અનુનય/માણસ

માણસ

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.

પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.

અંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભર બપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.

૨૨-૫-’૭૬