અનેકએક/ખુરશીઓ

ખુરશીઓ



આ ખુરશી ખાલી છે
ના
ખુરશીને પગ છે
હાથ છે
છે આંખો પણ
પગ મંડાશે હમણાં
હાથ ઊંચા થશે વીંટાળાશે
ત્યાં સુધી
ખાલી આંખો તાક્યા કરશે




બેસનારના દાબે
ખુરશી ગૂંગળાય
શું થાય
બેસવા દેવું એનું કર્મ
એનો ધર્મ
શું થાય




ખુરશીને
એક ઇચ્છા
કોઈ બેસવા જાય
ને ખસી જવું




પહેલો
હાથો હલબલ્યો
પછી પાયો ડગમગ્યો
પછી ખીલીઓ ચૂપચાપ સરી ગઈ
છેવટે
ખુરશી ભાંગી પડી
ભાંગી ગયેલી ખુરશી
ભંગારે ગઈ




હું
તાકી રહ્યો છું ખાલી ખુરશીને
ખુરશી પાછળની ખુરશીની પાછળની
અગણિત ખાલી ખુરશીઓને
ના
નહિ બેસી શકું
હું
આ ખાલી ખુરશી પર




કોઈ
ખુરશી પરથી ઊઠીને ચાલ્યું ગયું
હાથા પરથી હાથ
બેઠક પરથી દાબ
પાયામાં અટવાયા પગ
ગયા નથી




ખુરશી પર
એક પંખી આવી બેઠું
ખુરશીમાં
ડાળો ફૂટી
પાંદડાં કલબલ્યાં
પુષ્પો પ્રગટ્યાં
ફળ લચ્યાં
ખુરશીમાં ઝાડ જાગ્યું
મૂળિયાં વિનાનું





હળવેથી ખુરશી પર બેઠો
બેસી રહ્યો, પુષ્ટ થતો ગયો
કદાવર... વિકરાળ
ઊભો થયો ત્યાં સુધીમાં તો
સાવ કદરૂપો થઈ ગયેલો




ખાલી ખુરશીઓ
એકમેક સાથે
ખાલી વાતોએ વળગી હતી
આગંતુકે
એ ગોષ્ઠિને ખોરવી દઈ
ખુરશીઓને
વિખૂટી પાડી દીધી


૧૦

લાકડાનું એક માળખું
મેળવવા
એણે
શું શું ન વેચ્યું
લાકડાનું એક માળખું
મેળવવા


૧૧

ખાલી ખુરશી
સ્થિતપ્રજ્ઞ થઈ બેઠો હોય માણસ
એવી
ચૂપ છતાં હમણાં બોલી ઊઠશે જાણે
માણસ
કોઈ ક્યારેય બેઠું જ નથી
એવી ખાલી ખુરશી


૧૨

ખુરશી ડગી ડગમગી
ધરા રસાતળ ગઈ
આકાશ ફંગોળાયું
દિશાઓ ફરી

ઊભો થઈ ચાલ્યો ગયો
ફરી
સૂર્યોદય થયો


૧૩


મંચ પર ધકેલાઈ ગયો
જુએ તો
એકેએક ખુરશી ખાલી
એણે જાન રેડીને પાઠ ભજવ્યો
આખું સભાગૃહ
તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું