાની મનઃસ્થિતિ અને રતિના આનંદપુલકની વાત નાયકને શિખરિણી છંદમાં સંભળાવે છે... એમાં સંબોધન સાથે તદ્રુપતા છે. જાણે આખું કાવ્ય વિશ્રંભકથા છે; પત્ર છે...પ્રણયોક્તિ છે ! છંદોનો આવો જાદુ જાણ્યા માણ્યા વિના કવિઓને-ભાવકોને ચાલે જ નહિ ! સુન્દરમે કશેક નોંધ્યું છે કે 'છંદ એટલે આનંદ આપવો, તૃપ્તિ કરવી !' છંદનો આધાર લઈને વાણીએ કેટકેટલાં સૌંદર્યો તથા રસાનંદ સર્જ્યા છે. ગુજરાતી કવિતામાં છંદોએ શું શું કર્યું - છંદોનું કાર્ય શું ? – એ વાતો ખરા અભ્યાસીઓથી અજાણી નથી. તત્ત્વદર્શનને નરસિંહે પ્રભાતિયામાં ઝૂલણાં છંદદ્વારા, લોકોની દાંભિક્તા તથા અજ્ઞાનને છપ્પામાં અખાએ ષટ્પદી ચોપાઈ દ્વારા, પ્રેમાનંદ અને શામળે કથાપુરાણનાં પાત્રો કે કલ્પિત રાજા-રાજકુંવરો પ્રધાનોને અને પ્રજાજીવનના પરિવેશને દેશીરાગો ઢાળો દ્વારા ચિંરજીવ અભિવ્યક્તિ આપી છે. ભાષા અને છંદોલયની જુગલબંદીએ મધ્યકાળમાં અને અર્વાચીન કાળમાં, અવિસ્મરણીય જીવનરાગ અને જીવનદર્શનને કલાત્મક રૂપોથી મઢીને રજૂ કર્યાં છે. પ્રેમાનંદની કથનકળા અને વર્ણનો આજે ય પ્રભાવક લાગે છે.

નર્મદે શિખરિણીમાં જીવંત કરેલો કબીરવડ હજી ભાવકોને ભૂલાતો નથી. દલપતરામના દોહરા-ચોપાઈ-સવૈયા-ઉપજાતિ તથા વિવિધ રાગોના અનુરટણથી ત્યાર પછીની અનેક પેઢીના કવિઓએ છંદો રચીને કવિતાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. કલાપીનો હાથ પણ છંદો પર સારી રીતે બેઠેલો હતો. ન્હાનાલાલે લોકલયોનો આધાર લઈ રચેલાં ગીતોએ ગૂર્જર નારીને ઘેલું લગાડ્યું હતું. બ.ક.ઠા. નો પૃથ્વી પ્રયોગ જાણીતો છે. પણ ‘ધમાલ ન કરો-’માં રા.વિ. પાઠકે અને ‘ભરતી’માં કૃષ્ણલાલ શ્રીધરાણીએ પ્રયોજેલા પૃથ્વીછંદ (છેક વિનોદ જોષી સુધી) બ.ક.ઠા.ની ખૂબીઓથી પણ આગળ નીકળી જાય છે. કાવ્યત્વમાં આ રચનાઓ ઊણી નથી ! એક કિલ્લાને તોડી પડાતો જોઈને-' સૉનેટ માળામાં સુન્દરમે લેખે લગાડેલા પૃથ્વી છંદનો કોઈ વિકલ્પ નથી. જીવનનાં શોક, કરુણને અને વિષમ માનવનિતિને પ્રકૃતિના પરિસર સમેત રજૂ કરવા; કાન્તે ખંડકાવ્યત્રયીમાં યોજેલા, વિવિધ છંદોનું નિબંધન કેવું તો ચુસ્ત અને કાવ્યોપકારક છે, એ ભૃગુરાયભાઈ તથા ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સહજ ગળે ઊતરી જાય એમ વર્ણવ્યું છે. છંદોનું કાર્ય એમના એ લેખોમાં ઉત્તમ રીતે દર્શાવાયું છે. ઉમાશંકર તથા એમના સમકાલીનોનું ભાષાકર્મ અને છંદોલય પ્રયોજન જરાય અજાણ્યાં ન હોવાં જોઈએ. દા.ત. ‘રહ્યાં વર્ષો / ગયાં વર્ષો-’માં શિખરિણી છંદની સાર્થકતા ! ‘આયુષ્યના અવશેષે' સૉનેટમાળામાં રાજેન્દ્ર શાહે પ્રયોજેલો હરિણી છંદ કેવો તો ભાવોપકારક બન્યો છે. તો વળી ‘અનહદની સરહદે' સૉનેટ માળામાં ઉશનસે લેખે લગાડેલો છંદ શિખરિણી જે ભાવ ચિત્રો રચે છે અને ભાવકને વીંટળાઈ વળીને જીવનની ચક્રાકાર ગતિ તથા નિયતિની પ્રતીતિ કરાવે છે તે અ-પૂર્વ છે ‘પિતૃતર્પણ’-માં નાન્હાલાલે, ‘૧૩-૭ની લોકલ'-માં સુન્દરમે અને “ગાયત્રી’માં નિરંજન ભગતે અનુષ્ટુપ છંદનો ઉપ-યોગ રચ્યો છે. ત્રણ યુગોનો ભારતના ત્રણેય યુગની કાવ્યરીતિ, ત્રણેય કવિઓની રસરુચિમાંથી આવેલી ભાષા-રચના ભિન્ન ભિન્ન છે ને વિશિષ્ટ પણ છે. એક જ છંદ હોય પણ કવિએ કવિએ, યુગે યુગે ને કાવ્યે કાવ્યે એ શી રીતે ભાતે ને શા કાજે નોંખો પડે છે એ મુદ્દો ગંભીર અભ્યાસનો વિષય પણ છે. છંદપ્રયોગો આ રીતે જોવા ઘટે. કવિનો પોતાનો સાંસ્કૃતિક પરિસર પણ એનાં રસરુચિનો આંતરલોક જ એની કાવ્યભાષાને ઘડે છે. એટલે કાન્ત-ઉમાશંકર-સુન્દરમ્-રાજેન્દ્ર-નિરંજન-ઉશનસ્-જયંત પાઠકના મંદાક્રાન્તા- અનુષ્ટુપ-શિખરિણી-હરિણી-ઉપજાતિ-વસંતતિલકા જુદા જુદા મરોડ-ટોન તથા નોંખા ભાષાબંધ પ્રગટાવે છે. છંદોના કાર્યના પરિપ્રેક્ષ્યમાં આ છંદભાત વધુ વિગતે તપાસ માગે છે. કેટલાંક સૉનેટકાવ્યો ટાંકીને આ કાર્ય કરવા જેવું છે. આપણે ત્યાં અનુગાંધીયુગમાં છંદોમાં ઘણા પ્રયોગો થયા છે. અછાંદસ તરફ જતાં પહેલાંનો આ મુક્ત છંદોલયનો ગાળો છે. (છંદમુક્ત ઉત્તમ કાવ્યો તો આપણે ત્યાં આધુનિક-અનુઆધુનિક યુગમાં થોડા ઘણાં જ રચાયાં છે એ નોંધવું જોઈશે.) નિરંજને ઝૂલણા-હરિગીત તથા અન્ય માત્રામેળોને પરંપરિત કર્યા છે ને એનાં સારાં પરિણામો મળ્યા છે. ઝૂલણા અને પરંપરિત ઝૂલણાનાં દષ્ટાંતો લઈએ. મેઘમેદૂત સૃષ્ટિ અને એવું જ ઘનઘોર મન ઝૂલણામાં નક્કરતા ધરીને પ્રગટ્યું છે :

 ‘મેઘ પર સેના ડોલતા ડુંગરા/તે છતાં શાન્ત છે કેટલાં સ્પંદનો !
        અંતરે આંસુના નીરના કૈંક ઝરા/તે છતાં મૌન છે કેટલાં ક્રંદનો !!’


‘મેઘ પર મેધના ડોલતો ડુંગરા-‘ ગાલગા (દાલદા : ઝૂલણા)નાં ચાર જ આવર્તનોમાં વાદળો પર વાદળો અને તેની સ્થિતિગતિનું ચિત્ર મૂર્ત થાય છે... ને એ નહિ વરસતાં વાદળોનાં નીરના ઝરા તો અંતરે- હૈયે ભંડારાયેલા છે... નિરંજને – ‘આજ વૈશાખના ધોમ બપ્પોરમાં/શુન્યમાં હું ય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો-' માં પણ વૈશાખી બપોરને ઇન્દ્રિયગોચર કરી દીધી છે... ને બોલચાલના બધા કાકૂઓ-આરોહઅવરોહ પ્રયોજવામાં માહેર કવિ કલમેઃ “લાવો તમારો હાથ, મેળવીએ/કહું છું હાથ લંબાવી..../કહો શું મેળવી લીધું હશે મારે ? / તમારા હાથમાં તો કેટલું યે/ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે.../શું શું નથી હોતું તમારા હાથમાં ?- પરંપરિત હરિગીત પ્રયોજીને કવિતામાં છંદના કાર્યનો વધુ એક નમૂનો પેશ કર્યો છે. આવાં અનેક દષ્ટાંતો ઉમાશંકર-સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત, નલિન રાવળ, જયંત પાઠક છેક રાવજી ટેલમાંથી પણ મળે છે. ગુજરાતી કવિતામાં છંદોલયની આ સમૃદ્ધિ નિત્ય આકર્ષતી રહે છે. વિવિધ (ચતુષ્કલ-પંચકલ-ષટ્કલ-અષ્ટકલ) લયાવર્તનોના પ્રયોગ કરીને રમેશ પારેખની પેઢીના કવિઓ તથા વિનોદ જોશીની પેઢીના કવિઓએ ગીતો રચ્યાં છે. લયનો જાદુ ત્યાં તો કેફલ પણ બન્યો છે. જેમકે ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ...' પણ રાવજી જેવા નિજી મુદ્રાના કવિએ તો લોકલયમાં ઉપરાંત માત્રામેળોના ટૂકડાઓ પ્રયોજીને દીર્ઘકાવ્યો રચ્યા છે... એની કવિતાનો અધઝાઝેરો હિસ્સો આવા નવાં ઘડેલાં ભાષાલયને લીધે વધુ નોખો અને ખાસ્સો પ્રભાવક છે. દા.ત. ઢોલિયે, વરસાદી રાતે, ૧૫- ૧૧-૬૩, અસંખ્ય રાત્રિઓને અંતે, નવ જન્મમૃત્યુ કાવ્યો.. છંદોલય અને ભાષાકર્મની બાબતે હજીય અભ્યાસ માગે છે.

નારીના પગમાં જેમ ઝાંઝર છે તેમ કવિતાનાં ‘ચરણો’- માં છંદોલય છે. છેવટે ચરણોએ તો લયમાં-તાલમાં 'ચાલી' બતાવવાનું છે. રવીન્દ્રનાથે કહેલું કે ઘરમાં દોડધામ કરતા રહેતાં ચંચળ બાળકોની દેખભાળ રાખવા સારુ મા એમને પગે ઝાંઝર બાંધતી, એમ કવિ કાવ્યમાં ઝિલાના વિચારોની ગતિવિધિ પરખવા માટે છંદની ઝાંઝરી બાંધે છે. અમસ્થીય આ વાત રમણીય છે. કવિતા તો કવિના હ્રદય સ્પંદનો છે, સ્પંદનોનો ધબકાર છંદમાં જ વધારે સારી રીતે ઝિલાય છે. (દા.ત. ગઝલ-ગીત-ભજન પણ એ જ કહે છે.) લલિત કોમળ ભાવોર્મિ એવા જ લયાન્વિત શબ્દોમાં વધુ પ્રભાવક નીવડે છે. વેદની ઋચાઓ પણ એની જ સાક્ષી પૂરે છે.

કવિ શીલરે કહેલું કે પોતે કાવ્યરચવા પ્રવૃત્ત ધતા ત્યારે સહજ રીતે જ લયતત્ત્વ જ મારી સામે રૂપ ધરીને પ્રગટતું. વિષય સ્વરૂપ તો ધીમે ધીમે લયતત્ત્વ સાથે ઊઘડતું ને આકારિત થતું...! રોબર્ટ ફ્રોસ્ટે પણ કવિતામાં છંદોલયનો મહિમા કરતાં કહેલું કે ‘છંદો વિના કવિતા લખવી એ કાંઈ અશક્ય નથી પણ મુશ્કેલ છે અને ચેતીને ચાલવા જેવું છે. છંદ વિના કવિતા લખવી એ જાણે નેટ વિના ટેનિસ રમવા જેવુ છે.”