અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અરદેશર ફ. ખબરદાર/અવરોહણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અવરોહણ

અરદેશર ખબરદાર

પૃથ્વી – સળંગ ને સૂકી – અગેય, અમેય ને અજેય
યતિસ્વાતંત્ર્ય ને ક્ષતિપારતંત્ર્ય ઽ સહિત.
રખે હૃદય! ત્યાં જશો! પથ જુદો ધરો કાં તમે?
પડે કવણ આપ સંગ, અહિં જે રહ્યા ટેકીલા?
પ્હણે ભય ન લેશ જ્યાં મગજ ટીપતાં લાગતો,
દિસે અજલકૂપ કે કથન નાકપાખાં થયાં?
ન આ કદમમાં પ્રભાવ, સઉ વારી હારી ગયાં;
મળ્યા પગ અનન્ય શું પગથતી ધુળેટી વિશે?
તપો રસ ઉકાળતા સટીક તમ દુહામુંડને
ઘડ્યા મમતીલા ઘટે કચડતા નીચે ઝૂલતાં
સુગંધી કવિતાફુલો, સુપદપુંજ કૂટીકુટી
લીધો અણઘડેલ બેત રસ – ઢાળ – તાણી હીણો. ૧૦

અમે પણ ઘણું કહ્યું વિહરવા ઊંચે સાથમાં,
છતાં ઉતરવું, હજી ઉતરવું; તમારી દશા!
પડો, કદિ ઉભા રહો; મતિમદે ભુજાઓ ઘસે,
પડે વિકલ શિક્ષણે યુવક હેઠ કૈં જોજન.
નિહાળી ઠગચિત્રની ચટકતી જ માયાસભા
વિસારી નવ દ્યો છતી વિજયશાળી તમ શક્તિઓ,
ત્રિલોકસભર સૂણી લ્યો: પ્રકૃતિ ગાય ના ગાયન?
નહીં દીધી શું કુદ્રતે ગગનગંગશી કલ્પના?
બલો ધવનિનાં તજી પ્રસિત આંખ વધુ જડ બની,
ભરંત ડગ બાલરંગ ધરતાં જ આશ્વાસમાં; ૨૦

રૂવે, કકળતી દુખે સુભટ કેરી મૈયા દિસે,
રચે કિરણ ભગ્નપંથી પર ક્યાંહિ રવિ ઉગમણા!
ચ્હડે ભીષણ કોષમાં અધિક, ગોતી શબ્દો ભળે,
કુદંત વળગી ખચે શબદગુંજ પીડામય,
વિલબ્ધ કળ નાખી દે, ગણ કરે ધડી ક્ષોભતા
વિલાપન કરી ધ્રુજે, બધિર ભીંત ના દિલ ધરે!
હશે તહીં ભટો અને મુરતિયા જરી માખણે
દિમાગ ભરી દે, પરંતુ નૂર તો હતાં તેહવાં;
નીચે યગિતગિ તણા ગત પ્રપંચ લાભો વળી
ફિસાદ તડતા ત્યહીં, જિકર તેથી કરતા જ એ; ૩૦

નડે સફર નાવિકો, શ્રુતિ પરીખ યાત્રાળુઓ,
ધરે ફુલ નહીં, તથાપિ ધુળ આંખડીમાં ભરે;
ચણી વિરસ કોટડી, રણ દિસંત ફાલ્યાં ફળ્યાં,
ઉઠ્યા રસિક પાઠકો ચતુર શિક્લશશિ સુંદર
અનેક નત ઊર્મિના અધમ ઊંટ કવિઓ બીજા;
ઉપાધિ છલ આણતા, વિતથ ભ્રમપ્રચારી તદા
કલાક્ષતિ બતાવતાં ટસટસી ધરે કાંચળી!
ખરેખર કવિ, જુવો, ‘કુદરતે બધું સુંદર,
છતાં ક્યમ કવિત્વ એવું તમ ક્લિષ્ટ ને ખોખરૂં?’
મળે રુચિરતા કહીંકજ, પ્રલાપી એ ચાર કો ૪૦

ચરોતરી લીલાઝુમી સુકૃતિ ગુંથી ફૂલો રૂડાં,
તજી સઉ અઘમ્ય તાન વા ચીનના શોખીને,
પુરાણ રસભોગીનો ખપ તમે ન લ્યો ધ્યાનમાં,
અડોઅડ ઉભી કરી વિષમ પંક્તિઓ ઘાતકી,
નસાડી દઈ બ્હૌ વિધિ સરલ સૌમ્ય ચરણો બધા
ન જોયું ક્યમ કુદરતે ભરી રહ્યું જ સૌંદર્ય રે!
વડું દુખદ હા! સખે, સખત આ ઢળાવે મળે
નહીં શકટઃ કર મુકો ચતુર રોજની ટેવથી
કહીં મગતરાં મચ્યાં; ઉંદર પ્હાડ ફોડી ધસ્યા,
અને સુર-ખતાતણી કવન ઝાડી આ જાલમી! ૫૦

પદે પદ વળું, દિસે ઉકરડા તણા ઢગ સમું,
અને જહિં તહીં ખસે લઘુગુરૂ સ્વ સ્વરોની કણી,
અહા! થઈજ ઝાડી, નિર્જલ તપે બધી ભોમ શું!
હશે રુદ્ર શે અહીં રચ્યું વિલાતનું શાસન?
છપાવ્યું છવિએ, તથાપિ લડી થાક્યું ધૂતારૂં શું?
નિહાળી પથ એ જુઓ નવરસો જ બીજે વહ્યા
કળાય ન કળાય અંદર ધુપેલ કે તેલ છે!
સવાપલ ઉજાળતો મુકુરદીપ ગુથે મહીં
ખરે સ્વપનમાં જ ફીણ, ઢગ ગાદલામાં ડુબ્યો! ૬૦

હવે શયનધામમાંહ્ય, નિજ લેખિનીને પૂરી
ઉશેટી પતનેથી હીણ લ્યો, હાસ્યવિમોચન!
મહા નર હરિ! અગર આ સ્વપન ગર્વનું?
ફરીજ ભણકાર?–હા, અનિલ ફાવતો આ દિસે.
ઘડેલ ત્યજી દીધ શા કવિકલાતણા કંદરો?
સહ્યા વિવિધ દંતને વિવિધ આળના ધારક
કરે બધી સુગંધ બંધ, હઠીલાજ કૂચા વિશે
ન હારી નમતા, વળી ઠરી રહી ખતા એ પર
બનાવી મથકો, કરે ગલિત ગોખને થાંભલા.
અહા અસુર દંત! અંતર બને કલાનાશથી ૭૦

હતાશ બહુ-શા ચીર પ્રગટ જો દમે આ ઉરે!
ગણ્યો શું કવિનાં કલાપ્રબલ તત્ત્વકાર્યો તણો
ઊંડો પરમ મર્મ-કંઠરવ ક્લિષ્ટ ને કર્કશ?
અહો નયનબંધ કાવ્યદ્યુતિ ભૂલતા કવિજનો!
લગીર નવ યત્નથી રસરહસ્ય જાણ્યું તમે;
વહે સલિલ છીછરી સરિતમાં, તથાપિ મદે
તરો કવિતનાવડે, તરણ તોય પકડાય ના,
ન કવાપિ તમને ડી ખરી વિભૂતિ કવિ ધર્મની;
ન એ રસપ્રસાદ, આંખ જકડ્યા જ મનખા સમો,
અરોચક નહીં શકે ઊતરી અન્ય અંતર વિશે, ૮૦

થઈ ઘણી સજા; થયા શિર પ્રહાર પણ કેટલા:
થયાં વપન કેટલાંઃ તજપિ સ્વપ્નનાં પૃષ્ઠ એ
ઘૃણા સહિત છે ખુલ્યાં ઉપહઆસ-સાહિત્યમાં!
તને, ગરવી ગૂજરાત, ખમ્મા! શું વંત્રી નડી?
બળી ડુબવશે શું સંકુલ અગેયસિંધુ વિષે?
બસારત ન જાણી, હોમ કરવા બકાવ્યો ઘણુંઃ
નહીં કવિકલા ઠરી, રસ શું આપશે અક્ષરો?
સખે! દમ ઉઠે, રૂંધાય જીભ કંઠ મોઝારથી;
અને મગજને દળે પ્રલયકાળ રુપ ચિત્ર ઓ;
પ્રભો! ગ્રહણ ભાસતું! ફરતી વ્હોરી જંજાલ આ! ૯૦

ગ્રહી દલીલ સ્હોતી તેગ, ઉદ્ધારવા ગુર્જરી!
ચ્હડો ઉપર દોષના, ફક્ત પૂર્ણ નિશ્ચય કરોઃ
બધે શું ન પડે કઠોર પડઘા તમારા જ આ?
અવાજ પણ એ રુવે, દરી તમે સુણાવ્યા મળે,
ઢળી વિરસ શૂન્યમાં ભળી જશે હતા ના હતા;
તમે ફસી વસી રહ્યા બસ અગેય ભ્રાંતિ મહીં
અધીર મડદોલ-જે મગજતેલ આ જાતનું,
વળી રચન-માપ-અંક, સુર મૂળ રાગો તણા,
ડુબાડી, ડૂલવી વળી ગૂંચવી, પંક લોટાડીને,
ધરંત કવિનામ ભોગ્ય ભ્રમભગ્ન આધાશીશી!
દિગંતચર આશના જિન વ્રજંત વેધનશૂર!
દિગંતપટ ઝાલતા સમયસ્તૂપ નશ્વર જડ!
અનંત નભજ્યોતિનાં ભ્રમણ પ્રોતી છે કલ્પના,
વિલંકૃત વિધાન, તો ય ઘમસાણ સંઘર્ષણ!
અનંતયુગ જે સ્મરે, સ્મરણમાંજ જીતી ફુલે,
ઉચાર, અનુપ્રાસ, તાલ, યતિ, તે તણા નસ્તર!
તજે સુરકુઢંગ તો સરળતા ભળે ભાવતી,
અને રસપ્રદેશનો પરમ સાનુલ્હાવો મળેઃ
છતાં અમૃત ચાળતી વિકલ ચાળણી જ્યાં ધરી,
ઠગો હૃદય તોય માલ અમીરુપ ત્યાં ક્યાં રહે? — ૧૧૦

ડગે ડગ દિસે કૃતિ વિફલ પુત્રી વંધ્યાતણી!
હશે કઈ મજા? અરે અરર આથી શું કાજ કો?
થશે વિપથ માર્ગ ગુર્જરી તણો ઉદય કે કદા?
ભલે વિવિધ લેખ લાખ બલરાજ વર્ષાવશો,
હસે સરવ વ્યંગમાંઃ નહીં જ સૂત્ર તમ હાથમાં!
સખે! બસ હવેઃ અગેય ધુનગ્રસ્ત બ્રહ્માંડમાં
નહીં યતિતણી રહી શિકલ પંડ-બૂડાણમાં,
અલંકૃતિ સુગેયતા, યમક, બંધનો વૃત્તનાં,
કર્યાં ગુજરીપાર સૌ-યતિ જતી સમા જોગટા!
હજીય બહુ પોપટો સ્હડબસ્હડ ઝુલે પારણે, ૧૨૦

હજીય કવિબાલ કાષ્ટ અસપે બને સ્વાર હા!
સુવર્ણ તજી લોહ શો વિકટ અર્થ રાખ્યો બધે;
થશે શું કવિતાસ્વરો કદિ વિભક્ત સંગીતથી?
રહી ચ્યુતિ ઘણી પદેપદ સમસ્ત કૌભાંડથી.
જુએ જન ઘડી ઘડી કવિતદેવી શું રાંડતી!
દીઠી નવદીઠી ખરી કવિતજ્યોત શું ભવ્ય કે?
સબસ સબર સબર પ્રાણ! સટરપટર કશી પુસ્તકે?
થઈ પરશુરામને કર પ્રશસ્ત નક્ષત્રી જે,
અગેય ફરી શું કઢંગી કરી તેમ ‘પૃથ્વી’ તમે?
અહીં ત્યહીં ‘જ’ ને મૂકી સુલભ કૈં ખીલા ઠોકિયા, ૧૩૦

બહુ શ્રમ થકી જ પૃથ્વીતલના જ ખાડા પૂર્યા!
નહીં સરિત કો રહી, પછી પ્રવાહની વાત ક્યાં?
ન વૃત્ત પણ પાધરાં, પછી કરાય ‘અભ્યસ્ત’ ત્યાં.
નહીં ચમક મૌક્તિકો, નહીં પ્રબંધના કૌતુકો
બધી ધમક કોષની અરુઢ સંસ્કૃતે ટેકવી;
કર્યા મધુર ‘શબ્દ’ના ‘શબદ’ એજ પૃથ્વી થકી,
‘પ્રવૃત્તિ’ સઉ જૈ શમી અધિક શુદ્ધ ‘પ્રવ્વૃત્તિ’માં!
ક્વચિત્ અજબ રૂપમાં શ્રુતિસમા દેખાડિયા—
જુવો, રચનશ્રેષ્ઠ શું વિરલ વચસ આ અદ્ભુત!
ભયંકર, પ્રચંડ દુર્ગમ, કઠોર શબ્દો ભર્યાં;
સુગંધ ન ‘પ્રસૂન’ દે, થઈ જા ‘પ્રાવૃષે’ વૃષ્ટિ કો!
નહીં ઉર ઠરે, નહીં કદર થાય એ રીતથી
વડા સુત બની શું ‘ગાંડી ગુજરાત’ ઉચ્ચારશો?
વિચાર ન બને કદી સબલ ક્લિષ્ટ ઉચ્ચારથી,
વિચાર ધુમ્મસે ગુંચ્યા અટપટા વહે દુર્ગમ;
વિચાર ઝબકે સદા સરલ સ્પષ્ટ ઉદ્ગારથી.
સખે! સદય! કાં હસો? રથ રુડો ચ્હડો આ તમે!
જડ્યો વિરલ આ પ્રસંગ, ન રીસે રહો એટલા!
સહો નવ સહો ભલેઃ સ્તુતિ કરૂં ખરી પ્રીતથી!
વહે ગગનનેત્ર ભવ્ય અવરોહણેઃ — શું થયું? ૧૫૦

અરે ગબડ ગબડ ગબડ ગબડતો પડ્યો પંડ ક્યાં?
અને ધબક ધબક ધબક ગુજરી લે ધબાકા મહા! ૧૫૨

વલ્કલરાય


(‘અવરોહણ' બળવંતરાય ઠાકોરના કાવ્ય ‘આરોહણ'નું પ્રતિકાવ્ય છે.)