અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ગીત ગોત્યું ગોત્યું

ગીત ગોત્યું ગોત્યું

ઉમાશંકર જોશી

અમે સૂતા ઝરણાને જગાડ્યું,
         ઉછીનું ગીત માગ્યું,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વન વનનાં પારણાંની દોરે,
         શોધ્યું ફૂલોની ફોરે,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે,
         ને વીજળીની આંખે,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે,
         વાદળને હિંડોળે,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઈ સેંથીની વાટે,
         લોચનને ઘાટે,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે,
         કે નેહ-નમી ચાલે,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોયું જ્યાં સ્વર્ગંગા ઘૂમે,
         ને તારલાની લૂમે,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી,
         વિરાટની અટારી,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ઉરે આંસુ પછવાડે હીંચંતુ,ં
         ને સપનાં સીંચંતું,
         કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

મુંબઈ, ડિસેમ્બર ૧૯૩૪

ઉમાશંકર જોશી • ગીત ગોત્યું ગોત્યું • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: નિરૂપમા શેઠ, અજિત શેઠ અને વૃંદ • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું

ઉમાશંકર જોશી • ગીત ગોત્યું ગોત્યું • સ્વરનિયોજન: અમર ભટ્ટ• સ્વર: ગાર્ગી વોરા અને સોનિક સુથાર • આલ્બમ: ગીતગંગોત્રી

<cent