અનુનય/કળીપ્રવેશ

કળીપ્રવેશ

ઘેરથી શ્રીમદ્ ભગવદ્ગીતા ખરીદવાનો
સંકલ્પ કરીને નીકળું છું ––
ને ઘેર આવું છું કામસૂત્ર લઈને!

પહાડ ચઢવા જાઉં છું
ને પગ વળી વળીને
ખીણને રસ્તે વળી જાય છે!

ગાયત્રીના જપ કરવા બેસું છું
ને આંગળીઓ વારંવાર
બે મણકાની વચમાંના
રિક્ત અંધકારમાં ખૂંપી જાય છે!

પ્રેમના અમરફળને
બે હાથમાં દબાવીને ચૂસું છું
ને ઘૂંટડે ઘૂંટડે
ગળામાં ઘોળાય છે વેદનારસ!

નક્કી
પગ ધોયા ત્યારે
મારી પાની ક્યાંક કોરી રહી ગઈ હશે!

૩૦-૩-’૭૬