અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/આપણી જુદાઈનું


આપણી જુદાઈનું

ભરત ત્રિવેદી

આપણી જુદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું
આમ મારું આવવું ને તે પછી તારું જવું!

દર્પણો ચૂપચાપ છે આ ભવસૂના ઓરડે
ફર્ક કોને તે પછી છે હું રહું કે ના રહું!

શક્ય છે કે બંદગીનો કિન્તુ હશે કોઈ જવાબ
કશ્મકશમાં છું હવે કે હું નમું કે ના નમું!

આમ તો ખામોશ છે પણ તને થાતું ખરું?
રસ્મ જૂનીને નિભાવી હું ગઝલ આજે કહું!
(હસ્તરેખાનાં વમળ, ૧૯૮૮, પૃ. ૨૦)