અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ટહુકાનું તોરણ

ટહુકાનું તોરણ

મકરન્દ દવે

પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
         ઊગતી પરોઢને બારણે —
         આ તેજની સવારી કોને કારણે?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
         આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
         આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
         એક તારાથી પંખીને પારણે —
                  આ તેજની સવારી કોને કારણે?
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
         ઊગતા સૂરજની લાલી
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
         અંગ અંગ ખેલતી ખુશાલી,

આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
         ભૂલ્યા-ભુલાયા સંભારણે —
                  આ તેજની સવરી કોને કારણે?

(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)