અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/મુંને જોવે...


મુંને જોવે...

ઊજમશી પરમાર

ખપતું નહીં ઘરચોળું, માગ્યાં નહીં ઠોળિયાં,
કાંબીની જોડ નહીં, કડલાં રે,
મુંને જોવે વ્હાલીડા, જરી નેહડો રે.

એક નદી ઊભરાતી તારા ઘટ-નેસડે,
મારે કંઠે તો શોષ રોજના રે,
મુંને જોવે વ્હાલીડા, જરી નેહડો રે.

તારા તે કાન ચહે મોઘન કૈં ગોઠડી,
મારે મૂંઈ બોલકી આ ઝાંઝરી રે,
મુંને જોવે વ્હાલીડા, જરા નેહડો રે.

ડમરી વંટોળિયાને બાથ ભરી ઊડશે,
સોણલું આ સાચું પડાવજે રે,
મુંને જોવે વ્હાલીડા, જરી નેહડો રે.

પર્વત કૈં એવડા હો છાતીએ ઝળૂંબતા,
હેઠે ને હેઠે જાઉં ઓગળી રે,
મુંને જોવે વ્હાલીડા, જરી નેહડો રે.
પરબ, ડિસેમ્બર, ૨૦૧૦