અમાસના તારા/સમ્રાટ ત્રિમૂર્તિ


સમ્રાટ ત્રિમૂર્તિ
બાદશાહની મુલાકાત!

હિંદુસ્થાનમાં રાજાઓને મળ્યો છું, મોટા મહારાજાઓને પણ મળ્યો છું! બર્લિનની ચાન્સેલરીમાં હેર હિટલરના અને રોમના ‘પૅલેસ દ વેનીઝીઆ’માં મુસોલિનીનાં દર્શન પણ કર્યાં છે! પરંતુ આ બધાએ પોતાની કોઈ કાયમી વિશેષ છાપ મારા માનસ ઉપર પાડી નથી. પણ હું ના ભૂલી શકું એવી ત્રણ મુલાકાતો મારી સ્મૃતિના આકાશમાં શુક્ર, બૃહસ્પતિ અને મંગળના ગ્રહોની જેમ પોતપોતાની વિશિષ્ટ રંગભરી તેજસ્વિતાથી ચમક્યા કરે છે.

૧૯૩૭ના મે મહિનાના એક દિવસે બાદશાહી પેગામ આવ્યો. અમે ત્યારે લંડનની મશહૂર હોટલ ‘ગ્રોવનર હાઉસ’માં રહેતા હતા. એ પેગામે બાદશાહ છઠ્ઠા જ્યોર્જની મુલાકાતની ખુશનસીબી અમને મળી હતી એ સત્તાવાર ખબર આણી હતી. અમારા રાજવીને અને અમને એમના સાથીઓને આ બહુમાન મળ્યું એને માટે અમારા કરતાં અમારા મિત્રોને બહુ આનંદ થયો હતો અને જેમને આ ભાગ્ય નહોતું મળ્યું તેઓ અમારા સુભાગ્યની ઈર્ષ્યા કરતા કરતા પણ અમને અભિનંદન આપતા હતા. આ વાર્તા અમારા મિત્રમંડળમાં પ્રસરી ગઈ. બાદશાહની મુલાકાત પહેલાં અમારા મુલાકાતીઓ વધી ગયા. મુલાકાતનો દિવસ પાસે આવતો હતો. ત્રણેક દિવસ પહેલાં અમને શાહી મહેલના મુખ્ય સંચાલક તરફથી એક બીજો પેગામ મળ્યો. તેમાં જે પોશાક અમે મુલાકાત વખતે પહેરવાના હતા, જે કંઈ જર-ઝવેરાતથી અમે શોભવાના હતા અને જે કંઈ ચંદ્રકો અમે લટકાવવાના હતા તે સર્વની સાથે અમારે શાહી મહેલમાં ‘રિહર્સલ’ને માટે હાજર થવાનું હતું. બધી જ વસ્તુઓ આપણે સમજીને કરીએ છીએ એવું ઓછું હોય છે! કેટલીક વાતો તો આપણને કર્યા પછી જ સમજાય છે. વખતસર અમે અમારા પૂર્વજોના પરંપરાગત હિંદી પોશાકમાં એની બધી વિગતો સાથે, અમને કહ્યું હતું એ જ દરવાજે થઈને શાહી મહેલમાં હાજર થઈ ગયા. ‘પોશાકની સંપૂર્ણતા’ના નિષ્ણાતોએ અમને તપાસ્યા. અમારી સુશોભિત આકૃતિની બરાબર પરીક્ષા થઈ ગઈ. પછી ‘શિસ્ત અને નિયમો’ના ધુરંધરે અમને કેટલીક પ્રાથમિક સમજણ આપી. ‘રીતરિવાજો’ના પ્રમુખે અમને શહેનશાહને મળવાના પ્રસંગનું મહત્ત્વ સમજાવ્યું. શાહી મહેલના મુખ્ય સંચાલકે પછી અમારે ક્યાં થઈને શહેનશાહ પાસે જવું, કેવી રીતે જવું અને શી રીતે જવું અને શી રીતે મળવું – એ બધું અભિનય કરીને સમજાવ્યું. અને અમે એ બધું સમજ્યા છીએ એવી ખાતરી કરી લીધી.

શાહી મુલાકાતનો એ દિવસ આવ્યો. શરીર, મન અને આત્મા ત્રણેય અસ્વસ્થ હતાં. મુલાકાતની સફળતાની અપેક્ષાએ બેચેની આવી હતી. બસ આવી અવસ્થામાં સમ્રાટ છઠ્ઠા જ્યોર્જની મુલાકાત થઈ ગઈ. જરા પણ ભૂલ કર્યા વિના, આગલે પ્રસંગે કર્યું હતું, તે જ રીતે અમારા સરઘસને સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે, વધારે ગાંભીર્યયુક્ત છટાથી મોટા મોટા ઓરડાઓમાંથી પસાર કરાવીને સમ્રાટ અને સમ્રાજ્ઞી ઊભાં હતાં તેની પાસેના ખંડમાં લાવવામાં આવ્યું. ‘રિહર્સલ’ વખતે અમને શીખવ્યું હતું તે જ રીતે અમારે એક પછી એક જઈને રાજા છઠ્ઠા જ્યોર્જ અને રાણી ઇલિઝાબેથ સાથે હસ્તધૂનન કરવાનું હતું. તે વખતે પાસે ઊભેલા ‘રીતરિવાજો’ના પ્રમુખ અમારાં નામો બોલતા જતા હતા. અમે હાથ મિલાવી ન મિલાવીને પેલી બાજુથી સરકીને શિખવાડ્યા પ્રમાણે અભિનયપૂર્વક ધીરે ધીરે અદૃશ્ય થતા હતા. મુલાકાતના આ ક્ષણજીવી નાટકને માટે અમે હિંદુસ્થાનમાં કેટકેટલાં સપનાંઓ સેવ્યાં હતાં, કેટલી બધી તૈયારીઓ કરી હતી! કયા રંગના કિનખાબની શેરવાની અમને વધારે શોભશે અને કેવી ભાતની જરી વધારે ચમકશે એ શોધવા માટે અમે બનારસમાં ઘણી દુકાનો ફર્યા હતા. દરજીઓ રાત જાગ્યા હતા. હીરાનાં બટનો માટે ખાસ મુંબઈના ઝવેરીઓને બોલાવ્યા હતા. પહેરવાના ઝવેરાતની પસંદગી માટે અમારા મહારાજાએ ઘણા દિવસો ચિંતામાં ગાળ્યા હતા. અને આ શાહી મુલાકાતનું માન અમને મળે તે માટે અમારા મહારાજાએ નામદાર વાઇસરોયને ખાસ વાઘના શિકાર માટે બોલાવીને બાદશાહી મહેમાનગતિ કરી હતી.

અમે જે પૈસો અને પરસેવો આ બાદશાહે સલામતની મુલાકાતની અપેક્ષામાં ખર્ચ્યાં હતાં તેના વળતરમાં માત્ર સમ્રાટ અને સમ્રાજ્ઞીનું પળવારનું હસ્તધૂનન મળ્યું એમ જ માનીએ તો તો ભારે નિરાશા થાય. જોકે અમારા મહારાજાને તો આથી આનંદ જ થયો છે; અને તે પણ અપૂર્વ. પણ મેં આખી આ મુલાકાતને જિંદગીના એક અનુભવ તરીકે લીધી અને એમાંથી જ્ઞાન મેળવ્યું કે જીવનની કહેવાતી સફળતાના મૃગજળ પાછળ જિંદગી વેડફી દેવાનું ગજું આપણું નહીં. આવી ઉડાઉગીરી તો હિંદના રાજા-મહારાજાઓને જ શોભે!

સમ્રાટ કે સદ્ગૃહસ્થ!

વસંતઋતુનો થોડો સમય લંડનમાં વિતાવીને અમે બાકીના થોડા દિવસો કંઈક સુખમાં ગાળવાના ઇરાદાથી ફ્રાન્સના દક્ષિણ કિનારાના પ્રદેશમાં પહોંચ્યા. નીસ બહુ મોટું શહેર અને કંઈક ધમાલવાળું પણ ખરું. એટલે અમે કેનને અમારું મુખ્ય મથક બનાવ્યું. ભૂમધ્ય સમુદ્ર પર મીટ માંડીને ઊભેલી બાદશાહી હોટલ માટિર્નીમાં અમે આવ્યા ત્યારે મને પહેલો વિચાર આવ્યો કે કોઈ દિવસે અકસ્માત્ દરિયાકિનારે કે કોઈ ‘કેસીનો’માં ભૂતકાળના આઠમા એડવર્ડ અને વર્તમાન કાળના ડ્યૂક ઓફ વિન્ડસર પોતાની પ્રિયતમા સાથે મળી જાય તો કેવો રંગ જામે! આ અપેક્ષાના કુતૂહલ સામે લંડનમાં થયેલી સમ્રાટની મુલાકાતના કુતૂહલને ના સરખાવી શકાય. એક વસ્તુ માથે પડેલી હતી અને આ બીજી વસ્તુને અંતર ચાહતું હતું. એ વખતે વિન્ડસર-દંપતી કેનમાં રહેતાં હતાં. થોડા જ દિવસમાં અમે એમની શાંતિપ્રિયતા અને સ્વાભાવિકતા વિષે ઘણી ઘણી વાતો સાંભળી હતી. એમની સજ્જનતા વિષે તો છેક ઇંગ્લૅન્ડથી અમે સાંભળતા આવતા હતા. અમે કેન આવ્યા તે પહેલાં જ વિન્ડસર-દંપતી માટેનો એક અપૂર્વ સન્માન-સમારંભ પૅરિસમાં થયો હતો. અને એનાં અહેવાલો અને ચિત્રો ફ્રેન્ચ વર્તમાનપત્રોમાં આવતાં હતાં. એક અંગ્રેજ યુવતી જે થોડા સમયથી ઓળખાણનો અંતરાય ઓળંગીને કંઈક સન્મિત્ર કહેવાય એવી ભૂમિકા પર આવી હતી તેની સાથે હું કેનની ચોપાટી ઉપર આંટા મારતો હતો. એને ફ્રેન્ચ આવડતું હતું. એણે આજના સવારના વર્તમાનપત્રમાં વાંચેલી એક વાત મને કહી. એણે કહ્યું કે પૅરિસના સમારંભમાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓનું આખું લશ્કર ડ્યૂક ઓફ વિન્ડસરને ઘેરી વળ્યું હતું. ઘણાઓએ ઘણા સવાલો પૂછ્યા હતા. પણ સૌએ એક સવાલ તો સામાન્ય પૂછ્યો હતો કે આ ડચેસ ઓફ વિન્ડસરમાં તમે એવું શું જોયું કે જેને ખાતર આખું સામ્રાજ્ય ન્યોચ્છાવર કરી દીધું? ફ્રેન્ચોની પણ એક રંગીલી દુનિયા છે. ઇંગ્લેંડમાં આવો સવાલ ભાગ્યે જ પુછાય! પણ ફ્રેન્ચો તો જિંદગીના જાણનારા અને માણનારા છે. ડ્યૂકે આછું આછું હસતાં જવાબ આપ્યો કે : “ડચેસ બહુ સ્વાભાવિક વિનોદી નારી છે.” અને પછી તરત જ પોતાની મોટરમાં બન્ને જણાં ચાલ્યાં ગયાં. આ જવાબને મોટાં મોટાં મથાળાં કરીને ફ્રેન્ચ વર્તમાનપત્રોએ ડ્યૂકને અભિનંદન આપ્યાં છે અને એને જીવનનો શિલ્પી કહ્યો છે. અને વધારામાં એ છોકરીએ ઉમેર્યું કે એ સ્ત્રી ધનભાગી છે કે એને આવો પ્રિયતમ મળ્યો કે જેણે શહેનશાહત ફેંકી દીધી.

ફરીને પછી અમે ગયાં કેનના મુખ્ય કેસોનીમાં. રંગ અને રસનું તો એ કેન્દ્ર હતું. અમારી મંડળીના બીજા માણસો પણ આવી પહોંચ્યા. ધીરે ધીરે જમવાનો ઓરડો ભરાઈ ગયો. વીજળીના રંગો બદલાયા, ઓરકેસ્ટ્રાના સૂરો વહેતા થયા અને એક પછી એક યુગલે નૃત્ય કરવા માંડ્યું. આમ આખી હાજરી રંગમાં મસ્ત હતી. ત્યાં ધીરેથી એક યુગલ આવીને પોતાને માટેના ખાસ રાખેલા ટેબલ પર બેઠું. એમની હાજરી જેમ જેમ વરતાતી ગઈ તેમ તેમ નાચનાર યુગલોએ હાથ અને રૂમાલ ઊંચા કરીને પેલા નવા આવેલા યુગલને અભિનંદન આપ્યાં. અમે તો વર્તમાનપત્રોમાં તસવીરો જોયેલી. મેં કહ્યું કે આ તો વિન્ડસર-દંપતી. અમારાથી પંદરેક ફૂટ દૂર એમનું ટેબલ હશે. બસ રંગરાગ પાછો ચાલુ થયો. નૃત્ય અને સંગીતની રમઝટ પાછી જામી. અમારા ટેબલ ઉપર એક મહારાણીસાહેબ પણ હતાં. મહારાજા અને રાજકુમારો પણ હતા. એક અંગ્રેજ છોકરી પણ હતી. ખરાબ દેખાવાને ભોગે પણ અમે વારંવાર એમને તાકીતાકીને જોતાં હતાં. મધરાતને હવે થોડી વાર હતી. રંગ વધારે ઘટ્ટ થતો જતો હતો. અમારા આશ્ચર્યની વચ્ચે વિન્ડસર-દંપતી ઊઠ્યાં અને જતાં પહેલાં અમારા ટેબલ આગળ આવ્યાં. અમે હિંદી છીએ એ તો એમણે ધારી જ લીધું. સૌનાં નામ અને ખબરો પૂછ્યાં. મળીને આનંદ થયો એમ સ્વાભાવિક રીતે કહ્યું. અમને પણ એમના આ વર્તનથી ખૂબ ખુશી થઈ. સમ્રાટના તાજને અને સામ્રાજ્યન ફેંકી દઈને આ સદ્ગૃહસ્થ બનેલા જુવાન રૂપાળા માનવીને અને એની સહચારિણીને જોઈને થયેલી ખુશી હજી પણ જ્યારે સાંભરે છે ત્યારે હર્ષના રોમાંચ કરે છે.

ઓલવાયલો દીવો

લંડનથી રાજ્યારોહણની સ્મૃતિ જેવું “કંગ્સિ-કમિશન” અમને મળ્યું હતું. એટલે હિંદુસ્તાનમાં આવીને તરત જ અમારે લેફ્ટેનન્ટ તરીકે મેરઠના 17/21 બ્રિટિશ લાન્સર્સમાં તાલીમ માટે જોડાઈ જવું પડ્યું. સવારમાં પાંચ વાગે ઊઠીને ઘોડાની માલિસ અને ઘોડેસવારી મને ગમતાં નહોતાં પણ કરવાં પડતાં હતાં. લશ્કરી તરીકેની જિંદગીનો નવો અનુભવ થતો હતો! મેરઠ મને 1857ના બળવાના કારણે બહુ જ કૌતુકપ્રિય લાગતું હતું. અને મેરઠકાવતરા કેસ પછી તો હિંદી ક્રાંતિકારીઓનું એ મુખ્ય ધામ બન્યું હતું. મેરઠની લશ્કરી જિંદગી ગદ્ય જેવી હતી. એટલે એમાં થોડી કવિતા લાવવા અમે અઠવાડિયે એક વખત દિલ્હી જતા. એક અથવા બે અને કોઈ વાર ત્રણ સિનેમાચિત્રો જોતા, રાતે કોઈ ઇમ્પીરિયલ કે સેસિલ, મરીના કે મેઇડન જેવી ખર્ચાળ હોટલમાં જમતા, લહેર કરતા, સમય હોય તો સંગીત સાંભળતા અને મધરાત પછી સવાર પડતાં મેરઠ પહોંચી જતા.

‘સિવિલ’ અને ‘મિલિટરી’ જિંદગી વચ્ચેના ભેદ વિશે ઘણું સાંભળ્યું હતું. હવે અનુભવ થયો હતો. હું માત્ર ‘સિવિલ’ માણસ જ નહોતો. કંઈક અંશે કવિ અને કલાકાર હોવાનો દાવો કરતો હતો. એટલે બે જીવન વચ્ચેનો ભેદ ભવ્ય લાગવાને બદલે ભયંકર લાગવા માંડ્યો હતો. શિસ્ત અને તે પણ માત્ર જડ શિસ્તને અનુસરવાનું અને અનુકૂળ થવાનું હતું. મારા મુક્ત અને સ્વૈરવિહારી માનસને આ શિસ્ત, માબાપે પોતાના છોકરાની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી પરણાવેલી વહુ જેવી અકારી અને આકરી લાગતી હતી. એટલે એ જિંદગીને કંઈકે સહ્ય બનાવવા મેં અમારા કૅપ્ટન, મેજર અને કર્નલને સાંજે ક્લબમાં પાર્ટીઓ આપીને થોડાક કૂણા અને કંઈક અંશે સમભાવી બનાવ્યા હતા. પણ આખરે તો અમે હતા તાલીમ લેનારા ઉમેદવારો. એટલે મારી આ હંગામી સ્થિતિ મારાં સુખ અને દુ:ખ બન્નેનું કારણ બની હતી. આવી ફરજિયાત શિસ્તની તાલીમથી ઘડાયેલો મારો સ્વભાવ આજના આ બેજવાબદારીભર્યા વાતાવરણમાં ભારે કામયાબ નીવડ્યો છે અને એનાથી હું પોતે અજાયબ થયો છું. એટલે જીવનમાં થયેલો ગમે તેવો અનુભવ જિંદગીના વિદ્યાર્થીને માટે નકામો જતો નથી, એ જ્ઞાન ઘણી વિકટ પરિસ્થિતિમાં પણ હૃદયને ધીર બનાવે છે.

મેરઠની એ જિંદગી એકધારી હતી પણ માથે પડી હતી એટલે વધારે અણગમતી હતી. આવી અરસિક જિંદગીમાં પણ ન ભુલાય એવો એક બનાવ બની ગયો. એક સાંજે અમે ફરવા નીકળ્યા. મેરઠ કૅન્ટોન્મેન્ટની રાહદારી વિનાની લાંબીપહોળી સડકો શાંત પડી હતી. સામે અમને એક ભિખારી જેવો કોઈ મિસ્કીન મુસલમાન મળ્યો. મેલાં કપડાં, વધેલી હજામત પણ આંખમાં ગુમાનની ચમક, ખભે એક ગંદો, ફાટેલો ટુવાલ નાંખેલો. અમારા ટોળામાંથી એક મશ્કરાએ કહ્યું : ‘સલામ આલેકુમ.’ એટલે પેલા ભિખારી જેવા દેખાતા મુસલમાને તરત જ પોતાને ખભેથી ફાટેલો ટુવાલ નીચે જમીન પર પાથર્યો. એના ઉપર રાજગાદી ઉપર બેઠો હોય એવી બેઠક જમાવીને પછી એણે હાથ નમાવી ‘આલેકુમ સલામ’ કર્યા. બીજું બોલ્યા કે ચાલ્યા વિના એણે ટુવાલ ખંખેરીને ખભે નાંખ્યો અને ચાલવા માંડ્યું.

મારા આશ્ચર્યનો પાર નહોતો. પણ પેલા મશ્કરાને હકીકતની ખબર હતી. એણે કહ્યું : “સાહેબ, આ ગૃહસ્થ મોગલ પાદશાહતનો છેલ્લો પ્રતિનિધિ છે. બ્રિટિશ સરકાર એને વાષિર્ક ચાળીશ રૂપિયાનું પેન્શન આપે છે. અમારી સલામ સામાન્ય માણસની જેમ એનાથી ઝીલી શકાય નહીં. અને રાજતખ્ત તો છે નહીં. માટે આ ટુવાલને જમીન પર બિછાવીને, એને જ રાજતખ્ત માનીને એના ઉપર બેઠા પછી જ એ સલામને વળતો ઉત્તર આપે છે. આપણે કોઈને કહીએ તો કોઈ માને નહીં.” મેં કહ્યું : “મેં પણ જોયું ના હોત તો માનત નહીં.”

સમ્રાટ જોયા હતા. સમ્રાટ મટીને સદ્ગૃહસ્થ થયા તેવા માનવીને મળવાનું પણ ભાગ્યમાં બન્યું હતું. સમ્રાટોના વંશજ તરીકેના અભિમાની ગાંડપણમાં આદમિયતના એક ઓલવાયલા દીવાને પણ નસીબે દેખાડ્યો! આ બધી પાદશાહતોની જ પરંપરા!