અમાસના તારા/મને મારો મેળાપ


મને મારો મેળાપ

ઈ. સ. ૧૯૪૮નો ઑક્ટોબર મહિનો હતો. શુક્રવારના નમતા બપોરે અમે પીટ્સબર્ગથી નાયગરા જવા નીકળ્યા. અમે ચાર જણા હતા: હું, આલફ્રેડ, ચાર્લી અને હેનરી. ચાર્લી વાનકુવરનો રહેવાસી. સ્વભાવે કેનેડીઅન: ગુલાબી અને ઉદાર. આલફ્રેડ અમેરિકન અને તબિયતનો ગંભીર. હેનરી અમારા ત્રણેનો માનીતો નિગ્રો દોસ્ત હતો: મસ્ત અને મીઠડો.

ચાર્લીની નવી જ મોટરગાડી હતી પ્લીમથ. ચાર્લી અને હેનરી બન્ને મોટરના રસિયા અને જાણકાર હતા. અમે નિર્ભય હતા. ચારસો માઈલની મુસાફરી હતી. સાથે થોડું ખાવાનું હતું.મધરાત પહેલાં નાયગરા પહોંચી જવાની ઉમેદ હતી. પીટ્સબર્ગથી દોઢસોએક માઈલ દૂર નીકળી ગયા હતા. એલેગ નદીને કાંઠે અમારી મોટર હંસગતિએ સરતી હતી. નદીકાંઠો નમણો તો હતો જ. પણ ઝાડોના ઝુંડમાંથી વળાંક લેતી વખતે એલેગની ભારતની લજ્જાવતી યૌવના જેવી મોહક અને મનોહર લાગતી હતી એ વાત મેં જ્યારે કહી ત્યારે ચાર્લીએ મોટર થંભાવી દીધી. મારા ત્રણે મિત્રોએ કૌતુકપ્રિય નદીને ધારીને જોઈ લીધી. ઇચ્છા તો સૈની આ સુંદર સ્થળે બેસીને જરાક આરામ લેવાની થઈ. પણ મધરાત પહેલાં નાયગરા પહોંચી જવાના નિર્ણયને કારણે અમે ઊપડ્યા. એકાદ માઈલ પણ નહીં ગયા હોઈએ ત્યાં મોટરના આગલા પૈડામાં જબ્બર ભડાકો થયો અને મોટર ત્યાં જ અટકી પડી. અમારી ગાડી નવી હતી, અમારી પાસે એક વધારાનું પૈડું હતું એટલે બેસાડીને અમે થોડી જ વારમાં આગળ વધીશું એમ અમારા મનમાં હતું. પણ કમભાગ્યે નવા પૈડામાં કોઈ એકાદ વસ્તુ ખૂટતી લાગી જેથી બૈડું બરાબર બેસે જ નહીં. ચાર્લી અને હેનરી બન્ને નિરાશ થઈ ગયા. બિચારા પરસેવે રેબઝેબ થઈ ગયેલા, હાથ તેલવાળા ચીકણા થઈ ગયેલા અને આંખોમાં નિરાશા ઊપસી આવેલી. એટલામાં અમારી મોટરને ધક્કો મારીને અમે વળાંકથી સહેજ નીચે લઈ જઈને બાજુ પર લઈ ગયા. અમારાથી થોડે દૂર એક બીજી મોટર ઊભેલી જોઈ અને અમારા મનમાં આશાની ચમક ઊગી. હું અને ચાર્લી પેલી મોટર પાસે ગયા તો બે વિચિત્ર દેખાતા માણસો એ મોટરના મશીનમાં કંઈક સુધારતા હતા. દેખાવે અને વાણીએ અમેરિકન નહોતા. પહેલાં દક્ષિણ અમેરિકાના હશે એમ લાગ્યું. પણ ચાર્લીએ અંગ્રેજીમાં જ પૂછ્યું કે તેઓ અમને કંઈક મદદ કરી શકશે કે કેમ અને અમે એમને કંઈક ઉપયોગી થઈ શકીએ કે કેમ? એમણે બંને વાતોમાં હા કહી. જાણે કેટલાંય વર્ષોથી અમને ઓળખતા હોય એવું એમનું વર્તન હતું: સ્વાભાવિક અને સ્નેહભર્યું. એમનું કામ પડતું મૂકીને એ બંને જણા અમારી મોટર પાસે આવ્યા. અમારી મૂંઝવણ જોઈ અને શાને માટે અમે મૂંઝાતા હતા તે વાત જાણી ત્યારે તો એ ખડખડાટ હસી પડ્યા. એક જણ દોડીને પોતાની ગાડીમાંથી જોઈતી વસ્તુ લઈ આવ્યો અને એ બે જણે થઈને અમારું નવું પૈડું ચઢાવી આપ્યું. મોટર અમારી તૈયાર થઈ ગઈ. આ આનંદના ઊભરામાં હેનરીએ અમારી મોટરમાંથી ચાર બીરની બાટલીઓ કાઢીને પેલા બે મિત્રોને ભેટ આપવા માંડી. એમણે ત્યાં ને ત્યાં જ સૌની સાથે ભાગીદારીમાં એનો સદુપયોગ કરીને એની સાર્થકતા કરી. પછી અમે પૂછ્યું કે અમે એમને કઈ રીતે કામમાં આવી શકીએ? ત્યારે એમણે હસીને કહ્યું કે અમે તો જિપ્સી છીએ. અસ્થિરતા અમારું જીવન છે. રઝળપાટ અમારો ખોરાક છે અને અકસ્માત એ અમારો આનંદ છે. અહીં અકસ્માત થયો છે એને કારણે અમે આખી રાત અહીં જ સ્થિર રહેવા માગીએ છીએ. અમે બહુ જ આગ્રહ કર્યો કે અમારી મોટરની પાછળ બાંધીને એમની ગાડીને અમે પાસેના શહેર સુધી લઈ જઈએ પણ એમણે એટલા જ આગ્રહથી ના પાડી. એમાંથી એક જણે કહ્યું: ‘અમે જ્યાં સુધી બીજાને ઉપયોગી થઈ શકીએ છીએ ત્યાં સુધી અમે જીવતા લાગીએ છીએ. જ્યારે બીજાનો ઉપયોગ કરવાની વૃત્તિ જાગશે ત્યારે અમે જીવતા નહિ હોઈએ. ઊપડો, તમને લોકોને મોડું થાય છે.’

મારાથી ન રહેવાયું એટલે મેં પૂછ્યું: ‘તમે સાચું કહો, કોણ છો અને ક્યાંના છો?’ ‘અમે?’ કહીને બન્ને સાથે હસી પડ્યા. બોલ્યા: ‘અમે જિપ્સી છીએ. અમે જન્મ્યા છીએ ઇજિપ્તમાં, પણ આખું જગત અમારો દેશ છે. અમને ક્યાંય પારકું લાગતું જ નથી. મિસરમાં અમે હજારો વર્ષની ઉમરનાં મુડદાં (મમી) જોયાં છે. એટલે જ્યારે અમે નાની ઉંમરનો પણ જીવતો આદમી જોઈએ છીએ ત્યારે અમને અદ્ભુત ખુશી થાય છે કે ચાલવું એ જ જિંદગી છે.’

નામથી અજાણ્યા આ જીવતા માણસોને જોઈને અસ્તિત્વે પળવાર જિંદગીનો રોમાંચ અનુભવ્યો. મને લાગ્યું કે આપણે ‘જિપ્સી’ થઈએ તો? આજે નામથી તો ‘જિપ્સી’ થયો છું. કામથી થવાય ત્યારે ખરું!