અનુનય/મારી આસપાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારી આસપાસ

મારી આસપાસ
અડાબીડ જંગલ ઊગી જાય
તો મને ગમે;

હરતો ફરતો હું
વૃક્ષ થઈને વાડામાં ખોડાઈ જાઉં
તો મને ગમે;

પણ આપણી ઇચ્છાઓનાય કેટકેટલા સ્તર છે!
(ને એટલે જ આપણે સંસ્કૃત છીએ ને!)
કોઈ છોડ વધારે પડતો ઝૂકે
મારી બારીમાં ડૂકે
તો મને ના ગમે!
કંપતા હાથે
હું એની ડાળીઓને કટકટ કાપી નાખું!

ઘાસ ઠેઠ અંદરના ઉછાળાથી
ઊંચું ઊંચું થઈને પગમાં અંટવાય
તે મને ન ગમે –
સળવળતાં ટેરવાંની ન સમજાય એવી વેદના
વહોરીને હું એને કાપી નાખું!

આ ચપોચપ ચોંટાડેલી ચાર દીવાલો
ને આ ઘટાદાર ઊંચી મેંદીની વાડ ન હોય
તો મને ગમે
(પોતીકાપણાનો પાયો ને મમત્વનાં મૂળિયાં એમાં જ છે ને!)
પણ ઇચ્છાઓનાય કેટકેટલા સ્તર હોય છે!
ચાર દીવાલો વચ્ચે વગડો ઊગી જાય
તે મને ના ગમે;
મેંદીની વાડ સાવ ઊખડી જાય
તે મને ના ગમે!

હું અને વગડો
હવે ક્યારેક ક્યાંક
સામસામા મળી જઈએ છીએ ત્યારે
ચિરપરિચિતોની જેમ ભેટી પડીએ છીએ,
અપરિચિતોની જેમ અતડા રહીએ છીએ –

આપણી વાસનાઓનાય કેટકેટલા સ્તર હોય છે!

૪-૬-’૭૭