અનુનય/સૂરજ

સૂરજ

કાળા કાળા કેશસુંવાળા વનમાં
અવળોસવળો ભૂલો પડીને ભટકે સૂરજ;
તળાવડીને તીરે પાંપણપાળે
કરે ડોકિયાં જલમાં
કાજળના લૈ ડાઘ નીકળે પલમાં;
પલમાં ઠરે
ભીની ભીની ગુલાબની પાંખડીઓ પરે
પાંખડી કંપે, થરકે રંગ અજંપે;
સૂરજ સરે ખરે
ટેકરીઓની તગતગતી ટોચો પર તરે;
હૂંફમાં આળોટે ઓગળે
ઓગળી જાય વહેતો
વ્હેતી નદીમાં પડતું મૂકે
જાય તણાતો ઊંડી ખીણને પથે
એકાન્તોના અણબોટ્યા કુંવારા
ભીના અંધકારને મથે.

૧૧-૨-’૭૨