અર્વાચીન કવિતા/ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો

ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો


પાદરાકર – મણિલાલ મોહનલાલ
ચન્દ્રકાન્ત મંગળજી ઓઝા
મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ
વાસુદેવ રામચંદ્ર શેલત,
શાંતિકુમાર પંડ્યા
જગુભાઈ મોહનલાલ રાવળ
રમણીકલાલ કીશનલાલ મહેતા
મોહનલાલ ચુનીલાલ ધામી
ન્હાનાલાલ દલપતરામ પટેલ
બટુભાઈ ઉમરવાડિયા
સૌ. હસુમતી ધીરજલાલ દેસાઈ
‘વિવિત્સુ’ – ચિમનલાલ ભોગીલાલ ગાંધી
વિહારી
પ્રીતમલાલ મજમુદાર

ન્હાનાલાલની કવિતાનો જે એક અંશ તેમની પછીની કવિતામાં તેમની રીતે વધારે ખેડાયો તથા જેને સંખ્યાબંધ અનુયાયીઓ મળ્યા તે છે તેમનાં ‘રાસ’ કાવ્યો. ગયા સ્તબકમાં દલપતરામની શૈલીના થોકબંધ અનુસરનારાઓ મળે છે, આ બીજા સ્તબકમાં તેવું અનુસરણ માત્ર આ કાવ્યપ્રકાર પામી શક્યો છે. આ બંને અનુસરણોમાં પણ અમુક રીતનું સામ્ય રહેલું છે. દલપતશૈલીના કેટલાક અનુસરનારાઓએ એ શૈલીમાં નવીન પ્રતિભા બતાવેલી છે, તો કેટલાકમાં માત્ર તેની નિષ્પ્રાણ પુનરાવૃત્તિ જ છે; તેવું આ રાસના લેખકોમાં પણ બનેલું છે. ન્હાનાલાલના રાસનું જે ઉત્તમ કળાતત્ત્વ છે તેને વટી શકે તેવા રાસલેખકો તો બહુ થોડા થયા છે, પરંતુ, તેમના જેવું ગીતનું લાલિત્ય અને લોકબાનીનું વિલક્ષણ માધુર્ય લઈ આવનારા કેટલાક નીકળ્યા છે ખરા. આ લેખકોની પ્રતિભા બીજાં મૌલિક રૂપોમાં પણ વિકસી છે. બીજા સ્તબકના એવા લેખકોમાં ખબરદાર, બોટાદકર, પ્રભાસ્કર, પરમાર વગેરે આવે છે, જેમની કૃતિઓની ચર્ચા તે તે સ્થળે થઈ ગઈ છે. આ પછીના ત્રીજા સ્તબકમાં પણ અન્ય દિશાઓમાં પોતપોતાની રીતે કાવ્યમાર્ગ ખેડનાર કવિતાલેખકોએ ન્હાનાલાલની ગીતશક્તિનાં કેટલાંક ઉત્તમ અનુસર્જનો નિપજાવ્યાં છે. એ ઉપરાંત એક બીજો પણ એવો વર્ગ છે જેણે આ ‘રાસલેખન’ને જ પોતાની કાવ્યપ્રવૃત્તિ બનાવી છે. આવા લેખકોની સંખ્યા સહેજે પચીસત્રીસની થવા જાય છે. આમાંના કેટલાક તો એવા નિખાલસ છે જે પોતાની મર્યાદા બહુ સ્પષ્ટ રીતે સમજે છે તથા સ્વીકારે છે, જ્યારે કેટલાક એવા છે જે પોતાની કૃતિઓની મોટી સંખ્યાને લીધે, પોતાનું ‘રસલેખક’ તરીકે અનન્ય સ્થાન માનતા થયા છે. આ લેખકોએ મોટે ભાગે ન્હાનાલાલના રાસના ઢાળમાં, તેમના જેવા વિષયો લઈને રાસ લખ્યા છે. તેઓ જ્યાં કંઈક નવું કરવા ગયા છે યા પોતાનું મૌલિક માધુર્ય ઉપજાવવા મથ્યા છે ત્યાં બહુ સફળ થયા નથી. તેમનાં ગીતોની ઊર્મિઓમાં ઔત્સુકય, વિરહ, વિચ્છેદનાં કે પ્રકૃતિનાં અમુક રૂપોનાં રૂઢ ઉચ્ચારણો સિવાય બીજું વિશેષ જોવા મળતું નથી. એમની કૃતિઓ આવી ઉછીની લીધેલી સામગ્રીમાંથી એકાદ પણ સાદું સુરેખ ઊર્મિચિત્ર આપી શકતી નથી. રાસના આ લેખકોની કૃતિઓનું સામાન્ય સ્વરૂપ છે. એવાઓમાંથી જેની જેની કૃતિઓમાં કંઈક વિલક્ષણતા છે તેની અત્રે નોંધ કરી લઈશું. મણિલાલ મોહનલાલ – ‘પાદરાકર’નાં સંખ્યાબંધ રાસગીતોમાંનાં કેટલાંક રાષ્ટ્રિય ભાવનાનાં છે તો ઘણાંખરાં લગ્નજીનનની આસપાસનાં છે. તેમનાં ગીતોની બાની નહિ જેવો કાવ્યગુણ ધરાવે છે. તેમના ‘મંગળસૂત્ર’ (૧૯૩૫) સંગ્રહમાં તેમણે પોતાની આ પ્રવૃત્તિને કંઈક કળાના વિચાર પર પ્રતિષ્ઠિત કરવા પ્રયત્ન કર્યો છે. તેના ઉપોદ્‌ઘાતમાં ‘ઇન્દુકુમાર’માંથી એક અવતરણ તેમણે બધી પંક્તિઓને જોડી દઈને સળંગ છાપ્યું છે એ અજાણ્યે થયેલું મુદ્રણ ન્હાનાલાલની ડોલનશૈલીની ગદ્યરૂપતાના એક અનાયાસે થયેલા સ્વીકાર જેવું છે. લેખકને લગ્નગીતોનો સારો પરિચય લાગે છે. લેખકનાં ગીતોમાં શબ્દનું ઔચિત્ય ઓછું છે, ભાષા અને ભાવનાઓ ચવાયેલી છે. રાસથી ભિન્ન એવું ‘પ્રણયમંજરી’ કર્તાનું સૌથી સારું કાવ્ય ગણાશે. તેમાં વિચાર કે ભાવની નવીનતા ખાસ નથી. તોપણ હરિગીત છંદની ૧૦૦ કડીઓમાંથી કેટલીક સારાં મુક્તક બની શકી છે. ચંદ્રકાન્ત મંગળજી ઓઝાના રાસમાં ક્યાંક ચમક આવે છે. તેમની વાણીમાં મીઠાશ આવેલી છે. ક્રમે ક્રમે તેમનાં પુસ્તકોમાં તેમની રચનાશક્તિની પ્રગતિ દેખાય છે. ત્રીજા સંગ્રહ ‘રાસગંગા’માં તે નવા વિષયો તરફ વળ્યા છે. ક્યાંક વિચારની નવીનતા પણ આવેલી છે. એ સંગ્રહમાં ‘અધવચ’ સારું છે. ‘ફૂલ લેવા ગઈ’તી રે ગોરી ફૂલ લ્યો’, તથા

રંગ્યા તે રંગની છોળમાં છબીલાલાલ,
મીઠડલી મોરલી વગાડીને વ્હાલમા!
ઝુલાવ્યાં હર્ષના હિંડોળમાં,

જેવી પંક્તિઓમાં તેમની શક્તિ સારી ખીલી ઊઠી છે. લેખકમાં રાસ કરતાં સરળ પ્રાસાદિક બાળગીતો લખવાની વિશેષ હથોટી લાગે છે. તેમના બીજા સંગ્રહમાં ‘મ્હારી વાડીમાં’ વગેરે છએક હાલરડાં તથા ‘ગીતકથાઓ’માંની પદ્યબદ્ધ વાર્તાઓ ખરેખર રસપ્રદ બનેલી છે. ‘પોઢામણાં’ (૧૯૩૧) અને ‘ગજરો’ (૧૯૩૨)માં કેટલાંક સારાં બાળકાવ્યો છે. સાદાં જોડકણાં પણ આ લેખક સારાં આપી શકે છે. ‘કથાકુંજ’ (૧૯૩૦)માંનાં આઠ કથાકાવ્યો સાદી પ્રાસાદિક રચનાઓ છે. કેટલાંક ખંડકાવ્યની ઢબે લખાયેલાં છે, પણ તેમાં રસની ચમત્કૃતિ નહિ જેવી છે. મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહ સત્યાગ્રહસંગ્રામનાં ગીતોથી પોતાની પ્રવૃત્તિ શરૂ કરી તેને રાસના પ્રદેશમાં લઈ ગયા છે. દેશભક્તિનાં ગીતોમાં તે ઉન્નત ઉલ્લાસના ભાવોને ઉચિત કાવ્યબાનીમાં ઝીલી શક્યા નથી. રાસગીતોમાં આ લેખક ક્રમે ક્રમે પોતાની નાનકડી શક્તિથી પણ પ્રગતિ કરી શક્યા છે. રાસ માટે તેમનાં ભક્તિ તથા ઉત્સાહ ઘણાં છે, પણ સર્જનાત્મક કલ્પના તથા રસના ઔચિત્યની દૃષ્ટિ તેઓ બહુ ઓછી દાખવી શક્યા છે. છતાં તેઓ કેટલાંક સારાં કહેવાય તેવાં ગીતો આપી શક્યા છે. ‘રાસનિકુંજ’માંનું ‘રીસામ

ણાં’, ‘ફૂલવેણી’માંનું ‘ફૂલદેવી,’ ‘રાસપદ્મ’માંના ‘ગુજરાતણ’, ‘પ્રેમની રંગોળી’, ‘આશાનો વીંઝણો’, ‘ચન્દ્રસુધા’ તથા ‘રાસકૌમુદી’માંનાં ‘સ્વપ્નોને સોહાગ’, ‘સૌન્દર્યપૂજન’, ‘શરદનું સોણલું’ વગેરે સારી કૃતિ છે.

‘ઓ ફૂલદેવી! કે ફૂલ મને આપો રસાળ,
ઓ ફૂલદેવી! કે ફૂલ જેવું નાનું હું બાળ.’

*
‘આશાનો કોઈ એક વાતું’તું વીંઝણો,

સૂની વસન્તની કો સાંજે જી રે.
એકલી અબોલ હું તો ઝૂલતી કુંજમાં,
અંતરમાં પ્રેમ-બંસી બાજે જી રે.’

*
જીવનને હીંચકે રે, કે હેતભરી હીંચ્યા કર્યું,

અંતરની આશને રે કે વારિ અમે સીંચ્યા કર્યું.

જેવી પંક્તિઓ લેખકની શક્તિનો પરિચય કરાવશે. લેખકે ‘સ્મૃતિનિકુંજ’ (૧૯૩૦)નાં બે કાવ્યોમાં ‘રાસ’નો પ્રદેશ છોડી ઊર્મિકાવ્યના પ્રદેશમાં પ્રવેશ કર્યો છે. કાવ્યોનાં ઊર્મિતત્ત્વ તથા રજૂઆત કૃત્રિમ અને પાતળાં છે. તેમની ભાષામાં પ્રાસાદિકતા છે. વાસુદેવ રામચંદ્ર શેલત પોતાના ‘ફૂલવાડી’ (૧૯૩૧)ના પિસ્તાળીસેક રાસમાં ગીતરચનાની સારી હથોટી બતાવી શક્યા છે. રાસના વિષયો બોટાદકરની ઢબે એમણે વિશેષ પસંદ કર્યા છે. એ રાસમાંથી ‘એ અવસરમાં’ ‘અલબેલડી’ ‘સોહાગણની સાસરી’ એ સારાં ગણાય એવાં કાવ્યો છે, તેમાંયે છેલ્લું વધુ સારું છે. શાન્તિકુમાર પંડ્યાના ‘રાસરમણા’માં બીજા લેખકો કરતાં વધારે શબ્દશક્તિ દેખાય છે. તેમણે નવીન અને રમણીય એવી ઘણી પંક્તિઓ આપી છે. તેમનામાં કલ્પના છે, ભાષાને વ્યંજનાત્મક બનાવવાની શક્તિ છે, પણ રસવિવેકમાં કચાશ છે. કેટલીક કૃતિઓ કાવ્યરૂપ પણ બની શકી છે, જેમાં ‘તાપણી’નું કાવ્ય ખાસ ધ્યાન ખેંચે છે. ‘શહીદના સંદેશ’ને આ સંગ્રહમાંનું ઉત્તમ ગીત કહેવાય તેવું છે.

ઝરૂખે જૂકે અષાઢીલા મેહ, અટારીએ વીજલડી રે લોલ,
કે’તી કંઈ શહીદના સંદેશ, ઊંચે જાતી વાદલડી રે લોલ,
સખી કો દૂરદૂરના ડુંગરડે, વીતી મધરાતલડી રે લોલ,
ત્યાં તારા નાથની પોઢણ શૈયા પત્થર કણ શિલા પડી રે લોલ.
...ગ્યા’તા વીરની વટ સાચવવા, કે ડુંગરડે સેજો કીધી રે લોલ,
વિજોગણ આજે ડુંગરધારે, કુસુમની માળા ગૂંથી રે લોલ.
ઢોળ મા આંસુડાં ચોધારે, વ્હાલપની વ્યથા કથી રે લોલ

આ પંક્તિઓ લેખકનાં કલ્પના, ભાવ તથા નિરૂપણની શબ્દશક્તિની પ્રતિનિધિ જેવી છે. જગુભાઈ મોહનલાલ રાવળના ‘રાસરસિકા’નાં ગીતોમાં ભાષાની સારી હથોટી દેખાય છે. ક્યાંક લોકગીતની સરળતા અને તરલતા પણ આવી છે, પણ ઊંડી વ્યંજના, કલ્પનાની ચારુતા કે નિરૂપણની તાજગીનો ઘણોખરો અભાવ છે. તેમનું સારામાં સારું ગીત ન્હાનાલાલના અનુકરણથી વિશેષ બની શકતું નથી. કેશવ શેઠનાં ગીતોની છાયા પણ તેમની કૃતિઓમાં જડે છે. ‘કોયલડીને’માંની નીચેની પંક્તિઓમાં લોકવાણીની કુમાશ દેખાય છે :

સુંદર સરોવર કાંઠે કોયલડી, મીઠા આંબલિયા ફાલ્યા ફૂલે,
ઊંચી એ ડાળીએ બેસી કોયલડી, વનના સમીરણે ટહુકા પૂરે.

‘ક્યાં શોધું?’ને આ સંગ્રહનું ઉત્તમ ગીત કહી શકાય. સ્વાતંત્ર્ય પ્રાર્થના વગેરે ભાવોનાં ગીતો પણ સારાં થયેલાં છે. રમણીક કીશનલાલ મહેતાના ‘મધુબંસી’ (૧૯૩૨)નાં ચાળીસેક ગીતોમાં ન્હાનાલાલની ઘણી ઘેરી છાયા દેખાય છે. આ ગીતોનાં ભાષા પદબંધ વગેરેમાં સવિશેષ માધુર્ય છે. મોહનલાલ ચુનીલાલ ધામીના ‘રાસકટોરી’નાં ગીતોમાંથી કેટલાંક કાવ્યો તરીકે પણ સારાં નીવડ્યાં છે. લેખકમાં સાદી સંબદ્ધ કલ્પનાશક્તિ કે વિચારબળનો અભાવ દેખાય છે તોય કેટલીય સુંદર પંક્તિઓ તેમનાં ગીતોમાંથી નીકળે છે. ‘યૌવનમૂર્તિ’નું ગીત સૌથી સારું છે.

લીલી કમખી ને ઓઢણ લાલ અલબેલડી,
માંહી ગૂંથ્યા છે બાવન બાગ સાહેલડી,
બાંધ્યાં અંબોડે ચૌદ લોક અલબેલડી.

જેવી પંક્તિઓમાં તેમની શક્તિનું પ્રમાણ દેખાઈ આવે છે. આ સંગ્રહમાં વિનોદનો લેખકે સ્પર્શ કર્યો છે તે ખાસ ધ્યાન ખેંચે છે. ભણેલી ભાભીની મજાકનું કાવ્ય ‘ભાભી સાહેબ’ રમૂજી છે. ‘તાપણી’નું કાવ્ય પણ સરસ બનેલું છે. ‘પાવો વાગે’ ‘ધનસમ્રાટ’, ‘શહેરનું સ્હવાર’ જેવાં ગીતોમાં તેમણે દલિત જીવનની વેદનાઓ ગાઈ છે. લેખકમાં ગીતશક્તિ એકંદરે સારી છે. ન્હાનાલાલ દલપતરામ પટેલના ‘રાસપુંજ’માં કલ્પનાની વિશેષ ચમક દેખાય છે. લેખક વાતાવરણ પણ જમાવી શકે છે, પણ ક્યાંક સાદા અર્થવિવેકની પણ ગંભીર ક્ષતિઓ દેખાય છે.

સખિ! આઘે આઘે વન માંહ્ય વાગે રૂડી વાંસલડી,
સૂર કાને સૂણ્યા ના સ્હેવાય કોને કહું વાતલડી.

જેવી પંક્તિઓમાં તેમણે અર્વાચીન ઢબે લખ્યું છે. તેમાં ‘યૌવનનો મોર’, ‘રસભરી રાત’, ‘રસિયો રિસામણે’ જેવાં ગીતો વધારે રસાવહ બનેલાં છે. આ કરતાં જૂની ઢબનાં ગીતોમાં લેખક વધારે સફળ થયેલા છે. જોકે તેમાં પણ નીરસતા તથા અર્થ કે રસના વિવેકની ક્ષતિ આવી તો ગઈ છે, તોપણ આ રીતનાં કાવ્યોમાં ‘રાવણ અને સીતાનો સંવાદ’ તથા ‘ગોવર્ધનધારણ’ બંને મઝાનાં છે. એમાંની પહેલી કૃતિ સંગ્રહની ઉત્તમ કૃતિ ગણાય તેવી છે. બટુભાઈ ઉમરવાડિયાના ‘રાસઅંજલિ’ (૧૯૩૫)માંનાં ગીતોમાં ન્હાનાલાલની ઢબના નિરૂપણમાં પણ કંઈક તાજગી છે, તથા અમુક નવા વિષયોમાં ન્હાનાલાલની મીઠાશ પણ થોડીઘણી પ્રગટી છે. ગીતના લય ક્યાંક ખૂબ કાચા રહી ગયા છે. તો કેટલાંક ગીત સારાં પણ બન્યાં છે. ‘ફાગુનના દિન જાય’ એક સુંદર ગીત છે. આખા સંગ્રહમાં ઉત્તમ કૃતિ ‘શાશ્વત સંવનન’ છે, જે કાવ્ય પણ બની શકી છે. આ ઉપરાંત બીજાં પણ સારાં ગીતો ઠીક સંખ્યામાં મળી આવે છે, જેમાં ‘મુક્તિનાં અધીર’ ‘વસન્ત’ ‘મૈયાનાં ચરણે’ ‘હૈયું અલિ ડોલે છે’ તથા ‘રંગ કોઈ લેશો નહિ’ને મૂકી શકાય.

હાં રે સખિ! ચાલો, મધુવનકુંજે
મધુરી સૌ ચાલો, ઋતુના રંગ લઈએ.
હાં રે સખિ! ચાલો, વસન્ત આ અકેલો
રમન્ત ફુલખોળે, સમીરના હિન્ડોળે.

જેવી પંક્તિઓમાં લેખકની શક્તિનું પ્રતિબિંબ જોઈ શકાય છે.

સૌ. હસુમતી ધીરજલાલ દેશાઈના ‘રાસસરિતા’, ભા.-૧ (૧૯૩૬)માં પ્રારંભિક દશાનાં ગીતો છે, તોયે લેખિકામાં ગીતરચનાની આવડત દેખાય છે, ભાષાની મીઠાશ પણ ક્યાંક છે; જેમકે :

કુંજન વનમાં ટહુકે કોકિલા, મ્હેકે આંબલિયે મોર રે,
ટહુકારા મીઠા આવે સાહેલડી, મધુરી અનિલની લ્હેર રે.

ગીતોના વિષયો લેખિકાએ ‘શિવશંકર’થી માંડી ‘પાવલી’ – એક કુરૂઢિ – સુધીના લીધા છે. વિવિત્સુ – ચિમનલાલ ભોગીલાલ ગાંધીના ‘રાસપાંખડી’ (૧૯૩૮)માંનાં ૭૨ જેટલાં ગીતોમાંથી સારાં એવાં દસેક ગીતો મળી આવે છે. ગીતોમાં આલેખનની કચાશ તથા વ્યંજનાની શૂન્યતા છે. ‘સુહાગી સ્મરણ’ કરુણ બની શક્યું છે. ‘બાલુડાં’ને સંગ્રહનું સારામાં સારું ગીત કહી શકાય. ‘ઉદ્‌બોધન’, ‘સહિયર થંભી ગઈ’, ‘બ્હેનનું ગીત’ સંગ્રહનાં બીજાં સારાં ગીતોમાંનાં છે. ‘રાસમાલિકા’ નામના રાસસંગ્રહમાં વિહારીનાં જે નવ ગીત છે તે પરથી એ લેખકની ગીતશક્તિ એટલી ઉત્તમ દેખાય છે કે એ લેખકનાં ગીતોનો સ્વતંત્ર સંગ્રહ નથી છતાં તેમનું નામ ખાસ સ્મરણ માગી લે છે. લેખકમાં, અત્યારના સૌ ‘રાસ’ લેખકો કરતાં ઘણી જ ઊંચા પ્રકારની, લોકવાણીની કળાત્મકતાથી ભરપૂર એવી ભાષાસમૃદ્ધિ છે, કલ્પનાની પહોંચ છે, તથા ગીતરચનાની સિદ્ધિ જેવી હથોટી છે. એમની સૌથી ઉત્તમ કૃતિ ‘હિંદનું ઝાંખું ચિત્ર’ છે, જેમાં તેમણે હિંદનાં ભૂત, વર્તમાન અને ભાવિનાં દર્શન કરાવ્યાં છે. હિંદના ભાવિદર્શનને વર્ણવતી થોડીક કલ્પનાસમૃદ્ધ પંક્તિઓ અહીં ઉતારીશું :

મંદ મૃદુ હિમાળાનાં વાય ઉત્તરના વાયા જશે રે,
માજી જશે રોગદોગ શોકના થોક, શીતળતા શાંતિ થશે રે.
ઝરશે અમી ઝરતા વરસાદ ભૂમિ ભીંજાવશે રે,
ક્યારડે કલ્પતરુનો પાક કણના કળશી થશે રે.
માજી એવા મોંમાગ્યા વરસાદ કુંદનના વરસશે રે,
આવડી સાગરીયાની છોળ રતનચોક રેલી જશે રે.

આ લેખકે ‘મેઘદૂત’ના પોતાના અનુવાદમાં ઘણી સુંદર રચનાશક્તિ બતાવેલી છે. તેમની બીજી કૃતિઓ આપણને પુસ્તકાકારે મળી નથી એ શોચનીય છે. ગુજરાતમાં સ્વ. ગિજુભાઈએ. મોંટેસરી પદ્ધતિએ બાળશિક્ષણની શરૂઆત કર્યા પછી બાળકો માટે ખાસ કાવ્યો લખાવા લાગ્યાં છે. ઉપર નોંધેલ ‘રાસ’ લખનારાઓએ બાળકોને લક્ષ્યમાં રાખીને પણ લખેલું છે. સ્વ. ગિજુભાઈએ પોતે પણ બાળકો માટે થોડાંક મનોહર જોડકણાં અને ગંભીર રીતનાં બાળકાવ્યો પણ લખ્યાં છે. આ દિશામાં લખનાર બીજા કેટલાક લેખકોમાંથી પ્રીતમલાલ મજમુદારનાં ‘ફૂલકણી’ (૧૯૩૬)માંનાં કાવ્યો ખાસ ગુણવાળાં છે. ત્રિભુવન વ્યાસ તથા મેઘાણીનાં બાળકાવ્યો પછી કળાગુણવાળાં અને બાળભોજ્ય ગીતો તરીકે આ લેખકનાં કાવ્યો આવે છે. બાળકોને સહજગમ્ય થાય એવી કલ્પના તથા રસચમત્કૃતિ આ લેખકનાં કાવ્યોમાં છે. સાદી છતાં પ્રસાદપૂર્ણ ભાષામાં લેખકે સારી કૃતિઓ આપી છે.