અમાસના તારા/માતાની સુવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માતાની સુવાસ

ટ્રાન્સ વર્લ્ડ એરલાઇનનું તોતંગિ એરોપ્લેન સ્કાયમાસ્ટર સાંજે છ વાગે ન્યૂયોર્ક પહોંચ્યું. સાઠ કલાક પહેલાં તો હું મુંબઈમાં મિત્રોની વિદાય લેતો હતો. આ સાઠ કલાકમાં સપનાની જેમ મેં સાઉદી અરેબિયાનું ડરહાન, ઇજિપ્તનું કેરો, ગ્રીસનું એથેન્સ, ઇટાલીનું રોમ, સ્વિટ્ઝર્લેન્ડનું જિનીવા, ફ્રાન્સનું પૅરિસ, આયર્લેન્ડનું શેનોન અને ન્યૂફાઉન્ડલૅન્ડનું ગાદા જોઈ લીધાં હતાં. ડરહાન રાતે બે વાગે પહોંચ્યા. બહાર નીકળ્યા ત્યારે એવી લાગણી થઈ કે ધરતી પરનો લાવા જાણે હજી હમણાં જ ઠંડો પડ્યો હતો. અમારા પાઇલટે કહ્યું કે ગરમીનો પારો 122 ડિગ્રી હતો. એરોપ્લેન પેટ્રોલ ભરીને તરત જ ઊપડ્યું. સૂર્યોદયના અજવાળામાં સુએઝની નહેર ઉપર અમે ઊડતા હતા. કેરો અમારું નિશાન હતું. માર્ગમાં જે રીતે નાઈલ વહી જઈને જીવનદાત્રી બની હતી તે લીલા જોઈને આંખો ઠરી. સામ્રાજ્યો અને સંસ્કૃતિના ઉદય અને અસ્તની સાક્ષી આ ગંભીર નાઈલ કેરો પહોંચતાં રંગદર્શી અને હૃદયંગમ લાગતી હતી.

એથેન્સની પાસેનાં જૂનાં ખંડેરો જોઈને હેલેનિક સંસ્કૃતિનું દબાયલું સપનું હવે કદી જ પાછું નહીં સંભવે એમ એના ઉપર ચઢેલા વિસ્મૃતિના થરો બોલતા હતા. જીનીવા જતાં પહેલાં બરફની ચાદર ઓઢીને સૂતેલો આલ્પ્સ જોયો અને સમુદ્ર જેવા લેમન સરોવરને વિલીનોય આગળ અંત પામતું દીઠું. વિલીનોય જોયું એટલે એના સંત રોમેરોલાં સાંભર્યાં. સમી સાંજે ઊડીને અમે રાતે તો પૅરિસ પહોંચી ગયા. પૅરિસની રાત એ જિંદગીનો દિવસ. મધરાતે અમે શેનોન ઊતર્યા. અહીં અમારા એરોપ્લેને આટલાંટિક મહાસાગર ઓળંગવાની પોતાની તાકાત માપી જોઈ. ચૌદ કલાકની અખૂટ મુસાફરી હતી. સવારે આંખ ઊઘડી ત્યારે નીચે મહાસાગરનાં અપાર નીલાં પાણી અને ઊંચે એની સાથે તાલ દેતું અનંત આકાશ. ગમે તેવા નાસ્તિકને પણ ઈશ્વરી સત્તામાં શ્રદ્ધા રાખવાનું મન થાય એવી કુદરતની ભવ્યતા જોઈને આંખો દિગ્મૂઢ બની ગઈ. વાણી મૂક થઈ રહી અને અંત:કરણ અકળાઈને કોઈના આશીર્વાદ માગી રહ્યું. અપાર અને અનંતની સાધના કરનાર માનવીનું મન માત્ર મહાસાગરનો પાર પામવા ઝંખી રહ્યું. ન્યૂફાઉન્ડલૅન્ડનો કિનારો જોયો ત્યારે જંપ વળ્યો.

સાંજે ન્યૂયોર્ક ઊતર્યો ત્યારે વિષાદ અને એકલતા અકળાવતાં હતાં. સામે કોઈ લેવા આવ્યું નહોતું. મારી પાસે સરનામું હતું. કૅબ(ટૅક્સી)વાળાને મેં ઠેકાણું આપ્યું : ધિ ડોવર, 687 લેક્ષિંગ્ટન એવેન્યૂ. ફૅશનેબલ લત્તામાં એક ચૌદ માળના મકાન આગળ મોટર આવીને ઊભી રહી. મેં નંબર અને નામ બન્ને વાંચ્યાં. મને જોતાં જ અંદરથી એક માણસ બહર આવ્યો અને મારું નામ બોલ્યો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મારો સામાન ઉતાર્યો. અગિયારમે માળે બાવીસ નંબરના ઓરડામાં એણે જાતે આવીને મારો સામાન ગોઠવી આપ્યો. એણે ખબર આપી કે મારા મિત્ર મિસિસ પેઈજને અનિવાર્ય કારણને લીધે બહારગામ જવું પડ્યું છે. એક ચાવી એણે મને આપી દીધી. અંદર સોફા ઉપર લગભગ સાત જુદા જુદા પત્રો મારા માટે લખાયલા પડ્યા હતા. એકમાં મને અવકાર હતો અને પોતાને જવું પડ્યું તેનું દુ:ખ પ્રગટ કરીને રંજ દેખાડી ક્ષમા માગી હતી. બાકીના પત્રોમાં આ ઓરડામાં કઈ વસ્તુ ક્યાં છે, મારે ક્યાં જમવા જવાનું છે, મારી પીટ્સબર્ગ જવાની ટિકિટ, તારઓફિસ અને પોસ્ટઓફિસનાં સરનામાં વગેરે જે જરૂરી સૂચનાઓ આવશ્યક હતી તે સર્વ તૈયાર હતી. ચાર દિવસ સુખચેનમાં ગાળીને હું પીટ્સબર્ગ જવા નીકળ્યો. મેં પણ મિસિસ પેઇજનો આભાર માનતો કાગળ લખીને સોફા પર મૂક્યો. અને પીટ્સબર્ગ જઈને મેં નિરાંતે બીજો પત્ર લખીને મારો આનંદ વ્યક્ત કર્યો. એના પ્રત્યુત્તરમાં એમનો મીઠો ઉત્તર આવ્યો. એમાં અમેરિકા વિષે અને લોકોના સ્વભાવ અને ખાસિયતો વિષે એમણે ઘણી મહત્ત્વની માહિતી આપી હતી. પરંતુ હજી અમે મળ્યા નહોતા.

હું ન્યૂયોર્ક પાછો આવ્યો ત્યારે પહેલી તકે હું મિસિસ પેઈજને મળવા ગયો. મળવા જતાં પહેલાં મેં ફોન કર્યો હતો. મને જોતાં જ માતાની જેમ મને ભેટી પડ્યાં. સાઠપાંસઠ વર્ષના આ સન્નારીને મળીને ખૂબ આનંદ થયો. આ ઉંમરે પણ સુંદરતાનો એમને સાથ હતો. ઉત્સાહ અને જિજ્ઞાસામાં એમને આંબી જાય એવો માનવી મેં હજી જોયો નથી. ગુલાબી સ્વભાવ, વિગતોમાં ચોકસાઈ, ચુસ્ત શાકાહારી અને મોહક તેજસ્વિતા. અમે મિત્રો તરીકે જ મળ્યાં. પહેલે દિવસે એમણે વિસ્તારથી મને પોતાની શરૂઆતની ગેરહાજરી વિષે વાત કહી. ન્યૂયોર્કમાં એક ‘પ્રોક્સી પૅરેન્ટ્સ લિમિટેડ’ નામની સંસ્થા ચાલે છે. કોઈ કુટુંબમાંથી મા અથવા બાપને લાંબા અથવા ટૂંકા ગાળા માટે બહારગામ કે પરદેશ જવું હોય અને પોતાનાં બાળકોની સંભાળ માટે મા અથવા બાપને ઠેકાણે કોઈ એવા જ સ્વભાવનાં અને ઉંમરનાં સ્ત્રી-પુરુષ જોઈતાં હોય તો આ સંસ્થા એ પૂરાં પાડવાની વ્યવસ્થા કરી આપે છે. મિસિસ પેઈજ એનાં સભાસદ છે. એમને એવી રીતે મા બનવાનું એક કામ મળ્યું હતું. અને હું ન્યૂયોર્ક ઊતર્યો તેને આગલે દિવસે જ ફરજ ઉપર ચઢી જવાનું હતું. એટલે તેઓ એરપોર્ટ ઉપર આવી શક્યાં નહોતાં. આ સંસ્થા આવા માણસો પૂરા પાડવા માટે બહુ જ કિફાયત મહેનતાણું લે છે.

જે કુટુંબમાં તેઓ આ કામ માટે ગયાં હતાં એ કુટુંબના વડા મર્લ અરમિટેજ સાથે પંદર દિવસમાં નિખાલસ મિત્રતા એમને બંધાવા પામી હતી. આ જ મિત્રતાને આધારે તેઓ મને મર્લને મળવા લઈ ગયાં મર્લ અરમિટેજ ‘ધિ લુક’ નામના મશહૂર અમેરિકન અઠવાડિકના કલાવિભાગના સંચાલક છે. મુદ્રણકલાના એક અદ્યતન નિષ્ણાત તરીકે એ જાણીતા છે. એટલે મારી એમની સાથેની ઓળખાણ બહુ જ ઉપયોગી નીવડી. “નોટ્સ ઓન મોડર્ન પ્રિન્ટિંગ” એ પોતાના પુસ્તકની ભેટ આપીને એમણે મને એમની ઉદારતાથી નવાજ્યો એટલું જ નહીં; ‘બીલી રોઝ’ ઉપર મને એક ઓળખાણપત્ર લખી આપ્યો. અરમિટેજમાં કલા અને વિજ્ઞાનનો વિરલ સુમેળ છે. સ્વભાવ કલાકારનો, અપ્તરંગી અને વિશદતા તથા ચોકસાઈ વૈજ્ઞાનિકનાં. જ્યારે એમની વધારે નિકટતાનો લાભ મળ્યો ત્યારે ખબર પડી કે આ પુરુષ મિસ્કીન છે અને માણસાઈના પૂજારી છે.

બીલી રોઝ ‘ધિ લુક’માં “વાઇન, વિમેન એન્ડ વર્ડ્ઝ” (શરાબ, સ્ત્રી અને શબ્દો) નામની એક લેખમાળાથી આખા અમેરિકામાં અને બીજી રીતે કહીએ તો આખી દુનિયામાં જાણીતા છે. ન્યૂયોર્કમાં છઠ્ઠા એવેન્યૂ ઉપર ઝીગફિલ્ડ ફોલી નામના અતિશય ફૅશનેબલ અને સુંદર થિયેટરના માલિક છે. છઠ્ઠા માળના એમના દીવાનખાનામાં હું મળ્યો ત્યારે એ એક સ્ત્રી-ટાઇપિસ્ટને લેખ લખાવતા હતા. સવારના સાડા અગિયાર થયા હતા. પણ એમને હજી કપડાં પહેરવાની ફુરસદ નહોતી. સ્ફૂતિર્, સંસ્કારિતા અને ચકોરતામાં તદ્દન અમેરિકન બીલી રોઝ ન્યૂયોર્કની મશહૂર રાતની ક્લબ ‘ડાયમંડ હોર્સ-શૂ’ પણ ચલાવે છે. ચાર કલાક હું એમની સાથે રહ્યો. ચોવીસ દિવસ ચાલે એટલી જિંદગી એમણે લૂંટાવી. એની વાતચીતમાં, એના હલનચલનમાં, રીતભાતમાં સર્વમાં એ જીવનનો ફુવારો ઉડાડતા જાય. પુનર્જન્મોની અપેક્ષામાં આ જન્મ પણ એળે ગુમાવતા આપણા હિંદીઓને બીલી રોઝની એક જન્મમાં અનેક જન્મો જીવી લેવાની તમન્ના અને કલા નવજીવનનો પ્રસાદ બની રહે તેમ છે.

અમે સાથે જમ્યા. જમતાં જમતાં એમણે રાતની મુખ્ય નટી સાથે અગત્યની વાતો કરી લીધી. પોતાની અંતેવાસીને સાંજનો કાર્યક્રમ કહી દીધો. ખવડાવનારને સાંજના ખોરાક વિષે સૂચના આપી દીધી; અને નાટકના મૅનેજરને રાતના ખેલની વ્યવસ્થા વિષે માહિતગાર કરી દીધો. જમીને તરત જ અમે ઊપડ્યા જોન દેવી કંપનીમાં પર્લ બકને મળવા. નીકળતા પહેલાં ટેલિફોન કરવાની સૂચના કરી દીધી.

પર્લ બકને મળીને ખૂબ આનંદ થયો. અમેરિકન શરીરમાં પૌરસ્ત્ય સ્ત્રી બેઠી હતી; ગંભીર અને પ્રગલ્ભ. અમેરિકાની સામાન્ય સ્ત્રીમાં દેખાતી અસ્થિરતા અને આછકલા પાણાનો અહીં સંપૂર્ણ અભાવ હતો. એમની નાદુરસ્ત તબિયત છતાં બહુ જ ખુશમિજાજ હતાં. અમારી વાતચીત દરમિયાન એક વાત એમની મને બરાબર યાદ છે. એમણે કહ્યું હતું કે હિન્દમાં એક જ મહાન વિભૂતિ ક્યારેક અનેક વ્યક્તિઓનું કામ પૂરું કરી શકે છે. અમેરિકાની પ્રજા હજી પ્રમાણમાં શિશુ છે. એવી પ્રતિભા અને વિભૂતિ પ્રગટતાં અહીં હજી ઘણો સમય લાગશે. પણ અહીં થોડી મહાન વ્યક્તિઓ મળીને એક મહાન વિભૂતિનું કામ પૂરું કરી શકે એવી સંભાવના જરૂર છે. અને આ જ અમેરિકાની લાક્ષણિકતા છે. ન્યૂયોર્ક છોડતાં ક્વિન ઇલિઝાબેથના તૂતક ઉપર મેં મિસિસ પેઈજને કહ્યું કે તમે માતાની પ્રોક્સી નહિ, માતા પણ બની શકો છો, અને મેં એમનો ચરણસ્પર્શ કર્યો.