અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નટવરલાલ પ્ર. બૂચ/યાચે શું ચિનગારી?
યાચે શું ચિનગારી?
નટવરલાલ પ્ર. બૂચ
યાચે શું ચિનગારી, મહાનર,
યાચે શું ચિનગારી? ... મહાનર યાચે.
ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને
બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું ભોળી
ચેતવ સગડી તારી. ... મહાનર યાચે.
ના સળગ્યું એક સગડું તેમાં
આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી
લેને શીત નિવારી. ... મહાનર યાચે.
ઠંડીમાં જો કાયા થથરે,
બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે
ઝટ આવે હુશિયારી ... મહાનર યાચે.
(કાગળનાં કેસૂડાં, ૧૯૮૬, પૃ. ૩૨)