અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`લલિત'/મઢૂલી
મઢૂલી
લલિત
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર! — મઢૂલી.
વૃક્ષો વેલડીઓવાળાં, કુમળાં ફળફૂલ રસાળાં,
લઈ જાવ લ્હાણ એ લગીર, સંતો વ્હાલા!
મનની કૈં મોજમજાઓ, રસિયા ઉરનાે કૈં લ્હાવો,
લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!
સામે સંસારી વિલસે, વચ્ચે જીવનસરિતા વ્હે,
રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!
ઊડવાય સફર સહિયારી, સુખદુ :ખની કંથા ધારી,
આનંદ ઑર એ લગીર, સંતો વ્હાલા!
લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની,
લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર!
(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)