અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/ક્યાં છે?


ક્યાં છે?

ઉદયન ઠક્કર

કવિતાઓ કરે છે પંખીઓ, તોપણ કવિ ક્યાં છે?
ટહુકાઓની નીચે નામ, સરનામું, સહી ક્યાં છે?

દિશા ભૂલ્યા ચરણ, પાછા જવાની તક ગઈ ક્યાં છે?
કે સંધ્યા આથમી રહી છે, પરંતુ આથમી ક્યાં છે?

ઉકેલી એને, રાતા થઈ ગયા છે ફૂલના ચ્હેરા
ને હું ગોત્યા કરું કે એમની ચિઠ્ઠી ગઈ ક્યાં છે?

ઘરે બેસું તો સંભળાયા કરે છે સાદ વગડાનો
ને વગડામાં જઈને થાય, ઘરની ઓસરી ક્યાં છે?