અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/પૂજા


પૂજા

જયદેવ શુક્લ

માએ
પ્રભાતિયાં ગાતાં ગાતાં
આમલીથી માંજી
ચકચકતાં કરેલાં
તાંબાનાં આચમની, પવાલું ને ત્રભાણ
બાજઠ પર ગોઠવું છું.

સામે પાટલે
દર્ભાસન પર બેસું છું.

ખાલી પવાલામાં
આચમની મૂકવા જતાં
ધાર સાથે
સહેજ અથડાય છે.
પવાલા પરથી
વહેતા થયેલા
તાંબાના રણકારથી
પવાલું, ત્રભાણ ને હું
છલોછલ!
મૂર્તિઓ સાથે
હું પણ સ્નાનપૂત.

મારા લલાટ પર
ચન્દનની અર્ચા ને
અક્ષત અર્પણ કરી
આશીર્વચન ઉચ્ચારી
ઊભો થઈ જાઉં છું.
શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર