અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/આખ્ખું આકાશ તારી આંખમાં


આખ્ખું આકાશ તારી આંખમાં

ઉષા ઉપાધ્યાય

મારી નજરુંના નાજુક આ પંખીના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં...

અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં
પથ્થરિયા પોપટ શાં રહીએ,
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
ખળખળતા ઝરણાં શાં વહીએ,
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં.

સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં,
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
મને બાંધી લે અધરોનાં ફૂલમાં,
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં.