અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /કેટલે દૂર?


કેટલે દૂર?

ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર?

આ વગડા વીંધે રખડુ કેડો,
કિયાં બપોરાં? કિયાંજી રોંઢો?
લીલી લીમડીઓ કેટલે દૂર? કેટલે દૂર?

ખાલી વાવડી, ખાલી ગગરિયાં,
ખાલી હિયાં લઈ ગોરી નીસરિયાં,
રણકે બેડી : કેટલે દૂર? કેટલે દૂર?

વાડ જૂની ને ઝાડ જૂનેરાં,
‘જગ જૂનું’ — આ લલે લલેડાં
સાંજ હજી હે કેટલે દૂર? કેટલે દૂર?

ખડ સૂકાં, મન સૂકાં, સૂકાં —
આકાશે વાદળનાં વંન,
ડગ ધીરે ધર, વાટમારગુ!
સૂકાં સમદુઃખીનાં લોચન.
છેડો-નેડો કેટલે દૂર? કેટલે દૂર?

(ચિરવિરહ, ૧૯૭૨, પૃ. ૨૦)