અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુકુમાર ત્રિવેદી/કવિ ઑડનની સ્મૃતિમાં

કવિ ઑડનની સ્મૃતિમાં

ઇન્દુકુમાર ત્રિવેદી

(કવિ ઑડનની દ્વિતીય સંવત્સરીએ)


પુલ પરથી મોડી રાતની ટ્રેન સડસડાટ જઈ રહી છે.
પુલ નીચેથી શાંત નદી ધીમે ધીમે વહી રહી છે.
કવિ સૂઈ ગયા છે.

રાત્રિના પ્લેનની છેલ્લી ફ્લાઇટ જઈ રહી છે.
ઉત્તુંગ હિમશિખરો ધીરે ધીરે ઓગળી રહ્યાં છે.
કવિ સૂઈ ગયા છે.

ઢળતી રાતે દૈનિક પત્રોમાં ‘સ્ટૉપ પ્રેસ’
                  ન્યૂઝ છપાઈ રહ્યા છે.
અશ્વશા ઊછળતા આબ્ધતરંગ ફીણ-ફીણ થઈ રહ્યા છે.
કવિ સૂઈ ગયા છે.

નાઇટ-ક્લબોમાં ચકચૂર યુગલો (યંત્રવત્)
                  આલિંગીને ઢળ્યાં છે.
ફૂલપાંખડીની સોડમાં પતંગિયું પોઢી ગયું છે.
કવિ સૂઈ ગયા છે.

ટાવરના કાંટા ફર્યા કરે છે.
સંસાર સર્યા કરે છે.
કવિ હવે ચિરનિદ્રામાં સૂઈ ગયા છે.

માત્ર
જાગે છે
કાવ્ય.




આસ્વાદ: પતંગિયાની છેલ્લી ફ્લાઇટ — જગદીશ જોષી

પગારે, તગારે અને નગારે જે સંસ્કૃતિનું હીર ધીરે ધીરે ખવાઈ જવું હોય એવી પરિસ્થિતિમાં પણ કોઈક કવિ જાગે અને સંસ્કૃતિ અને પ્રકૃતિની વચ્ચે જાગૃતિનો પુલ બાંધવા મથે. પણ પ્રગતિના સંકેત સમા પુલ પર પ્રગતિ છે? દુનિયાને તો ‘સડસડાટ’ પસાર કરી જવામાં રસ છે, પામવામાં નહીં, આ ટ્રેન ‘મોડી’ રાતની છે, It is too lateનો સંકેત એ જ કહી જાય છે કે દુનિયા મોડી પડી છે – હંમેશાં બનતું આવ્યું છે એમ.

પુલ ઉપરથી આંધળી દોટની પડછે બીજી જ પંક્તિમાં શાંત નદીની – પ્રકૃતિની – સ્વાભાવિક ગતિ. કવિએ તો બધા જ અનુભવો લીધા છે માટે તો એ ઉત્તુંગ શિખરની ઊંચાઈને તોલી શકે છે. પહેલી કડીની નદી પછી બીજી કડીમાં શિખરો આવે છે. અહીં સ્વાભાવિક ક્રમને કવિએ ઉલટાવ્યો છે. રાત્રિના પ્લેનની આ તો ‘છેલ્લી ફ્લાઇટ’ છે ને!

‘કવિ સૂઈ ગયા છે’ – ગીતની ધ્રુવપંક્તિની જેમ કડીએ કડીએ ફરી ફરી આવતી આ પંક્તિ નિદ્રા જેટલી જ શાંત પંક્તિ છેઃ સપનોના ખળભળાટ વિનાની પ્રશાંત નિદ્રા જેવી. કવિ જાગ્યો એ જ સમાજનું અહોભાગ્ય હતું: પણ એ ભાગ્યલેખને કાજળના લપેડાથી ભૂંસી નાખનાર સમાજને ભાન થાય છે ‘ઢળતી રાતે’, જે પત્રો દૈનિક પત્રો છે – અને જે ‘વર્તમાન’પત્રો સમાજના દર્પણ જેવાં છે એ ન્યૂઝ પેપર પણ ધબકતા જીવનને ચમકાવવામાં મોડાં પડે છે અને માટે તો કવિના મૃત્યુના સમાચાર ચમકાવે છે ‘સ્ટૉપ પ્રેસ’–માં. પણ હવે તો એ સાગરના તરંગો ફીણ ફીણ થઈ રહ્યા છે.

પ્રકૃતિનો તો એવો નિયમ છે કે ‘ચાંદો માથે ને દરિયો કાંઠે’! પણ આપણી સંસ્કૃતિએ તો ચંદ્ર સાથે, નદી સાથે, શિખરો સાથે અને રાત્રિ સાથે જાણે સંબંધ જ તોડી નાખ્યો છે.

અને માટે જ ‘નાઇટ-ક્લબોમાં ચકચૂર યુગલો’ આલિંગવાની યાંત્રિક ચેષ્ટામાં ‘ઢળ્યાં’ છે. અને એની કરુણતાને ઉપસાવે છે ફૂલપાંખડીની સોડમાં ‘પોઢી’ ગયેલું પતંગિયું. નૈસર્ગિકતાની અવેજીમાં બેફામ મ્હોરાતી યાંત્રિકતા એ જ જાણે આપણા સમાજનું લક્ષણ બની ગયું છે. આ ભાવને કવિ ઑડને પોતાના કાવ્ય ‘દીવાલ વગરનું નગર’માં પોતાની લાક્ષણિક ઢબે અવતાર્યો છે.

‘ટાવર’ સમયનો સંકેત – એમાં કાંટા ફર્યા કરે છે, અને ધુમાડાની જેમ સરી જાય છે; સર્યા કરે છે એ તો સંસાર. આ કવિ ‘હવે’ ચિરનિદ્રામાં સૂઈ ગયા છે. આગળની પંક્તિઓની નિદ્રા મોડી રાત, છેલ્લી ફ્લાઇટ, ઢળતી રાત વગેરેને ટેકે ટેકે ‘ચિરનિદ્રા’ ભણી લઈ જાય છે.

સમાજ તો સૂતો જ રહે છે. મૂલ્યોની ખેવનામાં જાગરણ વેઠતો કવિ પણ થાકીને સૂઈ જાય છે. છતાં સંસ્કૃતિનો પહેરો ભરતું सब सलामतનો અહાલેક જગાવતું – બળૂકા કવિનું કાવ્ય જાગ્યા કરે છેઃ માત્ર કાવ્ય જ જાગે છે.

કવિતાની સૃષ્ટિમાં કોઈક એવા અવાજો હોય છે; જેના નામની આસપાસ ઊહાપોહ નથી હોતો. એવા એક કવિ ઑડનની દ્વિતીય સંવત્સરીએ રસાયલું ઇન્દુકુમાર ત્રિવેદીનું આ કાવ્ય પણ એવી નીરવ ગતિએ વહે છે કે કવિતા વહેતી જ ન હોય એવો ભ્રમ પેદા કરે છે. પણ આમાં ઊંઘમાં જ ઊંઘી ગયેલા એક સાચા કલાકાર માટેના આદરની અને એનાથી સાહિત્યજગતને પડેલી ખોટની એક ઊંડી વેદના રડ્યા કરે છે. (‘એકાંતની સભા'માંથી)