અનુનય/ઊટીમાં – વરસાદ પછી

ઊટીમાં – વરસાદ પછી

બંને બાજુ
મઘમઘતા વગડાની વચ્ચે
વાંકીચૂકી વાટ;
તાજાં કિરણોના તાંતણિયે
ગૂંથી ઘટામાં ભાત.

કો ઝરણાને તટ વનકન્યા
હશે સૂકવતી વસ્ત્ર :
ઊડી ઊડીને આવે વાદળ
અહીં વાયુમાં વ્યસ્ત.

નીલગીરીના તરુની ટોચે
નમણી નાજુક ડાળ
ઝૂલી રહી શી ભૂમિ લગ આ
પંખીકંઠની સૌરભભીની માળ!

તરુ રોમાંચિત ટેકરીઓના
સ્તનથી સ્રવતી ધારા
આંખો મીંચી પય પીતાં શાં
ખીણોનાં અંધારાં!

તાજી તાજી વનરાજી ને
તાજી ડુંગરમાળા

ઝીણી ફરફરમાં છંટાતા
ફરી ફરીને તપ્ત
મનોરથોનાં ચક્રોના ધરીગાળા!

૨૨-૫-’૭૨