અભિમન્યુ આખ્યાન/કડવું ૩૧

કડવું ૩૧

[કુન્તા રક્ષાબંધન કરી અભિમન્યુને વિદાય કરે છે, કપટપરંપરા સર્જતા શ્રીકૃષ્ણ બ્રાહ્મણરૂપ ધારણ કરી અભિમન્યુને માર્ગમાં મળે છે અને એને મહેણાં મારી તેમજ સ્વપુરુષાર્થનું પોરસ ચડાવી એની પાસે કુન્તાએ બાંધેલો રક્ષાતંતુ તોડી નંખાવે છે.

આ કડવું વાંચતાં રક્ષાબંધનના પ્રસંગનું સમગ્ર ગુજરાતી પ્રજાને કંઠસ્થ એવું ‘કુન્તા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે...’ એ લોકગીત કયા ગુજરાતીને સ્મરણે નહિ ચઢે?]


રાગ મેવાડો

કુંતા કહે, ‘રે કુંવર, તુજને રાખે રણદેવ્યાય જી;
મસ્તકે મહાદેવજી રાખે, ભૃકુટિએ બ્રહ્માય જી.          ૧

કપોલે કાલકાની રક્ષા, નાસાએ નારાયણ જી;
અંબિકા આંખડીએ રાખો,શ્રવણે સારંગપાણ જી.          ૨

દંતે દિનાનાથ રખવાળો, રસનાએ રણછોડ જી;
કંઠે કમલભૂની તનયા, સ્કંધે શિવકુમાર જી.          ૩

પેટે રક્ષા પંચ કન્યાની, વાંસે વાસવધીશ જી;
કટિએ કૌશિક ઋષિની રક્ષા, જંઘાએ જમધીશ જી.          ૪

પાગે હો ક્ષમાની રક્ષા, ત્વચાએ દિશા ચાર જી;
અસ્થિએ પર્વતની રક્ષા, રોમે ભાર અઢાર જી.          ૫

મેદ રુધિરે સાગર રાખે, નિશાએ નવકુળ નાગ જી;
મારગે તુજને ગણપતિ રાખે, જૂધે જુગદીશ પાગ જી.          ૬

શર્વરીએ સોમની રક્ષા, દિવસે દિવાકર જી;
લોહ, કાષ્ઠ, ઉદક ને અગ્નિ, નહિ ભેદે તારે અંગ જી.          ૭

સાત તાંતણા સૂતરના બાંધ્યા, વોળાવ્યો કુમાર જી;
એહવે બ્રાહ્મણ-રૂપ ધરીને આવ્યા વિશ્વાધાર જી.          ૮

હાથ લાકડી લીધી જદુપતિ, કાયા કીધી ઘરડી જી;
કટકડાટ હાડકાં વાજે, ઊભા ત્યાં દાંત કરડી જી.          ૯

મારગ માંહે ત્યાં અભિમનને મોહન આવી મળિયા જી;
હાથે ઝાલી હડપચી, ‘ક્યાં પધારશો બળિયા જી!          ૧૦

આ દોરડો કોણે બાંધ્યો, આવી તાવની ઝરેળી જી!
તું સરખો જોદ્ધો થયો રોગિયો, દેખી મુને ચઢે કરેળી જી.’          ૧૧

અભિમન્યુ ત્યારે એમ ઓચરે, ‘એમ શું બોલ્યા ઋષિરાય જી;
હું જાઉં ચક્રાવ્યૂહ લેવા, કુંતાએ બાંધી રક્ષાય જી.’          ૧૨

વાયક સાંભળી કુંવર કેરાં, મોહને મૂર્છા ખાધી જી;
‘અરે જોધ! તું એ શું બોલ્યો, લજ્જા ખોઈ કુળની બાધી જી.          ૧૩

પિતા તારે ત્રણે લોકને એક ધનુષ્યે ધંધોળ્યું જી;
તે અર્જુનનું નામ આજથી, અભિમનિયા! તેં બોળ્યું જી.          ૧૪

મચ્છવેધ ને ખાંડવ-દહને, જીત્યા શ્રી ત્રિપુરાર્ય જી;
તે વેળા નો’તી બંધાવી અર્જુને રક્ષાય જી.          ૧૫

કપૂત પેટ પડ્યો પારથને, જીતશે ડોશી સારું જી;
અમો તો પરમારથ કહું છું, પણ તેજ ઘટે છે તારું જી.          ૧૬

કુંતાથી શત્રુ મરતા હોય તો, રક્ષા બંધાવે નકુલ-સહદેવ જી;
પણ વાંક તારો નહિ રે બાળકા, છે છોકરવાદીની ટેવ જી.          ૧૭

મામો તારો એવું જાણશે, તો દુભાશે જગદીશ જી;
અર્જુન તો અદકું કરશે, છેદશે તાહરું શીશ જી.          ૧૮

કદાપિ તું કૌરવને જીતીશ, કરીને સંગ્રામ જી;
તો તુજને કો નહિ વખાણે, થાશે કુંતાનું નામ જી.’          ૧૯

એવું સાંભળી સૌભદ્રેએ તોડી નાંખ્યાં તંત જી;
‘ધન્ય ધન્ય’ કહી હેલામાંહે અદૃષ્ટ થયા ભગવંત જી.          ૨૦

આનંદ પામ્યા શ્રીઅવિનાશી, રક્ષા કરાવી ફોક જી;
બ્રહ્માનો માર્યો મરત નહિ, શીઘ્રે્રે જાશે જમલોક જી.          ૨૧

અભિમન ચાલ્યો સંગ્રામે, ન પ્રીછ્યો કપટ જી;
મામોજી ઓળખ્યા નહિ, સાચું માન્યું સુભટ જી.          ૨૨

વલણ
સુભટે સાચું માનિયું, જુધ કરવા રણમાં પળે રે;
વિપ્ર પ્રેમાનંદ એમ કહે, ઉત્તરા કેમ સામી મળે રે.          ૨૩