અન્વેષણા/૩૭. સામિસાલ
પ્રાકૃત, અપભ્રંશ અને મારુ-ગુર્જર ભાષામાં सामिसाल શબ્દ ‘સ્વામિશ્રેષ્ઠ, માલિક, અધિપતિ' એવા અર્થમાં છે. માન્ય કે પૂજનીય પુરુષોને ઉદ્દેશીને થતાં સંબોધનમાં પણ એ શબ્દ વારંવાર વપરાયો છે. પ્રાકૃત ભાષામાં રામચરિતનું નિરૂપણ કરતા વિમલસૂરીના ‘પઉમચરિય’માં*[1] જુઓ— गन्तूण पर्णामऊण य सुमालि तं दहमुहं च दूओ सेा । अह साहिउं पयत्तो, जं भणियं सामिसालेण ॥
- (ઉદ્દેશક ૮, ગાથા ૬૮ )
હરિભદ્રસૂરિની ‘સમરાઇચ્ચકહા’માં એનું सामिसाली એવું નારી જાતિનું રૂપ મળે છે. બૃહદગચ્છના નેમિચન્દ્રના શિષ્ય શાન્તિસૂરિએ સં, ૧૧૬૧માં પ્રાકૃત ગદ્યપદ્યમાં ‘પૃથ્વીચંદ્ર ચરિત્ર' રચ્યું છે. એમાં सामिसालના કેટલાક પ્રયોગો છે, જેમાંના બે નીચે મુજબ છે— अओ चेव वल्लहो दढं अम्ह सामिसालस्स ।
- (પં. શ્રી રમણિકવિજયજી પાસેની પ્રેસકોપી, પૃ. ૧૭૬ ).
एस पक्कलपडिवक्खकालो अम्ह सामिसालो |
- (એ જ, પૃ. ૧૬૯)
‘ભવિસયત્ત કહા’માં [દસમા સૈકા આસપાસ]— जसहण सामिसाल अच्छंतए पुरपउरालंकारसमत्तइं ।
- (દલાલ અને ગુણેની આવૃત્તિ, પૃ. ૨૮)
जो सयलसिंधु सायरहो पालु जसु पायणपुरवइ सामिसालु ।
- (એ જ, પૃ. ૯૧)
પુષ્પદંતના અપભ્રંશ મહાકાવ્ય ‘મહાપુરાણ’માં (સં. ૧૦૨૧)— एम स सामिसालु विण्णवियउ, विंझ गइंदु एण विद्वियउ.
- (‘અપભ્રંશ પાઠાવલિ,’ પૃ. ૯૩)
મારુ-ગુર્જર ભાષામાં આ પ્રયોગ વ્યાપક હતો એમ તત્કાલીન સાહિત્ય ઉપરથી જણાય છે— इण परि पूजइ सामिसाल नरनारी धन्न ।
- -અજ્ઞાત કવિકૃત ‘સપ્તક્ષેત્રી રાસુ’ (સં ૧૩૨૭), કડી ૪૦
धंधलु राउलु विन्नवइ - सामिसाल पइ मझि संतइ...
- – પદ્મકૃત ‘શાલિભદ્ર કક્ક’ (૧૪મો સૈકો)
- (‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ’, પૃ. ૬૦)
आय कि रिसहेसर तम्ह परमेसर, सामिसाल चिरकाल मुक्कि वर.
- -મંડલિકકૃત ‘પેથડરાસ’ (૧૫મા શતકનો આરંભ).
- (‘પ્રા. ગુ. કા. સં.’ પૃ. ૨૮)
अह पूछइ राजलकंतु कांइ पसुबंधणु दीसइ, सारहि बोलइ - सामिसाल तुह, गोरवु हुस्यइ .:
- -રાજશેખરસૂરિકૃત ‘ નેમિનાથ ફાગુ’ (સં. ૧૪૦૫ આસપાસ), કડી ૨૩
बोलइ लाडो - सामिसाल, तुह कवण विचारो, जीवह दीघउ अभयदाणु, मह पुणु दुहभारो..
- —જયસિંહસૂરિકૃત ‘પ્રથમ નેમિનાથ ફાગુ’( સં. ૧૪૨૨ આસપાસ), કડી ૩૦
जगनाथनी भावना भेटि लाधो, सुधाकुंड कंकेली मइ आज साधो, जिनाधीस मूं हर्ष हू आवी माला, हवं सार करि करि सामिसाला.
- —અજ્ઞાત કવિકૃત ‘સર્વજ્ઞવિજ્ઞપ્તિકા’ (સં.૧૪૯૩પૂર્વે)x[2]
वीरजिणेसरचरणकमलकमलाकयवासो, पणमवि पभणिसु सामिसाल गोयमगुरुरासो.
- — ‘ગૌતમરાસ’, મંગલાચરણ (ગુજરાત વિદ્યાસભાની સં ૧૫૧૧માં લખાયેલી સંગ્રહપોથી, પત્ર ૪૧૮ પ્રમાણેનો પાઠ)
सामिसालનો પ્રયોગ સોળમા સૈકાથી આ તરફના સાહિત્યમાં ઓછો થઈ જાય છે, જોકે પુરાણી પરિપાટીને જાળવી રાખતાં સ્તવન-સજ્ઝાયાદિમાં તેનો વપરાશ અવારનવાર ચાલુ રહ્યો હોય એવો પૂરો સંભવ છે. सामिसालની વ્યુત્પત્તિ સં. स्वामिन्+सार ઉપરથી છે. આજે પણ વ્રજ ભાષામાં વ્યક્તિને માનાર્થે गोष्ठिशाल (સં. गोष्ठि-सार ગોષ્ઠિમાં અર્થાત્ વિદગ્ધ પુરુષોના મંડળમાં મુખ્ય) કહેવામાં આવે છે, તેથી આ વ્યુત્પત્તિને અનુમોદન મળે છે.
[ ‘ બુદ્ધિપ્રકાશ ’, ઓકટોબર ૧૯૬૦ ]