અનેકએક/એક રચના

એક રચના



એક પંખી
આકાશમાં ઊડી રહ્યું છે

આકાશ
પાંખો ઉઘાડી ઊભા
એક પંખી ભણી
સરી રહ્યું છે

પંખી-આકાશ વચ્ચે
હવા વહી રહી છે

પંખી આકાશ હવા નહિ
ક્ષણ
પસાર થઈ રહી છે

પંખી આકાશ હવા ક્ષણ સ્થિર છે
માત્ર
કાગળમાં અક્ષરોનાં સ્થિત્યંતર છે

પંખી આકાશ હવા ક્ષણ અક્ષર
ચિત્તમાં ઉદ્‌ભવતાં વલયોનાં
બહિર્-બિંબ છે

પંખી... આકાશ... હવા... ક્ષણ... અક્ષર... ચિત્તતા...
રિક્તતાએ
વિવિધ રચના કરી