અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/બોલ વ્હાલમના


બોલ વ્હાલમના

મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.

ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
(રાનેરી, પૃ. ૭૫)




મણિલાલ દેસાઈ • ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ અને વૃંદ







મણિલાલ દેસાઈ • ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: નિરુપમા શેઠ