zoom in zoom out toggle zoom 

< અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/રસ્તો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રસ્તો

મણિલાલ દેસાઈ

વળાંકે વળાંકે વળી જાય રસ્તો,
અને ઢાળ પરથી ઢળી જાય રસ્તો.

કિનારાનાં વૃક્ષોથી વૃક્ષાય રસ્તો,
અને પથ્થરોથી તો રસ્તાય રસ્તો.

જતાં આવતાં લોકને પ્રશ્ન પૂછી,
પડી એકલો રોજ પસ્તાય રસ્તો.

અમે તો હતા સાવ અણજાણ જગથી;
ઘરે આવીને સૌ કહી જાય રસ્તો.

પડ્યાં રાનમાં કૈંક વેરાઈ પગલાં.
થતું મનમાં : કો દી જડી જાય રસ્તો!

દિવસભર ગબડતો, ગબડતો, ગબડતો,
પડ્યે રાત ઊભો રહી જાય રસ્તો.

પગરખાંમાં એ રાત ઊંઘ્યા કરે છે.
સવારે ઊઠીને સરી જાય રસ્તો.
(રાનેરી, પૃ ૧૧૨)