અભિમન્યુ આખ્યાન/કડવું ૧૩

કડવું ૧૩
[અહિલોચનનું શ્રીકૃષ્ણને યુદ્ધ માટે આહ્વાન. ધૂંધવાયેલા અહિલોચનનું બળપ્રદર્શન. એના ધમપછાડાનું આખું વર્ણન છટાદાર અને ધમકભર્યું છે. કવિ એના ધમપછાડાની કૃષ્ણ પર ને પ્રકૃતિનાં વિવિધ અંગો ઉપર પડેલી અસરને વર્ણવે છે. અંતે કૃષ્ણ પેટી લઈ આવી સુભદ્રાને સોંપે છે. કૃષ્ણની રાણીઓને પેટી વિશે કૌતુક જાગે છે.]


રાગ સામેરી

સાંભળી અસુરની વાણી, એમ બોલ્યા સારંગપાણી :
‘શક્તિ હોયે જો શરીર મોઝાર, પેટી ભાંગીને નીસર બહાર.          ૧

ઢાળ

બહાર નીસર જૂદ્ધ કરવા, પેટી માંહાં શું પડી રહ્યો?:
અગ્નિ લાગ્યો અસુરને, જ્યારે કઠણ બોલ કૃષ્ણે કહ્યો.          ૨

હાક મારી ઊછળ્યો, વાણી વિશ્વંભરની સાંભળી;
પાદપ્રહારે પેટી ઊછળી, આકાશે જઈ આફળી.          ૩

ચળ્યો ચંદ્ર ને સૂર્ય નાઠો, ઉડુગણ તે ઊંચા ગયા;
અમર સર્વે સ્થાનક મૂક્યાં, ભયભીત બ્રહ્માજી થયા.          ૪

ધરા ઉપર પડી પેટી, ખળભળ્યું પાતાળ;
એક ગુફા દીઠી સમીપે, ત્યાં સંતાયા ગોપાળ.          ૫

થાયે કોરણ કાટકા, આવર્યો અંધકાર;
દશે દિશા થઈ ઝાંખી, જાણે થયો પ્રલયકાળ.          ૬

બ્રહ્માંડ લાગ્યું ડોલવા ને અવળી સર્વ નદી વહી;
‘ન જાય જાદવ કરું પ્રાજે’ એમ ઊછળતાં વાણી વદી.          ૭

સાત વાર આકાશે આફળી, તોયે પેટી ન પામી ભંગ;
પછે રોધ હવો પવન તણો, થયું શીતલ અંગ.          ૮

કંઠરોધન, દ્વારબંધન, શમી મુખની વાણ;
‘ત્રાહે ત્રાહે ત્રિકમ નવ મૂઓ’, એમ કહેતાં નીસર્યા પ્રાણ.          ૯

જદુનાથે જાણિયું, જે રિપુ પામ્યો નાશ;
જોઉં મૂઓ કે નથી મૂઓ, એમ આવ્યા પેટી પાસ.          ૧૦

વજ્રપિંજર લીધું મસ્તક, મોહન મંદિર સંચર્યા;
વિપરીત લીલા નાથજીની, એમ પ્રાણ પાપીના હર્યા.          ૧૧

વિચાર કીધો વિઠ્ઠલે ‘એના પ્રાણ છે પેટી વિશે;
જો અવતરશે અવની વિષે, તો કો નહિ રહેશે સુખે.’          ૧૨

પેટી સોંપી સુભદ્રાને હરિએ કીધું હેત;
વારી ભગિની : ‘ઉઘાડી જોશો તો થાશે વિપરીત.’          ૧૩

કૃષ્ણજીની કામિની ટોળે મળી સમસ્ત;
‘પેટી સોંપી બહેનને આપણથી છાની વસ્ત.’          ૧૪

વલણ
એ વસ્ત અમૂલક દીસે છે, આપણને કહ્યું નહીં;
ચાલો, વાહીએ સુભદ્રાને, પેટી તપાસી જોઈએ સહી.          ૧૫