અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/ડોશીની વાતો


ડોશીની વાતો

બાબુ સુથાર

ડોશીને લાગ્યું કે
એનો અંત હવે નજીક છે,
ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ,
કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં
વાંસનાં ચાર લાકડાં
અને કાથીનું પિલ્લું
નીચે ઉતારી બાંધી દીધી
એની પોતાની એક ઠાઠડી!

બે મહિના પહેલાં જ
પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને
તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી
બાંધ્યા એમને નનામીની ચારે ખૂણે
નાડાછડીથી.
પછી મંગળ કુંભાર ગયા મહિને આપી ગયેલો

એ કોરી માટલી કાઢી
એમાં મૂક્યાં બે છાણાં
અને એ છાણાં પર મૂક્યો
એના પતિએ હૂકો ભરીને
ચૂલામાં રહેવા દીધેલો દેવતા.
પછી પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં કાઢી
પહેરીને સૂઈ ગઈ એ ડોશી
નનામી પર.

સૂતાં સૂતાં એણે કલ્પના કરીઃ
એની આસપાસ એના ત્રણેય દીકરા
એમની પત્નીઓ અને એમનાં બાળકો સાથે ઊભાં છે,
મોટા દીકરાને તો બધાં સાથે અબોલા હતા વરસોથી
એને આવેલો જોઈને ડોશીના કાળજામાં
વહેવા લાગી ગંગા અને જમના નદીઓ —
એકસાથે.
વચલો છેક અમેરિકાથી આવેલો.
એનો હાથ ઝાલી ડોશીએ કહ્યુંઃ
દીકરા, તને જોઈને હું વૈતરણી તરી જઈશ.
નાનાએ ચૌદ વરસે ગામ જોયું.
એનો વનવાસ પૂરો થયો એ જોઈને.



આસ્વાદ: ડોશીની વાતો કાવ્ય વિશે – ઉદયન ઠક્કર

અમેરિકામાં વસતા બાબુ સુથારના કાવ્યગુચ્છ ‘ડોશીની વાતો’માંથી આ રચના લીધી છે. ડોશીને લાગ્યું કે એનો અંત હવે નજીક છે ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં વાંસનાં ચાર લાકડાં અને કાથીનું પિલ્લું નીચે ઉતારી બાંધી દીધી એની પોતાની એક ઠાઠડી. ‘ચૂપચાપ’ — ન ફરિયાદ, ન રોકકળ. વરસોથી વાંસનાં ચાર લાકડાં લાવીને મૂકી રાખેલાં, વરસોથી ખબર હતી કે આમ જ જવાનું છે, પોતાની ઠાઠડી પોતે બાંધીને. પોતાના જ દમ પર જીવવાનું છે, આખરી દમ સુધી. બે મહિના પહેલાં જ પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી બાંધ્યાં એમને નનામીને ચારે ખૂણે નાડાછડીથી. શું મીંઢળ ને શું નનામી, બાંધવાનાં તો હોય નાડાછડીથી. શું લગ્ન, ને શું મૃત્યુ, બન્ને અવસર શુભ છે. પછી મંગળ કુંભાર ગયા મહિને આપી ગયેલો એ કોરી માટલી કાઢી એમાં મૂક્યાં બે છાણાં અને એ છાણાં પર મૂક્યાં એના પતિએ હુક્કો ભરીને ચૂલામાં રહેવા દીધેેલો દેવતા પછી પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં કાઢી પહેરીને સૂઈ ગઈ એ ડોશી નનામી પર પરાગકાકા, મંગળ કુંભાર, એવાં નામ લીધાં હોવાથી, ગામડાનાં પાત્રો સાચાં લાગે છે. જે દુકાનેથી નાળિયેર વિવાહ માટે લીધેલું એ જ દુકાનેથી નનામી માટે પણ લીધું હશે. જે કુંભારે લગ્નપ્રસંગે બેડલાં આપેલાં, એણે જ અંતિમયાત્રાની દોણી આપી હશે. આપણે સમજેલા કે ડોશી એકલપંડે હશે. એવું નથી. એને પતિ છે, જેની પાસે હુક્કામાં દેવતા પૂરવાનો તો સમય છે, પણ ડોશીને દેવતા દેવાનો સમય નથી. ખાટલીથી ઊંચકવાનીયે તસ્દી ન લેવી પડે માટે ડોશી નનામી પર જઈને સૂઈ જાય છે. કરુણરસમાં કટાક્ષ ઓગાળવાથી જે દ્રાવણ તૈયાર થાય, એને બ્લૅક હ્યુમર કહે છે. સૂતાં સૂતાં એણે કલ્પના કરી: એની આસપાસ એના ત્રણેય દીકરા એમની પત્નીઓ અને એમનાં બાળકો સાથે ઊભા છે મોટા દીકરાને તો બધાં સાથે અબોલા હતા વરસોથી એને આવેલો જોઈને ડોશીના કાળજામાં વહેવા લાગી ગંગા અને જમના નદીઓ એકસાથે. ત્રણે દીકરા, વહુઓ, પોતરા-પોતરીઓ, કેવું ભર્યુંભાદર્યું છે ડોશીનું ઘર— કલ્પનામાં! મોટા દીકરાને આવેલો જોઈને ડોશીને કાળજે ગંગા-જમના ઊમટી. ગંગા અને જમનાનો સંગમ ક્યાં થાય છે, એ જાણો છો? પ્રયાગના તીર્થ પર, જ્યાં અસ્થિફૂલનું વિસર્જન કરાય છે. વચલો છેક અમેરિકાથી આવેલો. એનો હાથ ઝાલી ડોશીએ કહ્યું : દીકરા, તને જોઈને હું વૈતરણી તરી જઈશ નાનાએ ચૌદ વરસે ગામ જોયું એનો વનવાસ પૂરો થયો એ જોઈને ડોશીની કરોડરજ્જુ શરણાઈ બનીને વાગવા લાગી. યમલોક પહોંચતાં પહેલાં માર્ગમાં આવતી નદી તે વૈતરણી. (ગરુડપુરાણમાં કહ્યું છે કે ગોદાન કરનાર મનુષ્ય ગાયનું પૂંછડું ઝાલીને વૈતરણી તરી જાય) જે ખાટલીથી ઠાઠડી સુધીયે ન લઈ ગયો, એવા દીકરાની કલ્પનામાત્રથી ડોશી જાણે વૈતરણી તરી જાય છે. નાના દીકરાને ચૌદ વરસે આવેલો જાણી, ડોશીની વાંકી વળેલી કરોડરજ્જુ શરણાઈની જેમ સીધીસટ થઈ ગુંજવા માંડી. દુનિયાભર કી યાદેં હમસે મિલને આતી હૈં, શામ ઢલે ઇસ સૂને ઘર મેં મેલા લગતા હૈ. (કૈસર ઉલ જાફરી) પછી ડોશીએ જોયું તો એને ડાબે અને જમણે પડખે ઊગ્યા છે બે વેલા એક વાલોળનો અને બીજો ટીંડુરાનો ડોશીએ હાથ લંબાવી વાલોળાના વેલા પરથી વાર્તાઓ તોડી અને આપી પુત્રવધૂઓ, પૌત્રો અને પૌત્રીઓને અને ટીંડુરાના વેલા પરથી કહેવતો તોડીને આપી ત્રણેય દીકરાઓને. ડોશીને માટે વાર્તા અને કહેવતો, વાડામાં ઊગી નીકળેલી વાલોળ અને ટીંડુરાની વેલ જેવી હાથવગી છે. કલ્પનાભરી વાર્તાઓ આપી પૌત્ર-પૌત્રીઓને, અને ડહાપણભરી કહેવતો દીકરાઓને. આટલી જ હતી ડોશીની અસ્ક્યામત : ચપટીક ભાષા, ચપટીક સંસ્કૃતિ. પછી, ડોશી જુએ છે, મહિષ પર સ્વાર થઈને આવ્યું છે એક કેવડાનું ફૂલ ડોશી કહે છે : કેવડાના ફૂલ સાથે નહીં જાઉં મગફળીનાં ફૂલ મોકલો. ઈશ્વર ડોશીની અંતિમ ઇચ્છા પૂરી કરે છે. જોયું? કાવ્યભાષા બદલાઈ ગઈ. પંક્તિઓ ભૂતકાળને બદલે વર્તમાનકાળમાં રચાતી થઈ ગઈ. આવી ભાષા દેશી વ્રતકથાઓમાં પ્રયોજાય. (બાબુ સુથારના વડીલો ભૂવા હતા.) યમના પાડા પર સ્વાર થઈને આવ્યું કેવડાનું ફૂલ. પણ આ તો ખેડૂત સ્ત્રી! એને ખપે મગફળીનાં ફૂલ! ડોશીની ઇચ્છાઓ જીવનભર અધૂરી રાખનારો ઈશ્વર, તેની અંતિમ ઇચ્છા પૂરી કરે છે. મોડી રાતે ગામલોકોને ઝમઝર માતાના ડુંગરાઓમાંથી આવતો ગીત ગણગણવાનો અવાજ સંભળાય છે. એ સાંભળીને ગામના મુખી કહે છે : ‘રાક્ષસોની તાકાત નથી કે તેઓ આપણા ડુંગરા ઉપાડી જાય, ડોશી આપણા ડુંગરાઓની રખેવાળી કરી રહ્યાં છે.’ ખનિજ માટે ડુંગરા ઉપાડી જનારાને કવિએ રાક્ષસ કહ્યા હશે? આપણને ભો કેવો? આપણને તો ડોશીનાં રખોપાં છે.

(‘આમંત્રણ’)