અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/પગને એવા પંથ જડે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પગને એવા પંથ જડે

ઊજમશી પરમાર

સંતો, સહજ મળે સથવારા
પગને એવા પંથ જડે કે પોગે જઈ પરબારા.
હેલ્ય ધરી માથે હરિવરની, ગવન ગગનનાં ઓઢ્યાં,
તડકે-છાંયે, કાંટ્ય-ઝાંખરે સતની સેજે પોઢ્યાં;
ખેર-ખબર પ્રેમે પળપળની રાખે રાખણહારા.

અલપ-ધખારે ધૂમી ધખતી, ઝાળ ઝગે નભ જાતી,
રાત-દિવસ ભઈ, જાગ્યા કેરી જાજમ ર્‌યે પથરાતી;
આંખ મીંચી બેઠા આસનમાં, દેખે દેખણહારા.

સરખો સુખનો વાસો, વસવા રણ હો કે હરિયાળી,
વિપદા નાખે બધી વધેરી, લાગી તપની તાળી;
જે આવે તે આંખ-માથડે, કોક વીર ધરનારા.
(પરબ, સપ્ટેમ્બર)