અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમીન' આઝાદ/કવિની પ્રિયા
કવિની પ્રિયા
`અમીન' આઝાદ
શી એમની અદાઓ, શી એમની જવાની!
નયનોનું સ્વર્ગ જાણે, ઊર્મિની રાજધાની!
છે કોણ આંખ સામે નખશિખ જિંદગાની,
એક હાથમાં મોહબ્બત, એક હાથમાં જવાની.
રસબસ છે એની વાતો, શી વાત છે સુરાની!
હર શબ્દ છે શરાબી, પૂરો નશો, જબાની.
ખામી વિનાનું સર્જન, તસ્વીર કલ્પનાની,
સર્વાંગ એક જાણે સુંદર ગઝલ ખુદાની!
તેઓની એક ‘હા’માં, તેઓની એક ‘ના’ માં!
છે જિંદગી હકીકત, છે જિંદગી કહાની.
છે મૌનમાં કથાઓ, છાની નથી અદાઓ,
ખામોશ પણ રહ્યા તો હર ચીજ બોલવાની!
એ પણ ‘અમીન’ જીવન જીવી તમે બતાવ્યું,
કુરબાન થઈ શકે છે, શી રીતથી જવાની.
(રાત ચાલી ગઈ, ૧૯૯૩, પૃ. ૩૭)