અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગીતા પરીખ/રસ

રસ

ગીતા પરીખ

સૂકાં પર્ણો વન ગજવતાં...
         ...શાંત લીલાં સદાયે.
‘પૂર્વી’



આસ્વાદ: નાની મારી આંખ… — જગદીશ જોષી

આપણે ત્યાં પંક્તિ – દોઢ પંક્તિનાં કાવ્યો ઓછાં હશે તોપણ એની નવાઈ તો નથી જ. આવી ‘ટચૂકડી મીઠાશ’ ઝમતાં ટચૂકડાં કાવ્યોનો વિચાર કરીએ ત્યારે થોડાંક ઉદાહરણો આપવાં જ પડે. સુન્દરમ્‌ના જ એક-પંક્તિવાળાં બે કાવ્યો આ રહ્યાં:

(૧) ‘બધું છૂપે, છૂપે નહિ નયન ક્યારે પ્રણયનાં.’

(૨) ‘તને મેં ઝંખી છે —
      યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’

અથવા રામનારાયણ પાઠકની પેલી પ્રખ્યાત પંક્તિ:

‘વેણીમાં ગૂંથવા’તાં —
કુસુમ તહીં રહ્યાં
અર્પવાં અંજલિથી!’

આમ તો, આપણે ત્યાં પ્રસિદ્ધ થતા કાવ્યસંગ્રહોમાંની અર્પણપંક્તિઓ જોઈએ તો કવિતાની બેચાર પંક્તિમાંથી પણ કવિતાનો અંશ આપણને જરૂર સાંપડે. કોઈક આથી લાંબી કૃતિ વાંચો ત્યારે પણ શું થાય છે? આખી કૃતિની સમગ્રતયા અસર જરૂર હોય જ છે; પણ એમાંયે આપણને અમુક પંક્તિઓ — છૂટીછવાઈ — વધુ સ્પર્શી જતી નથી? એકલેખ જોયેલો. એનું શીર્ષક હતું ‘લાઇન્સ ફ્રૉમ વૉલ્ટ વ્હિટમન’. આ રીતે જોઈએ તો કમનસીબે આપણે ત્યાં વિવેચન થોડુંક ઉદાસીન છે. થોડુંક છીછરું છે. કલાકૃતિને બદલે કર્તાને ધ્યાનમાં રાખીને વિવેચન કાં તો કોઈને ઉતારી પાડવા, કાં તો છગનમગનને છાપરે બેસાડવાના હેતુથી થાય ત્યારે વિવેચન તો કથળે જ, ઉપરાંત આપણી પોતાની પાંખી કલાસૂઝને તે ફ્લડ-લાઇટમાં આણે છે.

પ્રસ્તુત કાવ્યમાં મંદાક્રાન્તાની એક જ પંક્તિને બેમાં વિભાજિત કરી છે અને વચ્ચે થોડાંક ટપકાંથી તેને સંકળાતી દેખાડાઈ છે. આ ટપકાંમાં જ મનુષ્યના, મનુષ્યજીવનના વર્તનની લીલાનું આલેખન કરવાનો પ્રયત્ન છે. સૂકાં પર્ણો માટે જે વર્તનની ભાષા છે અને લીલાં પર્ણોની જે વર્તન-સંહિતા છે તેને બન્નેને એકમેક સાથે અને એકમેક સામે juxtapose કરીને, બે પંક્તિ વચ્ચેની ખાલી જગ્યાને, ઔચિત્યની સભાનતાનું જગત ભરીપૂરી દે છે.

કોઈ એમ પણ વિચારે કે આ તો ‘ખિસ્સાં ખાલી, ભપકા ભારી’ કે પછી ‘ખાલી ચણો, વાગે ઘણો’ કે ‘અધૂરો ઘડો છલકાય’નું જ માત્ર નવું છંદોબદ્ધ સ્વરૂપ છે. પણ ઘણી વાર કવિનો દાવો ‘નવું કહેવાનો’ નથી હોતો, પણ ‘નવીન રીતે’ કહેવાનો હોય છે. ગીતા પરીખનો જ એક બીજો પ્રશ્ન જોઈએ:

‘ના સાગરો જ્યાં મલકાય ત્યાંયે
રે પલ્વલો કાં છલકાઈ જાયે?’

અહીં સાગર અને ખાબોચિયાની વાત છે. પણ જ્યાં એકનું મલકાવું અને સામે બીજાનું છલકાવું વિશેષ ધ્યાન ખેંચે છે.

આપણે શિષ્ટ સમાજની આધુનિક મહેફિલોમાં જઈએ. કોઈક વ્યક્તિ તો એવી મળશે જે બોલબોલ કર્યા કરે. કહેવાનું કંઈ નહીં, પણ વાતાવરણને ઘોંઘાટથી ભરીને પણ પોતા પ્રત્યે ધ્યાન દોરીએ! પાર્ટીની ‘લાઇફ’ ગણાતી આવી છાપેલ કાટલાં જેવી વ્યક્તિઓની પોતાની ‘લાઇફ’માં જોશો તો ખાલીપણાની એક અનંત મહેફિલ જ દેખાશે. એવી વ્યક્તિ પણ હોય જે જોયા કરે, બોલે નહીં કાંઈ! મરીઝ કહે છે;

‘દાવો અલગ ચે પ્રેમનો દુનિયાની રીતથી
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે!’

ધર્મોનો ઇતિહાસ જુઓ. સાચા ધર્મગુરુઓ મૂગી ભક્તિ કરે પરંતુ એના શિષ્યો ભરડ્યા કરે અને ક્રિયાકાંડના કોલાહલમાં અટવાયા કરે અને બીજાને અટવાવ્યા કરે. બીજાની ટીકા-ટિપ્પણમાંથી ઊંચા નહીં આવનારા લોકો બિચારા જાણતા નથી કે ઈર્ષ્યાની વેદી ઉપર પોતે પોતાની સર્જનશક્તિની આહુતિ આપીને વંધ્ય શહાદત વહોરી લેતા હોય છે…

એક વાંચેલો પ્રસંગ છે. બુદ્ધનો એમના શિષ્યો સાથેનો સંવાદ શબ્દો કરતાં મૌનથી વધારે. બુદ્ધ ધ્યાનમગ્ન છે. આસપાસ શિષ્યો બેઠા છે. એક માણસ આવીને બુદ્ધ ઉપર થૂંકે છે. બુદ્ધ ચૂપ રહ્યા. બીજે દિવસે એ જ માણસ આવે છે ને બુદ્ધના ચરણોમાં ફૂલ મૂકે છે. બુદ્ધ આજે પણ ચૂપ. શિષ્યો છેડાય છે, પૂછે છે. બુદ્ધ આટલું જ કહે છે કે ગઈ કાલે એને મારા પર રોષ હતો, પણ પાસે શબ્દો ન હતા, આજે તેને પ્રેમ આવ્યો. એ વ્યક્ત કરવા માટે પણ પાસે શબ્દો ન હતા. વાણીથી રંક માણસ અભિવ્યક્તિ ન સિદ્ધ કરે ત્યારે એની અભિવ્યક્તિ બાહ્ય, ઘોંઘાટિયા, ખાલી ખખડતા, બહારવટિયા વર્તનમાં અટવાઈ જાય છે. આવો જ વર્તનભેદ આપણને ગર્ભશ્રીમંતોમાં અને સહસા-શ્રીમંતોમાં જોવા મળશે.

ગીતા પરીખ માટે સુન્દરમ્ કહે છે: ‘ગીતાનું કાવ્ય આમ ગીતમાં અને લઘુકાવ્યમાં જ વહ્યું છે.’ પણ ઘણી વાર ‘નાની મારી આંખ’ કેવાં મોટાં રહસ્યોને પામી જઈ શકે છે અને કોઈ નાની પંક્તિ કેવી સચોટ નીવડે છે એ જોવાની પણ મઝા હોય છે. ક્યારેક એક પંક્તિનો કલરવ વધુ મીઠો લાગે છે, પંક્તિઓના નીરસ ‘શબ્દ’ કોલાહલમાં કચડાઈ જતા કાવ્ય કરતાં… ગીતા પરીખની જ બીજી બે પંક્તિ જોઈએ કે નાનકડી બારી, આંખના સહકારથી, કેવું સિદ્ધ કરી આપે છે.

નાની મારી બારીમાં જોઉં આ શું?
ડોકાય છાનું અહો વિશ્વ આખું!

(‘એકાંતની સભા'માંથી)