અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિગર ટંકારવી/રૂપ છે, રંગ છે
રૂપ છે, રંગ છે
જિગર ટંકારવી
ફૂલ છે, ગંધ છે, રૂપ છે, રંગ છે,
એક મોસમ સમું તારું આ અંગ છે.
થાય હળવું મિલન આપણું ક્યાં પછી?
આજ વાતાવરણ કેટલું તંગ છે!
તોય છોડે નહીં પુષ્પ ફોરમ કદી,
જન્મસોતો મળ્યો શૂળનો સંગ છે.
જ્યાં સુધી શ્વાસની આવજા ખોળિયે,
ત્યાં સુધી ભૂખ ને પ્યાસનો જંગ છે.
આજ ઊભો હતો હું જ મારી સમક્ષ,
આયનો પણ મને જોઈને દંગ છે.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, પૃ. ૪૫)