અમાસના તારા/સંગાથી


સંગાથી

ધોમધીકતા બપોર હતા. અકળાવી નાંખે એવો ચૈત્રનો તાપ પડતો હતો. છાંયો શોધવાનાં વ્યર્થ ફાંફાં મારીને હું એક સાંકડે રસ્તે થઈને રાજમાર્ગ પર આવ્યો. સાઇકલ પર સવારી હતી. નીચે ડામરના રસ્તામાંથી બાફ નીકળતો હતો. સામેથી ગરમ લૂ લપેટાતી હતી. એટલામાં એક ઠેલણગાડીનો સાથ થયો. એક જુવાન મજૂર પોતાની હાથગાડી ધકેલતો મોજથી ચાલતો હતો. ગાડીમાં એક જુવાન સ્ત્રી બેઠી હતી. સ્ત્રીએ આખી દુનિયા તરફ પીઠ કરીને પોતાના પતિ સામે આંખો માંડી હતી. મારી સાઇકલ કરતાં એ હાથગાડીની ગતિ વધારે હતી. એની સાથે રહેવા મારે મારી ગતિ જરા વધારવી પડી.

પુરુષે એક બીડી કાઢીને સ્ત્રીને આપી. સ્ત્રીએ સળગાવી પુરુષને પાછી આપી. પેલાએ હસતાં હસતાં સ્ત્રીને સળગેલી બીડી પાછી આપતાં કહ્યું: ‘લે લે, બેચાર દમ લઈને મને આપ.’ પેલીએ હસીને જવાબ આપ્યો. એની આંખોમાં પણ હાસ્ય હતું: ‘તું પહેલાં પી ને પછી મને આપ.’ જવાબમાં પુરુષે પોતાને હાથે સ્ત્રીના મુખમાં બીડી મૂકી. બંનેને લાગ્યું કે બંનેની જીત થઈ. એ જીતની મસ્તીમાં સ્ત્રીએ કહ્યું: ‘ગાડી ઊભી રાખ. ઊતરીને હું તને ધકેલવા લાગું.’ પોતાના બંને હાથ છોડીને પેટથી ગાડી ધકેલતા પુરુષે હાથ વડે અભિનય કર્યો અને એ અભિનયને આંખોના ભાવથી રસી દીધો. એણે કહ્યું: ‘આ પેટ ખાતર હું તને સાથે ચલાવવા દઉં છું. આજે તારે ખાતર તો મને ચલાવવા દે.’ અને ગાડીને પાછી હાથ વડે સમાલી લીધી. સ્ત્રી જાણે વિમાનમાં બેઠી હોય એવી એના મુખ પરની છલકાતી મસ્તી હતી. આ મસ્તીના કેફમાં એણે પોતાના ખોળામાંથી એક તરબૂચનો ટુકડો લીધો અને જરા પાસે સરીને પુરુષના મોંમાં સરકાવ્યો. ‘હવે એટલું તું ખાઈ જા.’ સામેથી પુરુષે હેતની છાલક મારી. અડધો ટુકડો ખાઈને પેલી સ્ત્રીએ બાકીનો અડધો પાછો પુરુષને ખવડાવ્યો. કોની જીત થઈ? બંને જાણે સમજ્યાં અને હસી પડ્યાં.

‘ગાડી ઊભી રાખ.’ સ્ત્રીએ કહ્યું. પુરુષ સમજ્યો કે શું પણ ગાડી એણે ચલાવ્યે રાખી. પુરુષના આશ્ચર્ય વચ્ચે પેલી જુવાન સ્ત્રી ગાડીમાંથી બહાર કૂદી પડી. પુરુષની સાથે થઈને એણે ગાડીને હાથ દીધો. પુરુષે પોતાના ખભા વડે સ્ત્રીને વહાલનો ધક્કો માર્યો. જવાબમાં સ્ત્રીએ પુરુષને સ્મિતનું ઇનામ આપ્યું. ગાડી ચાલતી હતી. મારે વળવાનો રસ્તો આવ્યો ત્યારે થંભીને રાજમાર્ગ પર જતાં આ સંગાથીઓને હું જોઈ રહ્યો. એ પણ ભૂલી જવાયું કે આ ચૈત્ર મહિનો હતો અને ધોમધીકતા બપ્પોર હતા.